નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
ભીમતાલ જોઈને નીકળ્યા પછી સાંજે છ સાડા છ સુધી કાઠગોદામ પહોંચી ગયાં. ત્યાં અમને એક ઉડીપી રેસ્ટોરંટમાં, આટલા દિવસો પછી, ઈડલી-વડા, ઢોસા, સંભાર્ચટની વગેરે ઝાપટવા મળ્યું એટલે સૌ પ્રસન્ન થઈ ગયાં.
ભાવતાં ભોજન કરીને ભલે ખુશ થયાં પણ છૂટા પડવાની વેળા નજદીક આવતી હતી એ વિચારથી કંઇક વિષાદની લાગણી પણ વારંવાર મનનો કબજો લઇ લેતી હતી. બધાં એકી અવાજે કહેતાં હતાં કે આ પ્રવાસમાં સમય એટલો ઝડપથી પસાર થઈ ગયો કે, ઘર કે ઘરનાં લોકોને યાદ કરવાની પણ ફુરસદ ન મળી. હવે તો કાઠગોદામથી દિલ્હી અને પછી દિલ્હી પહોંચ્યા પછી આ પંખીમેળામાંથી પંખીઓ જુદા જુદાં સ્થળે ઉડી જવાનાં હતાં. પણ હજુ અમારી પાસે થોડાક કલાકો હતાં. એનો પૂરેપુરો ઉપયોગ કરીને ખૂબ મોજમસ્તી, ધમાલ, હસાહસ કરી. અલબત્ત આજુબાજુના પ્રવાસીઓને ત્રાસ તો પહોંચ્યો હશે પણ એ લોકો કોઈએ ફરિયાદનો સૂર ન ઉઠાવ્યો એટલે અમને મોકળું મેદાન મળી ગયું.
ફરી ફરીને વિચાર એ આવતો હતો કે અમારાં સહયાત્રીઓમાંથી કેટલાંક તો જિંદગીમાં એકમેકને પહેલી જ વાર મળ્યાં હતાં. હજી પંદર દિવસ પહેલાં તો એકબીજાંથી અજાણ્યાં હતાં. માત્ર પંદર (ખરેખર તો ગણવા જઈએ તો તેર જ) દિવસમાં એવાં કેવાં એક અદૃશ્ય તંતુથી જોડાઈ ગયાં કે જાણે ચીરપરિચિત હોઇએ? મારાં એક મિત્રનું અવલોકન મને સાચું લાગે છે કે જ્યારે આપણે પૂરેપુરી સુખસગવડો, સુવિધાઓ સાથે પ્રવાસ કરતાં હોઈએ છીએ ત્યારે અન્યોન્ય સાથે એ રીતે નથી જોડાઈ શકતાં જેટલાં થોડી તકલીફો, થોડી અગવડો, થોડી અસુવિધાઓ વચ્ચે જોડાઈએ છીએ.
આ સફરની જ વાત લઇએ. અમારામાંનાં ઘણાંને સવારના પહોરમાં ઊઠતાંવેંત ચાની તલપ લાગવા માંડે. બધે ઠેકાણે તો બેડ ટી (મોર્નિંગ ટી) ઉપલબ્ધ ન પણ હોય. આવા વખતે મુંબઈથી આવેલાં ચંદ્રિકાબહેન અને રમેશભાઈ સાથે ગરમ પાણીની કીટલી લાવેલાં એ એવી તો આકર્ષણનું કેંદ્ર બની ગયેલી કે એ જેના રૂમમાં હોય ત્યં બધાં ટોળે વળે. રાતના સમયે જો બ્રેડબટર અને સૂપનાં રેડી પૅકેટથી ભોજન પતાવવાનું હોય તો એ કીટલીમાં થયેલ ગરમ પાણીમાં સૂપ બનતો જાય અને પીરસાતો જાય. સૂપની ચુસકીઓ અને બ્રેડબટરનાં બટકાંઓની સાથે અલકમલકની વાતો કરતાં કરતાં ભોજનને ન્યાય મળતો જાય. ફાઇવસ્ટાર હૉટેલના ડનલોપનાં ગાદલાંઓમાં નીંદર ખુલતાં જ ચા મળી જવાની સુવિધા મળતી હોત તો આ હસી-મજાકની છોળો ક્યાંથી ઊડી હોત !
આ પરિસ્થિતિમાં ‘ધ બર્નિંગ ટ્રેન’ ફિલ્મનું ગીત
પલ દો પલ કા સાથ હમારા, પલ દો પલ કી યારી હૈ
ઇસ મંઝિલ પર મિલનેવાલે, ઉસ મંઝિલ ઓઅર ખો જાયેંગે
યાદ આવતું હતું. બરાબર આ પંક્તિઓ પ્રમાણે જ દિલ્હીથી કોઈ અમદાવાદ જવાનું હતું તો કોઈ ફરીદાબાદ જવાનું હતું – પણ સૌ કોઈ જિંદગીભરનું સંભારણું અને ફરીથી આ રીતે મળવાની આશાનું ભાથું લઈને છૂટાં પડવાનાં હતાં એ વાતની પ્રસન્નતાથી બધાંની દિલ આબાદ હતાં.
સમાપ્ત
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

સાચે જ સુખ, સગવડ કરતાં અગવડ કે તકલીફોમાં સાથ આપનાર સાથે બંધાયેલો સ્નેહનો સેતુ તો રામસેતુ જેવો..
LikeLike