હરેશ ધોળકિયા

ઓગસ્ટ માસના સંદર્ભમાં કાન્તિ ચિંતન કરી રહ્યા છીએ.

ક્રાન્તિ એટલે જનતાને નવું દર્શન આપવું. જરુર પડે તો જનતાને એક યા બીજી ગુલામીમાંથી મુકત કરવી. તે માટે પોતાનું સમગ્ર જીવન અર્પી દેવું. મોટા ભાગે સ્વતંત્રતા મેળવવા માટે જે સંઘર્ષ થાય છે અને તેમાં જેઓ કામ કરે છે અને જેલ જાય છે કે ફાંસીએ ચડે છે તેના તરફ આપણે વધારે આકર્ષાતા હોઈએ છીએ. તેમાં ‘બહાદુરી’ કે ‘અભય’ વગેરે જેવા ગુણો દેખાય છે. એટલે ભગતસિંહ કે ગાંધીજી કે સુભાષ વગેરે આપણને વધારે આકર્ષે છે. આ બધા અદભુત લોકો હતા. દેશ અને જનતા માટે પોતાના પ્રાણ આપી દીધા. પણ માત્ર તેઓ જ ક્રાન્તિકારી હતા તેમ માનવું અધૂરું દર્શન છે. ભારતીય ઈતિહાસમાં અનેક ક્રાન્તિકારીઓ થઈ ગયા છે. થતા રહ્યા છે. સમયે સમયે તત્કાલીન સમાજોને જગાડતા રહ્યા છે. પણ આપણે તેમને કાં તો વીર લોકો તરીકે અથવા સંત તરીકે જાણીએ છીએ. તે તેઓ ચોકકસ હતા, પણ પાયામાં તો કાન્તિકારી જ હતા. એવા થોડાને ક્રાન્તિકારી તરીકે જોઈએ.

ભારતીય ઈતિહાસના પ્રથમ બે ક્રાન્તિકારીઓનાં નામ લેવાં હોય તો બુધ્ધ અને મહાવીર હતા. આપણે તેમને ભગવાન બનાવી દીધા છે એટલે કાન્તિકારી તરીકે કદાચ નથી જોઈ શકતા, પણ હકીકતે તેઓ કાસ્તિકારીઓ જ હતા. તેમના સમયમાં તેમણે ભારતીય સમાજને જે હચમચાવ્યો છે તે જાણીએ તો આશ્ચર્યવત થઈ જવાય. તેમના સમયનો સમાજ વૈદિક સમાજ હતો. વેદોનો પ્રભાવ સમાજ પર હતો. મૂળે વેદો તો અદભુત છે, જ્ઞાનથી છલકાય છે, પણ તત્કાલીન પુરોહિતોએ તેને વિકૃત કરી નાખ્યો હતો. જ્ઞાનને કર્મકાંડથી ઢાંકી દીધું હતું. મહત્વનો હતો ત્રદ્ગ્વેદ, પણ પુરોહિતોએ બનાવી દીધો અર્થવવેદને. સમાજને કર્મનાં જાળામાં એવો તો ગુંચવી દીધો કે સમાજ લગભગ મૂઢ થઈ ગયો હતો. વળી, જ્ઞાતિબંધનો પણ ચૂસ્ત કરી નાખ્યાં હતાં. સમાજ ભોગવિલાસમાં પડી ગયો હતો. મહાભારતના સમય પછી આ સમાજ બગડી ગયો હતો એમ કહી શકાય.

બુઘ્ધ અને મહાવીર બન્નેએ આ જોયું. તેઓ સ્પષ્ટ જોઈ શકયા કે પુરોહિત વર્ગ સમાજને ગેરમાર્ગે દોરે છે. તેનાથી સમાજ મૂઢ અને અસંવેદનશીલ બની ગયો હતો. ધર્મના નામે હિંસા અને ભોગનો પ્રચાર થતો હતો. સમાજ નિસ્તેજ બનતો જતો હતો. એટલે બન્નેએ સમાજને નવી દિશા આપવાની શરુઆત કરી. નવું દર્શન આપવાની શરુઆત કરી. બુઘ્ધે કરુણા અને શીલની વાત કરી. સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરી. ભોગની જગ્યાએ ત્યાગની વાતો કરવા માંડી. મહાવીરે શુધ્ધ જ્ઞાનની વાત કરવા માંડી. પુરોહિતોના અજ્ઞાનને ખુલ્લું કરવા માંડયું. જ્ઞાતિવાદને નકારી દીધો. કર્મકાંડની જગ્યાએ સેવા, કરુણા અને ધ્યાનનું મહત્વ વધાર્યું. અને બન્નેના વ્યકિતત્વનો પ્રભાવ એવો તો અદભુત હતો કે સમાજના સામાન્ય અને કચડાતા લોકો તેમના તરફ આકર્ષાવા લાગ્યા. યજ્ઞો બંધ થવા લાગ્યા. સમાજમાં કરુણા અને અહિંસાનું મહત્વ વધવા લાગ્યું. ભોગની જગ્યાએ ત્યાગનું મહત્વ વધવા લાગ્યું. પછી તો રાજાઓ પણ આકર્ષાયા અને તેમાં જોડાયા. કર્મકાંડની જગ્યાએ જ્ઞાનનું મહત્વ વધવા લાગ્યું. ભારતીય સમાજનો ચહેરો બદલાઈ ગયો. સમાજમાં શાંત કાન્તિ આવી ગઈ. લોકો તેમનાથી એટલા આકર્ષાઈ ગયા કે તેમને ભગવાન જ માનવા લાગ્યા. આ ભૂલ હતી, કારણ કે તેના પરિણામે તેમનું ક્રાન્તિકારી પાસું વિસરાઈ ગયું. તેમનું અનુસરણ કરવા બદલે તેમને પૂજવા લાગ્યા. સમય જતાં ફરી અકર્મણ્યતા આવી ગઈ. પણ તેમનો પ્રભાવ એવો ચિરંજીવી રહ્યો કે આજે પણ આ બન્નેનો લાખો લોકો પર પ્રભાવ છે-સમગ્ર વિશ્વમાં.

આવા બીજા બે ક્રાન્તિકારીઓ થયા સોળ અને સતરમી સદીમાં. નાનક અને કબીર. ત્યારે સમાજ રૂઢિચૂસ્ત તો હતો જ, પણ સાથે બીજી સમસ્યા હતી હિન્દુ-મુસ્લિમ ઝગડાઓની. બન્ને સમાજોની- આજ જેમ જ – આંખો વઢતી હતી. તેથી સમાજ અસ્થિર અને અસ્વસ્થ રહેતો હતો. તેનો રાજકીય ગેરલાભ લેવાતો હતો. કબીર અને નાનકે આ જોયું. નાનકે તો બન્નેનો સમન્વય કરી નવો જ ધર્મ ઊભો કર્યો જેને આપણે શીખ ધર્મ તરીકે ઓળખીએ છીએ. બન્ને ધર્મોમાં જે અનેક ઝગડાઓ હતા, વિખવાદો હતા, મતભેદો હતા, એકેશ્વર અને અનેકેશ્વર જેવા વિવાદો હતા, તેનો બન્નેએ સમન્વય કર્યો. નાનકે જે વાત કરી તે આ એકતાની જ હતી. શીખધર્મે ત્યારે ભારતને એક નવું જ દર્શન આપ્યું. એક નવું જ જોશ આપ્યું. તેના ધર્મગ્રંથ ”ગ્રંથસાહિબ” અથવા તો ” જપજી”નો અભ્યાસ કરીએ તો આ સમન્વય જોઈ નવાઈ પામી જવાય. આજે પણ તેનો એટલો જ પ્રભાવ છે.

તો કબીરે પણ હિન્દુ-મુસ્લિમ ભાગલાવાદીઓને બરાબર ઝાટકયા. તેમની કઠોર ટીકા કરી. કબીરને વાંચીએ તો નવાઈ લાગે કે આવી કઠોર વાણીને તત્કાલીન બન્ને સમાજો કેમ સાંખી શકયા હશે. તેમને મારી કેમ ન નાખ્યા ! એટલે કબીરનો કેવો પ્રભાવ હશે ! સમગ્ર જીવન કાશીમાંથી બહાર પગ ન મુકનાર કબીરનો પ્રભાવ સમગ્ર ભારતમાં પ્રસર્યો. સમાજમાં એક સ્વસ્થતા પ્રસરી. આજે પણ બન્નેની વાણી વાંચીએ તો નવાઈ લાગે કે આજથી પાંચસો વર્ષ પહેલાં આ બે મહાપુરુષોએ કેવી ડહાપણભરી વાણી સમાજને આપી હતી. પણ ફરી એ જ ભૂલ ! બન્નેને સંત બનાવી દીધા. સંત તેઓ ચોકકસ હતા, પણ પાયામાં કાન્તિકારી હતા. સમાજને હચમચાવે તે ક્રાન્તિકારી. ત્યારે જ તુલસીદાસે પણ અદભુત કામ ક્યું, પણ તે ક્રાન્તિકારી ન હતા. બીજા સંતોએ પણ કામ કર્યું, પણ તેઓ પણ ક્રાન્તિકારી ન હતા. વ્યકિતગત ક્ષેત્રે નરસિંહ મહેતાએ અસ્પૃશ્યતા વગેરેનો વિરોધ કર્યો, પણ સમાજને પ્રભાવિત ન કરી શકયા. બંગાળમાં ચૈતન્યે જબરદસ્ત કામ કર્યું, પણ તેમણે ભકિતમાર્ગ પ્રસરાવ્યો. તે ક્રન્તિ ન હતી. એક ચળવળ હતી. મધ્યયુગ સંતોથી છલકાય છે, પણ તેઓ ક્રાન્તિકારી ન હતા. મોટા ભાગે સમાજને સ્વસ્થ કરવાનો પ્રયાસ કરતા હતા. માત્ર આ બે સંતો – કબીર અને નાનક- જ કાન્તિકારી ગણી શકાય. તેમણે સમાજને પાયાથી હંચમચાવ્યો. સમાજના રૂઢિચૂસ્ત વિચારોને પડકાર્યા. મૂળ ભારતીય દર્શન સમાજ સામે રજૂ કર્યું.

આધુનિક સમયમાં આ કામ પ્રથમ રાજા રામમોહનરાયે કર્યું. સમાજને પશ્ચિમી વિચારથી મુકત કરી ભારતીય ચિંતન તરફ વાળવાનો પ્રયાસ કર્યો. પણ તેમનો પ્રભાવ મુખ્યત્વે ભણેલા વર્ગ પર જ રહ્યો. બીજો પ્રયાસ વિવેકાનંદે કર્યો. તેમણે પણ પશ્ચિમથી પ્રભાવિત સમાજને મૂળ ભારતીય ચિંતન તરફ વાળવાનો પ્રયાસ કર્યો. સમાંતરે તેમણે નિષ્ક્રિય સમાજને સેવાના માધ્યમથી સક્રિય કરવાનો પ્રયાસ કર્યો. સાથે વર્ષોથી લઘુતાગ્રથિથી પીડાતા સમાજને આત્મશ્રઘ્ધા આપવાનો પ્રયાસ કર્યો. તેમના જ્ઞાનનો પ્રભાવ પણ મુખ્યત્વે ભણેલા વર્ગ પર પડયો, પણ સેવાનો પ્રભાવ આજે પણ સમગ્ર ભારત પર છે.

અને ત્રીજા આવ્યા મહાત્મા ગાંધી. કૃષ્ણ અને બુધ્ધ પછી સામાન્ય જનતાને કોઈ સ્પર્શ્યા હોય તો તે ગાંધીજી હતા. તેમણે છેડે બેઠેલા, હાંસીયામાં રહેલા, ગરીબ, વંચિત લોકોને આગળ લાવવાનો પ્રયાસ કર્યો. જે કોંગ્રેસ કેવળ ભણેલા માણસોની જ હતી, તેને સામાન્ય માણસ સુધી પહોંચાડનાર ગાંધીજી હતા. સદીઓથી ભારતનું ભયંકર કલંક અસ્પૃશ્યતાને તેમણે પાયાથી હચમચાવી નાખી. રૂઢિચૂસ્તતાને મૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કર્યો. તેમણે ભારતને માત્ર સ્વતંત્રતા જ અપાવવાનો પ્રયાસ ન કર્યો, પણ સાથે સદીઓથી બંધિયાર રહેલાં ભારતીય મગજને મુકત કરવાનો પણ અદભુત પ્રયાસ કર્યો. તેમણે તો માત્ર ભારતીય માનસને જ પ્રભાવિત નથી કર્યું, પણ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે. તેનો પૂરાવો એ છે કે આજે હિંસા, વિભાજન વૃતિ, કલાઈમેટ ચેન્જનો ભયાનક મુદો, મૂડીવાદની પકડ-આ બધા સામે માત્ર ગાંધી વિચાર જ અસરકારક છે એમ વિશ્વ સ્વીકારે છે. આપણા દેશમાં કદાચ ભલે તેમને અવગણાતા હશે, પણ સમગ્ર વિશ્વ તો એકી અવાજે કહે છે કે ” કાં તો સ્વીકારો યુઘ્ધની આંધી અથવા સ્વીકારો ગાંધી.” બંધીયાર મગજોને બાદ કરતાં સમગ્ર વિશ્વ આજે તેમને આદર આપે છે.

બધા જ સમયોમાં ભારતમાં અને વિશ્વમાં કાન્તિની પ્રક્રિયા ચાલતી જ રહી છે. કારણ એ છે કે મોટા ભાગના સમાજો બહુ ઝડપથી અભાન અવસ્થામાં આવી જતા હોય છે. સુખવાદ અને ભોગવાદ માનવ મગજને જડ કરતાં રહે છે. સમયે સમયે સમાજ મૂઢ બની જતો હોય છે. ત્યારે તેને હચમચાવવા, હલાવવા, જગાડવા, નવી દિશા આપવા કોઈને કોઈ આવતું રહે છે. આજે પણ દરેક ક્ષેત્રમાં નાની શાંત ક્રાન્તિ ચાલે છે. હા, બુધ્ધ, કબીર કે ગાંધી સ્તરના પ્રભાવશાળી લોકો નથી, પણ પોતાના ક્ષેત્રમાં સારું કામ કરે છે. સોળ વર્ષની ગ્રેટા પર્યાવરણ બાબતે જગતને જગાડે કે મલાલા જેવી છોકરી ત્રાસવાદ અને રૂઢિચૂસ્તતાને પડકારે તે નાની પણ કાન્તિ જ છે. ભારતમાં પણ “ચીપકો આંદોલન” જેવી ચળવળો પર્યાવરણ ક્ષેત્ર કામ કરે છે. આ બધા મુખ્યત્વે ગાંધી વિચારથી જ પ્રભાવિત છે. હા, આ બધા જેવા મહાન લોકો સદીઓમાં કયારેક આવતા હોય છે, પણ તેમની પ્રેરણાથી પછીના સમયમાં સેંકડો લોકો શાંતિથી કામ કરતા હોય છે. આજે આ પ્રેરિત લોકોનો સમય છે. તેમને પણ આદર આપવાનો છે. પણ ચિંતન તો આ મૂળ ક્રાન્તિકારીઓનું જ કરવાનું છે. દરેક નવી પેઢીને તેમનો જ પરિચય આપવાનો છે. તેમના સંતત્વ સાથે તેમનું ક્રાન્તિકારીપણું પણ સમજાવવાનું છે. તો જ સમાજ જાગતો રહેશે.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com