ચેલેન્જ.edu
રણછોડ શાહ
મૃત્યુના બગીચામાં જીવનનું અનુમાન થઈ શકે,
કારણ વિના પણ તે બસ પરેશાન થઈ શકે.
સ્વયમની સામે પડો નહીં કસોટી હશે કદાચ
કારણ વિના પણ વિરહનું અનુમાન થઈ શકે.
અર્જુનસિંહ કે. રાઉલજી
શિક્ષણક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ પ્રગતિ નજરે પડે છે. પરંતુ શિક્ષણનું પાયાનું કાર્ય તો વિદ્યાર્થીને સ્વાવલંબી, પરિશ્રમી, પ્રામાણિક, સમાજસેવી અને મૂલ્યોનું આચરણ કરે તેવા બનાવવાનું છે. પરીક્ષામાં માત્ર સારા ગુણથી ઉત્તિર્ણ થવું જ અગત્યનું નથી. પરંતુ પરિશ્રમ કરી પ્રામાણિકતાપૂર્વક સિદ્ધિ હાંસલ કરવી તે તેનાથી વિશેષ અગત્યનું છે. આની સમજ આપવા માટેનું અભિયાન એટલે ભરૂચ જિલ્લા જાહેર પરીક્ષા શુદ્ધિ અને સફળતા અભિયાન (૧૯૯૩-૯૪). આ અભિયાનના પ્રણેતા હતા : અમારા સૌના વડીલ અને શુભની શકિતમાં અસીમ શ્રદ્ધા ધરાવતા ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રમુખ મુ. શ્રી ડાહ્યાભાઈ આનંદપુરા.
શિક્ષણ ક્ષેત્રમાં અભિયાનનું મહત્વ :
સમાજજીવનમાં કેટલાયે ક્ષેત્રોમાં મૂલ્યનો અભાવ દેખાય છે. સામાજિક વિકાસના અભ્યાસીઓ એ વાત સ્વીકારે છે કે મૂલ્ય આધારિત સમાજરચનાનું કાર્ય શિક્ષણ દ્વારા જ થઈ શકશે. અમેરિકા અને યુરોપના આર્થિક વિકાસના તજજ્ઞો પણ એ વાત સ્વીકારે છે કે તે દેશોની સુદૃઢ શિક્ષણવ્યવસ્થાએ તેમના રાષ્ટ્રીય વિકાસમાં સિંહફાળો આપ્યો છે. તેથી જ અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં પણ શિક્ષણના ક્ષેત્રે અમેરિકા પોતાનું અગ્રસ્થાન પુનઃ પ્રાપ્ત કરે તે મુદ્દો મહત્વનો રહ્યો. ડીસેમ્બર-૧૯૯૧ના ‘ન્યૂઝ વીક’ સામાયિકમાં વિશ્વની દસ શ્રેષ્ઠ શાળાઓ વિષે એક રસપ્રદ લેખ પ્રસિદ્ધ થયો છે. તેનું તારણ છે :
‘There is a wide spread consensus that schools are not working & that a lack of a good education is the foundation of so many social and economical problems. People around the world have realized this, and are trying to look for solution.’
પ્રવર્તમાન પરિસ્થિતિનો કોઈ ત્વરિત અને વ્યવહારુ ઉકેલ ના આવે તો શાળાઓ અને શિક્ષણપદ્ધતિ અપ્રસ્તુત બની જશે તેવો ભય કેટલાયે શિક્ષણવિદોએ વ્યક્ત કર્યો છે. પોતાના એક લેખમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા પ્રાધ્યાપક શશીકાંત શાહે દુઃખભર્યા હૃદયે કહ્યું છે કે શાળાઓ મરી પરવારી છે, હવે તેની નનામી કાઢો. અમદાવાદની આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પૂર્વ નિયામક પ્રો. નારાયણ શેઠ સાથે આ પ્રશ્નની ચર્ચા થઈ ત્યારે તેઓએ જણાવ્યું કે ‘અભ્યાસમાં રસ ન લેવાને કારણે ક્ષમતા પ્રાપ્ત કરી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ અને આ પ્રશ્નની ગંભીરતા ન સમજેલા’ વડીલોને કારણે સમાજમાં એવી પરિસ્થિતિ ઉભી થશે કે ‘આપણી પાસે ઉચ્ચ પ્રમાણપત્રો ધરાવતાં ઢગલાબંધ લોકો હશે પણ તેઓ પોતાના પ્રમાણપત્રને પાત્ર કામ કરવાની ક્ષમતા ધરાવતાં નહિ હોય. પરિણામે એવા અણઆવડતવાળા લોકોને કારણે સમાજનો તંદુરસ્ત વિકાસ સાધવાનું અશકય બનશે.’
શિક્ષણ એ જીવનનું ઉદ્ગમ સ્થાન છે અને માનવ ચેતનાનો સ્રોત છે તે સર્વસ્વીકૃત છે એટલે મૂલ્ય સ્થાપનનું કામ શિક્ષણથી શરૂ થાય તો તેની અસર આપોઆપ જીવનના અન્ય ક્ષેત્રોમાં વિસ્તરે તે સ્વાભાવિક છે. આજનો વિદ્યાર્થી આવતી કાલનો નાગરિક છે અને તે નવા સમાજનો ઘડવૈયો થશે. એટલે શિક્ષણના ક્ષેત્રે આ અભિયાનનું સવિશેષ મહત્વ છે.
ભરૂચ જિલ્લા માટે આ અભિયાનનું મહત્વ :
ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, વાલીયા અને અન્ય વિસ્તારોમાં છેલ્લા દાયકામાં ૧૫૦૦ થી વધુ
ઉદ્યોગો સ્થપાયા છે. આ ઉદ્યોગોમાં રોજગારીની વિપુલ તકો ઉભી થઈ છે. અંકલેશ્વરના ઉદ્યોગોમાં રોજગારી અંગે જે પરિસ્થિતિ છે તેનો વિસ્તૃત અભ્યાસ પ્રાઘ્યાપક ડૉ. વાય. એસ. પુરોહિતે કર્યો છે. (Industralising economy and labor market in India) તેમના સર્વેક્ષણ મુજબ અંકલેશ્વરના ઉદ્યોગોમાં ૫૦% થી વધુ કામદારો ભરૂચ જિલ્લાના છે. આ સર્વેક્ષણ ૧૯૮૭માં થયેલું. આજે (૧૯૯૩-૯૪) આ ટકાવારી ૫૦% થી વધીને ૭૦% થઈ હશે તે નિશ્ચિત છે. ભરૂચ જિલ્લાએ ઓદ્યોગિક વિકાસના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંકલેશ્વર, ઝઘડીયા, વાગરા, પાનોલી, દહેજમાં જે નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે અને દહેજ બંદરનો વિકાસ થવાનો છે તેમાં કાર્યદક્ષ અને પરિશ્રમી યુવાનો માટે રોજગારીની વ્યાપક તકો ઉભી થઈ છે.

છેલ્લા દાયકામાં જિલ્લામાં જે ઉદ્યોગો સ્થપાયા છે તે ઉદ્યોગોમાં ભરતી કરવાની જવાબદારી જેમના શીરે છે તેવા કેટલાય મેનેજરોને મળવાનું થયું છે. જિલ્લામાં યોજાતા ભરતી મેળાઓમાં અને અન્ય પ્રસંગોએ આ સહુ મિત્રોએ વારંવાર જે વાત સમજાવી છે તેનો સારાંશ નીચે પ્રમાણે વર્ણવી શકાય :
(૧) નવી નોકરીઓની/રોજગારીની તકો મહદઅંશે ખાનગી ક્ષેત્રમાં છે. અર્થતંત્રના નવા પર્યાવરણમાં સરકારી ક્ષેત્રમાં કે જાહેર સાહસોમાં નવી રોજગારીની તકો ખુબ મર્યાદિત રહેશે તે નિશ્ચિત છે.
(૨) ખાનગી ક્ષેત્રમાં / વ્યવસાયમાં રોજગારીઈચ્છુક પાસે સાચું જ્ઞાન અને સમજણ હોવાં જરૂરી છે. તે પરિશ્રમી પણ હોવા જોઈએ. ખાનગી ક્ષેત્રમાં કામ મેળવવા માટે ફક્ત પ્રમાણપત્ર પૂરતું નથી.
(૩) જેઓએ પોતાના અભ્યાસકાળમાં પરિશ્રમ કર્યો નથી, સાચું જ્ઞાન મેળવ્યું નથી તેવાં યુવાનો / યુવતીઓ રોજગારી માટે પસંદગી પામવામાં મહદ્અંશે નિષ્ફળ નીવડે છે.
આ અભિયાન વિદ્યાર્થીઓ માટે ઉપકારક નીવડશે ? :
(૧) ભરૂચ જિલ્લાના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના છેલ્લા પાંચ વર્ષનાં પરિણામોનું પૃથક્કરણ એવું સૂચવે છે કે પરીક્ષામાં અયોગ્ય ઉપાયોનો કોઈ દેખીતો લાભ જિલ્લાના વિદ્યાર્થીઓને થયો નથી.
(૨) ૧૯૮૭થી ૧૯૯૨ના ધોરણ-૧૦ નાં પરિણામોની સમીક્ષા કરીએ તો એ સ્પષ્ટ થાય છે કે ભરૂચ જિલ્લાનું અને બોર્ડનું પરિણામ લગભગ પ્રમાણસર રહ્યું છે.
(૩) યુનિવર્સિટીના અનુભવી પ્રાઘ્યાપકો અને ઇજનેરી/તબીબી કોલેજો/પોલીટેકનીકના આચાર્યો સાથે ચર્ચાઓ થઈ ત્યારે એ સમજણ સ્પષ્ટ થઈ કે જેણે પરિશ્રમથી ઉચ્ચ ગુણ મેળવ્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણમાં સફળતા મેળવવાની કોઈ આશા નથી. અયોગ્ય ઉપાયો દ્વારા વધારે ગુણ મેળવીને કદાચ આવો કોઈ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવે તો પણ પ્રથમ સત્રથી આગળ જઈ શકતો નથી. આવાં કેટલાંક ઉદાહરણો જાણવા મળ્યાં.
(૪) ગુજરાત રાજયમાં અને દેશના બીજા ભાગોમાં પણ કેટલાંયે એવા અભ્યાસક્રમો પ્રાપ્ય છે. જેમાં પ્રવેશ પરીક્ષાના પરિણામના આધારે મળે છે. જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમિયાન પરિશ્રમ કર્યો નથી તેવાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા આધારિત અભ્યાસક્રમોમાં સ્થાન પ્રાપ્ત કરવાનું લગભગ અસંભવ બને છે.
પ્રાપ્ય માહિતી/તારણો એ દર્શાવે છે કે અયોગ્ય ઉપાયોનો કોઈ દેખીતો ફાયદો વિદ્યાર્થીઓને મળતો નથી. બીજી બાજુએ કેટલાય તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની વિતકકથાઓ સ્વમુખે કહી અને તેમના વડીલોએ પણ તેમાં સૂર પરાવ્યો. પરીક્ષાખંડમાં ચાલતી ગેરરીતિની પ્રવૃત્તિઓથી તેજસ્વી અને પરિશ્રમી વિદ્યાર્થીઓ ગુંગળામણ અનુભવે છે. તેમની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને તેમના માનસ ઉપર તેની વિપરિત અસર પડે છે તે સ્પષ્ટ થયું.
પરિશ્રમથી પરીક્ષા પસાર કરી નથી અને સારા ગુણ મેળવ્યા નથી તેવા વિદ્યાર્થીઓને તેમની ભાવિ શૈક્ષણિક/વ્યાવસાયિક કારકિર્દીમાં સફળતા મળવાની આશા નહીંવત છે તે શિક્ષણવિદો અને ઉદ્યોગોના સંચાલકોના અભિપ્રાયમાંથી સ્પષ્ટ થાય છે. યેનકેન પ્રયત્નોથી પરીક્ષામાં સફળતા હાંસલ થઈ શકે છે તેવા ભ્રમને કારણે તેમની પરિશ્રમ કરવાની વૃત્તિ નષ્ટ થાય છે. તેવા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને છે અને તેવા વિદ્યાર્થીઓ તેમના વાલીઓની ચિંતાનો વિષય બને છે. પ્રવર્તમાન પરિસ્થિતિથી ચિંતિત આચાર્યો – શિક્ષકો – વાલીઓ અને જાહેર જીવનના અગ્રેસરો આ સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ શોધવા માટે તા. ૭ મે, ૧૯૯૩ના રોજ મળ્યા. જિલ્લાના લગભગ તમામ ક્ષેત્રના મહત્ત્વના આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહ્યા. પ્રજાકીય આગેવાનો ઉપરાંત શાળા -કોલેજોના આચાર્યો, શિક્ષકો, મહિલાઓ, ઉદ્યોગપતિઓ, ઈજનેરો, ડૉકટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, સ્વેચ્છિક અને સેવાભાવી સંસ્થાના પદાધિકારીઓ અને સંતોએ પણ આ સંમેલનમાં ઉલટભેર ભાગ લીધો.
આ અભિયાન અંતર્ગત ત્રણ મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા.
(૧) નબળા વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન,
(૨) સામાજિક જાગૃતિ અને
(૩) વાલીઓ અને શિક્ષકોનો સહકાર.
નબળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે શનિવાર – રવિવારે વધારાના વર્ગો જે તે શાળામાં ગોઠવવામાં આવ્યા. નિવડેલ શિક્ષકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું. વધારાની પરીક્ષાઓ લઈ તેમનામાં વિશ્વાસ ઉભો કરવાના પ્રયત્નો થયા. સામાજિક જાગૃતિ માટે (૧) શ્રી નાનુભાઈ અમીન (ચેરમેન, જયોતિ લીમીટેડ-વડોદરા); (૨) શ્રી તુષારભાઈ ભટ્ટ (તંત્રીશ્રી, ટાઈમ્સ ઓફ ઈન્ડીયા – અમદાવાદ); (૩) શ્રી શશીકાંત લાખાણી (ઉદ્યોગમંત્રીશ્રી, ગુજરાત રાજય); (૪) શ્રી નરહરી અમીન (શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજય); (પ) શ્રી યશવંત શુકલ (અગગ્રણ્ય કેળવણીકાર); (#) શ્રી સનત મહેતા (અઘ્યક્ષશ્રી, સરદાર સરોવર નિગમ લિમિટેડ); (9) પ્રો. આર. એસ. ત્રિવેદી (અઘ્યક્ષ, ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ) અને (૮) શ્રી જયનારાયણ વ્યાસ (ધારાસભ્યશ્રી, સિધ્ધપર) જેવા મહાનુભાવોના પ્રવચનોનું આયોજન થયું. શાળાઓમાં વાલીસભા દ્વારા તેમનો સહકાર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો થયા. વિવિધ શૈક્ષણિક સંઘોને પણ વિશ્વાસમાં લઈ એક શૈક્ષણિક વાતાવરણ તેયાર કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહી. પ્રામાણિકતાને બિરદાવવાના અનેક પ્રસંગો આયોજિત કરવામાં આવ્યા.
છો ને ઊંચા હો શિખર, ચડવાની તાકાત છે,
દરિયે નાખો આગના, તરવાની તાકાત છે,
ફેલાયેલી જાળમાં છો પગ ગૂંચાતા જાતા,
આખેઆખી જાળ લઈ ઊડવાની તાકાત છે.
તેડી લઉં તકલીફ ને પરચો હું દેખાડી દઉં,
કોમળ છે આ હાથ પણ, લડવાની તાકાત છે.
પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
પરીક્ષા શુદ્ધિ અભિયાને મને શું શીખવ્યું?
પરીક્ષા શુદ્ધિ અભિયાનને શિક્ષણ સાથે સીધો સંબંધ હતો. શિક્ષણમાં પરિવર્તન લાવવાના પ્રયત્નરૂપે હતું. અગાઉ ટ્યૂશન લેતા અને પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ શરમ અનુભવતા હતા. વાલીને આ બાબતની જાણ થાય તો વાલી પણ તે બાબતે નારાજગી વ્યક્ત કરતા. અપ્રામાણિક વિદ્યાર્થીઓનું માથું શરમથી ઝૂકી જતું. ધીમે ધીમે પરીક્ષામાં ચોરીનું પ્રમાણ કેન્સરની જેમ સમગ્ર પદ્ધતિ (system) માં પ્રસરી ગયું. કયાંક તો વાલીઓ પણ ચોરી કરાવવા માટે પરીક્ષા સ્થળો ઉપર ઉમટી પડયા. વડીલોનો સહકાર પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો. પરીક્ષામાં થતી કે કરવામાં આવતી ચોરી બાબતે લોકો શરમને બદલે ગૌરવ અનુભવવા લાગ્યા. કેટલાક લોકો ચોરીની અનુકૂળતા હોય તેવા કેન્દ્રોમાં પરીક્ષા આપવા માટે પોતાનાં સંતાનોને મોકલવા માંડ્યા. આ પરિસ્થિતિમાં પ્રામાણિક અને મહેનતુ વિદ્યાર્થીઓ હતાશ અને નિરાશ થવા લાગ્યા. એક જ વર્ગમાં એક વિદ્યાર્થી બિન્ધાસ્ત ચોરી કરીને પરીક્ષા આપે જયારે બીજો સહેજ પણ અયોગ્ય રીત અપનાવ્યા વિના પરીક્ષા આપે છે. આ બાબતની સામાજિક જીવન ઉપર અને વિદ્યાર્થીના માનસ ઉપર ગંભીર અસરો ઊભી થઈ.
પરીક્ષા શુદ્ધિ અભિયાનમાં એક આચાર્યના નાતે સક્રિય રીતે હું જોડાયેલ હતો. મારા મનમાં પણ આ બાબતે ખૂબ શંકા અને તાણ રહેતી. ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોંપાયેલ કામગીરીમાં કેન્દ્ર સંચાલકની તથા સ્ક્વોડમાં જવાની જવાબદારી નિભાવતી વખતે પરીક્ષામાં થતી ચોરીના ઉપદ્રવથી સૌ ત્રાસી ગયા હતા. વ્યક્તિગત ધોરણે પણ ખૂબ વિહ્વળ બની જતો. ૧૯૯૦ના વર્ષમાં ઍમિટી શાળાની અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની ધો.૧૦ની પરીક્ષામાં નાપાસ થઈ. જ્યારે શાળાની પરીક્ષામાં ક્યારેય પાસ નહીં થનાર વિદ્યાર્થી શાળામાં પ્રથમ ક્રમે આવ્યો. ઍમિટી શાળાના શિક્ષકખંડમાં આ સમાચારથી ધરતીકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. સૌ આ બાબતે કંઈક કરવા આતુર હતા. મને ભરૂચ જિલ્લા પરીક્ષા શુદ્વિ અભિયાન દ્વારા તેમાં બદલાવ લાવવાની તક સાંપડી.
અભિયાનમાં કંઈક કરી છૂટવાની ભાવનાવાળા અમારા સૌના સન્માનીય નેતા અને ઉદ્યોગપતિ શ્રી ડાહ્યાભાઈ આણંદપુરા હતા. તેમની સાથે અનેક મૂલ્યનિષ્ઠ લોકો જોડાયેલા હતા. પરીક્ષામાં ચોરી કરીને પાસ થતો વિદ્યાર્થી તેના જીવનની શરૂઆતમાં અયોગ્ય રસ્તે જતો હોવાથી અનેક મિત્રો આ બદીને દૂર કરવા સક્રિય હેતા. તેઓ સૌ તેમનો સમય અને શક્તિ સમાજને આપી વિદ્યાર્થીઓને પ્રામાણિકતા આચરવા પ્રોત્સાહન આપવા માટે તૈયાર હતા. અનેક શિક્ષકો અને આચાર્યો શાળાઓમાં દૂરદૂ૨ સુધી જઈને વિવિધ વિષયો શીખવી માનદ સેવા આપતા હતા. સૌના હૈયે આ પરિસ્થિતિમાં બદલાવ લાવવાની નેમ હતી.
આ અભિયાનમાં સક્રિય રીતે જોડાયેલ હોવાથી પ્રજાકીય ચળવળમાં કેવી રીતે કાર્ય કરવાનું તે શીખવાનું મળ્યું. સામાજિક સેવાના કાર્યોમાં જોડાતા સૌ ઈચ્છાથી જ જોડાતા હોય તેવું નથી. જાહેર મંચ ઉપરથી સત્ય અને પ્રામાણિકતાની વાતો કરતા કહેવાતા આગેવાનો વ્યક્તિગત સ્વાર્થની વાત આવે ત્યારે કેવી પલાયનવાદી વૃત્તિ ધરાવે છે તે સીધું જોવા અને જાણવા મળ્યું. કેટલાક લોકો સમાજમાં પોતાની છબી સાફસૂથરી રાખવા માટે જ અભિયાનમાં જોડાયા તે પણ જાણવા મળ્યું. અધિકારી કે પદાધિકારી જયારે પોતાના ઉપર જવાબદારી આવે ત્યારે દોષનો ટોપલો અન્યોના માથે કેવી રીતે નાંખી દેતા હોય છે તે અનુભવવા મળ્યું.
એક શાળા કે મહાવિદ્યાલયમાં જે શિક્ષણ પ્રાપ્ત ન થાય તે મને આ અભિયાનથી શીખવા મળ્યું. સૌની શુભમાંની શ્રદ્ધામાં વધારો થયો. અભિયાન દરમિયાન લેખનપ્રવૃત્તિ કરવાની તક મળી. અનેક મિત્રોમાંથી કેટલાક મૂલ્યનિષ્ઠ મિત્રોનો પણ પરિચય થયો. શિક્ષણને વરેલા અને કંઈક કરી છૂટવાની તમન્નાવાળા નાગરિકોના સીધા પરિચયમાં આવવાનું થયું. અનેક સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરવાની તક સાંપડી. અનૈતિક પરીબળો કેવા કેવા વ્યક્તિગત હુમલા કરી શકે છે તેનો સ્વાનુભવ થયો. પોતાનું ધાર્યુ ન થાય ત્યારે અસામાજિક તત્વો કેવા કેવા રસ્તે પોતાનું ધાર્યું પાર પાડવા પ્રયત્ન કરે છે તેનો અનુભવ થયો. સત્યના રસ્તે ચાલતાં કેવા કેવા અને કેટલા કેટલા વિઘ્નો આવી શકે તે અનુભવવા મળ્યું. તો કટોકટીની ક્ષણે પ્રભુકૃપાથી કોઈને કોઈનો સહારો મળી જ રહે છે તે પણ અનુભવાયું. આત્મવિશ્વાસમાં અનહદ વૃદ્ધિ થઈ. સમગ્ર રીતે આ અભિયાને મને ઍમિટી શાળાનું સફળ સંચાલન કરવા માટે શું શું કરવું પડશે તે પ્રત્યક્ષ રીતે શીખવ્યું. અનેક સારી વ્યક્તિઓના અને પુસ્તકોના માઘ્યમથી જે શીખવા મળ્યું નહોતું તે આ અભિયાને શીખવ્યું. જે રીતે કોઈ સારી વ્યકિતના સંપર્કથી ઘડતર થાય છે તેમ જ જાહેર જીવનની પ્રવૃત્તિઓ પણ ઘડતરમાં ઉપયોગી બને છે. પરીક્ષા શુદ્ધિ અભિયાને ઘણું બધું શીખવ્યું તેમ હું નિઃસંકોચપણે સ્વીકારું છું.
આચમન:
કરવો જ હો ઉજાસ, સ્વયંને જવાબ દોસ્ત,
તું આગિયાને એની ફરજ ના બતાવ દોસ્ત.
ડૂબકી લગાવી ભીતરે, તું શોધી કાઢજે,
જ્યારે તને સતાવે સ્વયંનો અભાવ દોસ્ત.
જિત ચુડાસમા
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
