નિસબત
ચંદુ મહેરિયા
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે વરસ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં સરકારની વિકાસની સાત પ્રાથમિકતાઓ, સપ્તર્ષિ, ની ઘોષણા કરી હતી. આ સપ્તર્ષિ પૈકી એક સમાવેશી વિકાસ છે. સમાજના આઘામાં આઘા અને પાછામાં પાછા એવા છેવાડાના લોકો સુધી વિકાસના ફળ પહોંચે તેને નાણા મંત્રીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી.. સમાવેશી વિકાસની પહેલી શરત સમાવેશી શિક્ષણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં શિક્ષણમાં સમાવેશનનું વ્યાપક માળખું પ્રદાન કરવાનું અને ઉચ્ચ શિક્ષણની પહોંચ તથા ભાગીદારી વધારવાનું જણાવવામાં આવ્યું છે.
સમાજવાદી નેતા ડો.રામ મનોહર લોહિયા ચાહતા હતા કે રાણી હોય કે મહેતરાણી તમામના બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ. ભારતના બંધારણમાં સમાનતાપૂર્ણ, સમાવેશી અને બહુલતાવાદી સમાજના નિર્માણની કલ્પના કરવામાં આવી છે. સમાન શિક્ષણની દિશાનું એક કદમ સમાવેશી શિક્ષણ છે. પરંતુ સમાવેશી શિક્ષણ ગુણવતાપૂર્ણ હોય તો જ તે સાર્થક બને. ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણના અણસાર ૨૦૨૩ના નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ)માં તામિલનાડુએ હાંસલ કરેલ સ્થાનમાં જોવા મળે છે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ૨૦૧૫થી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને રેન્ક આપવામાં આવે છે. તાજેતરમાં ૨૦૨૩ના નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્કમાં દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને શીખવવું, શિખવું, સંસાધનો, સ્નાતકનું પરિણામ, સમાવેશન, સંશોધન, ગુણવત્તા સહિતના પાંચ માપદંડોના ગુણભારના આધારે ક્રમ આપવામાં આવ્યો છે. વ્યાપક લોકપ્રિયતા અને વિશ્વસનીયતા પ્રાપ્ત આ રેન્કિંગ ફ્રેમવર્ક ભારતની હાયર એજ્યુકેશનની સંસ્થાઓના રેન્કિંગ અને તુલના માટેની સંગઠિત પ્રણાલી છે. કોલેજીસ, યુનિવર્સિટીઝ, રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ્સ અને ઓવર ઓલ એવી મુખ્ય ચાર શ્રેણીઓ ઉપરાંત મેડિકલ ,એન્જિનીયરીંગ,મેનેજમેન્ટ, ફાર્મસી, ડેન્ટલ, લો, આર્કિટેકચર એન્ડ પ્લાનિંગ, એગ્રિકલ્ચર એન્ડ એલાઈડ સેકટર્સ તથા ઈનોવેશન એવી શ્રેણીઓ પણ છે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક-૨૦૨૩ની તમામ પ્રકારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ઓવરઓલ રેન્કિંગમાં તમિલનાડુની સૌથી વધુ ૧૦૦માંથી ૧૭ સંસ્થાઓ છે. કોલેજોના વિભાગમાં તો તામિલનાડુની ૩૫ કોલેજો, યુનિવર્સિટીઓમાં ૧૯ અને ૫૦ સંશોધન સંસ્થાઓના રેન્કિંગમાં તામિલનાડુની ૯ સંસ્થાઓ છે. કોલેજોની શ્રેણીમાં તામિલનાડુની ૩૫ પછી દિલ્હીની ૩૨, કેરલની ૧૪ અને પશ્ચિમ બંગાળની ૮ કોલેજો છે. રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન સાવ નગણ્ય છે તો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઓડિશાની એક પણ કોલેજ સ્થાન મેળવી શકી નથી.
તામિલનાડુની કોલેજો અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ મેળવેલું આ સ્થાન ગુણવતાપૂર્ણ અને સમાવેશી ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવાની તેની મથામણોને આભારી છે. દ્રવિડ આંદોલનનું કેન્દ્ર રહેલા તામિલનાડુમાં સામાજિક ન્યાય સાથે રાજ્યનો વિકાસ સધાયેલો છે. જે ૩૫ કોલેજોએ ઉંચુ સ્થાન મેળવ્યું છે તેમાં ચેન્નઈ, કોઈમ્બતૂર અને તિરુચિરાપલ્લી એ ત્રણ શહેરોની કોલેજો તો વધુ છે જ પરંતુ મદુરાઈ, તુતિકોરિન, તિરુપત્તુર, પલયમકોટાઈ, કરાઈકુડિ, સિવાકાસી, પેરામ્બલુર, વિરુધનગર, મારયનદમ, નગરકોઈલ અને પોલ્લાચીની કોલેજો પણ છે. એટલે ઉચ્ચ શિક્ષણ મોટા શહેરોના સુખી સંપન્ન વર્ગ સુધી જ સીમિત ના રહેતા નાના નગરો અને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ્યું છે.મોખરાની ૩૫ કોલેજોમાંથી ૧/૩ કોલેજો તો વિભિન્ન સ્થાનો પર આવેલી છે. તે દર્શાવે છે કે ગ્રામીણ અને પછાત વિસ્તારોની સંસ્થાઓ પણ મોખરે છે. આ સંસ્થાઓ અગ્રક્રમે આવી શકી તેનું કારણ શિક્ષણ વંચિત સામાજિક- આર્થિક સમૂહોના વિધ્યાર્થીઓને તેણે ગુણવત્તાયુક્ત શિક્ષણનો સમાન અવસર આપ્યો છે.
વંચિત વર્ગ સુધી શિક્ષણની આ પહોંચનું કારણ તામિલનાડુમાં અનામતનું ૬૯ ટકા જેટલું ઉંચું પ્રમાણ અને તેનો પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ સાથે થતો અસરકારક અમલ છે.તમિલનાડુ સરકારના સકારાત્મક પગલાં, શિષ્યવૃતિ અને અન્ય મદદને કારણે સૌને માટે ઉચ્ચ શિક્ષણના જડબેસલાક વાસ્યાં કમાડ ખોલાયા છે. સમાજનો અગ્રવર્ગ અને શાસકવર્ગ ન માત્ર ભૌતિક સાધનો પર, બૌધ્ધિક સાધનો પર પણ નિયંત્રણ રાખે છે. તેને ભેદવા માટે શિક્ષણમાં સમાવેશન જરૂરી છે.
સમાવેશન એટલે જ્યાં સૌ એકબીજાનો સ્વીકાર કરે, એકબીજાનો સહયોગ કરે. અનામતના પ્રતાપે સરકારી નોકરી મેળવવી કે શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવવાથી જ સમાવેશન થઈ જતું નથી. તે માટે તો ખાસ અને આમ બંને વર્ગોએ પ્રયત્ન કરવા પડે. વ્યક્તિનું રહેઠાણ, સામાજિક-આર્થિક સ્થિતિ, જ્ઞાતિ, લિંગ, વિશેષ આવશ્યકતાઓ વગેરે બાબતો સમાવેશનમાં બાધક છે. વ્યક્તિની શૈક્ષણિક ક્ષમતામાં આ બધી બાબતો બાધક ના બને એટલા માટે સમાવેશી શિક્ષણ જરૂરી છે.
તમિલનાડુનો સાક્ષરતા દર ૮૦.૩૩ ટકા છે. આઈઆઈટી મદ્રાસ છેલ્લા પાંચ વરસોથી નેશનલ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવે છે. ૨૦૨૧માં ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય નામાંકન (ગ્રોસ એનરોલમેન્ટ રેસિયો- જીઈઆર) ૨૭.૧ ટકાની તુલનામાં તમિલનાડુનો જીઈઆર ૫૧.૪ ટકા (બેગણા જેટલો) ઉંચો હતો. મહિલાઓનો હાયર એજ્યુકેશનમાં જીઈઆર નેશનલ ૨૭.૩ ટકા અને તામિલનાડુનો ૫૧ ટકા હતો. દલિત વિધ્યાર્થીઓનો ૩૮.૮ અને વિધ્યાર્થીનીઓનો ૪૦.૪ ટકા હતો. રાષ્ટ્રીય સ્તરે ૨૧.૮ ટકા દલિત યુવાનોના ઉચ્ચ શિક્ષણ નામાંકનની સરખામણીએ તમિલનાડુમાં તે ૪૨ ટકા હતો. આ આંકડાકીય વિગતો તામિલનાડુમાં સમાવેશી શિક્ષણની તો નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્કમાં તેનો ક્રમ ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણની પ્રતિતી કરાવે છે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિગ ફ્રેમવર્ક-૨૦૨૩ના પરિણામોથી કમસેકમ તામિલનાડુમાં તો સમાવેશી શિક્ષણ પૂર્ણપણે થઈ ગયું છે અને આગામી વરસોમાં દેશમાં પણ શક્ય બનશે તેમ માની લેવું વધારે પડતું છે. ૨૦૧૭માં ૫૩૫ કોલેજોએ રેન્કિગમાં ભાગ લીધો હતો. ૨૦૨૩માં ૨૭૪૬ કોલેજોએ ભાગ લીધો છે. એટલે છ વરસોમાં પાંચ ગણો વધારો થયો છે. પરંતુ દેશમાં કુલ ૪૨,૩૪૩ કોલેજો છે એટલે તેના પાંચ ટકા કોલેજોએ જ એનઆઈઆરએફ-૨૦૨૩માં ભાગ લીધો છે. આટલી ઓછી સંખ્યાની કોલેજોના રેન્કિગથી બહુ હરખાઈ જવાની કે સમાવેશી અને ગુણવત્તાપૂર્ણ સમાવેશી ઉચ્ચ શિક્ષણ દેશમાં વિસ્તરી રહ્યું છે તેમ માનીને ફુલાઈ જવાની જરૂર નથી.
શિક્ષણનું ખાનગીકરણ સમાવેશી અને ગુણવતાયુક્ત સમાવેશી શિક્ષણમાં મોટો અવરોધ છે. શિક્ષણના ખાનગીકરણથી તામિલનાડુ પણ બાકાત નથી. તામિલનાડુની સરકારી કોલેજોમાં ભણતા વિધ્યાર્થીઓની સંખ્યા ૪,૬૩,૫૦૮ છે પરંતુ ખાનગી કોલેજોમાં ભણતા વિધ્યાર્થીઓની સંખ્યા ૧૮,૧૧,૭૮૨ છે. એટલે શિક્ષણના ખાનગીકરણને અટકાવીને ઉચ્ચ શિક્ષણની સરકારી સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સમાવેશી શિક્ષણ આપવું તે મોટો પડકાર છે.
ગુણવત્તા અને ઈયત્તા બેઉ મામલે ઉચ્ચ શિક્ષણમાં આપણે પાછળ છીએ. ગુણવત્તાયુક્ત સમાવેશી શિક્ષણ આજની પાયાની જરૂરિયાત છે. ઉચ્ચ શિક્ષણમાં તે સૌથી વધુ જરૂરી છે. સરકારો ઉચ્ચ શિક્ષણને ખાનગી હાથોમાં સોંપીને છૂટી પડવા માંગતી હોય ત્યારે ગુણવતાપૂર્ણ સમાવેશી શિક્ષણ પોથીમાનાં રીંગણા જેવો આદર્શ ન બની રહે તો સારુ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
