ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન
ચિરાગ પટેલ
- છાંદોગ્ય ઉપનિષદ્ કહે છે : જે ઋચા છે તે સામ છે (૧/૩/૪). સામ ઋચા પર આધારિત હોય છે (૧/૬/૧). વાણીનો રસ ઋચા છે, ઋચાનો રસ સામ છે, સામનો રસ ઉદ્ગીત છે (૧/૧/૨). વેદોમાં સામવેદ જ પુષ્પ છે (૩/૩/૧). વાણી ઋક અને પ્રાણ સામ છે (૧/૧/૫).
- અથર્વવેદ કહે છે: પતિ “સામ” હું છું, પત્ની “ઋચા” તું છે (૧૪/૨/૭૧, ૮/૨૭, ૬/૪/૨૦).
- ઋગ્વેદની ઋચાઓ સાથે લખવામાં આવતા જે-તે ઋષિ એના રચયિતા છે, જ્યારે સામવેદના સામ સાથે ઉલ્લેખ કરાતા જે-તે ઋષિ એ સામ દ્વારા સહુપ્રથમ ઇષ્ટ પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે.
- ઋગ્વેદનો વિષય છે – શસ્ત્ર એટલે કે હોતા દ્વારા પ્રયુક્ત થનારો મંત્ર.
- વેદના બધાં જ મંત્ર પદ્ય, ગદ્ય અને ગાન એમ ત્રણ ધારાઓમાં વહેંચાયેલા છે, એટલે એમને વેદત્રયી કહે છે.
- ઋગ્વેદને બે ક્રમોમાં વિભાજિત કરવામાં આવે છે:
૧. અષ્ટકક્રમ: સંપૂર્ણ સંહિતા આઠ અષ્ટકોમાં, પ્રત્યેક અષ્ટક આઠ અધ્યાયોમાં, પ્રત્યેક અધ્યાય અમુક વર્ગોમાં અને પ્રત્યેક વર્ગ મોટે ભાગે પાંચ અને અમુક એકથી લઈને નવ ઋચાઓમાં વહેંચાયેલાં છે. આવા કુલ ૨૦૦૬ વર્ગ છે. આ પ્રાચીન વિભાજન છે.
૨. મંડળક્રમ: આ આધુનિક વિભાજન છે. એમા ૧૦ મંડળો છે. પ્રત્યેક મંડળ અનેક અનુવાક, પ્રત્યેક અનુવાકમાં અનેક સૂક્ત અને પ્રત્યેક સૂક્તમાં એકથી વધારે ઋચાઓ છે.૧૦ મંડળોમાં ૮૫ અનુવાક, અને ૧૦૧૭ સૂકતો છે. બાલખીલ્ય નામે ઓળખાતા ૧૧ સૂકતો ઉમેરતાં કુલ ૧૦૨૮ સૂકતો છે.
- ઋક સંહિતામાં કુલ ૧૦૫૮૦ ઋચાઓ છે.
- કુલ ૧૫૩૮૨૬ શબ્દો છે.
- અક્ષર સંખ્યા ૧૨૦૦૦ બૃહતી વર્ણ અર્થાત ૧૨૦૦૦ x ૩૬ = ૪૩૨,૦૦૦ છે.
- વર્તમાનમાં ઉપલબ્ધ ઋગ્વેદ શાકલ સંહિતા છે, જેમાં ૧૦૫૫૨ ઋચાઓ છે.
- ભટ્ટ ભાસ્કર મિશ્ર, ભરત સ્વામી, વેંકટ માધવ, ઉદ્ગીથ, સ્કંદ સ્વામી, નારાયણ, રાવણ, મુદ્ગલ, ઉવટ, મહીધર, સાયણ વગેરે અનેક ભાષ્યકારોએ ઋગ્વેદ પર ભાષ્ય રચ્યાં છે.
- મહર્ષિ વેદવ્યાસના શિષ્યોમાં પૈલને ઋગ્વેદ, જૈમિનિને સામવેદ, વૈશમ્પાયનને યજુર્વેદ, અને દારુણ મુનિ સુમન્તુને અથર્વવેદની શાખાઓ/પરંપરા માટે અગ્ર મનાય છે.
- ઋગ્વેદની ૨૧ શાખાઓનો ઉલ્લેખ છે જેમાં પાંચ મુખ્ય છે – શાકલ, વાષ્કલ, આશ્વલાયન, શાન્ખાયન અને માણ્ડૂકાયન.
- શાકલ્ય ઋષિના પાંચ શિષ્યો મુદ્ગલ, ગાલવ, શાલીય, વાસ્ત્ય અને શૈશિરની અન્ય પાંચ શાખાઓ છે જે શાકલ શાખાનો જ વિસ્તાર છે.
- વાષ્કલ ઋષિના ચાર શિષ્યો બૌધ્ય, અગ્નિ-માઠર, પરાશર અને જાતૂકર્ણ્યની અન્ય શાખાઓ છે.
- શાન્ખાયન શાખાની અન્ય ત્રણ શાખાઓ કૌષીતકિ, મહાકૌષીતકિ અને શામ્વવ્ય છે.
- શાકલ શાખામાં ૧૧૧૭ સૂકતો છે.
- વાષ્કલ શાખામાં ૧૧૨૫ સૂકતો છે, જેમાં ૧ સંજ્ઞાન અને ૭ બાલખિલ્ય સૂકતો છે.
- આચાર્ય સાયણ લખે છે – એકમેવ સત તત્વ (પરબ્રહ્મ)ની સ્તુતિ કરવાથી ઋચાઓ ઋક્ કહેવાય છે. એને જ ઋગ્વેદ કહે છે. જે મંત્રોના માધ્યમથી પ્રકાશમાન થયા એ જ દેવ છે. મંત્રરૂપ વાક્યોના વક્તાને ઋષિ કહે છે. નિયત પરિમાણવાળો વર્ણ સમૂહ છંદ છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
