તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

૧૦ ઓગસ્ટ ઈચ્છારામ દેસાઈની જન્મજયંતી હતી. ૧૭૦ વર્ષ પહેલાં જન્મેલા ઈચ્છારામ દેસાઈએ ૧૯મી સદીમાં અંગ્રેજોને ન ગમે એવું પત્રકારત્વ કર્યું હતું. અંગ્રેજોએ એમની નવલકથા ‘હિન્દ અને બ્રિટાનિયા’ પર તો પ્રતિબંધ મૂક્યો હતો.

થાય છે, જરી ચતુરના ચોતરાવાળી કરું. એક ઉદાહરણ આપું છું અને પૂછું છું કે આ કોનું હશે તે કહો: ‘દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે. જ્યારે શબ્દો નાના નાના સાદા અને સાધારણ લોકો સમજી શકે એમ હોય ત્યારે જ ખરી ખૂબી માલૂમ પડે છે.’ આ સવાલમાં એવી તે શી ધાડ મારવાની છે, વારુ? તમે કહેશો, બિલકુલ શેરલોક હોમ્સની જેમ, ‘એલિમેન્ટરી, માય ડિયર વૉટ્સન.’ સાદી ભાષાની હિમાયત તો ગાંધીજી જ કરે ને. ખોટ્ટી વાત. ૧૮૮૮૦માં (એટલે કે ગાંધીજી હજુ અગિયાર વરસના હશે) ત્યારે આ વાત મૂકનાર હતા ‘ગુજરાતી’ સાપ્તાહિકના સ્થાપક તંત્રી, નામે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ.

જોકે, ઈચ્છારામનો ભાષા વિષયક આગ્રહ ને અભિગમ એક જુદા સંદર્ભમાંયે જોવા જેવો છે. એમની પૂર્વે જે ગુજરાતી પત્રકારત્વ ચાલ્યું એની તપસીલમાં નહીં જતાં સાર રૂપે એટલું જ કહું કે તે બધા બહુધા પારસી માલિકી અને સંચાલનનાં પત્રો હતાં. બીબાં બાબતે થોડીક પૂર્વ તાલીમ પણ ધરાવતા ઈચ્છારામે ચોખ્ખા ગુજરાતી ઉચ્ચારને ધોરણે પ્રેસને …ને ગુજરાતી પત્રકારણમાં ધોરણસરની રાજકીય ચર્ચા શરૂ થઈ.

સાધ્યું અને શરૂના એક-બે અંક બહાર આવતે આવતે તો આ પત્ર પારસીશાઈ અશુદ્ધ ગુજરાતીથી ઉફરું ઊડવા લાગ્યું. પારસી પત્રોની વિશેષતા જોકે એ હતી કે એકલદોકલ અપવાદ સિવાય રાજકીય બાબતોથી અંતર રાખવાના વલણ સામે આ પત્રો સંસાર સુધારા ક્ષેત્રે બુલંદ હોઈ શકતાં હતાં. ઈચ્છારામ રાજકીય બાબતોમાં ધોરણસર કહેવા જેવું કહેતા જ.

હકીકતે, ૧૮૮૦માં એમણે મુંબઈથી ‘ગુજરાતી’ શરૂ કર્યું તે પૂર્વે ૧૮૭૮માં સુરતથી ‘સ્વતંત્રતા’ માસિક થોડો વખત ચલાવ્યું હતું. રાજ્યપ્રકરણી કારણોસર એમના પર તવાઈ આવી ત્યારે મુંબઈથી ફીરોજશાહ મહેતા ખાસ કેસ લડવા આવ્યા હતા અને ત્યારથી ઈચ્છારામે એમને રાજકીય ભોમિયા લેખે સ્વીકાર્યા હતા. ‘ગુજરાતી’ પત્રે કબૂલ્યું હતું કે

‘સંસારી સુધારાની પહેલી જરૂર છે તેમ છતાં રાજકીયને અમે ધિક્કારનાર નથી… અને રાજકીય ને સંસારી સંયુક્ત બળથી અમારો કિલ્લો બાંધ‌વા માંગીએ છીએ… અમારે પોલિટિકલમાં બોલવાનું એટલું જ કે રાજા અને પ્રજા વચ્ચે ગેરસમજૂતીનો જે મોટો અખાત પડેલો છે તેને પૂરી નાખવો… નિપુણ રાજકર્તાથી કેવા લોભ થાય છે તે બતાવવાને જરૂર પડે તો અમારી સલાહનો નબળો અવાજ બહાર કાઢવો…’

‘નબળો’ એ પ્રયોગ અહીં મોડરેટ કહેતાં મવાળ કે નરમના અર્થમાં થયો જણાય છે, જે ફીરોજશાહ આદિના રાજકારણને સુસંગત છે. હજુ કોંગ્રેસની સ્થાપના આડે પાંચ વરસ હતાં ત્યારે, ૧૮૮૦માં ‘ગુજરાતી’ના સ્થાપક તંત્રી આ રીતે વાત કરે છે તે સૂચક છે. જે બે નવલકથાઓથી ઈચ્છારામ અને આ પત્ર બેઉ ઊંચકાયા, ‘હિંદ અને બ્રિટાનિયા’ તેમજ ‘ચંદ્રકાન્ત’, તે પૈકી પહેલી હિંદ દેવી બ્રિટાનિયા ને સ્વતંત્રતા દેવી એ ત્રણ પ્રતાપી નારી પાત્રો વચ્ચેના લાંબા સંવાદો રૂપે દેશહિત નામક પુરુષ પાત્ર સમેત વિલસે છે… અને અંતે ‘દિવ્યમૂર્તિ’ રિપનને ભરતખંડનું રાજ્ય સોંપતાં તે (હિંદદેવી) તથા બ્રિટાનિયા બંને સુખી થયાં અને હિંદ-બ્રિટાનિયાની સામ્રાજ્યકીર્તિ અવિચળ રહો એવો હર્ષયુક્ત નાદ સર્વેના અંત:કરણમાંથી ઊઠી ગગનમાં ગાજી રહ્યો.

ઈચ્છારામે જે લેખકવૃંદ જોતર્યુઁ તેમાં ૧૮૫૭માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટોનો હિસ્સો ખાસો હતો. આ લેખકોમાં રતિલાલ દુર્ગારામ મહેતા, વૈકુંઠરાય મન્મથનાથરાય મહેતા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, સાકરલાલ દુર્ગારામ દેસાઈ, ઈચ્છારામ ભગવાનદાસ, છગનલાલ ઠાકોરદાસ મોદી વ. નામો રતન માર્શલે નોંધ્યાં પણ છે. એકંદરે ‘ગુજરાતી’ના લેખકમંડળનો દબદબો ને એમની ફરતે રચાયેલ પ્રભામંડળ કેવા હશે એનો અંદા જે અણસાર તો પાછળથી, જ્યોતીન્દ્ર દવે સાથે ‘અમે બધાં’થી સુખ્યાત ધનસુખલાલ મહેતાના ‘અનુભવ’થી જાણવા મળે છે.

હજુ કોલેજમાં પહેલાબીજા વરસમાં હશે અને એમણે ‘ગુજરાતી’માં લખેલો લેખ ‘ધનસુખલાલ મહેતા, બી.એ.’ એ લેખકનામથી છપાયો. ધનસુખલાલ ભૂલસુધાર સારુ ગયા તો ઈચ્છારામકાકા ગર્જ્યા: ‘નથિંગ ડુઈંગ!’ ને ઉમેર્યું: ‘અમારો કોઈ લેખક ગ્રેજ્યુએટથી ઓછો હોઈ શકે જ નહીં.’ ધારાવાહી નવલકથાઓ (કેટલીક ‘ચાલુ’ તો કેટલીક હપ્તાવાર) શરૂ શરૂમાં, મુનશીના શબ્દોમાં, હાડપિંજર ને લુગડાં પહેરાવ્યાં જેવી એટલે કે ચીલેચલુ અને વળી જૂનવાણી તરેહની આવતી. પણ ‘ઘનશ્યામ’ નામે એમણે પોતે ‘વેરની વસૂલાત’થી (૧૪ આને કોલમના બાદશાહી ભાવે) પ્રવેશ કીધો એ અલબત્ત એક જુદી જ ઘટના હતી.

લેખકમંડળ અંગે એક વિલક્ષણ ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. ‘બીરબલ’ ઉપનામથી હળવી ને કટાક્ષભરી કોલમ લખાતી. દુરારાધ્ય બ.ક.ઠા. ‘બીરબલ’ને તે અરસાના દસ ગુજરાતી ગદ્યકારો પૈકી એક તરીકે ગણાવતા. દર્શકે સંભાર્યું છે કે એક વાર ગાંધીજીએ એમને પૂછેલું: હજી પેલા ‘બીરબલ’ છે કે? હું એમની ‘ભર કટોરા રંગ’ રસથી વાંચતો. આ ‘બીરબલ’, રતન માર્શલે મસ્તફકીરને ટાંકીને નોંધ્યું છે તેમ એક પારસી ગૃહસ્થ હતા- ખરશેદજી બમનજી ફરામરોજ.

ગમે તેમ પણ, એક તબક્કે, ૧૯૧૦માં એમનું મવાળ રાજકારણ પણ અંગ્રેજ સરકારને રાસ ન આવ્યું અને જામીનગીરી મંગાતાં ઈચ્છારામને લાગ્યું કે મારું પત્રકારજીવન પૂરું થયા બરોબર છે. ‘ગુજરાતી’ પત્ર તો ત્યાર પછી પણ બે વરસ એમના થકી અને તે પછી પુત્રો મારફતે ઠીક ચાલ્યું પણ એનો સમય પૂરો થાય એ અનિવાર્ય હતું. કારણ, એક તો, લાલબાલપાલ થકી સરજાયેલ ઉદ્દામ માહોલમાં વળી ગાંધીપ્રવેશ સાથે મવાળ રાજકારણના ખરીદાર નહોતા તેમજ સુધારા બાબતે સનાતની વલણ પણ નવા સમયમાં સ્વીકાર્ય નહોતું. ચોખ્ખી ભાષા અને રાજકીય ચર્ચાની એણે કંડારેલ કેડી બેલાશક એક પ્રતિમાન હતી અને રહેશે. આ પત્રને નર્મદે ‘ગુજરાતી’ એવું રૂડું નામ આપ્યું હતું, અને ઈચ્છારામ અલબત્ત અગ્રગાયી એવા એક ગુજરાતી તરીકે ચિરકાળ સંભારાશે.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૯ – ૦૮  -૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.