જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
અંશ ૩ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
સાટા વિનિમય – ચીજવસ્તુની અદલબદલ
નાણાની શોધ થઈ તે પહેલાંના સમાજ અને બજાર વ્યવસ્થાઓ સાટા વિનિમય વડે કામકાજ કરતાં હતાં. આ વ્યવસ્થા એક વ્યક્તિ પાસે ઉપલબ્ધ ચીજવસ્તુ કે સેવાની તે સામેની વ્યક્તિ પાસે ઉપલબ્ધ ચીજવસ્તુ કે સેવાની અદલબદલ કરીને બન્ને પક્ષોની જરૂરિયાતોને સંતોષી લેતાં. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં વસ્તુની કિંમતનો અંદાજ બન્ને પક્ષ પોતપોતાની પાસેની વસ્તુઓના જથ્થાના અંદાજનાં આપસી સમજનાં રૂપમાં મુકીને કરી લેતાં.
દેખીતી રીતે વસ્તુઓના આપસી વિનિમય દ્વારા નાણા સંબંધિત ફુગાવા જેવી સમસ્યાઓ ટાળી શકાય. અદલબદલ દરમ્યાન બન્ને પક્ષની ચીજવસ્તુઓના જથ્થાની આપલેનો ગુણોત્તર બન્ને પક્ષની ચીજવસ્તુઓની કિંમતનું માપ નક્કી કરવાનો એક વ્યવહારૂ વિકલ્પ રહ્યો છે. જોકે વસ્તુઓની કિંમત નક્કી કરવામાં અહીં પણ બન્ને પક્ષની જરૂરિયાતોનાં મહત્વ તેમ જ બન્ને પ્રકારની ચીજવસ્તુઓની માગ અને પુરવઠાનાં પરિબળોના પ્રભાવની અસર, જાણ્યેઅજાણ્યે, રહેતી તો હોય જ છે. વેચનાર પાસે ઉપલબ્ધ વસ્તુ માટે પોતાની જરૂરિયાત પુરી કરતી ચીજવસ્તુની જેને જરૂર હોય એવો ખરીદનાર શોધવો એ આ પદ્ધતિની પહેલી મુશ્કેલી હતી. તે ઉપરાંત, અદલબદલ શક્ય બનવા માટે બન્ને પક્ષો પાસેની વસ્તુઓનો ગુણોત્તર નક્કી કરવાની સમસ્યા પણ રહેતી જ. પરિણામે, સાટા વિનિમયની વ્યવસ્થાની વહેવારૂતા મર્યાદિત બની રહેતી.
ઔધોગિક ક્રાન્તિ પછી ઉત્પાદક અને ખરીદનાર વચ્ચેના સીધા સંબંધનો અવકાશ ઘટતો ગયો. તેમાં હવે ઉત્પાદન, વેચાણ અને ખરીદીની સાંકળની કડીઓ વૈશ્વિક સ્તરે ફેલાઈ જવાથી ઉત્પાદક અને ખરીદનાર વચેની માલની સીધી આપલે લગભગ અસંભવ બની ગઈ. આમ પુરવઠાની સમગ્ર સાંકળને અસરકારક રીતે જોડેલી રાખે એવાં સ્વતંત્ર, નિરપેક્ષ માધ્યમની જરૂર ઊભી થઈ, જે નાણાની શોધમાં પરિણમી. નાણાના વૈશ્વિક વિનિમયનાં માધ્યમ તરીકેની વ્યવસ્થાના વિકાસે દુનિયાને એક છેડે બેઠેલા ફળોના ઉત્પાદકને તેની પાસેના જથ્થાનું વેચાણ કરીને તેમાંથી મળે; અને એ નાણાંનાં વળતર દ્વારા પોતાની જરૂરિયાત અનુસારનું, દુનિયાને બીજે છેડે બનેલ, રાચરચીલું ખરીદવું શકય બની ગયું. વેચાણ માટેની વસ્તુઓના માંગ અને પુરવઠા અનુસાર નક્કી થતી કિંમત તેમ જ પોતપોતાની પાસે ઉપલબ્ધ જ્થ્થાનું કુલ મૂલ્ય વેચાણ કરનાર અને ખરીદ કરનાર બન્ને માટે નાણાં સ્વરૂપ નિરપેક્ષ માધ્યમ વડે નક્કી કરવું સરળ બની ગયું.
જોકે જેમની પાસે નાણાની સીધી ઉપલબ્ધતા નથી એવા સમાજનાં લોકો માટે પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે પોતાની પાસે ઉપલબ્ધ ચીજવસ્તુઓને કે પોતાનાં કૌશલ વડે શક્ય બનતી સેવાઓને સાટામાં આપવાની સગવડ એક અનિવાર્ય વિકલ્પ બની રહે છે. સ્વાભાવિક છે કે આ પ્રકારની વ્યવસ્થા વેચનાર અને ખરીદનાર વચે સીધો સંપર્ક શક્ય હોય તેવી સ્થાનિક કક્ષાએ જ મર્યાદિત રહે. સામાન્યપણે, અર્થશાત્રીઓ આવી વ્યવસ્થામાંના ઉત્પાદકો અને ગ્રાહકોના લેણદેણના વ્યવહારોની અસરોને સામુહિક અર્થવ્યવસ્થા પર નગણ્ય કક્ષાની ગણે છે એટલે નાણાપ્રધાન અર્થવ્યવસ્થાના હિસાબોમાં આ આખી વ્યવસ્થા આવતી નથી હોતી.
હમણાં થોડા સમયથી, મોટી કંપનીઓ દ્વારા માલસામાન અને સેવાઓની નાણાકેંદ્રી વૈશ્વિક લેવેચની સામે ઘણા દેશોમાં વિરોધ થવા લાગ્યો છે. પોતાના દેશમાં જ બનેલી વસ્તુઓ કે સેવાઓ વાપરવી એવું વલણ વધતું જતું જોવા મળે છે. આમ કરવાથી ઘણા કિસ્સાઓમાં ઉત્પાદનો બીજા દેશમાંથી કરાતી આયાતો કરતાં મોંઘાં પણ પડતાં હોવા છતાં, પણ પોતાના દેશના પરંપરાગત હુન્નર પર નભતાં લોકોનાં જીવન ધોરણને સુધારવા માટે કે દેશમાં રોજગારની તકો વધે એવાં એવાં એવાં કારણોસર આ નિર્ણયો લેવાતા હોય છે. ફ્રાંસના વાઈન પેદા કરતા બગીચાઓના માલિકોને, કે ભારતના રમકડાં ઉદ્યોગ કે હસ્તકલાનાં ઉત્પાદનોને, અપાતાં પ્રોત્સાહનો આ વધતાં જતાં વલણનાં ઉદાહરણો છે. ભલે નાણાકેંદ્રી, પણ વૈશ્વિક સ્તરને બદલે સ્થાનિક સ્તરે જ ઉત્પાદન અને વપરાશનો વિનિમય હવે કદાચ નવા પ્રકારના સ્થાનિક સાટા વિનિમય તરીકે ઉભરે તો નવાઈ નહીં !
સાટા વિનિમય – સેવાની સામે સેવાની અદલબદલ
આજે હવે જ્યારે નાણાનાં સ્વતંત્ર અને નિરપેક્ષ માધ્યમથી ચીજવસ્તુઓની કિંમત નક્કી કરવી જાણવી સરળ બનતી જાય છે તેમ તેમ ચીજવસ્તુઓના વિનિમયના વ્યવહારો પણ સગવડભર્યા થવા લાગ્યા છે. પરિણામે ચીજવસ્તુઓના સાટા વિનિમયનાં બજારો હવે ક્યાંક રડ્યાં ખડ્યાં જ રહ્યાં છે. ચીજવસ્તુઓના સાટા વિનિમયની પ્રથા જૂની ભલે થઈ ગઈ હોય પણ એકવીસમી સદીમાં એ વ્યવસ્થાને ચીજવસ્તુઓ ઉપરાંત સેવાઓના વિનિમય સુધી વિસ્તારવી જોઈએ. સેવાઓના સાટા વિનિમયમાં આપણા માટે જે કોઇ કામ કરી આપે તેના બદલામાં આજે, અથવા તો ભવિષ્યમાં, આપણે કામ કરી આપવાનો વ્યવહાર મુખ્ય ભૂમિકામાં રહે છે. આપણે જે સેવા મેળવીએ તેના વળતર રૂપે સામે આપણી સેવા આપવી એટલે સેવાઓનો સાટા વિનિમય.
એક એક વ્યક્તિ માટે નાણાની મદદ લીધા સિવાય પોતપોતાની સેવાની આપલે કરવી શક્ય બની શકે છે, એટલે, સામાન્ય રીતે, સેવાઓનો બદલો વ્યક્તિગત અને સ્થાનિક સ્તરે જ થતો હોય છે. આ પ્રકારના સાટા વિનિમયનું કદાચ સૌથી સારૂં ઉદાહરણ રસોઈ, ઘરની સફાઇ તેમ જ અન્ય ઘરનાં કામો કરી આપવાનો ગણી શકાય. અહીં આ સેવાઓનું વળતર નાણાને બદલે એક કે બે વખતનું જમવાનું, કપડાં લત્તાં, રહેવાની સગવડ તેમ જ સેવા આપનારના ઘરના પ્રસંગો સમયે કરાતી વિવિધ પ્રકારની સહાયો દ્વારા ચુકવાતું હોય છે.
આજના સમાજમાં નાના નાના સમુદાયોમાં સ્વરોજગાર કે બીજા માટે સેવાઓ પુરી પાડીને સમાજના વ્યવહારોની ગોઠવણ કરાતી જોવા મળે છે. ઇસ્રાયેલનાં કિબ્બુત્ઝ આ વ્યવસ્થાનું એક આદર્શ ઉદાહરણ છે. સહકારી ધોરણે ખેતી જેવા પ્રયોગો આ વિચારબીજમાંથી જન્મેલા ગણી શકાય. જોકે સ્વરોજગાર પર નભતી બેનોનાં આપસી કામની સામુહિક અસરને નાણાંમાં ફેરવીને તેમને આત્મનિર્ભર કરવાના વિચાર પર સુશ્રી (સ્વ.) ઇલાબેન ભટ્ટ દ્વારા વિકસાવાયેલ ‘સેવા’ – SELF EMPLOYED WOMEN’S ASSOCIATION – સંસ્થાનો પાયો સેવા વિનિમયના સિધ્ધાંત પર જ રચાયેલો કહી શકાય.
કામના બદલામાં કામ દ્વારા નાણાં સ્વરૂપ વળતરને લઈને થતી સમસ્યાઓ નીવારી શકાય છે. જેમ કે ફુગાવાને કારણે સેવાઓની કિંમતમાં થતો વધારો સેવા વિનિમયના કિસ્સાઓમાં બહુ પ્રસ્તુત નથી રહેતો. એકબીજાનું કામ કરી આપવાને કારણે બન્ને પક્ષે સામેવાળી વ્યક્તિના સમય, મહેનત , હુન્નર, આવડત વગેરે માટે માનની ભાવના પણ કેળવાય છે, જેને પરિણામે એ સમાજમાં વાતાવરણ વધારે સૌહાર્દમય રહેતું જોવા મળી શકે છે. વળી, સેવાઓની આપલે સંબંધી જો કોઈ મતભેદ પડે તો આ વ્યવસ્થામાંથી બહાર નીકળી જવાનો વિકલ્પ તો રહે જ છે.
સામાન્યપણે એવી માન્યતા રહેતી હોય છે કે નાણાના પ્રભાવમાંથી મુક્તિ તો જ મળે જો આપણે ગૃહસ્થ જીવનવ્યવસ્થાને બદલે સંન્યાસ લઈ લઈએ. પણ સાટા વિનિમય વડે નાણાની ગુલામી કર્યા સિવાય પણ વ્યક્તિગત તેમ જ, ભલે મર્યાદિત સ્તરે પણ, સામુહિક બિનનાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા ગોઠવી શકાય છે તેવી જાગરૂકતાને આ પ્રકારના વિનિમયની સૌથી મોટી શીખ, કદાચ, ગણી શકાય. વળી, જ્યારે પણ જરૂર પડે ત્યારે, તે પુરતું, સાટા વિનિમયને નાણાપ્રધાન અર્થવ્યવસ્થા જોડે સાંકળી તો શકાય જ. આમ બન્ને વ્યવસ્થાઓના ફાયદાઓનો લાભ લેવો શક્ય પણ બની શકે છે.
સાટા વિનિમય – સામુદાયિક કામની અદલબદલ
પ્રાચીન અર્થવ્યવસ્થાઓમાં આજની અર્થવ્યવસ્થાની જેવી બીજા કોઈ માટે નોકરી કરવી એવી કોઈ વ્યવસ્થા હતી જ નહીં. દરેક વ્યક્તિ પોતપોતાના પરંપરાગત રીતે શીખેલ હુન્નરની મદદથી પોતાની આવક કમાઈ લેવા માટે સ્વનિર્ભર રહેતી. એટલે પોતાની ઉપજથી જે તેની જે જરૂરિયાતો વણસંતોષાયેલી રહે તે જરૂરિયાતો પુરી કરવા માટે ચીજ વસ્તુઓ કે સેવાઓના સાટાબદલા જ શક્ય માધ્યમની ભૂમિકા ભજવતા. આ વ્યવસ્થાઓમાં ઘણી વાર પણ એમ બનતું કે અમુક વ્યક્તિઓના સમુહમાં પણ આપસી સાટાબદલાથી સમુહની બધી જ વ્યક્તિઓની બધી જ જરૂરિયાતો પુરી ન થાય. આવું બને ત્યારે આવા સમૂહ અન્ય સમૂહ સાથે સામુદાયિક સાટાબદલાની વ્યવસ્થા કરીને સેવાઓ કે ચીજવસ્તુઓની સામુદાયિક સ્તરે અદલબદલ કરીને એ ખોટ પુરી કરી લેવા લાગ્યા.
જોકે વ્યક્તિગત સ્તરે સાટાબદલામાં ચીજવસ્તુ કે સેવાનાં મૂલ્યાંકન કે એકબીજા પાસેની ચીજવસ્તુ કે સેવા ઉપલબ્ધ થવાના સમયમાં સાહજિક તફાવત જેવી ઉણપો છે તે આવા સામુદાયિક થતા સાટાબદલાઓમાં પણ નડતી. એટલે એ સમયના સમાજોમાં પણ વિનિમયનાં ઉભયપક્ષે સ્વીકાર્ય માધ્યમની જરૂરિયાત તો રહેતી. હજુ એ માધ્યમ તરીકે નાણાનું ચલણ અસ્તિત્વમાં નહોતું આવ્યું એટલે એ સમયના સમાજોએ પોતાની રીતે જ વ્યાવહારિક ઉપાયો ખોળી કાઢવા પડતા હતા.
સાટાબદલાની આવી ઉણપોને આંશિક રીતે સ્થાનિક શાસન વ્યવસ્થા કે સમાજ પણ અતિક્રમી શકે. જેમકે, નાણાં, કે તેની સમકક્ષ સ્વીકાર્ય માધ્યમ, ને લગતી સેવાઓનો વિનિમય સામાજિક કે સ્થાનિક પ્રાદેશિક સંસ્થાઓના સ્તરે કરવો. આપસી ચીજવસ્તુઓ કે સેવાની ઉપલબ્ધતાના સમયના સ્વાભાવિક ફરક કે એક પક્ષની બીજા પક્ષને ચીજવસ્તુ પુરી પાડવાની તત્કાલીન અસમર્થતા જેવી ખુટતી કડી પણ ઘણી વાર સેવા સાટા વિનિમયને અવ્યાવહારિક બનાવતી જોઇ શકાય છે. સાટા વિનિમયની આવી સ્વાભાવિક ઉણપો કે સમુહનાં સભ્યોની ચીજવસ્તુઓ કે સેવાઓની આપલે માટે જરૂરી નાણા માટેની અસમર્થતાને સામુદાયિક સ્તરે હલ કરી શકાય. સ્થાનિક સાટાબદલાની સામુદાયિક વ્યવસ્થા મહદ અંશે સ્વનિર્ભર રહે અને ભરોસાપાત્ર બની રહે તે માટે સામાજિક ધારાધોરણો, કે પછી કાયદાકીય માળખાંની વ્યવસ્થાનું નિયમન સ્થાનિક શાસન વ્યવસ્થા વડે કરવામાં આવે. તેમ છતાં પણ માલસામાનની ઉપલબ્ધતામાં કે વિનિમયના માધ્યમમાં જે ઉણપ રહે તેની વ્યવસ્થા વધારે વ્યાપક સામાજિક સ્તરે કે રાજ્યની સરકારના સ્તરે પુરી કરવાની રહે.
આમ સ્થાનિક સ્તરે સામુદાયિક સાટાબદલાની વ્યવસ્થામાં વ્યક્તિગત સ્તરે, કે સ્થાનિક સમુહને સ્તરે, વ્યક્તિગત અર્થવ્યવસ્થાનું ચલણ જોવા મળતું. આ વ્યવસ્થાઓને પુરક બની રહે તે રીતે વ્યાપક સામાજિક સ્તરે, કે પ્રાદેશિક શાસન વ્યવસ્થાને સ્તરે, નાણાની સમકક્ષ અર્થવ્યવસ્થાનાં પદ્ધતિસરનાં માળખાં વિકસવા લાગ્યાં.
આપસી મદદગાર, સ્વનિર્ભર અને સમતાવાદી સમાજની રચના
આર્થિક જેલમાંથી પુરેપુરો છુટકારો તો કદાચ ક્યારે પણ શક્ય ન બને, પણ બહારની, બિનનાણાપ્રધાન, અર્થવ્યવસ્થામાં થોડો સમય રહેવા મળે, ત્યાંની તાજી હવાની મજા માણવા મળે અને એટલો સમય નાણાંરૂપ જેલરને ભુલી જવા મળે એટલો શરતી છુટકારો તો મળી શકે. આર્થિક જેલની બહારનાં સુખની ખોજ મળી રહે એ માટે આપસી મદદ વડે પોતા પુરતાં સ્વનિર્ભર રહે એવાં સમૂહો એક સક્ષમ વિકલ્પ બની રહે છે.
વ્યક્તિગત કે સામૂહિક સ્તરની સેવાઓના વિનિમયના અધારે ગઠિત થયેલ સમૂહો એના દરેક સભ્યને જરૂરી સેવાઓનો લાભ મળે એ માટે એક આદર્શ વ્યવસ્થા નીવડી શકે છે. આવી સેવાઓનો લાભ નાણાના બદલામાં, કે પછી સેવાની સામે સેવાના બદલામાં, મેળવી શકાય.
નાણાની ચુકવણીથી જ સેવાઓની આપલેનો વિનિમય કરતી વ્યવસ્થાઓમાં વ્યાવસાયિક ફાવટ વધારે હોય એવી વ્યક્તિ, કે સંસ્થા, પોતાની જરૂરિયાત કરતાં ઘણું વધારે કમાઈ લે અને જેમને એવી ફાવટ ઓછી હોય તેઓને પોતાની સેવાના બદલામાં ઓછું નાણાકીય વળતર મળે કે પોતાની જોઈતી સેવા તેને ન પરવડે એવી કિંમતે મળે એવી અસમાનતાઓ ઉભી થવાની શક્યતાઓ રહે છે.
જ્યારે સેવાઓના વિનિમય આધારિત સામાજિક સમૂહોમાં તેના સભ્યો પાસે જોઇતી નાણાની સગવડ કદાચ ન હોય તો પણ તેને જરૂરી સેવાઓ તે મેળવી શકે. એમણે એવી સેવાઓને બદલે સામે પોતાથી શક્ય હોય એવી સેવા સમુહને આપવાની રહે. જેમકે, નાણાં ચુકવ્યા વિના વાળ કપાવવા હોય તો બદલામાં અમુક દિવસ પોતાની લારી પરથી ચા પીવડાવવી ! બિન નાણાકીય માધ્યમથી સેવાઓની આપલેનાં માધયમથી સમાજનાં ઘણાં મોટાં કામો પણ શક્ય બની જાય છે. જેમકે ગામમાં કોઈને લગ્ન પ્રસંગ હોય તો પ્રસંગોના દિવસોએ ગામને જમવાનું મળે. એ સામે જેને ઘરે પ્રસંગ હોય તેનો આખો પ્રસંગ ગામનો પ્રસંગ બનીને ઉજવાઈ જાય. એક જમાનામાં ગામમાં વૈદ્યરાજ કે શિક્ષકને તેમની સેવાઓના બદલામાં તેમનાં ઘરની બધી જ જરૂરિયાતો ગામવાસીઓ પુરી પાડતાં.
સેવાઓના વિનિમયના અધાર પર રચાતી અર્થવ્યવસ્થા નિયમનકારો, સરકારોનું અને સમાજના અગ્રણીઓની નીતિઓ મહત્ત્વનું અંગ હોય એ જરૂરી છે. સેવા વિનિમયો પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને સેવાઓનાં સામાજિક ન્યાયોચિત વિતરણ માટે તેમણે સન્નિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આ પ્રકારની સામાજિક વ્યવસ્થામાં સામ્યવાદી અર્થવ્યવસ્થામાં પોતાની – નાણાકીય કે પછી બિનનાણાકીય – સંપત્તિની માલિકી છોડી દેવાનું જે ફરજિયાતપણું હોય તે ન હોય એ બાબતનું ખાસ ધ્યાન રખાવું જોઈએ. કયા પ્રકારની સેવા કોણ આપશે તે નિયમનકારોએ નક્કી કરવા ન બેસવું જોઇએ. તેમણે તો કઇ સેવાઓની પણ જરૂર છે તે નક્કી કરવાને બદલે સેવાઓની સમાન વહેંચણી શક્ય બને તેવી રચનાત્મક પ્રક્રિયાને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. સમાજને કઈ સેવાઓની કયાં સ્વરૂપે જરૂર છે તે નક્કી કરવાનું કામ, સામાન્ય રીતે, સમાજના સભ્યો અને તેમના અગ્રણીઓનું છે. તેમની એ પણ જવાબદારી બની રહે છે કે જે કોઈને પણ એ સેવાની જરૂર હોય ત્યારે તેને તે સેવા મળી રહે. રોટી, કપડા અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો અને શિક્ષણ તેમજ તબીબી સેવાઓ જેવી સેવાઓ આ પ્રકારની સામાજિક ન્યાયોચિત વિનિમય વ્યવસ્થામાં આવરી લેવાય તે બાબતને પ્રાથમિકતા મળવી જોઈએ.
સેવાઓ આધારિત સ્થાનિક સમુહોની રચના દેખાય છે એટલી અવાસ્તવિક આદર્શ પરિયોજના નથી. આજનાં નાણાપ્રધાન આર્થિક જગતમાં પણ ગ્રામવાસીઓ અને તેમના સ્થાનિક અગ્રણીઓ આવાં સમુહોની રચના કરી શકે છે, અને તેમને અસરકારક રીતે ચલાવી પણ શકે છે. નાણા પ્રધાન અર્થવ્યવસ્થામાંની ઘણી સેવાઓને સમુહના સભ્યોમાં સમાનપણે વહેંચણી શક્ય બને એ મૂળભુત આશયથી સ્વયંસેવાના વિનિમયને સામુદાયિક વિનિમય વ્યવસ્થામાં લાવી શકવું શક્ય છે.
સામુહિક ખેતી અને તેને લગતી સેવાઓની ગ્રામ્ય વ્યવસ્થા આ પ્રકારની સ્વનિર્ભર સમુહ રચનાઓનું એક અનુકરણીય ઉદાહરણ કહી શકાય. આંતરરાષ્ટ્રીય મજદુર સંસ્થા (આઇ એલ ઓ) જુદા જુદા દેશોની વંચિત અને વિકાસની સીમાઓમાં ન આવરી લેવાયેલ સમાજો માટે આવી સેવા સંસ્થાઓ ઉભી કરવા ખાસ પ્રયત્નો કરે છે. જેના ભાગ રૂપે ભારતમાં કુટિર, લઘુ અને નાના ઉદ્યોગો વૈશ્વિક પુરવઠા સાંકળની કડી બની રહે તે માટેની પરિયોજના – Promoting Sustainable Enterprises in India (PSEI) – નો તે અમલ કરી રહેલ છે. મેડીસિંસ સાન્સ ફ્રંટ્યેર (Medecins Sans Frontiers) જેવી ખાનગી સંસ્થાઓ આવું કામ તબીબી સેવાઓને ક્ષેત્રે કરી રહેલ છે. ઇઝ્રાયેલનાં સ્વ-નિર્ભર કિબ્બુત્ઝ પણ આ વ્યવસ્થાનું નમુનેદાર ઉદાહરણ છે.
જોકે આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઈએ કે ‘બધી જ’ સેવાઓ કોઈ એક વિનિમય માધ્યમ, સામાજિક સમુહ, કે ગામ કે કિબ્બુત્ઝ જેવી કક્ષાએ મળી શકે તેવી આદર્શ વ્યવસ્થા સંભવ નથી. તેના એક ઉપાય તરીકે આવી સેવા વિનિમય માધ્યમોનું નિયમન મૉડેલ બે સ્તરનું બની શકે. પહેલાં સ્તરમાં જે કંઈ સેવાઓ સમુહ કે ગામ જેવાં સ્થાનિક સ્તરે શક્ય હોય તે ત્યાં મળે. એ પછી, બીજાં સ્તરે, એ સિવાયની સેવાઓ દેશમાંથી કે વિદેશ જેવા બહારના અન્ય સ્ત્રોતોની મદદથી, મેળવવામાં આવે. આમ કરવા માટે કોઈ એક તબક્કે સેવા વિનિમય એકમ કે તેનાં વ્યક્તિગત સભ્યોને ક્યાં તો પોતાની રીતે નાણાંની સગવડ કરવી પડે કે પછી ક્યાં તો, ભારત સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) યોજના જેવી રાજ્ય કે રાષ્ટ્રિય સરકારોની કે સંયુક્ત રાષ્ટ્ર સંધ કે અન્ય સખાવતી સંસ્થાઓની યોજનાઓ દ્વારા મળી શકતી રાજ્ય કે કોઈ અન્ય સંસ્થાની, નાણાકીય મદદ મેળવવી પડે. નાણાકીય મદદ માટે જો કોઈ પ્રકારની વ્યક્તિગત સામાજિક સુરક્ષાની જોગવાઈ હોય તો તે પણ કામ આવી શકે.
આમ સેવાઓની વહેંચણીના વિકલ્પ તરીકે બિનનાણાકીય સેવા વિનિમય માધ્યમો આર્થિક જેલમાંથી અને નાણારૂપી જેલરની નજર હેઠળથી દૂર થવાનો થોડો છ્ટકારો પુરો પાડી શકે છે.
નાણાકેન્દ્રી સામુહિક વિનિમય માધ્યમો અને બિનનાણાકીય સામુહિક માધ્યમો સંજોગોની માંગ અનુસાર સાથે સાથે કામ કરતાં રહી શકે. સામાન્ય રીતે, નાણાકેન્દ્રી વિનિમય વ્યવસ્થાઓનું સંચાલન અર્થશાસ્ત્રીઓ અને નીતિ ઘડવૈયાઓ કરે અને બિનનાણાકીય વિનિમય વ્યવસ્થાઓનું સંચાલન સમાજિક સમુહો કે સ્થાનિક શાસન સંસ્થાઓ કરે એ વ્યાવહારિક રીતે વધુ સગવડભર્યું પડતું હોય છે.
સેવા આપનાર અને લેનાર વચ્ચે નાણાના વ્યવહારોનું પ્રમાણ મહદ અંશે ઘટી જવાથી નાણા સંબંધી ધર્ષણો ઘટાડી શકાય છે. સેવાઓના બિનનાણાકીય વિનિમયોમાં સમુહો તેમજ એ સમુહોના સભ્યોને સેવાઓ આપવા અને લેવા માટે સરખી તકો મળે તેમ જ અંદરોઅંદર સમાનતાની ભાવના પ્રસરી રહે તેવાં વાતાવરણ બની રહેવાના સંજોગો પણ વધી શકે છે. બિનનાણાકીય સેવા વિનિમયોનાં સંચાલન સ્થાનિક સમુહો હાથમાં જ રહેવાથી સેવાઓની આપલેમાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીઓને, કદાચ સાવ દૂર કદાચ ન કરી શકાય, પણ અસરકારક રીતે ઘટાડી શકવું પણ શક્ય બની રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો બીનનાણાકીય વિનિમયોમાં સહજ રીતે વિકસતી ભાઈચારાની અને સમાનતાની ભાવના વડે નાણાની લાલચને કારણે સમાજમાં પેસતી અસમાજિક પ્રવૃતિઓ પર સમાજના સમુહોના વધારે અસરકારક અંકુશને શક્ય બનાવીને એ બદીઓને નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાઓ પુરતી મર્યાદિત કરી પણ શકાય.
બીજો એક અપ્રત્યક્ષ ફાયદો એ છે કે નાણાના રૂપમાં થતી કમાણી એ ભૌતિક સંપત્તિઓ પ્રાપ્ત કરવા અને સંગ્રહ કરવાની સ્વાર્થિ પ્રવૃતિ બની જવાને બદલે તેનું વિનિમયના માધ્યમ તરીકે મહત્ત્વ સમજાય છે. આપણા જીવનમાં નાણાના બીનજરૂરી મહત્વને ઓછું કરી શકવાથી નાણા શક્તિ દ્વારા આપણા જીવનમાં ચંચુપાત કરીને વિસંવાદીતા પેદા કરતાં પરિબળોને ઓળખીને તેમના પ્રભાવને ઘટાડી શકવાનું પણ શક્ય બનાવી શકાય છે. જ્યાં કોઇ એક વ્યક્તિથી એમ કરવું શક્ય ન બને ત્યાં બીનનાણાકીય સેવા વિનિમય સમુહોનાં સામુહિક સામર્થ્ય કામ આવી શકે છે. આપણી ઘણી બધી જરૂરિયાતો પુરી કરવા માટે નાણા પરની આપણી નિર્ભરતા ઘટવાને કારણે, એક હદ પછી, નાણા રૂપી કમાણી અને તેના પ્રભાવોને આપણા જીવનમાં અપ્રસ્તુત બનાવી દઈ શકાય છે.
જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં, વ્યક્તિગત રીતે કે સામુદાયિક રીતે, સેવાના બદલામાં સેવાના વિનિમય દ્વારા કમાણી તો ‘નાણા’નાં સ્વરૂપે જ હોય એ માન્યતાના ઓછાયામાંથી બહાર નીકળી શકાય – બહાર નીકળવું જ રહ્યું. સમુહ સાથેની – પ્રત્યેની – વફાદારીને પરિણામે મળનારા ફાયદાઓને આપણાં ખાતાંની જમા બાજુએ ઉમેરતાં જઇએ અને જ્યારે જ્યારે તક મળે ત્યારે એ ખાતાંમાંથી ઉપાડ કરીને,નાણાં પર આધાર રાખ્યા વિના જ, તેની મજા આપણે માણતાં રહીએ !
રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારોથી ઘડાતાં આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક ‘ કમાણી’ના વિવિધ વૈકલ્પિક સ્રોતો અને તેમને સંબંધિત અલગ અલગ પાસાંઓની આટલી વિગતે ચર્ચા કર્યા પછી હવે આપણે બીજાં મહત્ત્વનાં ઘટક ‘ખર્ચા’ વિશે વાત માંડીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
