સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
સોફ્ટવેરની દુનિયામાં, ‘ડિલિવરી’ – ‘માલ’ને ગ્રાહકને ત્યાં પહોંચાડવાની – પ્રક્રિયામાં સામાન્ય રીતે પરીક્ષણ, ખામી દૂરસ્ત કરવા જરૂરી ફરીથી કરવું પડે એવું કામ, ખામી સુધારણા, ખામી રહિત પરિપૂર્ણતા, પેકેજિંગ અને પછી માલ રવાનગીના દરેક તબક્કામાં હંંમેશાં થોડો ઉચાટ અનુભવાતો જ હોય છે. આપણે જેની રવાનગી કરીએ છીએ તે સામગ્રીની, અને જે રીતે રવાનગી કરીએ છીએ તેની, ગુણવત્તા અને માલ રવાનગીની સમયસરતા ગ્રાહકના મનમાં વ્યાવસાયિકો તરીકે આપણા માટે પ્રતિષ્ઠાની ભાવના જગવે છે.
પણ સમજાતું એ નથી કે દરેક રવાનગીમાં પીડા શા માટે સંકળાયેલી હોય છે? માલની રવાનગી પહેલાં માલ બધી રીતે પૂર્ણ હોય તે તો સ્વાભાવિકપણે આવશ્યક છે. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ સંબંધિત કર્મચારીએ રવાનગી માટેની સામગ્રી બહાર જાય તે પહેલાં તે બધી આવશ્યકતાઓ પુરી છે કે કેમ તેની સતત સમીક્ષા કરવી પડે છે, અને જરૂર પડે તો તેમાં સુધારા વધારા પણ કરતા રહેવું પડે છે. પોતાની વાદ્ય કે કંઠ્ય રચના શ્રોતાઓ સમક્ષ રજુ કરતાં પહેલાં કલાકારે અનેકવાર અભ્યાસ અને પૂર્વપ્રયોગ કરવો પડતો હોય છે. તેઓ બધા કામ પૂરું થતાં પહેલાં સામાન્યપણે થતા ઉચાટ સામે લડે છે.
શેઠ ગોડિન, તેમના પુસ્તક ‘લિંચપિન’ માં કહે છે, –
માલ રવાનગી એ તમારા કામ અને બહારની દુનિયા વચ્ચેની ટક્કર છે. દરવાજાની બહાર કંઈક રવાના કરવું, તે પણ નિયમિતપણે, કોઈ જાતની અણધારી મુશ્કેલી કે કટોકટી કે ડર વિના કરવું એ તમને અનિવાર્ય સાબિત કરી શકે એવું એક દુર્લભ કૌશલ્ય છે.
વ્યાવસાયિક તરીકેની આપણો વિકાસ માલ પહોંચાડવા દરમ્યાન થતી પીડામાંથી પસાર થવાની આપણી ક્ષમતા પર ઘણો આધાર રાખે છે. તે સમયે ખબર પડી જાય છે કે પેદાશ/સેવા વિકસાવતી વખતે જે તૈયારી, અભ્યાસ અને વિચાર પ્રક્રિયા થયેલ છે તે માલ રવાનગી કરતી વખતે થનાર પીડાની અનુભૂતિથી વિપરિત પ્રમાણસર છે કે કેમ. જેટલી વધુ તૈયારી, જેટલી વધુ અગમચેતી એટલી, સામાન્ય રીતે, પીડા ઓછી.
જ્યારે આપણે મહત્વપૂર્ણ પરિયોજના/પહેલ શરૂ કરીએ છીએ, ત્યારે તેના અમલીકરણ માટે આયોજનો અને વ્યૂહરચનાઓ ગોઠવવામાં બહુ ઉત્સાહિત હોઈએ છીએ. પરંતુ જ્યારે રવાનગીની ઘડી નજીક આવે છે, ત્યારે પ્રારંભિક સમયે જે ઉત્સાહની ભરતી હોય છે તેમાં ઓટ આવી જાય છે અને આપણું ધ્યાન “બરાબર કરવું” માંથી ” પુરૂં કરવા” તરફ બદલાઈ જાય છે, અને પરિણામે, નિષ્ફળતાની તકોનો માત્ર ગુણાકાર જ થાય છે.
રવાનગી કરવી મુશ્કેલ અને ક્યારેક ડર પેદા કરે તેવી પણ હોય છે. પરંતુ આપણે જેમ જેમ વધારે રવાનગીઓ કરતાં જઈએ છીએ, તેમ તેમ દરેક રવાનગીમંથી કંઈક વધુ શીખી શકીએ છીએ, રવાનગીની આવશયકતાઓને વધારે આત્મસાત કરી શકીએ છીએ અને તેમ કરીને સફળતાની તકોને વધારી શકીએ છીએ.
– – – – –
અને છેલ્લે:
નિષ્ફળતાના ડર અને સંકળાયેલ પીડા મહત્વપૂર્ણ સામગ્રી પહોંચાડવામાં અવરોધ ન બનવાં જોઈએ. દરેક રવાનગીમાં તેની આગવી સંબંધિત પીડાઓની ગાંઠડી તો બાંધી પડી જ હશે તે હકીકતને જાણી, સમજી અને સ્વીકારી લેવાથી તે અંગેના પડકારો સામે તૈયાર થવામાં અને તે મુજબ આપણી જાતને/આપણી ટીમોને સુગઠિતમાં કરવામાં મદદ મળે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
