બીરેન કોઠારી
મુબારક બેગમનું અવસાન ૧૮ જુલાઈ, ૨૦૧૬ના દિવસે ૮૦ વર્ષની વયે થયું એ દિવસે તેમનાં ગાયેલાં અમુક ગીતો રેડીયો પર સાંભળવા મળ્યાં. પણ મુબારક બેગમનાં તમામ ગીતોમાં મને સૌથી પહેલું યાદ આવે ‘દાયરા’નું ‘દેવતા તુમ હો મેરા સહારા.’ આ ગીતની જાણકારી પહેલવહેલી વાર નલિન શાહ પાસેથી મળી હતી. એ ગીત સાંભળ્યું ત્યારથી આ ગીત સાથે બે નામ મનમાં જડાઈ ગયાં હતાં. એક તો મુબારક બેગમ (અલબત્ત, સહગાયક મ.રફી પણ ખરા) અને બીજા તેના સંગીતકાર જમાલ સેન.
વિવિધભારતી પર રોજ રાત્રે દસ વાગ્યે નિયમીત પ્રસારિત થતા ‘છાયાગીત’ કાર્યક્રમમાં નલિન શાહે ‘વિશેષ છાયાગીત’ અંતર્ગત આ જ સંગીતકારો વિષેના અડધા અડધા કલાકના કાર્યક્રમ તૈયાર કરીને રજૂ કર્યા હતા. આ શ્રેણીમાં જમાલ સેનના કાર્યક્રમમાં તેમણે કમાલ કરી. મુબારક બેગમને તેમણે આ કાર્યક્રમમાં રજૂ કર્યાં અને જમાલ સેન વિશે મુબારક બેગમે થોડી વાત કરી. ત્યાર પછી મુબારક બેગમે ‘દેવતા તુમ હો મેરા સહારા’ની બે લીટી ગાઈ અને તરત એ મૂળ ગીત રજૂ થયું. હું અને ઉર્વીશ બન્ને ત્યારે માંડ પકડાતા વિવિધભારતીને રેડિયો પર કાન દબાવીને સાંભળી રહ્યા હતા. અને મુબારક બેગમે ગણગણેલું ગીત તેમજ તરત વાગેલું મૂળ ગીત સાંભળીને રીતસર થીજી ગયા હતા. આ બન્ને અવાજ વચ્ચે ચાલીસેક વરસનો ફરક હતો, પણ એ ક્યાંય જણાતો નહોતો. અને એ વાતે જ અમને નિ:શબ્દ કરી મૂક્યા હતા.
આ ગીતની એ અપીલ સદાકાળ રહી છે અને રહેશે. તેની દિવ્ય ધૂન, બન્ને ગાયકોનો સ્વર, શબ્દોને ઉજાગર કરતું મર્યાદિત સંગીત, કોરસનો યથોચિત ઉપયોગ- આ બધાને કારણે આ ગીત સદાબહાર બની રહ્યું છે.
આ ગીત અહીં સાંભળી શકાશે, જે તેનું ઑડિયો વર્ઝન છે અને તેમાં વિવિધ વાદ્યો સ્પષ્ટપણે સાંભળી શકાય છે.
ફિલ્મમાં આ ગીત અલગ અલગ તબક્કે સંભળાય છે. એ રીતે સંકલિત કરેલું ગીત અહીં સાંભળી શકાશે.
એકધ્યાન થઈને આ ગીત સાંભળતાં હોઈએ તો ગીત પૂરૂં થાય એટલે મન સમાધિની અવસ્થામાં ઊંડું ઉતરી જતું અનુભવાય છે.
(તસવીર નેટ પરથી અને લીન્ક યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

બહુ ઓછી ફિલ્મોમાં સંગીત આપ્યું હોવા છતાં જૂનાં ફિલ્મી ગીતોના શોખીન શ્રોતાઓ માટે જમાલ સેનના ને ગીતો અમર છે. દેવતા તુમ હો મેરા સહારા અદભુત serenity નો અનુભવ કરાવે છે અને મુબારક બેગમ સિવાય અન્ય કોઈના અવાજની કલ્પના પણ નથી થઈ શકતી. રફીના અવાજને કોઈ કારણસર પૂરો સપાટી પર આવવા નથી દીધો છતાં પણ અત્યંત ભાવવાહી અને અસરકારક લાગે છે.
દાયરા ફિલ્મ થી બે વર્ષ પહેલાં (૧૯૫૧માં)આવી ગયેલ ફિલ્મ શોખીયાં માં પણ લતાનું અમર ગીત સપના બન સાજન આએ આપીને જમાલ સેને એમની અમિટ છાપ મૂકી દીધી હતી.
LikeLike