સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

દેલવાડાથી ૧૯૫૪માં પપ્પાની બદલી થાતાં અમે મેંદરડા આવ્યા ને જો નકશે જોવો તો આ બેય ગામડાં સાસણ ગર્યનાં નાકાં કારણ કે ગર્યની ડેલી જેવું તુલસીશ્યામ દેલવાડાથી ઠીંકરી ફેંકો એટલું ઓળું ને ગર્યની ફળી જેવું દેવળીયા તો ઈ ટાણે મેંદરડા થઈને જ જવાતું. આ પંથકમાં તીંયે અષાઢથી લઈને ભાદરવી પૂનમ લગી પછેડીફાડ વરસાદ પડતો ને દેલવાડે મછુન્દ્રી ને મેંદરડે મધુવંતી ઘોડાપૂરે ઘેલી થાતી. પછી ઠેઠ ભાદરવદમાં વરાપ થાતો. હજી પણ કાળ ને કુદરત આ ક્રમે હાલે છ કે નહીં ઈ મને ખબર નથી પણ ઈ ગામડાંઓમાં આ ભીની ઋતુનો વિચાર કરતાં જ મારા જેવા તળપદી કાઠિયાવાડીને દાદબાપુનાં કવીતું ને બીજા ચારણી દુહા-છંદો જ યાદ આવે:

એને ફુલડું જબોળી ને ફેકીયું રે લોલ, ધરતી આખી બની રક્તચોળ જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ, આ સંધ્યા શ્રાવણની રમે

વર્ષામાં ઘેલી જોમ ભરેલી નદી નવેલી નવઢાસી
સહુ નદીયું પહેલી જાતી વહેલી સાગરઘેલી ચપલાસી
ઠેબે દઈ ઠેલી હા હડસેલી મારગ મેલી ખરતાળી
હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી”

અસા ગિરિવર જ્યાં મોરલા ને અમે કંકર પેટ ભરાં
એળી ઋત આવે ન બોલીયેં તો તો હૈડો ફાટ મારાં”

શ્રાવણ જલ બરસે સુંદર સરસેં બાદલ ભરસે અંબરસેં
તરુવર વિરિવરસે લતા લહરસે નદિયાં પરસે સાગરસેં
દંપતી દુઃખ દરસે સેજ સમરસેં લગત જહરસેં દુઃખકારી
કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારી”

… પણ ના, આજ તો મને ઉનાળે થાતાં ને ઠેઠ ચોમાસે રુજાતાં ગૂમડાં ને એક ઉનાળે મારા દુધિયાદાંતે માનું ધાવણ ઓકાવ્યુંતું ઈ જ યાદ આવે છ ને એટલે એની જ એક વાત માંડું.

ગૂમડાંની ગાથા

તો સાહેબ, સાડાછસાત દાયકા પે’લાં કઠિયાવાડમાં હંધુયે ઋતુએ હાલતું ને થાતું, જેમ કે ત્યારે કોઈ શિયાળે ડીપફ્રીઝમાંથી કાઢીને રસપુરી ન ખાતું, ઉનાળે દૂધપાકની તાંસળીયું ન પીતું કે અડદિયા ખાતું ને ચોમાસે જાદરિયાના લાડવા ન ખાતું. ઈ ટાણે આવું જ આપણી આધિવ્યાધિ ઉપાધિ ને રોગોનું પણ હતું – દા.ત. ચોમાસે જાડાઊલટી, ટાઇફોઇડ ને મેલેરિયા થાતાં; શિયાળે શરદી, ઉધરસ ને ઊટાટિયું થાતાં તો ઉનાળે મયડો, બાંબલાઈ, અળાઈ, ગૂમડાં ને ગળ થાતાં. બાકી ગાલપચોળિયાં, સારણગાંઠ, ભગંદર ને ઓરિઅછબડા જેવા રોગો તો વણનોતરે બારે માસ આવી જાતા. ઈ ટાણે કેન્સર, કોવિડ, હ્રદયરોગ, લીવર સિરોસિસ કે એચ.આઈ.વી. જેવા ભયાનક રોગો હતા કે નહીં ઈ ખબર ઈ જમાને અમારા કાઠિયાવાડી દાકતરૂંને પણ નો’તી ને ઈ ખબર પાડવી પણ નકામી હતી કારણ કે ઈના કોઈ ઈલાજ અમારા મલકે તો નો’તા પુગ્યા.

હવે ઈ જમાનાના કાઠિયાવાડીયુંને તો યાદ જ હશે કે ત્યારે ચૈતરથી લઈને ઠેઠ જેઠ લગી ગરમી પડતી ને એરકંડિસન તો સું પણ છતે કે ટેબલે કોઈ ઇલેક્ટ્રિક પંખા પણ ઘરર,ધ્યડ, ઘરર, ધ્યડ… નો’તા ફરતા એટલે સૌની જેમ હું પણ વાંસ ને સુગંધી વાળાના વીંજણે ગરમી-પરસેવા સામે બાધતો ને હિલોળા લેતો. હા, હું આમ પરસેવો ઉડાડી દેતો પણ મેં કપાળેથી લઈને પગની પાની લગી થાતાં ગૂમડાં સામે હાથ હેઠા કરી દીધાતા. એમાં વળી ગામડાની પકતી ને ખુલ્લી હવાની રેણાક છાંડીને વૈશાખે એકાદ મહિનો અમે માં-છોકરાં જૂનાગઢ઼ મોસાળ આવતાં ને પરિવાર-પિત્રાઇઓ હારે મોજ કરતાં પણ ઓલ્યાં ગૂમડાં અચૂક મારી આ મોજ મારી દેતાં. આમ તો પપ્પા દાક્તર એટલે ઘેર હોઉં તો ઈ જ ગૂમડાંની સારવાર કરતા પણ જૂનાગઢમાં મારે બીજા દાક્તરો આગળ જાવું પડતું. મારી આ મોસાળની રે’ણાકના વરસો દરમ્યાન જૂનાગઢમાં ચારેક સિવિલ સર્જનો – ડો. માર્ટીન, પોપટ, વ્યાસ ને બક્ષી – સરકારી દવાખાને બદલાણા. માર્ટિનસાહેબ આઝાદી પછી ચારેક વરસ હતા એમ મારો ખ્યાલ છે.

માર્ટિનસાહેબ ગ્યા ને ડો. પોપટ આવ્યા ઈ વચાળે ગોવાનીઝ, અંગ્રેજીભાષી ડો. સલધાના થોડોક વખત આવેલ. આ ટાણે અમે મેંદરડા અને રાબેતા મુજબ ઈ વૈશાખે મામાને ઘેર ધામો નાખ્યો. ઈ સાલ મને કાળા ને પીળા દાણાનાં ગૂમડાં માથાથી પગ લગી લુંમ્બેજુમ્બે થ્યાં એટલું જ નહીં મારા ડાબા સાથળે દિવાળીમાં આંગણે રંગોળી કાઢી હોય મોટાં બે કાળા ને નાનાં બે પીળા દાણાનાં ગૂમડાં પડખેપડખે થ્યાં. બેપાંચ દી’માં તો ગધના આ ચારેય ગૂમડાં ભેગા થઈ ગ્યાં, જાણે વર, વહુ ને બે છોકરાનું નાનું કુટુંબ સુખી કુટુંબ. પછી તો ઈ જમાનાના ઘરઘરાઉ ઈલાજે બેપાંચ દી’ અજમા-હળદર વાળી પોટીસ બાંધી એટલે આ ચારેય ગૂમડા પાક્યાં પણ પાક્યાં પણ કેવાં – જાણે તાલાળાની ઉગમણી વાડીની કેસર શાખે પાકી હોય. “વીયાતણની વેણ વાંજણી સુ જાણે” ઈ રુહે જો તમેને કોઈને આવા ગૂમડાં નહીં થ્યાં હોય તો ઈ દરદ ને ઈ લબાકાનો સ્વપને પણ ખ્યાલ નહિ આવે.

હવે,આ આ ટબ્બા ગૂમડાં થ્યાં ત્યારે અમે માં-છોકરાં જૂનાગઢ ને પપ્પા મેંદરડા એટલે મારાં માંએ પપ્પાના દાક્તર-મિત્રને ઈલાજ માટે પૂછ્યું તો એને કીધું, દિનેશે મૉટે દવાખાને જઈને ડો. સલધાનાને મળવું જો ગૂમડાંમાં નસ્તર મૂકવું પડે તો.” એટલે હું બીજે દી’ મોટા દવાખને ડો.સલધાના આગળ ગ્યો. ઈ ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી બોલે ને સમજે ને મને મારી મોટી બે’ન અંગ્રેજી “ક્કો બારખડી” બોલતી એમાંથી માત્ર એક જ અક્ષર “આઈ” બોલતાં ફાવી ગ્યુંતું. એટલે સલધાના ને મારા વચેની વાતચીત:

હું: “આઈ ટબ્બા ગૂમડાં”

ડો. સલધાના: “મોઠે દવાખાને વી ડોન્ટ ટ્રીટ ગૂમડાં” ને એને કીધું (આમાંથી હું “મૉટે દવાખાને” ને “ગૂમડાં” જ સમજ્યો):

માઢસ્ટ્રીટે કાને વાળ વાળા ડો. રેમન ઝાલા ગૂમડાં ડોક્ટર.”

“કાને વાળ વાળા” કીધું એટલે હું તરત જ સમજી ગ્યો કે ઈ મુ.વ.રમણપ્રસાદભાઈ ઝાલાની વાત કરે છ કે જે મારાં માંના કાકીના ભાઈ પણ થાય.

હું પણ પાછું જોયા વગર મુઠીવાળી ને ડો. ઝાલા આગળ દોડ્યો ને એને મેં ચાર ટેટા ગૂમડાંની રંગોળી મારા સાથળે દેખાડી. એને કીધું:

મેં તને સવારે મોટા દવાખાને જાતાં જોયો તો. સલધાનાએ મારી આગળ તને મોકલ્યો લાગે છ.”

બસ એટલું કઇને ઈ સીધા એના જુના, મેલા પેરણની ચાળનો કટકો ફાડીને એની દુકાનમાં પાછળ ગ્યા. હું જોતોતો કે એને એક મીણબતી લગાડી ને “ગમપલાસ”નો મલમ ધગધાગાવ્યો ને ચાળના કટકે એનો જાડો થર કરી દીધો. પછી ઈ તોયડેથી કાઢી હોય એવી બળબળતી મોટી પૂરી જેવડી ગમપલાસની એક જ પટ્ટી મારા ચારેય ગૂમડે સૈયારી લગાડી દીધી. એને આ ઈલાજની પીળી ઢબુડી માગી ને મેં ખાતે રખાવી. હજી પણ ઈ ખાતે જ છે ને સગવડે ભરીશ એમ વિચારું છ. પણ સાહેબ, ઈ વૈશાખે લગાડેલી “ગમપલાસ”ની પટ્ટી બેઅઢી મહિને શ્રાવણે અમે દોસ્તારું મધુવંતીમાં ઘોડાપૂર ઢબયું ને ગડબાના ઘૂનામાં નાવા પડ્યા ત્યારે પલળીને ચામડી હારે ઉખડી ને સાથળે પડેલ ભીંગડાં માછલાં ખાઈ ગ્યાં.

થોડાંક વરસ પે’લાં ઈ સલધાનાના “ડો. રેમન ઝાલા”ની દુકાન વેંચાણી ને માયથી ડામરના ખાલી ડબલાં નીકળ્યાં ત્યારે ખબર પડી કે ઈ “ગમપલાસ” હકીકતે ડામર હતો. આજે હજી પણ મને ડાબા સાથળે માઢસ્ટ્રીટના ગોબાયેલા રસ્તા જેવો મોટો ગોબો છે પણ ભાઈ આજનો દીને કાલની ઘડી મને એક ગૂમડું ઈ પછી નથી થ્યું. આ વ્યાધિમાંથી મને ઉગારવાનો પુરેપુરો જશ મુ.વ.રમણપ્રસાદભાઈને જ જાય છે ને એને મારાં કોટિકોટિ વંદન. હા, એક વાત આંઈ કેવી ઘટિત છે કે જેની દાયકા જુની કબીજીયાત ને હુંફાળું દૂધ, ગરમાગરમ ગાંઠિયા, હીમજ, કાયમચૂરણ, પેટસફા કે “એનિમા” ન હંફાવી સકે એને રમણપ્રસાદભાઈની અક્ષીર દવાનો એક જ ઘૂંટડો આજીવન સવારના સાત વાગે પેટખુલાસે દોડતો કરી દેતો. ટૂંકમાં, એના ઈલાજો આજીવનની “સંજીવ”ની હતા ને ઈ પણ એક પીળો ઢબુડીમાં. મારી નજરે આજના લૂંટારા દાકતરૂંએ આમાંથી ક્યાંક શીખવા જેવું છે.

દાંતની દંતકથા

દેલવાડાથી મેંદરડા અમે ૧૯૫૪ના પાછોતરા ઉનાળે બદલાણા ઈ વૈશાખે પણ પપ્પા સિવાય અમે માં-છોકરાં મોસાળે જૂનાગઢ જ આવ્યાંતાં. હવે ઈ ટાણે મારા નીચલા જડબાના પડખેપડખેના બે સિવાય બધા ઉપરનીચે દૂધિયાદાંત પડી ગ્યાતા ને બેય જડબે કાયમી દાંત પણ દેખાવા મંડ્યાતા. પણ આ બે દુધિયાદાંત જડબેસલાક થઈને એવા બેઠા’તા કે એની જગ્યાએ હલે પણ જડબેથી હાલીને બારા ન આવે. થોડા દી’ થ્યા પછી તો મને આખા મોઢામાં દુખે, ચસકા આવે, જડબું લબકારા મારે, જીણોજીણો તાવ પણ રે’ ને હું કાંઈ ખાઈ ન સકું. પરિણામે મારાં માં મને પપ્પાના વડિલ માર્ગદર્શક ડો. મુગટરાય રાણાને ઘેર સવારનાપોરમાં લઇ ગ્યાં.

ઈ પાંસેઠેક વરસ વટાવી ગે’લા દાક્તરસાહેબ પૂજાપાઠ પતાવીને એના મંદિરની ઓયડીમાંથી નાગરી ધોતિયું, માથે બંધગળાનો બદામી લાંબો કોટ ને એના ઉપલા ડાબા ખીસામાં આલ્જીનની ખિસ્સાઘડિયાળ ને માથે સોળઆંટાની વડનગરી પાઘડી એમ સજ્ધજ્ બા’ર આવ્યા. મારાં માં રાણાસાહેબની લાજ કાઢે એટલે એનાં વહુ થકી માંએ મારી દુધિયાદાંતની વ્યાધિ સાહેબને કીધી. મારી વ્યથા એકચિત્તે સાંભળીને સાહેબે મને હિંચકે બેસાડ્યો ને ઈ પોતે એક ગોખલામાંથી ધોળો, પાતળો, લાંબો મીણનો દોરો લિયાવ્યા. પછી મારી પાસે આવી મને મોઢું ઉઘાડવા ને કયા બે દાંત દુખે છ ઈ બતાવાનું કીધું, કે જે મેં કર્યું. એને ઈ દોરે બેય દાંત સીફતથી બાંધી દીધા ને દોરાના બેય છેડા ભેગા કરી ગાંઠ મારીને હિંચકાની સામેની ખીતીએ દોરો બાંધી દીધો.

પછી સાહેબ મારી પડખે હિંચકે બેઠા, મારી બાળઉંમર લાયક બેચાર વાત કરી ને ધીરેકથી હિંચકાને પગેથી હડસેલો માર્યો. જેવો ઈ પાછળ ગ્યો એવો દોરો ને બેય દાંત મોઢામાંથી બાર નીકળી ગ્યાં. પછી હિંચકો રોકીને એને મને પાણીના કોગળા કરાવ્યા. પાછા દાક્તરસાહેબ ગોખલે ગ્યા ને ધોળો ભૂકો ને થોરનો ડાંડો લીયાવયા. ઈ થોર બટકાવીને એના દૂધમાં ભૂકો ભેળવીને એક લૂપ્દી બનાવી ને ઈ મારા બધા દાંતે ચોપડી દીધી. મારાં માં સાંભળે એમ મુગટકાકાએ કીધું કે “આ ભૂકો પળાંસવાના હરમા બાવળના મુળીયાંમાથી બનાવ્યો છ ને એની લૂપ્દી વઢવાણી ડાંડલાથોરના દૂધમાં કરી .”

મિત્રો, બેચાર મિનિટમાં મોઢામાંથી નીકળતું લોહી તો આ લૂપ્દીથી બંધ થઇ જ ગ્યું પણ આજ મારી સાડાસાત દાયકાની ઉંમરે બે સિવાય મારે બધા દાંત અકબંધ છે ને જે બે નથી ઈ પણ જમરૂખનું બી ભરાતાં ખેંચાવા પડ્યાતા. મને ખબર નથી કે મારા આજે જીવતા દાંત ઈ લૂપ્દીનો પ્રતાપ છે કે નહીં પણ એટલી તો ખબર છે કે મુગટકાકાએ જે રીતે દાંત પાડ્યા ઈ આજના જમાને દંતકથા લાગશે કારણ કે આજ સૌ નાનાંમોટાં મોઢામાં બ્રેસિસ પેરીને ફરે છ જેથી એના થોબડા જેવા ડાચે પણ “અનારકલી” જેવા દાંત દેખાય.


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.