સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

ઉત્તરરામચરિત્રમાં રામચંદ્રજીનાં મુખમાં એક સંવાદ મૂકવામાં આવ્યો છે. “ગર્ભવતી હોવા છતાં તમારા કહેવાથી મેં સીતાને વનમાં હિસક પશુઓની વચ્ચે મૂકી દીધી છે. પરંતુ લાંબા સહવાસ અને અતિશય પ્રેમને કારણે તેની યાદમાં મને એકાદ આંસુ આવી જાય તો હે અયોધ્યાના નગરજનો, મને માફ કરશો”  રામચંદ્રજીના આ શબ્દોથી અભિભૂત થઈને કોઈ વિદ્વાને કહ્યું છે કે  પ્રજાની ઇચ્છાને માન આપનાર રાજાશાહી ખરેખર તો લોકશાહી જ કહેવાય. આ જ પ્રકારે કહેવાય છે કે બુદ્ધ અને મહાવીરના સમયમાં ગણરાજ્યો હતા જેને  આપણે આપણી પ્રાચીન લોકશાહી તરીકે ઓળખીએ છીએ. આ લોક્શાહી કેવા પ્રકારની  હતી તેનો ખ્યાલ નથી, છતાં આપણે ગૌરવ તો લઈએ છીએ કે લોક્શાહી સાથેનો આપણો નાતો ઘણો પુરાણો છે. પરંતુ આપણા લાંબા ઇતિહાસકાળમાં વ્યક્તિ -વ્યક્તિ વચ્ચેના સબંધમાં કે સામૂહિક જીવનમાં લોકશાહી  ભૂતકાળમાં પણ ક્યારેય હોય એમ જણાયું નથી. આજે પણ પણ પરિસ્થિતિ એ જ છે. ઇતિહાસમાં કેટલાક અપવાદ રૂપ ઉદાહરણોને પરંપરા તરીકે ન જ ગણાવી શકાય.

લોકશાહી એ માત્ર રાજ્યવ્યવસ્થા નથી. ખરેખર તો એ જીવનપદ્ધતિ છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતા એ લોકશાહીના આધાર છે. તેનાં શિક્ષણની શરૂઆત પરિવારથી જ થાય છે. પરંતુ મોટાભાગના પરિવારોમાં  સમાનતા અને સ્વાતંત્ર્ય હોતાં જ નથી. જેને આપણે વ્યક્તિ સ્વાતંત્ર્ય કહીએ છીએ તેમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યકત કરવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. ભાગ્યેજ કોઈ પરિવાર હશે જ્યાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા હશે. મહિલાઓ સાથે ભેદભાવ તો અનાદિ કાળથી ચાલ્યો આવે છે. પુખ્ત ઉંમરના સંતાનોને પણ પોતાનો નિર્ણય કરવાની સ્વતંત્રતા ભૂતકાળમાં ક્યારેય ન હતી. પરિવારમાં જેની હકુમત હોય તેના શબ્દો જ કાયદો ગણાય છે. નિયમિત મંદિર-મસ્જિદ-દેરાસર માત્ર હુકમને કારણે જ જવું પડતું હોય છે. ધર્મ અને ધર્મગ્રંથોની વાત જે આપણને ગળથૂથીમાંથી જ શીખવાડવામાં આવે છે ત્યાં તર્ક, સવાલો કે ભિન્ન અભિપ્રાયની સ્વતંત્રતાને કોઈ સ્થાન જ નથી હોતું.

કોઇપણ મુદ્દા પર મતભેદ હોય તો લોકશાહીમાં તેને અંગે  નિખાલસ ચર્ચા થવી જોઇએ અને ચર્ચાનો હેતુ યોગ્ય નિષ્કર્ષ પર  આવવાનો હોવો જોઇએ. પરતુ અનુભવો એવા છે કે ભલે ખોટો હોય પણ પોતાનો પક્ષ સ્વીકરવાની બળજબરી જ હોય છે.

સહકારી મંડળીઓ કે નાની મોટી અનેક સંસ્થાઓનાં બંધારણોનું માળખું  ભલે લોક્શાહી સ્વરૂપનું હોય, પરંતુ વ્યવહારમાં તો લોકશાહી ભાગ્યેજ દેખાય છે. ક્યારેક તો આવી સંસ્થામાં ઠરાવ લખીને કારોબારીના સભ્યોની સહી લેવાતી હોય છે. કેટલીક સામાન્ય સભાઓમાં તો મોવડીમંડળના સભ્યો ઉગ્ર ચર્ચા અને મતભેદનું નાટક કરતા પણ જોવાયા છે. લોક્શાહી રીતે વર્તન કરવાને બદલે લોકશાહીનો દેખાડો જ કરવામાં આવતો હોય છે.

આ જ પરિસ્થિતિ આપણી રાજ્યવ્યવસ્થાઓની હોય છે. નિયમિત સમયાંતરે થતી ચૂંટણી અને  તેનાથી રચાતી સરકારોમાં લોકશાહીની ઇતિશ્રી નથી જ. ચૂંટણી લડતા રાજકીય પક્ષોમાં તો આંતરિક લોક્શાહી નામની પણ નથી હોતી. પક્ષની શિસ્તનાં નામે પક્ષના કાર્યકરો કે અન્ય નેતાઓના અવાજને દબાવી દેવામાં આવતો હોય છે.  લોકશાહીમાં જેને પણ સત્તા સોંપવામાં આવે છે, તેને વિરોધી સૂર સહેજ પણ પસંદ નથી હોતો.

આપણા અને બીજા અનેક દેશોમાં કારોબારી સંસદને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ સંસદની અંદર  જે તે  રાજકીય પક્ષોના નેતાના અભિપ્રાયને જ સામાન્ય સભ્યને પોતાનો  અભિપ્રાય માનવાની ફરજ પાડવામાં આવે છે, પછી ભલે ને તે સતાપક્ષ હોય કે વિપક્ષ. આ વાત રાજકીય પક્ષોના કાર્યકરો કે ચૂંટાયેલા સભ્યોએ સ્વીકારીને જ ચાલવું પડે છે. આ માટેનું એક ઉદાહરણ યાદ આવે છે. 1972ની ગુજરાત વિધાનસભાની એક બેઠક પર બે ઉમેદવારો મુખ્ય સ્પર્ધકો હતા. જેમાં એક ઉમેદવાર લગ્ભગ નિરક્ષર હતા અને સામેના ઉમેદવાર બનારસ યુનોવર્સિટિના સ્નાતક તેમજ ખૂબ વિદ્વાન હતા. પેલા નિરક્ષર ઉમેદવારની ચૂંટણીસભામાં હાજર રહેલી એક વ્યક્તિએ ઉમેદવારને પૂછ્યું “તમે તો સાવ અભણ છો તો વિધાનસભમાં જઈને શું તમે માત્ર આંગળી જ ઉંચી કરવાના છો?” તેના જવાબમાં મંચ પર બેઠેલા ઉમેદવારના એક સહાયક ભાઈએ કહ્યું કે વિધાનસભામાં ભણેલો હોય કે અભણ,  દરેકે પોતાના પક્ષનાં સમર્થનમાં માત્ર આંગળી જ ઊંચી કરવાની હોય છે!  લોકશહી કહેવાતા દુનિયાના લગભગ બધા  જ દેશોમાં આ પરિસ્થિતિ છે. યાદ કરીએ ગાંધીજીને જેમણે બ્રિટનની પાર્લામે‌ન્ટને આ જ કારણથી ‘વેશ્યા’ કહેલી.

લોકશાહીની ઉપર દર્શાવેલી સ્થિતિનાં મૂળમાં સામાન્ય પ્રજાને જ લોક્શાહીમાં કોઈ  રસ નથી તે છે. જો પ્રજાનો લોકશાહી માટે આગ્રહ હોત તો રાજ્યવ્યવસ્થા સહિત દરેક સંસ્થા લોકશાહીની ભાવના પ્રમાણે ચાલતી હોત. માત્ર ભારતમાં જ નહિ, દુનિયાના લગભગ બધા જ દેશોમાં આ પરિસ્થિતિ છે. જો કોઈ સત્તાધારીનો વહીવટ લોક્શાહી રીતે ન ચાલતો હોય અને વિપક્ષો તે માટે ગમે તેટલો કકળાટ કરે પરંતુ પ્રજાનું તેમને સમર્થન નથી મળતું. મુઠ્ઠીભર જાગૃત નાગરિકો સિવાય બધા જ લોકોને પોતાના રોજેબરોજનાં જીવનમાં જ રસ હોય છે.

1975મં દેશમાં લદાયેલી કટોકટીને લોક્શાહી પરના મોટા પ્રહાર તરીકે વાજબી રીતે જ ગણવામાં આવે છે.  ત્યાર પછી 1977માં યોજાયેલી ચૂંટણીમાં શ્રીમતી ઇંદિરા ગાંધી અને તેમના પક્ષને મળેલી શિકસ્તને ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રજાની  લોકશાહીના વિજય તરીકે ગણવામં આવી. પશ્ચિમના દેશાના રાજકીય વિશ્લેષકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે ગરીબ અને નિરક્ષર એવી પ્રજાઓ પણ લોકશાહી જ ઝંખે છે. પરંતુ હકીકત કાંઇક જુદી જ છે. ખરેખર તો પ્રજાનો ચૂકાદો તો કટોકટી દરમિયાન કરવામાં આવેલા જુલ્મોના વિરોધમાં હતો. જે રાજ્યોમાં કટોકટી દરમિયાન પ્રજા પર જુલમો થયા હતા ત્યાં  સત્તાપક્ષની હાર થઈ હતી. કટોકટી તો  દક્ષિણના રાજ્યોમાં  પણ લાદવામાં આવી હતી. પ્રજાના મૂળભૂત હક્કો પર ત્યાં પણ તરાપ મારવામાં આવી હતી. આમછતાં  શ્રીમતી ઇંદિરા ગાંધીના પક્ષને ત્યાં વિજય મળ્યો હતો.

કટોકટી દરમિયાન શ્રીમતી ઇંદિરાગાંધી એક સરમુખ્ત્યાર સ્વરૂપે જ પ્રગટ થયેલા. આમછતાં   રાયબરેલીની બેઠક પરથી 1977માં  ચૂંટણી હારી ગયાના એક જ વર્ષમાં તેઓ કર્ણાટકની ચિકમંગલુર બેઠક પર પેટાચૂંટણી જીતી ગયાં હતાં. આટલું ઓછું હોય તેમ 1980ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પક્ષ જંગી બહુ,મતીથી વિજયી થયો હતો. ખરેખર  પ્રજાને જો લોકશાહીનો આગ્રહ હોય તો જેનામાં સરમુખત્યારનાં લક્ષણો સ્પષ્ટ રીતે દેખાયા હોય તેવા નેતાની પસંદગી કદી  ન કરે.

લોક્શાહીમાં ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિર્ભિક હોવું જોઈએ. પરંતુ ચૂંટણી જીતીને સત્તા મેળવ્યા પછી કોઇ પણ શાસકને સ્વતંત્ર ન્યાયતંત્ર પસંદ નથી હોતું.  ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમને આડખીલી રૂપ લાગે છે. હાલના દિવસોમાં  ઇઝરાયલના વડાપ્રધાને પ્રજાનો વિરોધ હોવાછતાં પાર્લામે‌ન્ટમાં કાયદો કરીને ન્યાયતંત્રને પોતાના અંકૂશમાં લેવા પ્રયાસ કર્યો છે.  ભારતમાં જ્યારે જ્યારે આવા પ્રયસો થયા છે ત્યારે પ્રજાએ તેનો વિરોધ કર્યાનું જાણમાં નથી. લોકશહીમાં ન્યાયની સર્વસ્વીકૃત પ્રણાલિકા પ્રમાણે આરોપી પર નિયમ પ્રમાણે કામ ચલાવીને આરોપીનો ગૂન્હો અદાલતમાં પુરવાર થાય તો જ તેને ગૂનેગાર ગણી શકાય. પરંતુ જોવા એ મળ્યું છે કે માત્ર શક પરથી થતા નકલી એન્કાઉ‌ન્ટરોને પ્રજા હોંશે હોંશે વધાવે છે અને એ‌ન્કાઉ‌ન્ટરના હિમાયતી નેતાની વાહવાહ થાય છે.

લોકશાહીમાં કાયદો સર્વોપરી હોવાથી કોઇપણ શકમંદ ગૂનેગારને તેના પર કામ ચલાવવા માટે  પોલીસને સોંપાવો જોઈએ. પરંતુ જાહેર સ્થળે ખિસ્સા કાતરુ પકડાય તો ટોળને પેલા ખિસ્સા કાતરુને  ન્યાય કરતું જોવાનો આપણને લગભગ બધાને જ અનુભવ હશે. હવે તો કહેવાતા ગૌરક્ષકો  પણ કાયદો હાથમાં લેતા હોય છે.

આગાઉ જણાવ્યા પ્રમાણે સમાનતા એ લોકશાહી માટેની આવશ્યક શરત છે. જે સમાજમાં હજારો વર્ષથી વર્ણવ્યવસ્થાને નામે  ઉંચનીચના ભેદ પ્રવર્તતા હોય તે  સમાજને સમાનતા કે લોકશાહી સાથે સ્નાન સૂતકનો પણ સબંધ નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

ટુંકમાં ગમે ગમે તેટલી શાણી વાત કરીએ, પરંતુ વ્યાપક પ્રજાને લોક્શાહી સાથે કોઇ લગાવ હોય તેમ જણાતું નથી.  કોઇપણ સરકાર લોક્સભામાં માત્ર પોતાની બહુમતી હોવાના કારણે જ લોક્શાહી પર તરાપ મારતા કાયદાઓ કરવાની હિંમત કરી શકે છે,  તેનું કારણ એ છે કે સરકારોનો  અદમ્ય વિશ્વાસ હોય છે કે જનતાની તાસીર ગમે તે હોય પણ તેનાં ‘ડીએનએ’માં લોકશાહી નથી જ.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.