જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

૪.૨  ખર્ચ

દિવ્યભાષ સી. અંજારીઆ

હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  બીજાં મહત્ત્વનાં ઘટક ખર્ચ’ વિશે વાત માંડીશું.

ખર્ચશા માટે?

કમાણી દ્વારા આવક ઊભી કરવાનો એક ઉદ્દેશ્ય ખર્ચ કરી શકવાની ક્ષમતા ઊભી કરવાનો છે. એ ખર્ચ દ્વારા આપણે જીવન જરૂરિયાતો સંતોષવા માટે આવશ્યક સાધનસામગ્રીની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

આપણી જરૂરિયાતો સંતોષવા માટે અને આપણી વાંછિત જીવનશૈલી સિદ્ધ કરવા માટે ખર્ચ અનિવાર્ય આવશ્યકતા છે.

અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનમાં કમાણી પછી ખર્ચ આવે છે, તે પછી બચત આવે છે. જીવનની અર્થવ્યવસ્થામાં કમાવું, હમણાં ખર્ચવું કે ભવિષ્યમાં ખર્ચવું કે પછી હમણા બચત કરવી કે ભવિષ્યમાં બચત કરવી એ આપણી મુનસફીનું અધિકાર ક્ષેત્ર છે.  આ વિશે વિગતે વાત આપણે થોડા સમય પછી કરીશું.

આર્થિક જેલોમાં આપણે કામ કરીને આપણી રોજબરોજની ખાધાખોરાકી મેળવતાં રહેવામાં આપણે વ્યસ્ત રહીએ છીએ. નાણાકેંદ્રી આર્થિક જેલોમાં આપણી જરૂરિયાતો પુરી કરી શકે તેવી ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવતાં રહેવા માટે નાણાં ખર્ચ કરતાં રહેવું પડે છે.

કમાઈએ છીએ એટલે ખર્ચ નથી કરતાં. કમાયાં હો કે ન હો, પણ આપણી ઈચ્છા મુજબની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવી હશે તો નાણાં ખર્ચવાં પડશે. એટલે જ કમાણી ગમે તેટલી હોય, અમૂક ખર્ચ તો કરવું જ પડશે. જોકે આપણી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંતની પણ ચીજવસ્તુઓ અને સેવાઓની, ક્યારે અને કેટલી, અપેક્ષા રાખવી તેનો આધાર આપણી કમાણી કેટલી છે તેના પર જરૂર છે.

આમ, આપણી ખર્ચની જરૂરિયાતો નક્કી કરશે કે આપણે શું અને કેટલું કમાવું. આપણી ખર્ચની અપેક્ષાઓ અને જરૂરિયાતોની દુનિયા આપણી કમાણીની ક્ષમતા અને સ્તરથી અલગ જ દુનિયા છે.

શું ખર્ચવું?

આપણે એટલું જ ખર્ચ કરી શકીએ જેટલું આપણે કમાણાં હોઇએ. આર્થિક જેલના વસવાટ દરમ્યાન આપણે બધો ખર્ચ નાણાંના માધ્યમથી જ કરી શકીએ છીએ, કેમકે આપણા સહજેલવાસીઓને સ્વીકાર્ય એવું માધ્યમ જ એ છે.  આપણી જરૂરિયાતો પુરી કરી શકે એવી ચીજવસ્તુઓ અને સેવાઓનો ખર્ચ નાણામાં કરી શકાય એટલે કમાણી પણ નાણાનાં સ્વરૂપમાં જ કરવી પડે.

જોકે સર્વસ્વીકૃત માધ્યમ હોવા છતાં, વ્યવહારમાં, દરેક દેશ અને અર્થતંત્રમાં નાણાનું સ્વરૂપ સાવેસાવ એક સમાન નથી હોતું. દરેક દેશનું પોતાનું ચલણ હોય છે અને  એ દેશનાં અર્થતંત્રનાં પરિબળો અનુસાર  એકબીજાં ચલણના સંદર્ભમાં દરેક દેશનાં ચલણનું સાપેક્ષ મૂલ્ય અલગ અલગ હોય છે. એટલે કે, આપણે જે ચલણમાં કમાણી કરી છે, કે બચત કરી છે તેના સિવાય અન્ય ચલણ દ્વારા કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદવી હોય તો આપણે આપણી પાસેનાં ચલણનો વિનિમય કરીને જે ચલણ ખરીદી કરવા માટે પ્રસ્તુત છે તે મેળવવું પડે.

આપણા પોતાના દેશમાં તો, સામાન્ય સંજોગોમાં, આપણી કમાણી આપણા જ દેશનાં ચલણમાં થતી હોય, એટલે આપણા જ દેશની, કે દેશમાં ઉપલબધ ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટે આપણી પાસે જે ચલણ છે તે જ પુરતું બની રહે. પણ જો કમાણી અન્ય ચલણમાં હોય અને ખરીદી માટેની ચીજવસ્તુ કે સેવા બીજાં ચલણમાં ઉપલબ્ધ હોય તો આપણે ચલણને બદલવું તો પડે. પરંતુ એ સમયે શક્ય છે કે આર્થિક જેલમાં પર્યાપ્ત નાણા વિનિમય વ્યવસ્થા ન હોય, કે પછી વિનિમયના નિયમો આપણી પરિસ્થિતિને અનુકૂળ ન હોય. દેશમાં વસતી વ્યક્તિએ કયાં ચલણમાં કમાવું, કયાં ચલણમાં ખર્ચ કરવું અને કયું ચલણ, કયા દરે, કેટલી માત્રામાં વિનિમય થઈ શકશે તે અંગેના નિયમો દરેક દેશની સરકારો, જે તે સમયની  અન્ય અર્થતંત્રોને સાપેક્ષ, પોતાના દેશની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નક્કી કરતી હોય છે.

જે દેશમાં તમે વસો છો તે દેશની સરકાર નાણા વિનિમયને મુક્ત, અથવા તો ઓછામાં ઓછાં નિયમનોથી અંકુશમાં, રાખવાની નીતિ અપનાવતી હોય તો તો તમારાં નસીબ પાધરાં કહેવાય. પણ તમારી પાસેનું ચલણ તમારી જરૂરિયાતને પુરી કરવા માટેની ખરીદી માટેનાં ચલણ તરીકે સ્વીકાર્ય ન હોય તો તમારી પાસેનાં નાણાં, તત્પુરતાં, કામનાં નથી રહેતાં.

એટલે જ એટલું જ ખર્ચી શકાય જેટલું કમાયાં હોઇએ કે મેળવ્યું હોય.  બીજા શબ્દોમાં કહીએ તો આર્થિક જેલમાં નાણા વિનિમય તરીકે માત્ર સ્થાનિક ચલણ જ સ્વીકૃત હોવાથી બધા ખર્ચા સ્થાનિક ચલણમાં જ કરવા પડે. ક્રેડીટ કે ડેબિટ કાર્ડ વાપરો, કે બેંકના ચેક આપો, કે યુપીઆઇ દ્વારા ચુકવણી કરો, કે પછી એવા કોઈ પણ અન્ય કાયદેસર રીતે સ્વીકૃત વિકલ્પ દ્વારા નાણાના વ્યવહાર કરો પણ વિનિમયનું સ્વીકૃત માધ્યમ તો દેશની કેન્દ્રીય બેન્કે કાયદાથી માન્ય કરેલ સ્થાનિક ચલણ જ રહે છે.
એટલે જે ચલણમાં લેવડદેવડ માન્ય છે તે ચલણ જ મેળવવું પડે. ભારતીય રૂપિયાની નોટ લઈને યુરોપ કે અમેરિકામાં ખરીદી શક્ય નથી, એ માટે ભારતીય રૂપિયાને એ દેશનાં ચલણમાં બદલાવવો પડે. એટલે કે, એ દેશમાં ચલણ તરીકે માન્ય હોય તે ચલણમાં તમારી કમાણી જો હોય તો જ તમે તે ખર્ચ કરી શકો. સામાન્ય પણે, વિશ્વના મોટા ભાગના દેશોમાં એ દેશનાં કાયદેસર રીતે માન્ય ચલણ સિવાય અન્ય ચલણમાં કમાણી કરવાનું માન્ય નથી હોતું. અમુક અપવાદો સિવાય, તમે સ્થાનિક ચલણમાં કરેલ કમાણી, કેટલીક શરતોને આધીન રહીને. તમારાં સ્થાનિક ચલણમાં ફેરવી શકો છો.

આમ જે દેશમાં આપણે વસતાં હોઇએ એ દેશમાં માન્ય ચલણમાં જ ખર્ચ કરી શકાય. એનો અર્થ એ થયો કે જો તમે  એ દેશનાં ચલણમાં જ કમાયા ન હો તો તમારા દેશનાં ચલણમાં થયેલી કમાણી એ દેશના ચલણમાં ફેરવ્યા પછી કેટલી થશે એ ગણતરી કર્યા પછી જ, એ દેશમાં કેટલી ખરીદી કરી શકાશે તે નક્કી કરી શકાય.

અહીં એ નોંધ કરવું જરૂરી છે છે કે નાણા દ્વારા થતી ખરીદીને ‘’સાટા વિનિમય’ના ફાયદાઓ કે પ્રશ્નો સાથે કોઈ સંબંધ નથી. નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થામાં કાયદેસર ઉપલબ્ધ વિવિધ પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારે ‘નાણાં’ વડે આપણી જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી શકય બની રહે છે. જ્યાં સુધી પર્યાપ્ત નાણાં છે ત્યાં સુધી ખરીદ વેચાણ  માટે  સાટા વિનિમયની જરૂર નથી રહેતી.

નાણાની સમકક્ષ બિનનાણાકીય કમાણીથી ખર્ચ કેવી રીતે કરી શકાય તે અંગત અર્થવ્યવસ્થાનો વિષય છે, જેની ચર્ચા આપણે થોડા સમય પછીથી કરીશું.

કેટલું ખર્ચ કરવું?

આપણી ખરીદીઓની નાણાકીય જરૂરિયાતો અને આપણી કમાણી દ્વારા થતી નાણાકીય આવકને સરભર કરવાનો પડકાર આપણી અંગત અર્થવ્યવસ્થાનો, કદાચ, સૌથી મોટો પડકાર ગણી શકાય.

આપણે જાણીએ જ છીએ કે આપણી ખરીદીની જરૂરિયાતો અને કમાણીનાં સામર્થ્ય એ બન્ને અલગ અલગ જ ચાલતાં રહે છે. એટલે વ્યવહારમાં, આવક અને ખર્ચ વચ્ચે ક્યારેય મેળ નથી પડતો. કેટલાંક ખર્ચ કરતાં વધારે કમાય છે તો બીજાં, મોટા ભાગનાં, ખર્ચ કરતાં ઓછું કમાય છે. એનું દેખીતું એક કારણ એ છે કે આપણી કમાણી આપણા ખર્ચાઓની જરૂરિયાતો અનુસાર નહીં પણ આપણી આવડત અને ક્ષમતાઓ વડે આપણે આપણને કામ રાખનારને કેટલું રળી આપી શકીએ છીએ તેના પર નિર્ભર છે. મુક્ત બજારના વ્યવહારોમાં  પેદાશની કે સેવાની કિંમત ઉત્પાદકની માન્યતા પ્રમાણે નક્કી નથી થતી પણ પોતાની અપેક્ષા કે જરૂરિયાત કેટલી હદે સંતોષાય છે તેના આધારે ગ્રાહકને એ પેદાશ કે સેવા માટે કેટલું ચુકવવાનું પોસાય છે તેના પરથી નક્કી થાય છે.

આમ મુક્ત બજાર સમાજમાં તમારી કમાણી તમને કામે રાખનારને તમારી ક્ષમતામાંથી મળતાં વળતર  કે તમારાં ગ્રાહકની અપેક્ષાના સંતોષની કક્ષા અનુસાર જ થશે.

એ વ્યવસ્થામાંથી પણ જો ખર્ચ કરતાં કમાણી વધારે હોય તો આપણી બધી જરૂરિયાતો પુરી કર્યા બાદ પણ આપણી પાસે કમાણીમાંથી કંઈક હિસ્સો બચશે. એ બચેલા હિસ્સાનું શું કરવું એ અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનું એક આગવું ઘટક છે, જેના વિશે આપણે થોડા સમય પછીથી, અલગથી, ચર્ચા કરીશું.

પણ, કમનસીબે, આપણી બધી જરૂરિયાતો સંતોષી શકે એટલી જો આપણી કમાણી ન હોય તો, આપણા જીવનની અર્થવ્યવસ્થાનું પૈડું ફરતું અટકી જઈ શકે છે.  એ સંજોગોમાં ક્યાં તો અધૂરી કે વણસંતોષાયેલી જરૂરિયાતોથી મન મનાવી લેવું પડશે કે પછી કમાણીમાં જેટલી ઘટ પડી તે પુરી કરવા કોઇ પર આધાર રાખવો પડશે.

આવક કરતાં ખર્ચ વધારે શી રીતે કરી શકાય? 

આવક કરતાં ખર્ચ વધારે કરવાના વિવિધ વિકલ્પોમાંનો  એક વિકલ્પ છે સામાજિક મદદ લેવાનો.

ભારત જેવી ઘનિષ્ઠ સામાજિક પરંપરાઓના દેશમાં વ્યક્તિનું કુટુમ્બ, તેની કોમ કે આસપાસનો સમાજ તેની આર્થિક સંકડાશનાં સમયે તેની પડખે ઉભાં રહે છે. સાધુ સંતોના આશ્રમોમાં ભુખ્યાં લોકો માટે અન્નક્ષેત્રો પણ ચાલે છે. કુદરતી આપત્તિ વખતે તો દરેક દિશામાંથી મદદ મળી રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ જતી હોય છે.

૧૯મી સદીમાં સામ્યવાદ અને પછી સમાજવાદ જેવી રાજકીય વિચારધારાઓના ઉદય પછી કલ્યાણકારી રાષ્ટ્રની વિચારધારાને નક્કર સ્વરૂપ આપવાના અનેક પ્રયોગો થતા રહ્યા છે.  કાયદાકીય જોગવાઈઓ બનાવીને આવી વિચારધારોથી ઘડાયેલી સરકારોએ લોકોની ક્ષમતા અનુસાર નહીં પણ તેની જરૂરિયાત અનુસાર આવક પુરી પાડવાની કોશિશો કરી છે. શુભ ભાવનાઓથી શરૂ કરાયેલી આ યોજનાઓ જોકે, મહદ અંશે, મર્યાદિત કક્ષાએ જ સફળ રહી છે. તેનું એક કારણ, કદાચ, એ છે કે આપનો માનવ સહજ સ્વભાવ સ્વ-લક્ષી છે.  જો આપણને આપણી માની લીધેલ ક્ષમતા મુજબની આવક કરતાં અલગ જ માપદંડ પ્રમાણે સરકાર આવકની વ્યવસ્થા કરે તો આપણને બહુ ગોઠતું નથી. આપણી ક્ષમતા કરતાં ઓછી આવક બાંધી અપાય તો સરકારે આપણને છેતર્યા એવો ભાવ રહ્યા કરે છે.  એ સંજોગોમાં, પોતાની જે કાંઈ પણ શક્તિ છે તે મુજબ કામ કરવાની ધગશ જ નથી રહેતી. એથી વિપરિત, જરૂરિયાત કરતાં વધારે આવક મળી જાય તો તે સામાજિક રૂઢિઓને પુરી કરવામાં, કે પછી આવશ્યક ન હોય એવી જરૂરિયાતો પુરી કરવામાં, કે પછી  દારૂ જુગાર જેવી બદીઓ પાછળ ખર્ચાઇ જવાના અનેક દાખલાઓ પણ નોંધાતા રહ્યા છે. પરિણામે સમાજનો એક વર્ગ કામ કર્યા વગર જ સરકારી સખાવતોને પોતાનો વિશેષાધિકાર માનતો થઈ જાય છે.

આ વિકલ્પ અજમાવતાં પહેલાં ચીજવસ્તુઓ કે સેવાઓના સાટાબદલાનો વિકલ્પ પણ ખુલ્લો તો છે જ. પણ હવે આર્થિક વ્યવસ્થામાં નાણાના માધ્યમથી વહેવારોની  સરળતાઓ એટલી વ્યાપક થઈ ગઈ છે કે સાટાબદલાની ઝંઝટોમાં પડવા કરતાં ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરીને જરૂરિયાતો પુરી કરવાની મહેનત સરળ લાગવા લાગી છે. એટલે સાટાબદલામાં મળતી જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ કે સેવાને બદલે કમાણીનું વળતર નાણામાં મળે તો જરૂરિયાતો પુરી કરવા માટેની ખરીદીઓ કરવામાં વધારે સ્વતંત્રતા મળ્યાનો આનંદ અનુભવાય છે. દેવું કરીને મેળવેલ નાણાનાં વ્યાજ ભરવામાં જ આખાં કુટુમ્બની આવરદા પુરી થઈ જવાના કિસ્સાઓ બહુ જૂનો ભૂતકાળ નથી. તેની સામે આવક કરતાં જરૂરિયાતો વધારે હોવાથી, આજે સહેલાઈથી મળતી લોનોનાં ચક્કરોમં ફસાઈને લોનનું મુદ્દલ અને વ્યાજ ભરવા માટે નવી લોનો લેવાનાં વિષચક્રમાં ફસાયેલાં લોકોના કિસ્સાઓ પણ એટલી જ વરવી હકીકત બનતા જાય છે.

સરકારો જ્યારે મદદનું ધોરણ નક્કી કરવા બેસે છે ત્યારે કેટલી જરૂરિયાતોને સંતોષવી જ જોઇએ અને સમાજના જે વર્ગને મદ કરવી છે  એ વર્ગના તમામ લોકોને એટલી આવક પુરતી થઈ રહેશે તે નક્કી કરવું એ કોયડો હંમેશાં ધાર્યા કરતાં વધારે મુશ્કેલ જ નીવડ્યો છે. કોઈ પણ દેશની સાંસ્કૃતિક, સામાજિક, ભૌગોલિક વિવિધતા, વ્યક્તિ-વ્યક્તિની જરૂરિયાતોની અલગ અલગ પ્રાથમિકતાઓ અને ઓછામાં ઓછી જરૂરિયાતોને પુરી કરવા માટે ઘડાતી યોજનાઓ માટે જરૂરી સંસાધનોની તૂટને કારણે એક સાંધો ત્યાં તેર તૂટે એવા ચક્રવ્યૂહના કોઠામાં સરકારો ફસાયેલી રહેતી જોવા મળે છે.

સામ્યવાદી વિચારધારા રોટી,કપડા અને મકાનની જરૂરિયાત પુરી કરવી જોઈએ તેને  લઘુત્તમ જરૂરિયાતો માને છે. જોકે આખા દેશને માટે, લગભગ એક જ સાથે, આ જરૂરિયાતો પુરી પાડી શકાય એટલાં સંસાધનો કોઈ પણ દેશ પાસે હોતાં નથી. એટલે તેને ક્રમશઃ પુરી પાડી શકાય એવી યોજનાઓ  ઘડવી પડે છે. આ ઉપરાંત દરેક સરકારી યોજનામાં કોઇને કોઈ પ્રકારનો ભ્ર્ષ્ટાચાર પણ ઘર કરી જ બેસે છે. સામ્યવાદી શાસનો સામે આક્ષેપ થતા રહ્યા છે કે શાસક વર્ગ પોતા માટે મોટાં ઘરો, ઉત્તમ ખાધાખોરાકી કે કપડાં વગેરે રાખે છે અને ખરા લાભાર્થીઓને આ સગવડો ઓછી ગુણવતાવાળી પુરી પાડીને વધારે લોકો સુધી લાભ પહોંચાડ્યા છે એવો દેખાવ કરે છે.

સામ્યવાદની અસર પછીની લોકશાહી સરકારોને સમજાઈ ગયું છે કે દરેક વર્ગની જરૂરિયાતો એક સમાન નથી હોતી. તે ઉપરાંત આવી સગવડ ઉભી કરવા માટે સરકારો પાસે પુરતાં સંસાધનો પણ નથી હોતાં. એટલે હવે સરકારો આવી જરૂરિયાતો પુરી કરવા માટે નાણાકીય સહાયો પુરી પાડવા વિશે વિચારવા લાગી છે. આવી સહાયો બે પ્રકારની હોઈ શકે છે.

પહેલો ઉપાય એ છે કે સરકાર કઈ અને કેટલી હદે ‘સર્વસામાન્ય સામાજિક સેવાઓ’ પુરી પાડે તે નક્કી કરી લેવું. આ પ્રકારની સેવાનું એક ઉદાહરણ તબીબી સેવાઓ છે. સરકાર લાભાર્થીઓની તબીબી સેવાઓની જરૂરિયાતો તબીબી સેવા વિમાના માધ્યમથી પુરી પાડે છે. લાભાર્થી પોતાની મેળે સારવાર કરાવી લે અને પહેલેથી નક્કી કરાયેલી શરતો અનુસાર તે માટેનો ખર્ચ સરકાર દ્વારા પુરી પડાયેલી, કે માન્ય, વિમા યોજનાઓ દ્વારા ભરપાઈ કરી દેવામાં આવે. જુદી જુદી સરકારો આ લાભ કોને મળે તે માટે કુલ કૌટુંબિક આવકના અલગ અલગ માપદંડ નક્કી કરાતી હોય છે.

બીજો જે ઉપાય આજે હવે ઘણી સરકારો પાસે વિચારાધીન છે તે સાર્વત્રિક મૂળભૂત આવક – Universal Basic Income – UBI – પુરી પાડવાનો છે. સાર્વત્રિક મૂળભૂત આવક એ દેશની તત્કાલીન અર્થવયસ્થામાં અમુક લઘુતમ સ્તરનું જીવનધોરણ જીવવા માટે કેટલો ખર્ચ કરવો આવશ્યક છે તેનો નાણાકીય અંદાજ છે. સમાજના જે વર્ગનાં લોકોને આ લાભ મળવાનો નક્કી થાય તેને નિયમિતપણે આ નિશ્ચિત રકમ સીધી જ મળી જાય. સામાન્યપણે, લાભાર્થીઓની યોગ્યતા નક્કી કરવા માટે કુટુંબ દીઠ અમુક આવકનાં સ્તરનો માપદંડ નક્કી કરાતો હોય છે.

આમ, રોટી, કપડા અને મકાનની સીધી જવાબદારી લેવાની સામ્યવાદની શાસન વ્યવસ્થાને બદલે હવે સરકાર અમુક સ્તરનું જીવનધોરણ જીવી શકાય એ માટે ઓછાં ઓછી જરૂરી આવક સુનિશ્ચિત કરી આપવાની સુરક્ષા પુરી પાડે છે.

આમ અમુક સ્તરની સર્વસામાન્ય સેવા કે સાર્વત્રિક મૂળભૂત આવકનાં માધ્યમ તરીકે નાણાનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારની નીતિ મુજબના લાભાર્થીઓને કેટલી અને કઈ સેવાઓ પુરી પાડવા માટે, કે પછી સાર્વત્રિક મૂળભૂત આવક પુરી પાડવા માટે જરૂરી નાણાકીય જોગવાઈનો અંદાજ માંડવાનું કામ સરકારના અર્થશાસ્ત્રીઓને સોંપી દેવામાં આવે છે.

જોકે સાર્વત્રિક મૂળભૂત આવક પુરી પાડવા માટે જરૂરી નાણાકીય જોગવાઈના અંદાજની ગણતરીનું કામ પણ આસાન તો નથી જ. બહુ મોટા પાયાની નાણાકીય જોગવાઈઓ ધરાવતી સરકારી યોજનાઓના અમલમાં રહેલ ભ્રષ્ટાચારની શક્યતાઓને મહદ અંશે ડામી દેવાનું વિચારાયું છે એમ માની લઈએ તો પણ, આ યોજનાના અમલમાં કેટલીક વ્યાવહારિક સમસ્યાઓના પડકાર પણ યોજનાની અસરકારક અને કાર્યદક્ષ સફળતા પર વ્યાપકપણે અસર કરી શકે છે. વિશ્વાસપાત્ર અને ચોક્કસ આંકડાઓ મળી રહે તેવી વ્યવસ્થાના અભાવને કારણે યોજનાના બધા જ અપેક્ષિત લાભાર્થીઓની નોંધણી નથી થઈ શકતી. સમાજના છેવાડાના લાભાર્થીઓ સુધી આવી યોજનાની પુરી માહિતી પહોંચાડવાની સમસ્યા ઉપરાંત એ વર્ગના મોટ ભાગના લાભાર્થીઓ પાસે ભૂલચૂક ન થાય એવાં ઓળખ દસ્તાવેજો ન હોવાની સમસ્યા પણ રહે છે. આને કારણે નકલી દસ્તાવેજો ઊભા કરીને યોજનાના લાભો ખોટા હાથોમાં જઈ શકવાની સંભાવનાઓ પણ વધી જાય છે. આવાં બધાં કારણોસર આ યોજનાના ઘણા જ ફાયદાઓ હોવા છતાં તે બહુ મર્યાદિત દેશોમાં સંતોષકારક રીતે અમલ થઈ શકી છે.

ભૂતકાળના ઐતિહાસિક, સાંસ્કૃતિક, ભૌગોલિક કે સામાજિક વારસાને કારણે કે પછી વર્તમાનમાં આવશ્યક માળખાકીય સગવડોની પુરતી જોગવાઇઓના અભાવે પોતાની લઘુતમ જીવન જરૂરિયાતો જેટલી આવક ન રળી શકતા વર્ગોને દેશના ભાવિ મુખ્ય પ્રવાહોમાં સમાન તકો મળી રહે એ માટે અનુભવોની અને આવશ્યકતાઓની એરણે ખરી ઉતરે એવી નાણાકીય વ્યવસ્થાઓ વિશેની કલ્યાણકારી સરકારોની ખોજનો અંત સંહેલાઈથી આવી શકે એવી કોઈ જાદુઈ છડી હજી વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રને મળી શકી નથી.

અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  એક ઘટક તરીએ ‘ખર્ચ’ને લગતાં અસીમિત જરૂરિયાતો પુરી કરવા માટે કરવા પડતા ખર્ચાઓ, આવક અને ખર્ચાના છેડા મેળવવા – ઓછી જરૂરિયાતો, ઓછાં ખર્ચ કે પછી આવક અને ખર્ચાના છેડા મેળવવામાં થતાં શોષણની સમસ્યાઓ, આર્થિક કેદ અને સામાજિક ધારાધોરણોની ભૂમિકા જેવાં મહત્ત્વના પાસાંઓની ચર્ચા હવે પછીના મણકામાં કરીશું..


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.