સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
મેં મારી કારકિર્દીની શરૂઆતમાં, વિવિધ વય જૂથોના વિદ્યાર્થીઓને Oracle અને PL/SQLને શીખવવાની એક શિક્ષક તરીકે ભૂમિકા પણ મેં ભજવી છે. એક શિક્ષક તરીકે શરૂઆતમાં જ મને એક વાત સમજાઈ ગઈ હતી કે આપણામાંના દરેકની – નવી વસ્તુઓને સમજવાની અને સ્વીકારવાની, ફેરફારોને સ્વીકારવાની અને આપણી પોતાની વિચારસરણી બદલવાની – શીખવાની ઝડપ અલગ અલગ હોય છે.
શિક્ષક તરીકેની બીજી મહત્વની અનુભૂતિ એ હતી કે શિક્ષક ગમે તેટલો સારો હોય, વિદ્યાર્થીઓ ત્યારે જ શીખે છે જ્યારે તેઓ વાસ્તવમાં પાઠનો અભ્યાસ કરે છે અને જે શીખે છે તેનો વાસ્તવિક દુનિયામાં અમલ કરે છે.
આ વાતને પ્રક્રિયા સુધારણા સાથે શું સંબંધ છે? બહુ ઘણા…
મારા મતે, સંસ્થાકીય પરિવર્તનને અમલમાં મૂકવું એ શિક્ષણ જેવું જ છે, કારણ કે શિક્ષણની જેમ જ તે લોકો/ટીમ/સંસ્થાને વધુ સારી રીતે બદલી નાખે છે. તેમાં અન્ય લોકો પોતાના કાર્યને કેવી રીતે જુએ છે તે વિશેની અસર ઊભી કરવાનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત, તેમાં પરિવર્તનનો અમલ કરવાનો પણ સમાવેશ થાય છે. તેમાં લોકો સાથે વિચારો અને અનુભવોનાં આદાનપ્રદાનના સંચાર અને દરેકને પરિવર્તનની પ્રક્રિયા સાથે જોડવાનો સમાવેશ થાય છે.
સમગ્ર સંસ્થામાં દરેક વ્યક્તિ સમાન દરે ફેરફાર સ્વીકારે એવી અપેક્ષા કરવી એ આપણી એક મોટી ભૂલ બની રહે છે. અહીં પણ લોકો અલગ દરે શીખે છે અને પરિવર્તંન સાથે અનુકૂલન કરે છે. આ બન્ને બાબતોને “પરાણે ગળે ઉતારવા” કરતાં પરિવર્તનને “સુગમ” બનાવવું વધારે મહત્વપૂર્ણ છે. શિક્ષણનો મારો પહેલો પાઠ અહીં પણ સાચો નીવડે છે.
પરિવર્તનમાં ઘણી તાલીમનો અને પરામર્શનોનો સમાવેશ થાય છે, પરંતુ કોઈપણ નોંધપાત્ર પરિવર્તનની વાસ્તવિક સ્વીકૃતિ ત્યારે જ થાય છે જ્યારે લોકો જાતે ખરેખર નવી પ્રથાઓ લાગુ કરે અને પરિવર્તનના મૂર્ત લાભોનો અનુભવ કરે. આનો અર્થ એ પણ થાય છે કે જ્યારે લોકો તેમના રોજિંદા કામમાં પરિવર્તનનો અમલ કરે છે, ત્યારે જ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં નાનાંમોટાં સંધાણો થશે એને નાના નાના ફેરફારો દ્વારા પરિવરતનને વધારે સુગમ બનાવવાનો પ્રયાસો પણ થતા રહેશે. શિક્ષણ અંગેના મારા બીજા, બહુ થોડા સમયના અનુભવનો મારો બીજો પાઠ પણ અહીં કામ આવે છે.
મેં એ પણ જોયું કે વિદ્યાર્થીઓ જ્યારે વાસ્તવિક જીવન સાથે વિષયની સુસંગતતા જુએ છે ત્યારે શીખવાની પ્રક્રિયા પરાકાષ્ટાએ પહોંચે છે. એવું જ સુધારણાઓ સાથે પણ છે, કારણ કે આખરે તો લોકોને સુધારણાના હેતુની પ્રતીતિ થાય ત્યારથી જ સુધારણા પ્રક્રિયાનો અમલમાં આવશે.
અને છેલ્લે:
શિક્ષણ પ્રદાન, પ્રક્રિયા સુધારણા અને પરિવર્તનની પહેલ, એ બધામાં લોકોનું સામેલ થવું સ્વાભાવિક અને જરૂરી છે. લોકો કેવી રીતે શીખે છે, બદલાય છે અને અનુકૂલન કરે છે તે જાણવાથી મહત્વપૂર્ણ સંસ્થાકીય ફેરફારો/સુધારણાઓને અમલમાં મૂકવામાં બહુ મદદ મળી રહે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
