ફિર દેખો યારોં

બીરેન કોઠારી

વિક્રમ સારાભાઈ, જયંત નાર્લીકર, રાજા રામન્ના, હોમી સેઠના, માધવ ગાડગીલ, સી.એન.આર.રાવ, આર.એ.માશેલકર, અશોક ઝુનઝુનવાલા જેવાં નામોમાં શી સમાનતા છે? આ સૌ આપણા દેશના અગ્ર હરોળના વિજ્ઞાનીઓ છે એ ખરું, પણ એ ઉપરાંત તેઓ ‘શાંતિસ્વરૂપ ભટનાગર પારિતોષિક’ પ્રાપ્ત વિજ્ઞાનીઓ છે. ‘રીસર્ચ લેબોરેટરીના પિતામહ’ તરીકે આદરણીય ગણાતા શાંતિસ્વરૂપ ભટનાગર વૈજ્ઞાનિક સંશોધનને વરેલી સંસ્થા ‘કાઉન્‍સિલ ફોર સાયન્‍ટિફિક એન્‍ડ ઈન્ડસ્ટ્રીઅલ રિસર્ચ’ (સી.એસ.આઈ.આર.)ના સ્થાપક નિયામક હતા. તેમનું અવસાન ૧૯૫૫માં થયું. એ પછી તેમની સ્મૃતિમાં તેમના નામે પારિતોષિકનો આરંભ ૧૯૫૮થી કરવામાં આવ્યો, જે છેક ૨૦૨૧ સુધી, સી.એસ.આઈ.આર.ના સ્થાપના દિન 26 સપ્ટેમ્બરના રોજ, નોંધપાત્ર પ્રદાન કરનાર ૪૫ વર્ષથી નાની વયના વિજ્ઞાનીને એનાયત કરવામાં આવતો હતો. પાંચ લાખ રૂપિયાની રકમનો આ પુરસ્કાર વિજ્ઞાનીઓમાં અતિ પ્રતિષ્ઠિત મનાતો આવ્યો છે, જેના માટે સંબંધિત વિવિધ લોકો પાસેથી સૂચન અને ભલામણ આવકારવામાં આવે છે. છ દાયકા કરતાં વધુ સમયથી ચાલી આવતો આ ક્રમ છેક ૨૦૨૨માં તૂટ્યો. એ વરસે પારિતોષિક પ્રાપ્તકર્તાઓનાં નામ નક્કી થઈ ગયાં હતાં, પણ તેની ઘોષણા કરવામાં આવી નહીં. આ વરસે, એટલે કે ૨૦૨૩માં હજી આ અંગેની કોઈ હિલચાલ જણાતી નથી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જિતેન્‍દ્ર સિંઘના જણાવ્યા અનુસાર સરકારે સુવ્યવસ્થીકરણ (રેશનલાઈઝેશન)ના ભાગરૂપે આ પુરસ્કારને હાલ અટકાવવાનો નિર્ણય લીધો છે. વિજ્ઞાન ક્ષેત્રના પુરસ્કારના નવા માળખા અંગે કામ ચાલી રહ્યું હોવાના અહેવાલ છે. ‘બહુ ઝડપથી’ તેની ઘોષણા કરવામાં આવશે.

આ અગાઉ, સપ્ટેમ્બર, ૨૦૨૨માં યોજાયેલી એક મીટિંગમાં ગૃહસચિવ અજય ભલ્લાએ કરેલી ઘોષણા અનુસાર વિજ્ઞાનીઓ તેમજ તબીબી ક્ષેત્રના સંશોધકોને અપાતા પુરસ્કારમાં ઘટાડો કરી દેવાનું અને તે કેવળ ‘ખરેખર લાયક’ ઉમેદવારો પૂરતા જ મર્યાદિત રાખવાનું નક્કી કરવામાં આવ્યું. ડિપાર્ટમેન્‍ટ ઑફ સાયન્‍સ એન્‍ડ ટૅક્નોલોજી, ડિપાર્ટમેન્‍ટ ઑફ બાયોટૅક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, કાઉન્‍સિલ ઑફ સાયન્‍ટિફીક એન્ડ ઈન્‍ડસ્ટ્રીઅલ રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઑફ એટમિક એનર્જી, ડિપાર્ટમેન્‍ટ ઑફ હેલ્થ રિસર્ચ તેમજ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય જેવા વિજ્ઞાન સાથે સંકળાયેલા દેશભરના વિવિધ વિભાગોના સેક્રેટરીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ આ મિટીંગમાં હતી. આ વિવિધ વિભાગો દ્વારા નાનામોટા વિવિધ પુરસ્કાર એનાયત કરીને વિજ્ઞાનીઓની સિદ્ધિને પોંખવામાં આવતી હતી. એ યાદ રાખવું જરૂરી છે કે પુરસ્કાર અને ઈનામમાં પાયાનો ભેદ છે. કોઈ સ્પર્ધા જીતવા બદલ જે અપાય એ ઈનામ, પણ કોઈ વ્યક્તિના પ્રદાનને પુરસ્કૃત કરવા બદલ જે એનાયત કરવામાં આવે એ પુરસ્કાર. વિજ્ઞાનીઓની કારકિર્દીમાં અમુક તબક્કે પુરસ્કાર પ્રોત્સાહનનું કામ કરે છે, કેમ કે, તે તેમના સમગ્ર પ્રદાનને લક્ષમાં રાખીને આપવામાં આવે છે. તેની રકમ નાની હોય કે મોટી એ મહત્ત્વનું નથી, પણ પ્રદાનની નોંધ લેવાય એ બાબત વધુ મહત્ત્વની છે. કોઈ મોટો અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પામતા મોટા ભાગના વિજ્ઞાનીઓ પોતાની કારકિર્દીમાં અગાઉ નાનાં સન્માનોથી સન્માનિત થઈ ચૂક્યા હોય છે.

વિજ્ઞાન ક્ષેત્રના ભાવિ અગ્રણીઓની ઓળખ કરાવવામાં આ પુરસ્કાર અતિ મહત્ત્વનું પગથિયું બની રહ્યો છે. ભટનાગર પારિતોષિકથી પુરસ્કૃત પાંચસોથી વધુ વિજ્ઞાનીઓ પૈકી ૧૬ને આગળ જતાં પદ્મવિભૂષણ, ૪૯ને પદ્મભૂષણ અને અને ૬૯ને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયા. આ સરકાર દ્વારા અપાતું નાગરિકસન્માન છે. આવા સાત વિજ્ઞાનીઓને આ ત્રણે સન્માન પ્રાપ્ત થયાં. ભટનાગર પુરસ્કારથી પુરસ્કૃત પચીસેક વિજ્ઞાનીઓ અત્યંત પ્રતિષ્ઠિત એવી રોયલ સોસાયટીના ફેલો બન્યા છે, પંદર વિજ્ઞાનીઓ અમેરિકાની નેશનલ એકેડેમી ઑફ સાયન્‍સીસના ફોરેન એસોસિયેટ છે, અને ૧૪૩ વિજ્ઞાનીઓ ધ વર્લ્ડ એકેડેમી ઑફ સાયન્‍સીસના ફેલો છે. આમ, એક સન્માનીય પુરસ્કાર લાયક વ્યક્તિને યોગ્ય સમયે મળે તો તે કારકિર્દીમાં ઉદ્દીપક સમો બની રહે છે.

આઈ.આઈ.ટી.ના એક વિજ્ઞાનીએ એક અખબારને જણાવ્યું કે વિજ્ઞાનીઓના સમુદાયમાં એવી વ્યાપક ભાવના પ્રવર્તી રહી છે કે સરકારને વિજ્ઞાનીઓ પર પૂરતો વિશ્વાસ નથી. ભટનાગર પુરસ્કારને બે વર્ષથી કશા કારણ વિના અટકાવી રાખીને સરકારે દર્શાવી દીધું છે કે આ સમુદાય પ્રત્યે સરકારનું વલણ કેવું છે. અન્ય એક વિજ્ઞાનીએ જણાવ્યું છે કે આપણા યુવાન વિજ્ઞાનીઓને પ્રોત્સાહિત કરવા માટેનો આ ઉત્તમ પુરસ્કાર છે. આ વિજ્ઞાનીઓએ ઉજ્જ્વળ કારકિર્દી માટે વિદેશમાં સ્થાયી થવાનું આકર્ષણ છોડીને દેશની પ્રગતિમાં પોતાનું પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. સખત મહેનત અને તીવ્ર બુદ્ધિમતાથી તેઓ આગળ આવ્યા છે.

અગાઉ ૨૦૨૨માં ગૃહસચિવ અજય ભલ્લાએ ઘોષિત કરેલું કે કેન્‍દ્ર દ્વારા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સાથે મસલત કરીને ‘નોબેલ પુરસ્કાર જેવો’, ખાસ વિજ્ઞાન માટેનો ‘વિજ્ઞાનરત્ન’ પુરસ્કાર શરૂ કરવામાં આવશે, જેનું મહત્ત્વ ‘ભારતરત્ન’ જેવું હોઈ શકે. અજય ભલ્લાએ ત્યારે જણાવ્યા મુજબ વિજ્ઞાન ક્ષેત્રના વિવિધ પુરસ્કારો બંધ કરીને આવો એક મોટો પુરસ્કાર શરૂ કરવાનું વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનું, સન્માનની પ્રણાલિને પરિવર્તિત કરવાનું દર્શન જણાવ્યું હતું, જેમાં ‘ખરેખર લાયક ઉમેદવારો’ની પસંદગીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરાશે એમ જણાવવામાં આવ્યું હતું.

અત્યારે તો એમ જણાય છે કે ‘એક રાષ્ટ્ર, એક પુરસ્કાર’ પ્રકારનું કશુંક નવું ગતકડું વહેતું મૂકવામાં આવે એની તૈયારીઓ થઈ રહી છે, જેમાં સૂત્રાત્મકતા, લોકરંજકતા અને વ્યર્થતા વધુ, પણ નક્કરતા નહીંવત્‍ હોય. એમ લાગે છે કે ઇતિહાસ પછી હવે વર્તમાન સરકાર વિજ્ઞાનનો વારો કાઢવામાં છે. અંધશ્રદ્ધા, દ્વેષ અને જૂઠાણાંનો પ્રસાર વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી કરવામાં આવી રહ્યો હોય એવા અભિગમને પણ નાગરિકોનો મોટો હિસ્સો ‘વૈજ્ઞાનિક અભિગમ’ ગણાવવા તત્પર હોય ત્યારે કયું ક્ષેત્ર પોતાની અસલિયત ગુમાવવામાં બાકી રહેશે એ સવાલ છે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)