તવારીખની તેજછાયા

અખિલ હિંદ મહિલા પરિષદ તરેહની મધ્યમવર્ગી હિલચાલ પછીના નવા મુકામમાં મહિલા ચળવળને અસંગઠિત શ્રમિકો થકી નવેસર વ્યાખ્યાયિત કરવામાં એ ઈતિહાસનિમિત્ત બન્યાં

પ્રકાશ ન. શાહ

ઈ લા રમેશ ભટ્ટ, ‘સેવા’નાં ઈલાબહેન સ્તો, આપણી વચ્ચે હોત તો આવતીકાલે નેવું વરસ પૂરાં કરી એકાણુંમે પ્રકાશતાં હોત. એ નેવુંમે ગયાં, નવેમ્બર 2022માં એમનું દીર્ઘાયુ એ જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ભરતી ઘટના હતી. છેલ્લાં થોડાં વરસ એ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ રહ્યાં. એ ગાળામાં એમની હેડીનું ભાગ્યે જ કોઈ ગુજરાતમાં હશે જે આ પદે હોઈ શકે. એક રીતે એમની એ કારુણિકા બની રહી. જોકે, હું આ પ્રયોગ ચીલેચલુ છાપાંગત નહીં કરતાં ગ્રીક ટ્રેજેડીના અર્થમાં, કરુણભવ્ય એ અર્થમાં કરવો ઈચ્છું. ક્યારેક વિદ્યાપીઠ વિશે વાત કરવાની બનશે ત્યારે એની ચર્ચા કરવાની કોશિશ જરૂર કરીશ. પણ હમણાં તો વ્યાપક ફલક પર એક યશસ્વી જીવન નિમિત્તે થોડીએક વાતો કરવા ઈચ્છું છું.

ઈલાબહેન મૂળે સુરતનાં. દદ્દાઓ અને નન્નાઓની નગરીનાં. બને કે ચંદ્રવદન મહેતાએ પંડે જે ઈલાઓનાં નામ પાડ્યાં લેખાય છે તે પૈકીનાં એક એ પણ હોય. ગમે તેમ પણ, ક્યારેક નીલકંઠ ને દિવેટિયા પરિવારોનું સુરત-અમદાવાદ આવવું-જવું, વસવું-સેવવું, ગુજરાતમાં સંસાર સુધારાની હિલચાલનું એક અરુણું પ્રકરણ હતું તેમ વીસમી સદીનું છેલ્લું ચરણ પણ સુરતથી અમદાવાદ આવી સ્થાયી થયેલાં ઈલા ભટ્ટ, ઈલા વર્મા (પાઠક), કીર્તિદેવ દેસાઈ, પ્રવીણ શેઠ-સુરભિ શેઠ વગેરે થકી આપણા નજીકના ઈતિહાસનું એક સલૂણું પ્રકરણ છે. (સુરભિબહેન થોડો વખત નર્મદ સાહિત્ય સભાના સહમંત્રી હતાં એવો ખ્યાલ છે. હમણાં જ એ પુત્ર અમિત-સ્થાપકનિયામક, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન્સ્ટિટ્યૂટ, યુનિ. ઓફ સાઉથ કેરોલિના-ને ત્યાં વિદેહ થયાં.)

ઈલાબહેનને મિષે વાત કરતે કરતે ઝીણી-ઝીણી વિગતોમાં નહીં જતાં બેત્રણ બહોળાં નિરીક્ષણો કરું. સંસારસુધારાની અને સ્વરાજની ચળવળો પછીનાં સ્વાતંત્ર્યોત્તર- એમાં પણ કટોકટી આસપાસ અને તે પછીનાં આ વરસો છે. સ્વરાજનિર્માણની પહેલી પચીસી પસાર થઈ ન થઈ અને બીજી પચીસી બેસતે દેશ સ્વરાજની બીજી લડાઈની પરિસ્થિતિમાં મુકાઈ ગયો. નાગરિક સ્વાધીનતા અને મૂળભૂત અધિકારોની પ્રતિષ્ઠાપૂર્વક લોકશાહીના પુન:સંસ્થાપનનો, ૧૯૭૫ -૭૭નો એ ગાળો વિશ્વસ્તરે પણ આંતરરાષ્ટ્રીય નારીવરસ સહિતના નોંધપાત્ર ઘટનાક્રમનો હતો. આ સઘળું નકરો જોગાનુજોગ નહોતો. કટોકટી ઊઠી એ અરસામાં કોઈકે, ઘણું કરીને ડેવિડ સેલ્બોર્ને લખ્યું હતું કે કટોકટી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઈસિસ) જારી છે. લોકશાહીનું પુન: પ્રતિષ્ઠાપન (રિસ્ટોરેશન) થયું એ સાચું, પણ એથી જે સુવિધા મળી એમાં સ્વરાજના વ્યાપક અર્થમાં કેટકેટલાં સ્તરે લડવાનું હતું અને છે. સ્વરાજ સૌને અનુભવાય, જેમ ‘સહિત’ને તેમ રહિત દલિત વંચિત સૌને, જેમ પુરુષને તેમ સ્ત્રીને, માલિકને તેમ શ્રમિકને- આ તો એક સતત ચાલતી પ્રક્રિયા, લડાઈ કહો તો લડાઈ છે નીલકંઠ-દિવેટિયા સંક્રાન્તિથી ભટ્ટ-પાઠક સંક્રાન્તિમાં શું બન્યું? જરી સબૂરીથી વિચારીએ.

પહેલી સંક્રાન્તિમાં, લિબરલ પરિવારોના મવાળ કોંગ્રેસકારણમાંથી ગાંધીનું રાજકારણ આવ્યું. અખિલ હિંદ મહિલા પરિષદ પ્રકારની સર્જનાત્મક ને સંસ્થાકીય હિલચાલનો માહોલ બન્યો. એને જરી વધુ સુધારકી વળાંક મળ્યો ત્યારે જ્યોતિસંઘનો જમાનો આવ્યો (જેણે હમણેના દાયકાઓમાં સેક્સ વર્કર ક્ષેત્રે નવોન્મેષ દાખવ્યો છે.) ક્યારેક ‘પુરુષસમોવડી સ્ત્રી’ની રીતે વાત થતી હતી તેમાંથી આપણે જેમ પુરુષ તેમ સ્ત્રી પણ એક વ્યક્તિ છે અને એનું મૂલ્યાંકન પુરુષ સાપેક્ષ ધોરણે સીમિત નહીં રહેતાં, સ્વત:સિદ્ધ વ્યક્તિને નાતે થવું જોઈએ એ સમજે નાંગર્યાં છીએ. નવી નારીનું જે પ્રતિમાન અને પ્રતિરૂપ આપણી સમજ અને સંવેદનાને સંકોરતું સામે આવવા કરે છે તે ધોરણે આગલી મધ્યમવર્ગી હિલચાલ પછીના નવા મુકામમાં મહિલા પ્રવૃત્તિ પણ નવેસર વ્યાખ્યાયિત થઈ રહી છે. સિવણગૂંથણ, વડીપાપડ પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ મધ્યમવર્ગી વંડી ઠેકીને શ્રમિક સુખ-દુ:ખ સાથે જોડાવું અને તેમ કરતે કરતે પૂરા કદની વ્યક્તિ અને પૂરા કદના નાગરિક થવાની મજલ બેઉ પક્ષે હોવી તે યુગપડકાર છે.

શરૂ શરૂમાં મજૂર મહાજનના પ્રત્યક્ષ અંગભાગી રૂપે અને આગળ ચાલતાં સ્વતંત્ર રૂપે ઈલાબહેનના નેતૃત્વમાં ને યોજકત્વમાં ‘સેવા’નો ઉદ્ભવ ને વિકાસ આ રીતે જોવા જેવા છે.

‘સેવા’ વિશે ઘણું લખાયું છે એટલે નજીકના ઈતિહાસ ને નજીકનાં વલણોની આટલી પિછવાઈએ અટકી થોડું ઈલાબહેનનાં વ્યક્તિત્વ વિશે કહું?

એમની જાહેર કામગીરી અને એના ઉંબર તેમ આરંભ ગાળામાં અમારો નિકટ પરિચય રહ્યો. ૧૯૭૩માં પર્લ બક ગયાં ત્યારે મેં આનંદાશ્ચર્ય જાણ્યું કે હજુ ફેબ્રુઆરી સુધી એમની ને પર્લ બક વચ્ચે પત્રવહેવાર હતો, જે ક્યારેક ‘ગુડ અર્થ’ વાંચ્યા પછી શરૂ થયો હતો. સંઘર્ષ, સ્વાધ્યાય ને સહૃદયતા એમના જીવનમાં સાથેલગાં રહ્યાં. ‘’૭6’૭૯ના અરસામાં એ હું ધારું છું, નવસારીની ગાર્ડા કોલેજમાં ‘નારીનાં પ્રતિરૂપ’ વિશે યુનિ. વ્યાખ્યાન આપવાનાં હતાં ત્યારે થયેલી ચર્ચા સાંભરે છે. સેવાનો વિકાસ, મેગ્સેસે એવોર્ડ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડ, રાજ્યસભામાં નિયુક્તિ, પદ્મ સન્માન, આ બધી રુટિની હારડાશાઈ વિગતોમાં નહીં જતાં અંતમાં એટલું જ કહીશું- અધૂકડી તો અધૂકડી – આ કટારનોંધમાં, કે એકંદરે બિનપક્ષીય રહ્યાં છતાં પાછલા દાયકાઓમાં એમને શાસન તરફથી જે ભીંસનો અનુભવ થયો એમાં જો શાસકીય અસંસ્કારિતા સાફ છે તો ભલે પક્ષસંધાન વગરનીચે નાગરિક-રાજકીય અભિજ્ઞતા પણ સંમાર્જન માગે છે…

હમણાં તો એ વિરલ વ્યક્તિતા ને નેતૃતાને માનવંદના!


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૬ – ૯  -૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.