દીપક ધોળકિયા
૧૮૧૭માં ઈસ્ટ ઇંડિયા કંપની સામે પેશવાનો પરાજય થયો. પેશવાએ ઝાંસી કંપનીને સોંપી દીધું. કંપનીએ ઝાંસીમાં નવા શાસકને ‘સુબેદાર’ તરીકે નીમ્યા અને. ૧૮૩૨માં સુબેદારની જગ્યાએ ‘રાજા’ બિરુદ શરૂ કરવાની છૂટ આપી. કોઈ પણ રાજ્યને પચાવી પાડવાની એક જ રીત હતીઃ વહીવટ ખરાબ છે, એમ કહેવું અથવા દત્તકપુત્ર્નો અધિકાર ન માનવો. ૧૮૩૯માં રાજાનું અવસાન થયું ત્યારે એ સંતાન વિનાનો હતો એટલે ગાદીના ચાર દાવેદારોમાંથી એકને ગાદી આપી. તે પછી એના વહીવટ સામે પણ વાંધો પડ્યો. એટલે સરકારે પોતે જ સત્તા સંભાળી લીધી. તે પછી ફરી ૧૮૪૨માં કંપનીએ રાજાને પસંદ કર્યો અને સત્તા આપી. પણ દર વખતે વારસ નહોતો મળતો. આમાં છેલ્લે ગંગાધર રાવને રાજગાદી મળી. પણ ૧૮૫૩માં એ નિઃસંતાન મૃત્યુ પામ્યો. એણે દત્તક લીધો હતો તેને કંપનીએ સ્વીકાર્યો નહીં અને ડલહૌઝીએ “સ્થાનિક પ્રજાના ભલા માટે” ફરી સત્તા સંભાળી લીધી.
સાતમી માર્ચ ૧૮૫૪ના રોજ કંપની સરકારે જાહેરનામું બહાર પાડીને ઝાંસીને ખાલસા કરી લીધું. મૅજર ઍલિસ રાણી લક્ષ્મીબાઈને આ સમાચાર આપવા ગયો. રાણીએ પરદા પાછળથી આ સાંભળ્યું. એને આઘાત લાગ્યો. કળ વળતાં એણે શાંત પણ ઊંચા સ્વરે કહ્યું, “મેરી ઝાંસી નહીં દૂંગી.” જે આજે પણ ઇતિહાસમાં ગૂંજે છે
૦૦૦
રાણી અને રાજ્યની જનતાની નજરે દત્તક પુત્ર ગાદીપતિ બને અને રાણી એના વતી કારભાર સંભાળે તે સામાન્ય હતું પણ અંગ્રેજ રેસીડેંટોએ ગંગાધર રાવ સાથે થયેલી સમજૂતીનો હવાલો આપીને કંપનીને રિપોર્ટ મોકલ્યો કે રાજાને કંપની સરકારની પરવાનગી વિના દત્તક લેવાનો અધિકાર નહોતો. એટલે રાણીને સાલિયાણું બાંધી આપીને રાજ્યનો વહીવટ સંભાળી લેવો જોઈએ. પણ ગવર્નર જનરલ ડલહૌઝીએ લખ્યું કે ઝાંસી આશ્રિત રાજ્ય હતું, એનો કોઈ પરંપરાગત રાજા નહોતો એટલે દત્તકને સોંપવાનો સવાલ જ નહોતો. વળી “ઝાંસીની પ્રજાના કલ્યાણ માટે” કારભાર સંભાળી લેવાથી આખો બુંદેલખંડ એક નેજા નીચે આવી જશે. ડલહૌઝીએ કહ્યું કે રાજાને હિન્દુ વિધિ પ્રમાણે દત્તક લેવાનો અધિકાર તો છે, પણ રાજકારભાર એમાં ન ગણાય. એટલે ગંગાધર રાવની અંગત માલમિલકતનો એ માલિક બની શકે પણ એને રાજા માનવા કંપની બંધાયેલી નહોતી. કંપનીએ કિલ્લાનો કબજો લઈ લીધો અને લક્ષ્મીબાઈને શહેરમાં આવેલા મહેલમાં રહેવા જવું પડ્યું.
રાણી બહારથી તો શાંત રહ્યાં પણ અંદરખાને ધુંધવાતાં હતાં. રાણી માત્ર બહાદુર નહોતાં, મુત્સદી પણ હતાં. એમનું આ પાસું બહુ ચર્ચાયું નથી. છેક ૧૮૫૭ના જૂન સુધી રાણી લક્ષ્મીબાઈ દેશમાં લાગેલી બળવાની આગથી દૂર રહ્યાં.. એમણે પહેલાં તો પોતાનો હક મેળવવા માટે કંપની સાથે પત્રવ્યવહાર કર્યો, એમાં પોતે વિદ્રોહીઓની વિરુદ્ધ હોવાનું પણ દેખાડ્યું.
ઝાંસીમાં વિદ્રોહ
આ પત્રોની કંઈ અસર નહોતી તે રાણીએ જોઈ લીધું હતું પણ એમણે ૧૮૫૭ની પાંચમી જૂને ઝાંસીમાં વિદ્રોહ શરૂ થઈ ગયો ત્યાં સુધી શાંતિ રાખી. કંપનીના એજન્ટે આ બળવાનો રિપોર્ટ આપ્યો છે તે જોઈએઃ
“ઓચિંતા જ ૫0-૬૦ સિપાઈઓએ શસ્ત્રાગાર અને સરકારી તિજોરી પર કબજો કરી લીધો અને કૅપ્ટન સ્કીનના બંગલા તરફ ગોળીબાર શરૂ કરી દીધો. આથી સ્કીન પોતાની પત્ની અને બાળકો સાથે શહેર તરફ ગયો. ત્યાં બચાવની વ્યવસ્થા કરીને એ કિલ્લા તરફ ગયો. કેપ્ટન ગૉર્ડન પણ એની સાથે હતો. એમણે થોડા સૈનિકોની મદદથી બચાવનો પ્રયત્ન કર્યો. રાણીએ પણ કિલ્લાના રક્ષણ માટે પોતાના માણસો મોકલ્યા.
બીજા દિવસે, છઠ્ઠી જૂને સિપાઈઓ અને ઘોડેસવારોએ એમના બધા અફસરોને મારી નાખ્યા અને એમના બંગલા બાળી નાખ્યા. પરંતુ કિલ્લાના દરવાજા ખોલી ન શક્યા. સાતમી તારીખે એમણે કિલ્લાની દીવાલ પર ચાર-પાંચ તોપગોળા પણ છોડ્યા, પણ નુકસાન ન થયું.”
આઠમી જૂને એમણે ફરી કિલ્લા પર હુમલો કર્યો અને રાણીના દોઢસો સૈનિકોને પણ પોતાની સાથે ભેળવી દીધા. બપોરના ત્રણ વાગ્યા સુધી ઘમસાણ ચાલ્યું. એમાં કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. પરંતુ કૅપ્ટન ગૉર્ડન માર્યો ગયો. કૅપ્ટન સ્કીને પત્ની અને બાળકો સાથે ભાગી છૂટવાની કોશિશ કરી પણ વિદ્રોહીઓએ એમને ઝડપી લીધાં અને મોતને ઘાટે ઉતારી દીધાં. રાણી પોતાનો જાન માંડ બચાવી શકી પણ એની માલમત્તાને ભારે નુકસાન થયું.
૧૧મીની રાતે વિદ્રોહીઓ ચાલ્યા ગયા. આશા છે કે જહન્નમમાં જ ગયા હશે!”
તે પછી, એક અઠવાડિયે, ૧૨મી તારીખે રાણીએ સાગર જિલ્લાના કમિશનરને પત્ર લખ્યો. તેમાં એ પોતે બળવાખોર સિપાઈઓ સામે કેવાં લાચાર હતાં તેનું વિવરણ આપે છે. રાણી કહે છે કે સિપાઈઓએ ક્રૂરતાથી યુરોપિયન સ્ત્રીઓ અને બાળકોને મારી નાખ્યાં પણ પોતે એમને બચાવી ન શક્યાં કારણ કે એમના પોતાના મહેલના રક્ષણ માટે માત્ર દોઢસો સિપાઈઓ હતા અને પોતે પણ બ્રિટિશ મદદની આશા રાખતાં હતાં. રાણી લખે છે કે બળવાખોરોએ એની પાસે પૈસા માગ્યા અને ન આપું તો મહેલ ઉડાવી દેવાની ધમકી આપી. એટલે નાછૂટકે એમને ધન આપવું પડ્યું. રાણી વધુમાં લખે છે કે કોઈ અંગ્રેજ અધિકારી હાજર નહોતો એટલે એમણે પોતે જ વ્યવસ્થા સંભાળી લીધી અને બધાને ફરજ પર સાવધાન રહેવાનો હુકમ આપ્યો અને આ વાત એણે પહેલાં જ જણાવી દેવી જોઈતી હતી, પણ બળવાખોરોને કારણે તક જ ન મળી. હવે બળવાખોરો દિલ્હી તરફ ગયા છે.
આ પત્રનો અર્થ શો સમજવો? રાણી ખરેખર વિદ્રોહીઓની ફરિયાદ કરતાં હતાં કે વિદ્રોહીઓ સાથે મળી ગયાં હોવા છતાં નિર્દોષ લાગે એવો રિપોર્ટ મોકલ્યો?
૦૦૦
રાણી લક્ષ્મીબાઈએ ૧૮૫૪થી ૧૮૫૭ સુધી, ઘણા પત્રો લખીને ન્યાયની માગણી કરી હતી. ૧૮૫૭ના બળવા વખતે પણ એમનું વલણ એ જ હતું, પણ ન્યાય માટેની ઝંખના પણ એટલી જ પ્રબળ રહી. એમની નજરે ન્યાય એક જ રીતે થાયઃ અંગ્રેજ હકુમત સંધિનું શબ્દશઃ પાલન કરે અને દામોદર રાવને ગંગાધર રાવના વારસ તરીકે સ્વીકારીને રાજા તરીકે માન્યતા આપે; અને જ્યાં સુધી એ પુખ્ત વયે ન પહોંચે ત્યાં સુધી રાણીને એના વાલી તરીકે રાજકાજ સંભાળવાનો અધિકાર આપે. આ સિવાયની કોઈ પણ ઉદાર શરતોને રાણીએ ઠોકર મારી દીધી. દાખલા તરીકે, ૨૨મી ઍપ્રિલ, ૧૮૫૪ના પત્રમાં રાણીએ ગવર્નર જનરલ ડલહૌઝીને રાજ્યમાં સીધું બ્રિટિશ શાસન લાગુ કરવાનું એક મહિના માટે મોકૂફ રાખવાની વિનંતી કરી હતી અને એ દરમિયાન એમણે પોતાની વફાદારી સાબીત કરી દેવાની તૈયારી પણ દેખાડી હતી.
રાણીએ કહ્યું કે આમ છતાં, જો એ નિર્ણય લાગુ કરાશે તો “અમારા લોકો જેને લશ્કર કહે છે તેની પાંચસો કટાયેલી તલવારો અને નુકસાન કરી ન શકે તેવી પચાસ તોપો ભારે દુઃખ સાથે, પણ બીજો કોઈ દેખાડો કર્યા વગર, તમારા (ગવર્નર જનરલના) એજંટને સોંપી દેશું.”
ગવર્નર જનરલ પાસેથી ન્યાય નહીં મળે તેમ લાગતાં રાણીએ લંડનમાં કોર્ટ ઑફ ડાયરેક્ટર્સને અપીલ કરી. આમાં જે ભાષા વાપરી છે તે તીક્ષ્ણ બુદ્ધિ અને હિંમતનો પરિચય આપે છે. એણે જે દલીલો કરી છે તેમાં અંગ્રેજોની સત્તા સામે નમતું ન મૂકવાની તૈયારી દેખાય છે. રાણી હિંમતથી એમનું રાજ્ય લઈ લેવાના પગલાને પડકારે છે. એ મુદ્દાવાર લખે છેઃ
ઝાંસીના હમણાંના અને પહેલાંના શાસકોને ઈસ્ટ ઇંડિયા કંપનીની બ્રિટિશ સરકારથી સ્વતંત્રપણે ઝાંસીના પ્રદેશ અને સરકારમાં સંપૂર્ણ અને અકાટ્ય અધિકાર છે. આ અધિકાર કોઈ સંધિ દ્વારા કે બીજી રીતે ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં ગયો નથી અથવા તો રાણી અથવા એના પુરોગામીઓએ ફરજ ચૂકવાને કારણે કે લડાઈમાં અથવા (સામા પક્ષના) વિજયને કારણે ખોયો નથી.
આ અધિકાર રાજા ગંગાધર રાવના અવસાન પછી કોઈ વારસ ન હોવાને કારણે ઉપરી સરકારના હાથમાં જતો નથી. હિન્દની સરકારે દત્તકનો ઇનકાર નથી કર્યો, દત્તક લેવાની અસરનો ઇનકાર કરે છે.
રાણી આગળ સીધો જ સવાલ કરે છેઃ
દત્તક લેવાની અસરોનો સ્વીકાર ન કરવાથી ઈસ્ટ ઇંડિયા કંપનીને ઝાંસીની માલિકી મળી જાય છે? એને કારણે શું એને અધિકાર મળી જાય છે કે ઝાંસીના રાજ્યનો વહીવટ કરે અને પ્રદેશનો ઉપભોગ કરે?
અરજીનો બંધ વાળતાં રાણીએ લખ્યું કે,
આ કેસને કારણે હિન્દના બધા રાજાઓ અને જાગીરદારોમાં અજંપો છે. સૌ ભારે ઇંતેજારીથી એના પરિણામની રાહ જુએ છે અને તેઓ એના પરિણામ પરથી નક્કી કરશે કે બ્રિટિશ સરકારનો ભરોસો કરવો કે કેમ.
પરંતુ કોર્ટ ઑફ ડાયરેક્ટર્સ માટે ડલહૌઝીએ કહી દીધું તે જ કાયદો હતો.
એમના પત્રોમાં છેક ૧૮૫૮ની શરૂઆત સુધી સંઘર્ષ ટાળવાનું વલણ રહ્યું. તે પછી બનેલા બનાવોની વિગતો રાણીએ પોતાના ૧લી જાન્યુઆરી ૧૮૫૮ના પત્રમાં આ રીતે આપી છેઃ
રાજ્યમાં અરાજકતાની સ્થિતિ જોઈને પૂર્વ અને પશ્ચિમેથી દાતિયાની રાણી અને ઓરછાના રાજાએ ઝાંસીના ઘણા પ્રદેશ કબજે કરી લીધા હતા. રાણીએ એક પત્રમાં આ અંગે નિરાશા પણ વ્યક્ત કરી છે કે –
“કમિશનર મને મદદ કરવા તૈયાર હોય એમ નથી જણાતું કારણ કે એણે એના ૯મી નવેમ્બરના પત્રમાં લખ્યું છે કે બ્રિટિશ ફોજની હમણાં એના હેડક્વાર્ટર્સ પર જરૂર છે. આવા ટૂંકી દૃષ્ટિવાળા માણસોને બ્રિટિશ સર્વોપરિતાનો ખ્યાલ નથી અને મને તેમ જ આખા દેશને પાયમાલ કરી નાખવા માગે છે…”
રાણીની ભાષામાં ક્યાંય દાસતાની છાંટ પણ નથી. એ તો સમોવડિયા શાસક તરીકે બ્રિટિશ હકુમત સાથે વાત કરે છે!
ગૌવધની છૂટ
ઝાંસીમાં ગૌવધની બંધી હતી પણ અંગ્રેજોએ એની ફરી છૂટ આપી. રાણીએ ૨૧મી ઓગસ્ટ ૧૯૫૪ના પત્રમાં સરકારને લખ્યું કે તમે મારું રાજ્ય તો અન્યાયથી ઝુંટવી લીધું, હવે મારા અને મારી પ્રજાના ધર્મ પર હુમલો કરો છો. લક્ષ્મીબાઈએ આનાં ગંભીર પરિણામો આવવાની ચેતવણી પણ આપી.
પાંચમી જૂને શરૂ થયેલા વિદ્રોહની વધારે વિગતોમાં ન જતાં આપણે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા પર ધ્યાન આપીએ. એમણે સંગઠિત થઈને અંગ્રેજો સામે લડવાની યોજના કરી રાખી હતી, તે નીચેના બે પત્રોમાંથી પ્રગટ થાય છે.
બળવા પછી લલિતપુર અને સાગરની સેનાઓએ અંગ્રેજી પલટનોનો ખાતમો બોલાવીને રાજા મર્દન સિંહને સરદારી સોંપી હતી. રાણીનો પહેલો પત્ર વિ. સં. ચૈત્ર સુદ ભૌમ (મંગળ) તિથિ(?) સંવત ૧૯૧૪ (ઈ. સ. ૧૮૫૮)ના લખાયેલો છે. લક્ષ્મીબાઈ બહુ આદરપૂર્વક મર્દનસિંહને સંબોધિત કરે છે અને કહે છે કે
“હમારી રાય હૈ કે વિદેસિયોં કા સાસન ભારત પર ન ભઓ ચાહિજે ઔર હમકો અપુન કે બડૌ ભરોસો હૈ ઔર હમ ફૌજ કી તૈયારી કર રહે હૈં. અંગરેજન સે લડવૌ બહુત જરૂરી હૈ.” (મુકામ ઝાંસી)
બીજો પત્ર પણ રાજા મર્દન સિંહને જ શ્રાવણ સુદ ૧૪, સોમવાર, સંવત ૧૯૧૪ના રોજ લખેલો છે. આ પત્રમાં રાણીએ વ્યૂહની ચર્ચા કરી છે. રાણી વ્યૂહ સમજાવતાં મર્દનસિંહને કહે છે:
અપુન “આપર ઉહાં કે સમાચાર ભલે ચાહિજે, ઇહાં કે સમાચાર ભલે હૈં. આપર અપુન કી પાતી આઈ સો હાલ માલુમ ભને શ્રી મહારાજ સાહ ગઢ કી પાતી કો હવાલો દઓ સો માલુમ ભઓ. આપર ઈહાં સે લિખી કે આપ સાગર કો કૂચ કરેં. ઉહાં દો કંપની બિચ મેં સાહબન કી હૈ ઉનકો મારત વ ખેડત સાહગઢ વારે રાજા કો લિવા સીધે ઉત ફૌજ કે સીધે કાલપી કુચ કરેં. હમ વ તાત્યા ટોપે વ નાનાસાહબ ફૌજ કી તૈયારી મેં લગે હૈં સો આપ સીધે નોંટ (?)ઘાટ પર સર હિયૂ રોજ (હ્યૂ રોઝ) કી ફૌજ કો મારત વ ખેડત કાલપી કો કૂચ કરેં. ઈહાં સે હમ આપ સબ જને મિલ કે ગ્વાલિયર મેં અંગરેજન પર ધાવા કરેં. પર દેર ન ભઓ ચાહિજે. દેખત પાતી કે સમાચાર દેવેમેં આવૈ. (મુકામ કાલપી).

અહીં જોવાનું એ છે કે રાણી લક્ષ્મીબાઈએ આ પત્રોમાં ભારતની વાત કરી છે, માત્ર ઝાંસીની નહીં. એટલે “મેરી ઝાંસી નહીં દૂંગી” એ પ્રત્યાઘાત તો તાત્કાલિક સામે આવી પડેલી સ્થિતિનો હતો. અંગ્રેજો જે આખા દેશમાં કરે છે તે જ ઝાંસીમાં કર્યું છે. આમ રાણી એને માત્ર વ્યક્તિગત અન્યાય નહીં, અન્યાયી વ્યવસ્થા તરીકે જૂએ છે. રાણીનો એક પત્ર છે જેમાં એમણે ‘સુરાજ’(સ્વરાજ) શબ્દનો ઉપયોગ કર્યો છે.
“ શ્રી મહારાજા શ્રી રાજા મર્દનસિંહ બહાદુર જૂ દેવ ઐતે શ્રી મહારાની લક્ષ્મીબાઈ…… આપર અપુન કી વ હમારી વ શાહગઢ ઔર તાત્યા ટોપે કી જો સલાહ કરી થી કે સુરાજ ભઓ, શાસન ભઓ ચાહિજે. ઐ હી હમારી રાય…અપુનો હી દેસ હૈ… (પોષ સંવત ૧૯૧૪).”
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરગાથા આવતા પ્રકરણમાં સમાપ્ત થશે.
૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
