ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અમેરિકન ફિલ્મઉદ્યોગમાં ૪૩ વર્ષના લાંબા અંતરાલ પછી એક મહત્ત્વની ઘટના બની છે, જેનો આરંભ ૧૩ જુલાઈથી થયો. ‘સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ’ (એસ.એ.જી.) અને ‘અમેરિકન ફેડરેશન ઑફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ’ નામનાં લેખકો અને અભિનેતાઓનાં બે મહત્ત્વનાં સંગઠનોએ ‘અલાયન્સ ઑફ મોશન પિક્ચર એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ’ (એ.એમ.પી.ટી.પી.) સાથેની વાટાઘાટો પડી ભાંગતા હડતાળ ઘોષિત કરી. વાટાઘાટના મુખ્ય મુદ્દામાં બહેતર મહેનતાણું, કાર્યસ્થળની બહેતર સ્થિતિ જેવા મુદ્દાઓની સાથોસાથ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- કૃત્રિમ બુદ્ધિમતાના વધતા જતા વ્યાપની સામે સલામતી અને સુરક્ષાનો મહત્ત્વનો મુદ્દો પણ છે. દિનબદિન વધી રહેલાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એટલે કે ફિલ્મની રજૂઆતનાં માધ્યમોની સીધી અસર સર્જકોના મહેનતાણા પર થઈ રહી છે. કેમ કે, ફિલ્મો અને વિવિધ શોના પુન:પ્રસારણનું મહેનતાણું મળવું સાવ ઘટી ગયું છે કે બંધ થઈ ગયું છે. સ્ટ્રીમિંગ કરતી વિવિધ સાઈટો પોતાના દર્શકોનો સાચો આંકડો બહાર પાડતી નથી. તેને બદલે તેઓ એક ઉચ્ચક રકમ સંબંધિત લોકોને ચૂકવી દે છે. લેખકોની આ હડતાળને અભિનેતાઓએ પૂરેપૂરો ટેકો આપ્યો છે. આશરે એક લાખ સાઠ હજાર કલાકારોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ‘એસ.એ.જી.’માં હોલીવુડના ટોચના કલાકારોનો સમાવેશ થાય છે. તો એ.એમ.પી.ટી.પી.માં હોલીવુડની અગ્રણી નિર્માણસંસ્થાઓ સભ્ય છે. એક મહિનાથી બન્ને વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, પણ આખરે તે નિષ્ફળ રહી.

માંડ એકાદ વરસ અગાઉ થયેલા ‘ચૅટજીપીટી’ના આવિષ્કાર પછી લેખકો, ફોટોગ્રાફરના સંપાદકો, કોડર એટલે કે કમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કરનારા અને વિવિધ વિગતોનું પૃથક્કરણ કરી આપતા ડેટા ક્રન્ચર તરીકે ઓળખાતા વર્ગની રોજગારી પર તલવાર તોળાવા માંડી છે. આ શક્યતાને ધ્યાનમાં લઈને આ સંગઠનોએ ‘આધુનિક મુદ્દાઓને ઊકેલવા માટે આધુનિક કરાર’ની માગણી કરી છે. હજી છએક મહિના અગાઉ કૃત્રિમ બુદ્ધિમતા જેવો મુદ્દો ખાસ ગણનામાં નહોતો, પણ આટલા ઓછા સમયમાં તે ચર્ચામાં આવી ગયો છે, એટલું જ નહીં, એક આખા વર્ગના અસ્તિત્વ સામે ખતરો બનીને ઊભો રહી ગયો છે. અલબત્ત, હાલના તબક્કે આ બાબત હજી પ્રાથમિક અવસ્થામાં હોવાથી તેનાથી ફિલ્મનિર્માણની પરંપરાગત પદ્ધતિમાં ખાસ કશો ફેર પડ્યો નથી. પણ તેની ઝડપ એટલી બધી છે કે નજીકના ભવિષ્યમાં તે અમુક ક્ષેત્રના લોકોની રોજગારી સામે ખતરો ઊભો કરી શકે એમ છે.
આ હડતાળની સીધી અસર જુલાઈ મહિનામાં રજૂઆત પામનારી કેટલીક મોટા બજેટની ફિલ્મો પર થશે. હડતાળ દરમિયાન ‘એસ.એ.જી.’ના સભ્યો અભિનય, નૃત્ય, ગાયન કે સ્વરાભિનય સહિતનું કોઈ પણ કામ કેમેરાની સામે કે પાછળ કરી શકશે નહીં. તેઓ કોઈ પણ ફિલ્મનો પ્રચાર નહીં કરી શકે, પ્રિમીયર શો, એવોર્ડ સમારંભ, ફેસ્ટીવલ, પેનલ, ઈન્ટરવ્યૂ કે ચાહકોના મિલનમાં સુદ્ધાં ઉપસ્થિત નહીં રહી શકે. પોતાના પાત્રના પોશાકના રિહર્સલમાં કે ફીટીંગમાં તેઓ હાજરી આપી નહીં શકે અને ભાવિ પ્રકલ્પો વિશે વાટાઘાટ પણ નહીં કરી શકે. આ શરતો પરથી અંદાજ આવી શકે છે કે આ સંગઠન પોતાની માગણી બાબતે કેટલું ગંભીર છે.
આ સંગઠનનાં પ્રમુખ અને અગ્રણી નેતા ફ્રાન ડ્રેશર નામનાં અભિનેત્રી છે. તીખી જબાનમાં તેમણે સ્ટુડિયો માલિકોના વલણની ઝાટકણી કાઢતાં કહ્યું કે એ લોકો એમ કહી કહીને ભીખ માગતા ફરે છે કે પોતે નાણાં ખોઈ રહ્યા છે, પણ વાસ્તવમાં પોતાના સી.ઈ.ઓ.ને તેઓ ખોબલે ને ખોબલે નાણાં કમાવી આપે છે. આ હકીકત બહુ જુગુપ્સાપ્રેરક છે. શરમ છે એમને!
અગાઉ જુલાઈ, ૨૦૨૦માં મહત્ત્વનો કરાર કરવામાં આવ્યો હતો, જેની મુદત ૩૦ જૂન, ૨૦૨૩ના રોજ પૂરી થતી હતી. અમેરિકાના અનેક અગ્રણી અભિનેતા- અભિનેત્રીઓ આ લડતમાં જોડાયાં છે. મેરીલ સ્ટ્રીપ, જેનીફર લૉરેન્સ, ચાર્લીઝ થેરન, જેમી લી કર્ટિસ, ઓલિવિયા વાઈલ્ડ જેવી અગ્રણી અભિનેત્રીઓ તેમજ જોએક્વિન ફીનીક્સ, એવોન મેક્ગ્રેગર, જ્યોર્જ ક્લૂની, જહોન ક્યુસેક અને માર્ક રફેલો જેવા જાણીતા અભિનેતાઓએ આ હડતાળને ટેકો આપ્યો છે.
અમેરિકા જેવા મૂડીવાદી દેશમાં પણ મૂડીવાદનો આ વરવો ચહેરો જોઈ શકાય છે. આ હડતાળ કેવળ લેખકો પૂરતી રહી હોત તો તેનો વ્યાપ કદાચ મર્યાદિત રહ્યો હોત. પણ અનેક અભિનેતા-અભિનેત્રીઓ તેમાં જોડાયા હોવાથી તેના સમાચાર ઝડપભેર પ્રસરી રહ્યા છે. આમ છતાં, ‘એ.એમ.પી.ટી.પી.’ની સભ્ય સંસ્થાઓએ હજી સુધી મચક આપી નથી.
મૂડીવાદના આ વરવા ચહેરા પાછળ રહેલું સત્ય એ છે કે દરેકને કેવળ પોતાના ભાગનો જ નહીં, બીજાઓના ભાગનો રોટલો પણ જોઈએ છે. માત્ર અમેરિકામાં જ શું કામ, હવે આપણા દેશમાં પણ આ વલણે ક્યારનો પગપેસારો કરી દીધો છે. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ શાસકો સાથે સારાસારી રાખીને વધુ ને વધુ ધનવાન બનતા જાય છે. તેમની લાલસાનો કોઈ અંત નથી. પોતાને મળે છે એ તેમને કદી પૂરતું લાગતું નથી, અને તેમની ભૂખ સતત વધતી રહે છે. ધનવાન થવા મથતા અનેક લોકોની માનસિકતા પણ આ જ હોય એમ જણાય છે. તેમની લાલસા અમર્યાદ બની રહી છે. પોતાને ખપ પૂરતું મળી રહે એટલાથી તેમને ધરવ નથી. તેમને જરૂર કરતાં અનેકગણું જોઈએ છે. હોલીવુડના મોટાં ગણાતાં માથાં આ હડતાળમાં જોડાયાં હોય એ સૂચવે છે કે આ સમસ્યા કેટલી ગંભીર અને સહુ કોઈને સ્પર્શે એવી છે.
શોષિત પ્રત્યે સહાનુભૂતિ હોય જ, પણ ભવિષ્યમાં શોષિતોની ભૂમિકા ઉલટાય તો તેમણે પણ એ હકીકત યાદ રાખવી પડશે કે અન્યોને તેમના ભાગનો વાજબી હિસ્સો મળવો જોઈએ.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭ – ૦૭ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
