પારુલ ખખ્ખર
પહેલી જૂનની એ માદક સવારે ૫.૩૦ વાગ્યે એલાર્મ ક્લોકે મદમસ્ત ટહુકો કર્યો અને હું આળસ મરડી તંબુમાંથી બહાર આવી. આસપાસનાં તંબુઓમાં પણ ચહલપહલ શરુ થઈ ગઈ હતી. દેશનાં જુદાજુદા ભાગમાંથી અમે પચાસ ફેમિલી કુલુ પાસેના આ નાનકડા ગામ કટ્રેઇન ખાતે આવેલ બેઝ કેમ્પમાં ફેમિલી ટ્રેકિંગ માટે ભેગા થયાં હતાં. આજે ટ્રેકીંગનો ત્રીજો દિવસ હતો.
મેં બ્રશ કરતાં કરતાં તંબુ પાસે જ ઊભા રહી ફરી એકવાર આ મનોરમ્ય સ્થળને નજરથી પીવાનો પ્રયત્ન કર્યો.. આછું આછું અજવાળુ હતું. વાતાવરણમાં રેશમી ઠંડક હતી. ચારેફરતા પર્વતો અને પર્વતો પર વૃક્ષો જાણે અદબ વાળીને અમારી ગતિવિધીઓનું નિરીક્ષણ કરતાં હોય તેમ શિસ્તમાં ઊભા હતાં. અમારા તંબુની હારમાળાની સામે જ એક પાક્કો ઓરડો હતો જેની બહાર ખુલ્લી જગ્યામાં શિવલિંગ વિરાજમાન હતું. આસપાસની ક્યારીઓમાંના નાહીધોઈને તાજાં થયેલાં રંગબેરંગી ફૂલો જાણે મારી સામે જોઈ મશ્કરી કરતાં હતાં અને મને નહાવા જવા માટે ઉશ્કેરતાં હતાં.મેં ફરી એક વખત આખાયે પરિસર પર નજર ફેરવી. સફરજનનાં આ બગીચામાં પ્રકૃતિએ પોતાનું સૌંદર્ય ઉદારતાથી પ્રગટ કરી દીધું હતું પરંતુ અત્યારે એનો લહાવો લેવા માટે મારી પાસે સમય ન હતો.
ચા-નાસ્તાનો બેલ પડ્યો ત્યાં સુધીમાં અમે ફટાફટ નાહીધોઈને તૈયાર થઈ ગયાં હતાં. કીચનની બાજુમાં ખોરાકની શોધમાં ગિરનારી કાગડાઓ ચકરાવા લેવા લાગ્યા હતા. અમારી આસપાસ લલચામણાં લીલાં-લીલાં સફરજન આછા અજવાળામાં ચમકી રહ્યાં હતાં. અમે ચાની ચુસ્કી સાથે એની લીલી ચમકને પી લીધી અને આજના સ્થળે જવા માટે બસ તરફ આગળ વધ્યાં. અમારા આશ્ચર્ય વચ્ચે બસમાં આજે માત્ર બાવીસ જ શિબીરાર્થીઓ હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું કે આજે ‘બિજલી મહાદેવ’ જેવા મુશ્કેલ પોઇન્ટ પર જવાનું હોવાથી લોકોએ ત્યાં આવવાનું ટાળ્યું હતું. જોકે ત્રણ કિલોમીટર ઉપર ચડવાનું સાંભળીને મારા પણ ગાત્રો ઢીલા તો પડ્યાં પરંતુ મનોમન ખોંખારો ખાઈને બોલી લીધું ‘હિંમતે મર્દા (અને ઓફકોર્સ જનાના પણ..) તો મદદે ખુદા’.
અહીંયા આવતાં પહેલાં મિત્રોએ ખાસ આગ્રહ કર્યો હતો કે બિજલી મહાદેવ તો જરુર જજો તેથી આ સ્થળનું આકર્ષણ વધી ગયું હતું. આમ તો બિજલી મહાદેવ વિશે ઘણું સાંભળ્યું હતું પરંતુ આજે એનો સાક્ષાત્કાર કરવાની ક્ષણો આવી હતી. આંખમાં ઉત્કંઠા આંજીને અમે બસમાં બેઠાં. આસપાસની હરીયાળીનું દર્શન કરાવતી બસ ચાલતી રહી.એકાદ કલાક બાદ ગંતવ્ય સ્થાને પહોંચ્યા.

સાવ નાનકડી કેડી જેવી જગ્યાએથી ઉપર જવા માટેના દાદર શરુ થતાં હતાં. મનમાં થયું કે ‘આતો ઘરનાં દાદર ચડતાં હોઈએ એટલું સહેલુ છે. લોકો નકામા ડરાવતાં હતાં!.’ અમે ભગવાન ભોલેનાથનું નામ લઈ દાદર ચડવાનું શરુ કર્યુ. આ રહેણાક વિસ્તાર હોવાથી સ્થાનિક લોકોની અવરજવર પણ હતી. થોડા થોડા અંતરે એકાદ મકાન આવી જતું હતું. સવારનો સમય હોવાથી ગુલાબી ગાલ વાળા ગોરાગોરા બાળકો સ્કુલ યુનિફોર્મમાં સજ્જ થઈ ફટાફટ દાદરા ચડી સ્કુલે જઈ રહ્યાં હતાં. ઠંડા પ્રદેશોની સ્કુલોમાં શિયાળામાં લાંબુ વેકેશન પડતું હોવાથી અત્યારે અહિંયા સ્કુલો ચાલુ હતી. હજું તો બસ્સો પગથિયાં માંડ ચડ્યાં ત્યાં જ હાંફ ચડવા માંડી, પતિદેવે ઈશારાથી પેલા વિદ્યાર્થીઓ સામે જોઈ કહ્યું ‘આમને જો…છે કાંઈ અસર?’ મેં જરા થાકેલા અવાજે કહ્યું ‘સાહેબ, એ બાળકો છે એને અસર ન થાય વળી એને તો રોજનું થયું’ સાહેબ ખડખડાટ હસતા કહે ‘ખુલાસાઓ આપ્યા વગર ચાલતા રહો મેડમ…દિલ્હી અભી દૂર હૈ.’ અમે સૌ મુંગા મોંએ પોતપોતાની ક્ષમતા મુજબની ગતિએ ચડવા લાગ્યાં. હજુ તો થોડોક પંથ કાપ્યો ત્યાં તો અમારી સાથે રહેલા પંચાવન વર્ષના ગીતાબહેનને અચાનક શ્વાસ ચડવા લાગ્યો, એ તો ત્યાં જ પગથિયા પર બેસી પડ્યાં. એમનાથી એક પગથિયું પણ ચડી શકાશે નહીં એવું જાહેર કરી દીધું. બધા વિમાસણમાં મૂકાઈ ગયા કે હવે શું કરવું? આમને સાંજ સુધી ક્યાં રાખવા? અહિંયા આપણું કોઈ જાણીતુ ન હોય. કોના આધારે મૂકીને આગળ જવું? હજુ વિકલ્પો વિચારતાં હતાં ત્યાં જ બાજુના ઘરમાંથી એક પ્રૌઢા બહાર આવી. આખી પરિસ્થિતિ સાંભળીને તરત કહે ‘એમાં શું? બહેન અમારે ત્યાં રહેશે. તમે નિશ્ચિંત થઈને દર્શન કરી આવો.’. અમે બધા એકબીજાનાં મોં સામે જોવા લાગ્યાં. પેલી પ્રૌઢા અમારા મનોભાવ કળી ગઈ હોય તેમ કહે ‘તમે લોકો જરાય ચિંતા ન કરો. આ તો મારી નાની બહેન જેવી છે. એને કોઈ તકલિફ નહીં પડવા દઉં તમે નિશ્ચિંત થઈ દર્શન કરી આવો’ એમના ચહેરા પરની સચ્ચાઈ અને અવાજમાં રહેલી લાગણી અમને સ્પર્શી ગઈ અને અમે ‘હાશ’ કરીને આગળ વધ્યાં.
આજે તડકો થોડો વધારે હતો. હજુ દસ જ વાગ્યા હતા પણ તાપ લાગતો હતો. સ્ત્રીવર્ગ ધીમેધીમે પગથિયા ચડી રહ્યો હતો. બાળકો અને પુરુષો તો સડસડાટ આગળ નીકળી જતા હતા. એ લોકો આગળ કોઇ શરબતની હાટડીએ અમારી રાહ જોઈને બેસે. અમે પહોંચીએ પછી બધા શરબતથી ગળા ભીના કરીને ફરી આગળ વધીએ. રસ્તામાં એક સ્થાનિક સ્કુલ આવી અને પેલા ગોરાગોરા ટાબરિયા તેમાં પ્રવેશ્યા. એમના ગુલાબી ગાલ અને મીઠડી મુસ્કાન દેખાતા બંધ થયા ત્યાં સુધી અમે તેને જોયા કર્યા. તાપ વધતો જતો હતો. ચહેરા ગુલાબી થવા લાગ્યા હતા. પગમાં થાક અને આંખમાં હરિયાળી આંજીને અમે આગળ વધતાં જતાં હતાં.અમારી જમણી તરફ ઊંડી ઊંડી ખીણ હતી.ઉપરથી જોતા લાંબા લાંબા વૃક્ષો પણ ટચુકડાં લાગતાં હતાં. તળેટીના કોઈ ગામના મકાનો રમકડાં જેવા દેખાઈ રહ્યા હતા. રસ્તાઓ તો બાળકોએ સ્લેટમાં આંકેલી આડી અવળી રેખાઓની જેમ પથરાયેલા પડ્યા હતા. નજરની રડાર ચારેતરફ ફેરવતાં ફેરવતાં અમે રસ્તો કાપી રહ્યાં હતાં. થાક કનડે ત્યારે મનમાં એમ પણ થતું કે ‘આ ચોરની વાદે ચણા ઉપાડવા નીકળવાની શું જરુર હતી? એય ને…મજાના સફરજનના બગીચામાં લહેર કરતા હોત આ સમયે!’ પણ તરત વિચાર આવતો કે ચણા ઉપાડ્યાં વગર ચણાનો સ્વાદ ન ચાખી શકાય!
શરીર પર્વતની કેડી પર અને મન વિચારોની કેડી પર અનાયાસ આગળ વધતાં હતાં ત્યાં જ અમારી બાજુમાંથી એક વૃદ્ધા નીકળ્યાં. સિત્તેર આસપાસની ઉંમર,ગુલાબી ચહેરો, કરચલી વાળી ત્વચા, હાથમાં લાકડી અને ડગુમગુ ચાલ! એ મજેથી પગથિયા ચડી રહ્યાં હતાં પતિદેવે સુચક નજરે મારી તરફ જોયું જાણે કહેતા ન હોય ‘જો, છે ને તારા કરતાં સશક્ત!’ પણ આપણે તો આંખ આડા કાન કરી ચાલવામાં જ ધ્યાન આપ્યું. આગળ જતાં હું જરા થાક ખાવા રોકાઈ ત્યાં એક નાનક્ડી હાટડી દેખાઈ. પેલા માજી હાટડી પાસે આવીને અટક્યાં, ચપ્પલ કાઢીને અંદર પ્રવેશ્યા. મેં અંદર નજર કરી તો એક સફેદ વાળ અને ગુલાબી ત્વચા વાળા દાદા થડા પર બેઠા હતા. કાઉન્ટર પર નાની નાની બરણીઓમાં પીપરમેન્ટ, ચુસવાની ખાટીમીઠી ગોળીઓ, બિસ્કીટ, પાણીની બોટલો વગેરે પડ્યું હતું. માજીએ પોતાના ઝોળામાંથી થોડા નમકીન અને વેફરના પેકેટ કાઢીને કાઉન્ટર પર ગોઠવ્યા અને હાશકારો કરી ખુરશી પર બેઠાં. ત્યાં જ દાદાએ પાણીની બોટલ માજી તરફ લંબાવી. માજીનું બોખલું મોં એવું તો મલકાઈ ગયું કે મને સાતે કોઠે દીવા થયાં. મેં સુરેશ દલાલને યાદ કરી લીધા. ‘કમાલ કરે છે… એક ડોસી, ડોસાને હજુ વ્હાલ કરે છે!’ મેં પતિદેવને શોધવા નજર આસપાસ ફેરવી પરંતુ એ તો ક્યાંય આગળ નીકળી ગયા હતા. ખાટીમીઠી ગોળી જેવું આ દંપતિ જોઈ મને મારું ભવિષ્ય દેખાવા લાગ્યું અને એ મધુર રસને માણતાં માણતાં મે સફર આગળ ધપાવી.
તડકી-છાંયડી ઝીલતાં ઝીલતાં લગભગ અઢી કલાક જેવું ચાલ્યા પછી છેક દૂરથી બિજલી મહાદેવનું શિખર દેખાયું. અમે બધાએ ભેગા મળી આનંદથી તાલીઓ પાડી. માત્ર મંદિરનું શિખર જોવાથી ચાલમાં ઉત્સાહ ઉમેરાયો અને પગમાં પ્રાણ પુરાયા. હવે તો દિલ્હી જરાય દૂર ન હતું એની ખાતરી થઈ ગઈ. અમે ચાલતા જ રહ્યાં. ચહેરા પર વૃક્ષની ડાળીઓમાંથી ચળાઈને આવતા તડકાના ટેટૂ ચિતરાતાં અને ભુંસાતા જતાં હતાં. ગોરી ત્વચાએ લાલ રંગ ધારણ કર્યો હતો. ભરપુર સુખ સગવડમાં જીવતી ગુજરાતણોને આ પર્વત ચડતાં નવનેજા પાણી ઉતરતાં હતાં પરંતુ ‘ડગલુ ભર્યુ કે ના હટવું… ના હટવું’ હવે તત્કાલિન જીવનમંત્ર બની ગયો હતો. માથા પર અવળી કેપ, આંખો પર ગોગલ્સ, હાથમાં ઝાડની ડાળીનો ટેકો લઈ અમે કોઈ પર્વતારોહકની અદાથી ચાલી રહ્યાં હતાં. અચાનક પતિદેવ બાજુમાં આવી ટમકું મૂકી ગયા ‘કાં કવયિત્રીજી, કેમ છો? સાચા હો તો અત્યારે કવિતા લખી બતાવો!’ મેં લાલઘુમ આંખો બતાવતાં કહ્યું ‘અત્યારે છાનામાના આ ચારે તરફ ફેલાયેલી ઈશ્વરની કવિતા વાંચો. ઘરે જઈને મારી કવિતા સંભળાવીશ.’ બરાબર એ સમયે જ એક ફોરેનર્સ ગ્રુપ ત્યાંથી પસાર થયું પતિદેવે એમાંની એક સુંદર યુવતી તરફ ઈશારો કરતા કહ્યું ‘આ પણ ઈશ્વરની જ કવિતા છે તું કહેતી હોય તો વાંચું’ આ સાંભળી હું લાકડી લઈને એમની પાછળ દોડી અને હાજર રહેલા બધા ખડખડાટ હસી પડ્યા. નિર્દોષ હસીમજાકથી રસ્તાના વૃક્ષો પણ મર્માળુ હસતા હોય તેમ ડોલવા લાગ્યાં.
હવે મંદિરનો ઘણોખરો ભાગ દેખાવા લાગ્યો હતો. અલબત્ત હજુ ઘણુ દૂર હતું પણ આશ્વાસન લઈ શકાય એટલા તો નજીક પહોંચવા આવ્યાં હતાં. અમારી બાજુમંથી એક ભાઈ પસાર થયા, તેના ખભા પર હાથ મુકી પંદરેક વર્ષનો એક છોકરો ચાલી રહ્યો હતો. દરેક પગથિયે પેલા ભાઈ બોલતા હતા ‘સ્ટેપ’ અને છોકરો પગ ઉંચકીને પગથિયું ચડી જતો હતો. પાછળ જ છોકરાની મમ્મી આવી રહ્યાં હતાં એમણે અમને કહ્યું ‘દીકરો નાનપણથી જ અંધ છે પણ દાદાના દર્શન કરાવવાની માનતા હતી એટલે બાપ-દીકરાએ હિંમત કરી નાંખી.’ મારી આંખો આ દૃશ્ય જોઈને ધન્ય થઈ કે જો ધારે તો બાપ-દીકરો કેવું સરસ ટ્યુનીંગ જાળવીને ગમે તેવા કઠીન રસ્તાને પણ પસાર કરી શકે છે. મને વિચારમાં પડેલી જોઈ પતિદેવ પ્રગટ થઈ કાનમાં ગણગણ્યા ‘જોયું? આને કહેવાય બાપનો પ્રેમ!’ મેં આંખોથી જ હામી ભરી અને અમે આગળ વધ્યા.
હવે અમે પહાડની ટોચ પર આવી ગયાં હતાં. અહીંયા વિશાળ મેદાન હતું જેમાં હરિયાળી ચાદર પથરાયેલી હતી. દૂર થોડી ગાયો ચરતી હતી. ગોવાળિયાઓ લીલા ઘાસમાં લેટ્યા હતા. માથા પર ખુલ્લુ અફાટ આકાશ હતું અને ચોતરફ ખીણ હતી. ખીણમાં આમતેમ ભટકતા રખડુ છોકરાઓ જેવા વાદળા હતાં અને અમે વાદળાથી યે ઉપર ઇશ્વરના સાન્નિધ્યમાં પહોંચ્યા હતાં. ઉન્નત મસ્તકે તાકતા વૃક્ષો જાણે અમારી હિંમતને સલામી આપતા હોય તેમ કતારબદ્ધ થઈને ઊભા હતા. વાદળ અને વૃક્ષોની આ જુગલબંદી એક અનોખી દૃશ્યાવલી રચી આપતી હતી. વાતવરણમાં એક આહ્લાદક ઠંડક ફેલાયેલી હતી. આગળ જતાં જ બે નાનકડા તળાવ દૃશ્યમાન થયાં. અહીંયા વારંવાર વરસાદ આવતો હોવાથી બન્ને છલોછલ ભર્યા હતાં. તળાવનું પાણી જોઈ મન માંકડુ કુદાકુદ કરવા લાગ્યું. પરસેવાથી લથપથ અને થાકથી ચુર થયેલી કાયાને આટલી રાહત તો જરુરી હતી. પરંતુ સુરજ માથા પર આવી ગયો હતો એટલે રોકાવું પોસાય તેમ ન હતું. દૂરથી દેખાતી ધજા અને મંદિરમાંથી સંભળાતો ઘંટનાદ પગને લોહચુંબકની જેમ પોતાના તરફ ખેંચી રહ્યાં હતાં.
મંદિર નજીક પહોંચી હાથ-મોં ધોઈ ફ્રેશ થયા. મંદિરની બહાર દિવાલ પર મંદિર વિશે માહિતી આપતું લખાણ છે તેની અને ગૂગલ દેવતાની મદદ વડે અમે મહિતગાર થયાં કે હિમાચલ પ્રદેશની કુલ્લુ વેલીનું આ પ્રખ્યાત મંદિર દરિયાઈ સપાટીથી ૨૪૩૫ મીટરની. ઊંચાઈ પર આવેલ છે. કુલ્લુથી દસ કિલોમીટર દૂર આવેલ આ મંદિર વિશે એક ચમત્કાર જોડાયેલો છે. કહેવાય છે કે દર બાર વર્ષે વરસાદની આંધી અને વિજળીના આક્રમણથી શિવલીંગ ટુકડે ટુકડા થઈને આસપાસના વિસ્તારમાં વેરાઈ જાય છે. વરસાદી ઋતુ દરમ્યાન આ જગ્યા બંધ રહે છે. બરફના તોફાનો શાંત થયા પછી પૂજારીને સપનું આવે છે કે શિવલીંગના ટુકડાઓ ક્યાં પડ્યા છે. પુજારી તેને એકત્ર કરીને ગાયના ઘી તથા માખણ વડે જોડે છે અને સમય જતા એ શિવલીંગ અખંડ સ્વરુપ ધારણ કરી લે છે. આ શિવલીંગ માખણ વડે જોડવામાં આવ્યું હોવાથી તેના પર જલધારી મુકવામાં આવતી નથી. આખુ વર્ષ અહીંયા ઠંડુ વાતાવરણ રહેતું હોવાથી માખણનું શિવલીંગ પીગળતું નથી. શિવરાત્રિ પર અહીંયા પુષ્ક્ળ ભીડ હોય છે. સમગ્ર હિમાચલ પ્રદેશના લોકોનું આ શ્રદ્ધાકેન્દ્ર છે. સ્થાનિક લોકો વર્ષમાં ઘણીવાર દાદાના દર્શને આવે છે.
પગથિયાં પાસે પગરખાં ઉતાર્યા અને કવિ ગૌરાંગ ઠાકરની પંક્તિઓ યાદ આવી
’હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખાં ઉતારો’
મન ફરી વિચારે ચડ્યું કે એમ અભરખાં ઉતારી શકાતા હોત તો તો શું જોઇતું હતું! પગથિયાં પરની રજ માથા પર ચડાવીને મંદિરમાં પ્રવેશ્યાં. મંદિરમાં પ્રવેશતા જ સાદગીની ભવ્યતાના દર્શન થયા. માખણથી બનાવેલ ઘાટીલા પીળા શિવલીંગ પર પૂજાદ્રવ્યો અને ફુલો ચડાવેલા હતાં.આસપાસ અગરબત્તી અને ધૂપની પવિત્ર ધુમ્રસેરોથી એક પૂજ્યભાવનું વાદળ બંધાયુ હતું. બીજા પ્રવાસીઓ ઉતાવળે દર્શન કરી બહાર નીકળી ગયા હતા.મંદિરમાં ભોળિયાનાથ અને હું એકલા પડ્યાં. બે હાથ જોડાયા અને મસ્તક આપોઆપ નમી પડ્યું. આંખો બંધ થઈ અને મન અંતર્મુખી બન્યું. બંધ આંખમાં વિજળીના પ્રહારથી તુટીને વિખેરાઈ જતું શિવલીંગ દેખાવા લાગ્યું. ધીમે ધીમે એના ટુકડાઓ એકત્ર થતાં દેખાવા લાગ્યાં. ધીમે ધીમે ફરી એક નવું શિવલીંગ રચાઈ ગયું અને આંખો જળધારીમાં ફેરવાઈ ગઈ. મન કોઈ અગોચર શક્તિ સાથે વાર્તાલાપ કરવા લાગ્યું ‘હે ઇશ્વર… તમે તુટીને અનેક ટુકડાઓમાં ફેરવાઈ જાઓ છો અને ફરી જોડાઈને પૂર્વવત્ત થાઓ છો તો હે નાથ… આ ક્ષમતા, આ શક્તિ અમને કેમ નથી આપી? અમે પણ તમારી જેમ જ તુટીએ છીએ, અનેક ટુકડાઓમાં વિખેરાઈએ છીએ પરંતુ અમને જોડનારું કોઈ નથી હોતું અમે એક્વાર તુટ્યા પછી આજીવન એ વેરણ છેરણ અસ્તિત્વનો ભાર લઈને ફરતા રહીએ છીએ. આવું કેમ? ભલે અમે તુટીએ , અમને તુટવું મંજુર છે પરંતુ હે નાથ… ફરી જોડાવાનું બળ આપો…ફરી બેઠા થવાની પાત્રતા આપો.’ હાથ હજુ યે જોડાયેલાં હતાં, માથુ નમેલું હતું, આંખો બંધ હતી. એક કવયિત્રી આજે કોઇ અદૃશ્ય ખભે માથું રાખી હળવી થઈ રહી હતી. એની આંખ આજે ઘણા વખતે વરસી રહી હતી. મંદિરમાં એ શિવલીંગ સાથે સંવાદ કરી રહી હતી. એના આંસૂની આંચમાં શિવલીંગ પીગળી જવાનું હોય એવી આબોહવા રચાઈ ગઈ હતી. એ અલૌકિક આબોહવાને ચીરતો બહારથી પતિદેવનો સાદ આવ્યો ‘ચાલો….હવે… બહુ વાતો કરી ભોળિયાનાથ સાથે’. કવયિત્રીએ માથું જમીનને સ્પર્શે તેમ નમાવ્યું. કપાળ પર એ પાવન ભુમીનો સ્પર્શ થવા દીધો. આંખોના જળને એ પવિત્ર જમીન પર વહેવા દીધા અને પોતાના અસ્તિત્વનો એક ટુકડો ત્યાં જ રહેવા દઈને બહાર નીકળી ગઈ. મનો મસ્તિષ્કમાં પંક્તિઓ ગુંજવા લાગી
‘પીડ અજરા-અમર અમારામાં,
ધ્વસ્ત કોઈ નગર અમારામાં.’
મંદિરમાંથી બહાર આવી પાછળ આવેલા ઘાસના ઢાળવાળા મેદાનમાં સૌ ભેગા થયાં. બધા થાક્યાં હોવાથી લાંબા થઈને પથરાઈ પડ્યાં. પુરુષવર્ગ તો આ લીલાછમ્મ ઢોળાવ પર શવાસનની મુદ્રામાં લેટી જ ગયો, સ્ત્રીવર્ગ પણ લાંબા પગ કરીને બેઠો. ચારેબાજુથી સાંય સાંય કરતો પવન વિંટળાઇ રહ્યો હતો. થાકેલા દેહની નીચે ઘાસની લીલી પથારી હતી અને ઉપર પવનની પારદર્શક ઓઢણી હતી. બધા નિઃશબ્દ હતાં. એક અભુતપૂર્વ વાતાવરણ રચાઈ ગયું હતું. કોઈ ઊભા થવાનું નામ લે તેમ ન હતું પરંતુ અંદર રહેલા વૈશ્વાનરે પોતાની હાજરીની જાણ કરી અને સૌ ભાવસમાધીમાંથી બહાર આવ્યાં.
સાથે લાવેલ લંચપેકમાંથી ચણા-પરોઠા અને અથાણાનું ભોજન કર્યું. આસપાસના કુતરા અને વાંદરાઓની ક્ષુધા શાંત કરવામાં ફાળો આપ્યો. જમીને આમતેમ ટહેલ્યાં. ખુબ ફોટા પાડ્યા. કુદરતની આ વિશાળ અને અદભુત કલાકૃતિને કેમેરાના ટચુકડા પરદામાં કેદ કરવાની કોશીશ કરી. પર્વતની ટોચે ઊભા રહીને સમયના આ ટુકડાને મનભરીને જીવી લીધો.સમગ્ર પરિવેશને હૃદયના કોઈ સુરક્ષિત ખુણામાં સાચવીને મૂકી દીધો અને નીચે જવા પગ ઉપાડ્યાં.
જીવન હોય કે પહાડ ચઢાણ જ આકરા હોય છે. ઉતરવું તો સાવ સરળ હોય! ઢાળ ઉતરતાં ઉતરતાં કવયિત્રીને પોતાની પંક્તિ યાદ આવી.
‘હા, મજા તો છે ઘણી બેશક પરંતુ,
જોખમો છે ઢાળ રસ્તે ચાલવામાં.’
લીંબુ શરબતના નશામાં અને મોબાઈલમાં વાગતા ફિલ્મી ગીતો પર ઝુમતા ઝુમતા આખું ગૃપ એકસાથે સડસડાટ પગથિયાં ઉતરી રહ્યું હતું. થાક તો સાવ ગાયબ થઈ ગયો હતો. ચાલતાં હતાં ત્યાં જ એક દંપતિ હસતું રમતું અમારી બાજુમાંથી પસાર થયું. એમના તરફ નજર જતાં જ જોયું કે બહેને પોતાની પીઠ પર પોતાના પાંચેક વર્ષના દીકરાને ઊંચકી લીધો હતો. એમના પતિદેવ મોજથી ચાલી રહ્યા હતા અને બેનની પીઠ પર દીકરો આનંદથી મલકી રહ્યો હતો. મેં હળવેકથી પતિદેવના કાનમાં કહ્યું ‘જોયુ? આને કહેવાય માની લાગણી.’ અમારા બન્નેની આંખ સામે એકસાથે બે દૃશ્યો સ્થિર થઈ ગયાં. એક અંધ દીકરાને રસ્તો બતાવતા પિતા અને એક સ્વસ્થ દીકરાને પીઠ પર ઊંચકી જતી માતા! હું પતિદેવના કાનમાં ફરીથી બોલી ‘સાહેબ… પિતા રસ્તો બતાવે જ્યારે માતા તો રસ્તો પાર કરાવે સમજ્યા!’ પતિદેવે લાગણીથી મારી સામે જોઈ હામી ભરી.
લગભગ પોણા પાંચ સુધીમાં તો અમે આ ત્રણ કિલોમીટરનું ઉતરાણ હોંશે હોંશે પસાર કરી દીધું. જતી વખતે ગીતા બહેનને જે ઘરે થાપણ તરીકે મૂકીને ગયા હતાં ત્યાં એમના દીકરો અને દીકરી તેમને લેવા રોકાયા અને અમે નીચે બસ અડ્ડા પર સ્થાનિક લોકો સાથે મંડળી જમાવી. ત્યાંના લોકોએ હવામાન વિશે, ત્યાંની સ્કુલો વિશે, મંદિર તથા યાત્રીઓ વિશે ઘણી વાતો કરી.
લગભગ સાડા પાંચે ગીતાબહેન અને તેમના સંતાનો નીચે આવ્યાં અને અમે બસમાં બેઠાં. બસ ચાલુ થતાં જ ગીતાબહેને પોતાના અનુભવની વાત માંડી અમે બધા ગીતાબહેનની આસપાસ ટોળુ વળીને ઊભા રહી ગયાં. એમણે વાત શરુ કરી ‘તમે લોકો ગયા પછી યજમાન દંપતિએ મને ચા-નાસ્તો કરાવ્યા. અમે લોકોએ એકબીજાને પોતાની ઓળખ આપી. નાસ્તો પત્યા પછી મને એમના સગા-વ્હાલાઓને ત્યાં મુલાકાત માટે લઈ ગયાં. યજમાન તથા તેમના સગા-વ્હાલાઓ તો ગુજરાતના મહેમાનને જોઈને ઓછા ઓછા થઈ ગયાં. બધાનો એક જ સૂર હતો કે ‘અમારે ત્યાં ગુજરાતના મહેમાન ક્યાંથી?’ બધા મારી આસપાસ ગોઠવાઈને આપણા ગુજરાત વિશે પ્રશ્નો પૂછવા લાગ્યાં. એ ગરીબ ખેડુતો ક્યારેય પોતાના પ્રદેશમાંથી બહાર નીકળ્યા ન હોવાથી ગુજરાત તો તેમને વિદેશ જેવું લાગતું હતું. અમે બધાએ પેટભરીને વાતો કરી. બપોર થતાં જ ખીર-પૂરીનું ભોજન પીરસાઈ ગયું. મને તો એવું લાગતું હતું જાણે હું મારા પિયર ન આવી હોઉં? અત્યારે નીકળતી વખતે મારા બાળકોને સો-સો રુપિયા રોકડા અને મને ગરમ શાલ,સ્કાર્ફ અને ટોપી ભેટમાં આપ્યાં.’ ગીતાબહેનની આંખમાંથી પાણી વરસી રહ્યાં હતાં, અમારા બધાની આંખો પણ એની અસરમાં ભેજવાળી થઈ ગઈ. મારાથી મનોમન બોલાઈ ગયું ‘વાહ રે…પ્રભુ! તારી દુનિયાના કેટકેટલા રંગ!’
નયનરમ્ય ઢોળાવો પર બસ રેવાલ ચાલે સરકી રહી હતી. સૌ થાક્યા હોવાથી ઝોલે ચડ્યાં હતાં. હું પણ બારીના ટેકે આંખો મીંચીને બેઠી હતી. બંધ આંખના પરદા પર અનેક દૃશ્યો રચાતા અને વિલાતા જતાં હતાં. બાપના ખભે હાથ મૂકી પર્વત ચડતો અંધ છોકરો, માતાની પીઠ પર બેસી પર્વત ઉતરતો છોકરો, વૃદ્ધ દંપતિના બોખલા મોં પર રેલાતું પ્રેમાળ હાસ્ય, ગીતાબહેન પર પ્રેમની વર્ષા કરતા સાવ અજાણ્યા દેહાતી માનવો, બિજલી મહાદેવના શરણમાં ઝુકીને અશ્રુભિષેક કરતી કવયિત્રી.
ખબર નહીં ક્યારે ગંતવ્ય સ્થાન આવ્યું? ક્યારે પેલા લીલા સફરજનના સથવારે ડીનર લીધું? ક્યારે તંબુની ચેઈન બંધ કરીને પથારીમાં ઝંપલાવ્યું? ક્યારે આંખ મીંચાઈ? કશું જ યાદ નથી. મીંચેલી આંખ પાછળ એક જ દૃશ્ય સ્થિર થઈ ગયું હતું. પર્વતની ટોચે આવેલ એક નાનકડા શિવમંદિરના ગર્ભગૃહમાં એક સ્ત્રી નતમસ્તકે અશ્રુભિષેક કરી રહી હતી. એના અસ્તિત્વનો એક ટુકડો મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યો હતો, એની ફરતે પૃથ્વિ, સુર્ય,ચન્દ્ર, તારા, ગ્રહો સહિતનું આખુયે બ્રહ્માંડ પ્રદક્ષિણા કરી રહ્યું હતું. કવયિત્રીને પંક્તિઓ સ્ફૂરી રહી હતી.
‘શિખરનો, ધજાનો, ગભારાનો જાદૂ, છવાયો છે ગેબી ઈશારાનો જાદૂ.
‘અઠે દ્વારિકા’ કહીને બેસી જવાયું, હતો કંઈક એવો ઉતારાનો જાદૂ’
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
