કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

     પર્યાવરણમાં અને આપણા સૌની આસપાસ કેટલાય નાના-મોટા પશુ-પક્ષી અને જીવ-જંતુઓ વસેલા છે. એમાંના કેટલાક સાથે તો આપણે ગાઢ પરિચયમાં છીએ. પ્રકૃતિએ એ સૌને જે પરિસ્થિતિમાં રહેવાનો અને જીવવાનો આદેશ આપેલો છે ત્યાં તે બધાને જરૂરી ખોરાક, એને ફાવે તેવું રહેણાક, જરુરી સંરક્ષણ અને પ્રજનન અંગેની સુવિધાઓ આપી છે. પછી પ્રસન્નતાથી સૌ જીવન ગુજારો કરી શકે તે માટે થઈને પ્રકૃતિએ કેટલીક ખાસ દરકાર પણ લીધેલી જણાય છે.

એક માણસ સિવાયના અન્ય જીવોએ મોટેભાગે પ્રકૃતિના આદેશોને અનુસરીને જ જીવન જીવવાનું હોય છે. એટલે જે તે જીવને કેવી કેવી જરૂરિયાત રહેવાની છે એની બરાબરની ખેવના કરીને દરેક વર્ગના પશુ-પ્રાણીને તેઓના શારીરિક અંગ-ઉપાંગોમાં જરૂરી ફેરફારો અને વિશિષ્ટતાઓ પણ બક્ષી છે.

પણ જ્યારે જાનવરનો કોઇ વર્ગ અન્ય પ્રાણી-વર્ગથી જુદા પડતા શારીરિક ઘાટઘૂટ વાળો આપણી નજરે ચડે ત્યારે સહેજે આપણા મનમાં ઇંતેજારી ઉપસ્થિત થઇ જતી હોય છે કે આવું કેમ ? જાનવરના એ વર્ગને એવો અલાયદો અને વિશિષ્ટ શારીરિક ફેરફાર આપવા પાછળનો  પ્રકૃતિનો ઉદ્દેશ શું હશે ?

આપણા રહેણાકી વિસ્તારો [ગામડાં-શહેરો]-ખેડૂતોના ખેતર- વાડીઓ અને ધાર-ટેકરા કે જંગલ વિસ્તારોમાં ગાય-ભેંશ અને ઘેટાં-બકરાં વર્ગ, ઘોડા-ગધેડાં કે કૂતરાં-બિલાડા વર્ગ, અરે આગળ વધીને જંગલમાં વસનારા હરણાં-શિયાળવા અને સસલાં, વાઘ-વરુ-સિંહ-જીરાફ જેવા પ્રાણીઓના શરીરના બાંધા બાબતે નજર કરશું તો તેના અંગ-ઉપાંગોમાં અન્યો કરતાં ઊડીને આંખે વળગે એવા ફેરફારો પ્રકૃતિ તરફથી અપાએલા છે તે ભળાયા વિના નહીં રહે. ચાલો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે પ્રકૃતિએ આવું શા માટે કર્યું હશે ? દા.ત………

[1]……કેટાલાક પશુઓ “વાગેળે” છે, જ્યારે કેટલાક “વાગોળતા” નથી. =

ગાય-ભેંશ-બકરાં-ઊંટ-હરણાં જેવા વર્ગના પ્રાણીઓ “તૃણાહારી પ્રાણીઓ” ગણાય. એમણે કોઇને કોઇ વનસ્પતિ જન્ય આહાર ખાવાનો હોય છે. વળી આ વર્ગના પ્રાણીઓ શિકારી વર્ગના પ્રાણીઓની સરખામણીએ સ્વભાવે અસોળ-સોજા અને શાંત હોય છે. શિકારી વર્ગના પ્રાણીઓ તો હોય છે બધા “માંસાહારી” ! એ સતત લાગ જ જોઇ રહ્યા હોય છે કે ક્યારે તૃણાહારી જાનવર નજરે ચડે અને ક્યારે હું તરાપ મારી દબોચી લઉં ? એટલે તૃણાતૃણાહારી પ્રાણીઓ શિકારીઓની નજરથી બચતાં બચતાં જ જમીન પરથી  ઝટ ઝટ ઘાસ પૂસ ચરવા-ખાવાની ઉતાવળમાં હોય છે, અને આટલી ઉતાવળે ખોરાકને ચાવીને ઝીણો કરી પેટમાં પધરાવી શકાય એવી તો પ્રકૃતિએ તેઓને સગવડ જ આપી નથી. આ વર્ગના પ્રાણીઓને મોઢામાં માત્ર નીચલા જડબામાં જ દાંત આવેલા હોય છે. ઉપલા ભાગે તો હોય છે માત્ર પેઢા જ ! એટલે આવી ભય ભરેલી પરિસ્થિતિમાં ખોરાકને ચાવીને ઝીણો કરવા ખોટી થવું એને થોડું પાલવે ? એવું કરવા જાય તો તો ઘણો સમય લાગી જાય અને આ તકનો લાભ લઈ, લાગ જોઇ રહેલા કોઇ શિકારી પ્રાણી દબોચી લે તો તો તૃણાહારી જીવને મરવાનાઓ જ વારો આવી જાય ને ?

માટે જ પ્રકૃતિએ આવા જાનવરોના પેટની રચના જ એવા પ્રકારની કરી છે કે જે ઘાસ પૂસ ખાવાનું હોય તે પ્રથમ ઝટ ઝટ આખાભાગુ ખાઇ લેવાનું અને પછી જ્યારે સલામત સ્થળ અને નિરાંતનો સમય મળે ત્યારે અધકચરો ચવાએલ ખોરાક પેટમાંથી મોઢામાં પાછો લાવી, મોઢા માહ્યલા નીચલા દાંત અને ઉપરના સખત પેઢા વચ્ચે દબાવી-ચાવી-એકદમ ઝીણો કરી પછી જ પચવા માટે આગળ ધકેલે છે. ખવાએલ ખોરાકને પેટમાંથી પાછો  મોઢામાં લાવી ફરીવાર ચાવીને ઝીણો બનાવવાની ક્રિયાને “વાગોળવું” કહે છે.

પ્રકૃતિએ આવા પશુઓના પેટમાં ચાર ખાના આપ્યાં છે. જ્યારે પશુ વગડામાં ઘાસ ચરતું હોય કે ગાય-બળદ-ભેંશ જેવા પાલતુ પશુઓ ગમાણમાં નીરેલ નીરણ ખાતું હોય ત્યારે પ્રથમ આખુભાગુ ચાવી પેટના પહેલા ખાના [રુમેન] માં ધકેલી દે છે. આ ખાનામાં જાનવર ઇચ્છે ત્યાં સુધી ખોરાક પડી રહેતો હોય છે. ત્યાંથી એ ખોરાક પેટના બીજા ખાના [રેટીક્યુલમ}માં જાય છે અને ત્યાં તેના પર કેટલાક પાચક રસો ભળે, અને એ ખોરાકના ગોળા બને છે.

અને જ્યારે જાનવર સલામત સ્થળે નિરાંત અનુભવે ત્યારે આ બીજા ખાનામાં ખોરાકના જે ગોળા પડેલા છે તેને મોઢામાં પાછા લાવે અને બરાબર ચાવી ઝીણો બનાવી આગળ ત્રીજા ખાના [ઓમેજમ]બાજુ ધકેલે છે. આ ત્રીજા ખાનામાં એક ગળણી જેવું ફીલ્ટર હોય છે, જેમાંથી ખોરાક પસાર થતાં તેમાં કોઇ મોટા કાંકરા,ચુંકું, ચામડાના ટુકડા, કે પ્લાસ્ટિકના કાગળ જેવી અશુદ્ધિઓ ભેળી આવી ગયેલ હોય તો તે અહીં અટકી જાય છે. અને છેલ્લે ખોરાક ચોથા ખાના [એબોમેજમ] માં પહોંચી પચવાની ક્રિયા શરૂ કરે છે.

જ્યારે …. ઘોડા-ગધેડા જેવા પશુઓ એકલપેટા એટલે કે એના પેટમાં આવા વિભાગો હોતા નથી. અને આવા પશુઓને મોઢામાં ઉપલા-નીચલા બન્ને ઝડબામાં દાંતની સગવડ પ્રકૃતિએ બક્ષેલી હોઇ, આવા જાનવરો પહેલેથી જ ખોરાકને ઝીણો ચાવીને પેટમાં ધકેલવા સક્ષમ હોય છે. પણ તમે માર્ક કરશો તો જણાશે કે ઘોડા-ગધેડાની લાદ ગાય-ભેંશના ગોબર જેટલી ચવાઇને બારીક-મુલાયમ બનેલી નહીં, પણ કુચા કુચા [કુંવળના ઝીણા ટુકડા જેવી] જેવી હોય છે. કારણ કે આમને ખાધેલ ખોરાક પાછો લાવી વાગોળવાની સગવડ પ્રકૃતિએ ધરી જ નથી. અને એ આપવાનું એટલા માટે નહીં વિચાર્યું હોય કે આ પશુઓ દોડવામાં હોનહાર હોવાથી કોઇ શિકારીના પંજામાં ઝટ દઈને પકડાઇ જવાની બીક આમને હોતી નથી !

[2]……કેટલાક પશુઓના પગની “ખરી” ફાટેલી કેમ હોય છે ?

જે પશુઓને સંજોગવશાત કાદવ-કીચડમાં ચાલવાનું થાય તો તે વિના વિઘ્ને ચાલી શકે એ અર્થે પ્રકૃતિએ આપેલી એ ખાસ સગવડ છે. દા.ત. આપણા ખેતર-વાડીઓમાં વાવણિયે જૂતેલા બળદિયા દ્વારા ભીની જમીનમાં બીજવાવણીનું કામ કરાવતા હોઇએ ત્યારે તે વધુ પડતા એટલા માટે જ ખુંચી નથી જતા કે તેમના પગની ખરીઓ ફાટેલી છે. એમાં બનતું હોય છે એવું કે જ્યારે કાદવ-કીચડમાં હાલવાનું થાય ત્યારે પગની ખરી પર શરીરનું વજન આવતાં ખરીનાં બે ફાડિયાં પહોળા પડે છે, બન્ને ફાડિયાંની વચ્ચે થોડી જગ્યા થાય છે અને તેની અંદર હવા પ્રવેશી જતાં-હવાના દબાણના લીધે પગ વધુ ઊંડો ખૂંચતા બચી જાય છે.

જ્યારે….. જ્યારે ઘોડા-ગધેડા વર્ગના પ્રાણીઓને પગને છેડે આવેલી ખરી “ફાટેલી” નહીં, પણ ગોળ “ડાબલા” ઘાટે આવેલી હોય છે. “ફાટેલી ખરી” ની સરખામણીએ “ડાબલા ઘાટ” ની ખરી સપાટ અને કઠ્ઠ્ણ જમીન પર પૂરપાટ દોડવામાં વધુ અનુકૂળ રહેશે એવી પ્રકૃતિને જાણ હોવાથી આવા દોડવીર પ્રાણીઓને ડાબલાખરીની જ ભેટ ધરેલી હોય તેવું લાગી રહ્યું છે.

 [3]……ઊંટના અઢારેય અંગ વાંકા કેમ ?

બીજા કોઇ જાનવરને નહીં અને માત્ર ઊંટ વર્ગના જ બધા અંગો વિચિત્ર પ્રકારના કેમ બનાવ્યા હશે એવો સવાલ થવો સાવ જ સ્વાભાવિક છે. મિત્રો ! ચાલો આપણે એક પછી એક અંગ વિશે જાણીએ કે આવું કરવા પાછળનો પ્રકૃતિનો ઉદ્દેશ્ય શો હશે ?

પહેલી વાત તે એ કે ઊંટ એ રણ જેવા ગરમ પ્રદેશનું પ્રાણી છે. પ્રકૃતિએ એને આપેલ પીઠ પરની “ખુંધ” એ ચરબીનું સંગ્રહસ્થાન-ગોડાઉન છે. ઊંટને જ્યારે પુશ્કળ ખાવાનું મળે ત્યારે ખુંધમાં ચરબી જમા થાય છે અને ખુંધ પુષ્ટ થાય છે. રણ વિસ્તારમાં ખાવા ન મળે ઝાડ-પાન કે પાણી પીવા નદી-નાળાં ! મુસાફરી દરમ્યાન કેટલું અંતર કાપવું પડશે અને ક્યારે ખાવા-પીવા ભેળું થવાશે એ થોડું નક્કી હોય ? એવુંયે કેટલીય વાર બનતું હોય છે કે લાંબા પથ સુધી ક્યાંયે ખાઇ શકાય તેવા ઝાડ-પાન  ન  જ મળ્યાં હોય અને પીવા પાણીયે ન મળ્યું હોય ! અને મુસાફરી હજુ બાકી હોય અને વિના ખોરાક-પાણીએ જો શરીર ક્ષમતા ખોઇ બેસશે એવું લાગતાં જ ખુંધમાં સંગ્રહાએલ ચરબી અને પેટની દિવાલોમાં સંગ્રહાયેલું પાણી ફટ દેતાકને શક્તિનું રૂપ ધારણ કરી ભાંગ્યાનો ભેરુ બની રહેતાં હોય છે.

ઊંટને “નાક” એટલા માટે લાંબું આપ્યું છે કે રણવગડામાં તો ઘણીયે વાર રેતના ગોળા ઊડાડતી આંધી ક્યારે ચડી આવે એનું થોડું નક્કી હોય ? આવા સમયે એ ગરમાગરમ વંટોળમાં ઉડતાં રેતીના કણો શ્વાસોશ્વાસ ભેળા ફેફસાંમાં ન ભરાઈ જાય. અને નજર કરશું તો નજરે ચડી જ જશે કે આવા ઉડતા રેતના ગોળાથી આંખોના રક્ષણ અર્થે જ  ઊંટની આંખો ઉપરની પાપણો પણ મોટી જ આપી છે પ્રકૃતિએ..

અરે, અન્ય જાનવરો કરતાં ઊંટની ડોક હોય ઘણી લાંબી ! ઊંટને મોટાભાગે તો પ્રવાસ એવા જ રણવગડે કરવાનો હોય કે જ્યાં ખોરાકમાં ખાઇ શકાય એવા જમીન પર નાના છોડવા-ઝાડવાનું નામ નિશાન જ ન હોય ! પણ ક્યાંયે જો ઊંચા ઝાડવાં મળી જાય તો તેને આંબી થોડી ભૂખ સંતોષી શકાય એ અર્થે જ ડોક લાંબી આપવાનો હેતુ પ્રકૃતિનો છે એવું લાગે છે. વળી ઊંટના પગ પણ હોય છે મોટા-પહોળા-લોંઠકા અને તળિયે ફાડ વાળા ! જેથી રણની રેતીમાં હાલવાનું થાય ત્યારે પગ પર શરીરનું વજન આવતાં પગની ફાડ પડે પહોળી, જેથી રેતમાં પગને ઊંડા ઉતરતાં બચાવી લઈ ઉતાવળે રન કાપવામાં મદદગાર બની શકે.એટલે તો ઊંટ “રેતીનું વહાણ” કહેવાયું છે !

[4]……સસલાના પાછલા પગ અને જિરાફના આગલા પગ લાંબા-આવું કેમ ?

જિરાફને ચારે પગ સરખી લંબાઇના આપવાને બદલે પ્રકૃતિએ આગલા પગ લાંબા તો એટલા માટે આપ્યા છે કે એ મૂળે તો છે આફ્રિકાનું વતની. ત્યાંના “સહરા” જેવા રણમાં હોય તેનું રહેણાંક ! અને ખાવા તો બધા જીવોની જેમ જિરાફને પણ જોઇએ જ ? રેતાળ જમીનમાં નાનેરા છોડ-ઝાડ તો જવલ્લે જ હોવાના ! હા, ક્યાંક ક્યાંક ઝાડવા મળી જાય તો હોય ખુબ ઉંચેરાં ! એ ઉંચાઇએ પહોંચવા ખાતર જ જિરાફના આગલા પગ પણ લાંબા અને એની ડોક પણ પ્રકૃતિએ આપી છે ખુબ લાંબી ! પગ અને ડોકની લંબાઇનો થાય સરવાળો એટલે બસ હવે ઉંચેરા ઝાડવે મોઢાને પહોંચતા વાર કેટલી ? જિરાફને ભુખ્યું નહીં રાખવાનો જ હેતુ એને આગલા પગ લાંબા આપવા બાબતનો પ્રકૃતિનો દેખાઈ રહ્યો છે.

જ્યારે……જ્યારે સસલાભાઇની સાથે પ્રકૃતિનો વ્યવહાર એનાથી સાવ જ ઊલટો દેખાઈ રહ્યો છે. સસલાના આગલા પગ ટુંકા અને પાછલા હોય છે લાંબા ! સસલું જીવ છે બહુ અસોળ-સુંવાળું અને બીકણ ! જો કે પ્રકૃતિએ એને પાછલા પગની સાથોસાથ કાન પણ મોટા અને લાંબા દીધા છે. કહે છે કે સસલાનું માંસ તો હોય છે બહુ મીઠું ! કેટલાક અઘોરી માણસોને પણ બહુ જ ભાવતું હોય છે. તો પછી શિકારી જાનવરો તો સસલાને ભાળ્યુંયે મૂકે ખરા ? પણ શિકારી કૂતરા, શિયાળ, વરૂ, ઝરખ જેવા દુશ્મનોનો અણસાર આવતાવેંત સસલું એના મોટા કાન કરે ઊંચા અને ઝીણામાં ઝીણો અવાજ-સંચલ કઈ બાજુથી આવે છે તે પકડી પાડે અને કઈ દિશાએ ભાગવું એ નક્કી કરી, ઝપાટાબંધ ભાગવામાં- લાંબી લાંબી ડંફાસો અને ઠેક લગાવવામાં અને ખાસ કરીને ટેકરી ચડવામાં પાછલા લાંબા પગ બહુ જ મદદગારી કરતા હોય છે. એટલે આવું કરીને પ્રકૃતિએ સસલા જેવા અસોળ અને બીકણ જીવોને શિકારીઓથી બચવાની સગવડ ધરી છે.

[5]……કૂતરાં-મિંદડાં-શિયાળવા જેવાના પગને તળિયે “ગાદી” કેમ હોય છે ?

માત્ર કૂતરાં-બિલાડાં કે શિયાળ-વરૂ જ માત્ર નહીં, પણ સિંહ-વાઘ-દીપડા-ચિત્તા જેવા જંગલી અને ખુંખાર શિકારી પ્રાણીઓના પગ નીચે પણ ગાદી જ હોય છે. અરે, એના પગના પંજાના નહોર પણ મોટા અને મજબૂત  એટલા માટે પ્રકૃતિએ ધર્યા હોય કે આ બધાનો ખોરાક તો હોય છે કોઇ તૃણાહારી પશુને ફાડીખાવાનો ! જ્યારે આ પ્રાણી શિકારની શોધમાં હોય અને જ્યારે  કોઇ શિકાર કરી શકાય એવો જીવ ભાળી જાય ત્યારે ચાલીને કે દોડીને તેની નજદીક પહોંચવામાં જો જરીકેય અવાજ-સંચલ થાય તો તો શિકાર ચેતી જાય અને ભાગી છૂટે ! શિકારની લગોલગ પહોંચી, તેને બરાબર મીટમાં લઈ, ઓચિંતાની તરાપ મારી, સાચ્ચે જ દબોચી લઈ શકાય જો જરીકેય અવાજ ન કરે તેવી તેના પગને તળિયે ગાદી હોય ! એવી ગાદી દરેક શિકારી પ્રાણીઓને પ્રકૃતિએ આપી જ છે. અરે, આવા પ્રાણીના દાંત પણ હોય છે સજાવેલી છરી જેવું કામ કરનારા ! બિલાડીના દાંત સામે નજર જરજો ! કેવા વળેલા અને તીણા હોય છે ? બચકું ભરે તો માંસનો લોચો બહાર ખેંચી કાઢ્યે પાર કરે !

પ્રકૃતિએ તો માત્ર માણસ જીવ જ નહીં પણ સમગ્ર જીવજગતને જીવતું રાખવું છે. એટલે તો સૌને ખોરાક મેળવવાનો, આવડેતો પોતાની જાતનું રક્ષણ કરવાનો અને એ રીતે જીવન જીવવાની સગવડ અને અધિકાર આપ્યાં છે. પ્રકૃતિને કોઇ વહાલું દવલું  નથી- એને સૌ સરખા છે. પછી તો જે જેની શક્તિ અને પહોંચ !


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com