પુસ્તક પરિચય

રીટા જાની

જીવનના સીધા ચઢાણ ભલભલાને હંફાવી દેવા શક્તિમાન છે. તેથી વચ્ચે વચ્ચે વિરામ લઈને જ આગળ વધી શકાય. ગત અંકમાં આપણે મુનશીની આત્મકથા ‘સીધા ચઢાણ’ ને અડધે રસ્તે વિરામ આપેલો. એડવોકેટની પરીક્ષામાં તે વખતે બહુ થોડા પાસ થતાં. એમાં પણ પ્રથમ પ્રયત્ને પાસ થતાં માતા, સગાં વહાલાં, મિત્રો, ન્યાત, ભાર્ગવ સમાજ  – સૌએ અભિનંદન અને માનપત્રની વર્ષા વરસાવી. ને મુનશીએ એક ચેમ્બર ભાડે રાખી પોતાના કામની શરૂઆત કરી. સાથે અંગ્રેજી બોલવાનો મહાવરો કેળવવા માંડ્યો. એનો સીધો લાભ એ થયો કે મુનશીને જગતના સાહિત્યસ્વામીઓનો પરિચય થયો. એટલું જ નહિ પણ પરભાષા શીખતાં શૈલી ને સાહિત્યરચના, વાકપટુતા ને વાર્તાલાપનાં  કેટલાંક સનાતન રહસ્યોની સમજ પડી.

કોઈ પણ નવી વસ્તુની શરૂઆત ક્યારેય આસન નથી હોતી. એનો અનુભવ મુનશીને પોતાની નવી નવી વકીલાત શરૂ કરતાં થયો. જમિયતરામકાકાએ તેમને નાની નાની બ્રીફ મોકલવા માંડી ને ભુલાભાઈ દેસાઈની ઓળખાણ કરાવી સાંજે એમની ચેમ્બરમાં કામ શીખવું એવું નક્કી થયું. ભુલાભાઈ વકીલાતની ટોચે પહોંચેલા, હજારો રૂપિયા કમાતા, નવા ઊગેલા સૂર્યની ભભકથી ચમકતા ને ન્યાયાધીશો પણ એમની મીઠી વકાલતથી પાણી પાણી થઇ જતાં. આ ધ્રુજતા શિખાઉના બે વર્ષ તો ખાસ નોંધપાત્ર પ્રગતિ વગર જ ગયા. નાની નાની અપીલો, દાવા અરજીઓ ને ખરડાઓથી શરૂઆત કરી. પણ ધીરે ધીરે બધા નવા ધંધાદારી મિત્રો ભેગા મળતાં, કાયદાનાં કોકડાં ઉકેલતા, ભૂલો કરતાં ને ગોટાળા પણ ઉકેલતા અને એમ કરતાં થતાં કડવા મીઠા અનુભવો પર હસતાં. ક્યારેક અસીલો પણ છેતરી જતા, ફી ન આપતાં પણ ધીરે ધીરે પ્રતિષ્ઠિત સોલિસિટરો સાથે પરિચય થયો. ભુલાભાઈ સાથે રહી એમની અથાગ મહેનત, પૃથક્કરણ શક્તિ અને ન્યાયાધીશના મન જીતવાની ચતુરાઈ મુનશી પણ શીખ્યા. ભુલાભાઈ અને તેમના પત્નીએ મુનશી અને તેમના પત્ની લક્ષ્મીને અપનાવ્યા. ભુલાભાઈના દાવા અરજીઓ, જવાબો ને અભિપ્રાયના થોકબંધ ખરડાઓ મુનશી તૈયાર કરતા ને એમની બ્રીફોની તારવણી પણ કાઢતાં. ભુલાભાઈના નિકટના સહવાસથી યુરોપીય સંસ્કૃતિના ઘણા પાઠ એમની પાસેથી શીખ્યા. છાંટોપાણી ન લે તો મુંજી, અસંસ્કારી ને વેદિયા ઢોરમાં ખપે એટલે સુરાપાનને  શિષ્ટતાનું લક્ષણ માની અપનાવ્યું પણ માંસ અને બ્રિજ રમવાનું ન સ્વીકાર્યું.

મુનશી એ સમયના નવા એડવોકેટના સંઘર્ષની અને ત્યારના પ્રખ્યાત એડવોકેટ , સોલિસિટર અને ન્યાયાધીશ એવા નરીમાન, છોટુભાઈ, ચીમનભાઈ, મોતીલાલ સેતલવાડ, જ્હૉન ડંકન ઇન્વેરારિટી, મેકલાઉડ, સ્ટ્રેંગમેન, દીનશા મુલ્લાં, સર લલ્લુભાઈ, ઝીણા વગેરેની ખાસીયતો, તેમની કામ કરવાની પદ્ધત્તિ, રાજકીય  અને ધંધાકીય આંટીઘૂંટી તથા મુનશીના તેમની સાથેના સંબંધો વગેરેની ખૂબ રસપ્રદ વાતો કરે છે. કેટલાક કેસની ચર્ચા પરથી એ સમયના સામાજિક, ધાર્મિક અને ધંધાકીય વાદ વિખવાદનો ખ્યાલ પણ વાચકને આવે છે. તો ખૂબ મહેનત કરીને મુનશી એક કેસમાં પોતાના મંતવ્યનું સુંદર પ્રતિપાદન કરે છે ત્યારે તેમની સખત કસોટી કરનાર ભુલાભાઈએ જે હેતભર્યા શબ્દો કહ્યા તેથી મુનશીને પ્રતીતિ થાય છે કે ધંધાના સીધાં ચઢાણની ઉપલી ધાર તેમણે વટાવી છે.

મુનશીના મિત્રો તેમને ગુજરાતીમાં લખવા માટે પ્રેરતાં, પણ તેમની હિંમત ચાલતી ન હતી. જ્યારે મુનશીને કોઈ ઉદ્વેગ થાય ત્યારે તેને અવલંબીને કોઈ કલપાનિક પ્રસંગ ઊભો કરી તેની નોંધ કરવાની ટેવ તેમને નાનપણથી જ હતી. આ પ્રયોગ કરવા તેમણે ‘મારી કમલા’ નામક ટુંકી વાર્તા ‘ઘનશ્યામ વ્યાસ’ના નામથી લખી. આ વાર્તાને સત્કાર મળ્યો. એટલું જ નહિ પણ ત્યારના પ્રખર સાહિત્યકાર નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા તેમને શોધી તેમની ઓરડીએ પહોંચ્યા ને મુક્ત કંઠે ગુજરાતી સાહિત્યક્ષેત્રે મુનશીને આવકાર આપ્યો. આ અણધારી મુલાકાતે મુનશીની હિંમત વધારી અને એક સાહિત્ય સફરની શરૂઆત થઈ. મુનશીની સર્જનકલા ત્રણ પ્રકારે થતી. પહેલા પ્રકારમાં તેઓ આત્મકથા કરતાં ને પોતે અનુભવેલું સુખ કે દુઃખ કહેતા. ‘મારી કમલા’, ‘કોકિલા’, ‘વેરની વસૂલાત’ અને ‘પૃથીવીવલ્લભ’માં પહેલો પ્રકાર પ્રધાન છે. બીજા પ્રકારમાં તેઓ એક સ્વાનુભવને પહેલાં કલ્પનામાં સંઘરી રાખી, પછી તેને મૂર્તિમાન કરતી કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગને અવલંબીને વાર્તા લખતાં. ‘પાટણની પ્રભુતા’ બીજા પ્રકારમાં આવે. જ્યારે ત્રીજા પ્રકારમાં વણઅનુભવેલી મનોદશા ઘટાવી, તેનો કાલ્પનિક સ્વાનુભવ કરી તેના પર મુખ્ય પાત્રો ને પ્રસંગોની રચના કરતાં. ‘ભગવાન કૌટિલ્ય’ અને ‘જય સોમનાથ’માં ત્રીજા પ્રકારનું પ્રાબલ્ય નજરે પડે છે. લેખક તરીકે મુનશી પોતાનું નામ છુપુ રાખવા માગતા હતા. કારણ કે તેમને ડર હતો કે કે જો બીજા સોલિસિટરો જાણે તો એમ માને કે તેઓ ધંધામાં બરાબર ધ્યાન નથી આપતા. તેથી તેમને બ્રીફ મળતી બંધ થઈ જાય. પણ હકીકત એનાથી અલગ હતી. તેમની નવલકથાની  પ્રશંસા તેઓ મૂંગા મોઢે  સાંભળતાં.

ધીરે ધીરે મુનશી પોતાના ધંધા, સાહિત્ય અને રાજકીય ક્ષેત્રે આગળ વધતા રહ્યાં. ‘ગુર્જર સભા’, ‘ષડરિપુમંડળ’માં તો સક્રિય હતા જ પણ ‘ભાર્ગવ – ત્રિમાસિક’, ‘આર્ય પ્રકાશ’, ‘સત્ય’માં લેખો લખવાના શરૂ કર્યા. ‘સમાલોચક’, ‘સાહિત્ય પ્રકાશક કંપની’ અને ‘સાહિત્ય સંસદની સ્થાપના કરી. રાજકીય ક્ષેત્રે ‘યંગ ઇન્ડિયા’ શરૂ કર્યું ને હોમરૂલ સાથે પણ જોડાયા. કોંગ્રેસ, ગાંધીજી, ઝીણા, અરવિંદ, લોકમાન્ય તિલક, ગોખલે, સર ફિરોઝશાનો પણ તેમના જીવન પર પ્રભાવ હતો. ધર્મ અને રાજકારણ વિશે તેમની એક આગવી વિચારધારા હતી. સાથે ‘વેરની વસૂલાત’,’ કોનો વાંક’, ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ જેવી સાહિત્યની અવિરત લેખન યાત્રા પણ ચાલુ જ હતી. તો અંગત જીવનમાં લક્ષ્મીના આત્મસમર્પણની કોઈ સીમા ન હતી. પણ હૃદયના ભાવો શબ્દોમાં કે આચારમાં વ્યક્ત કરવાની તેની પરિમિત શક્તિના કારણે વિદ્યા ભૂખ્યા, આવિર્ભાવના રસિયા અને અંકુશ વિનાના તાદાત્મ્ય પર રચેલી પ્રણય ભાવના સેવતા યુવકના જીવનના ભાવજગતના સંઘર્ષની વાત ઉપસી આવે છે.

લેખક મુનશીની વાત કરીએ તો તેમને ગુજરાતના ઈતિહાસનો પહેલેથી જ શોખ હતો. જ્યારે તેઓ ગુજરાતી વાંચવા અને લખવા લાગ્યા ત્યારે ગુજરાતની ભક્તિના અંકુર તેમના હૃદયમાં ફૂટવા લાગ્યા. ‘પાટણની પ્રભુતા’ લખતાં પ્રણયોર્મિઓ કાબૂમાં આવી હતી. ‘પૃથીવવલ્લભ’ એ મુનશીના હૃદયની જ્વાળામાંથી સર્જાય છે, માટે જ એમાં કલાત્મકતા વધુ છે. સાહિત્યના પ્રભાવમાંથી વ્યવસ્થાવૃત્તિ ડોકિયાં કરતી અને તે કલ્પનામાં ગુજરાતની મહત્તા સર્જી રહી. તેમના પાત્રો તેમની કલ્પનાના ગર્ભમાંથી બહાર પડતાં, જે તેમના પ્રાણ અને અસ્થિ હતાં. મુનશી પોતાને કલાકાર તરીકે અનુભવતા. મુનશીની સૃષ્ટિ વાચકને જીવંત લાગે, કારણ  તેમની કલ્પનાના સંતાનો માનવતાથી તરવરતાં હોય. તેથી જ સર્જક સફળ બને. જો લેખકની સર્જેલી સૃષ્ટિનાં સ્ત્રી પુરુષો વાચકની કલ્પનામાં ઘર કરવા શક્તિમાન હોય તો એ પાત્રોને અસ્તિત્વમાં આવવાનો એમનો અધિકાર સિદ્ધ થઈ જાય છે. મુનશી કહે છે કે જ્યારે તેમણે મુંજાલ કલ્પ્યો ત્યારે તેમનામાં ગુજરાતની અસ્મિતા પ્રગટી. આમ મુંજાલ મુનશીની ગુજરાતની અસ્મિતાનો પિતા અને સંતાન બંને છે. ગુજરાતની અસ્મિતા મુનશીના જીવનમાં એક પ્રચંડ બળ બની રહ્યું તે માટે મુનશી રણજિતરામનો ઋણ સ્વીકાર કરે છે. તેમનાં હૃદયમાં એક જ વિચાર હતો કે આપણી સંસ્કૃતિ ક્યારે વિજય પામે ને પરિણામે એક નવીન ગુજરાત અવતરે. નવીન ગુજરાત એ માત્ર એક સ્વપ્ન ન હતું પણ એક જીવંત વ્યક્તિ હતી. એ બધાને એ જ લક્ષ્ય તરફ પ્રેરતા – ગુજરાતના ગૌરવ, એકતાનતા, અસ્મિતા તરફ. મુનશીએ ફક્ત વાર્તા લખીને સંતોષ માનવના બદલે સાહિત્ય અને કલાના તથા માનવતાના પોતાના આદર્શો ગુજરાત સમક્ષ મૂકી તથા શ્રી, વિજય અને ભૂતિ મેળવવા પોતાના સ્વભાવજન્ય ધર્મને જ  સ્વધર્મ બનાવ્યો. એ માટે ખૂબ વાંચન અને લેખન કર્યું.

મુનશીએ ગુજરાતની અસ્મિતાનું મુખપત્ર ‘ગુજરાત’ શરૂ કર્યું. એ અરસામાં તેમના મિત્રોએ લીલાબહેનની ઓળખાણ કરાવી. સ્ત્રીઓના હક્ક વિશેનો એમનો ઉત્સાહ અપરિમિત હતો. એવામાં લીલાએ એના લખેલાં રેખાચિત્રો ‘ગુજરાત’માં છપાવવા મુનશીને મોકલ્યા. એ વાંચીને મુનશીને એવું લાગ્યું કે બાવીસ વર્ષની આ યુવતીએ સામાન્ય પરિચય પછી આ બાણ માર્યું હતું ને ત્રીસ વર્ષની મુનશીની સ્વસ્થતાને આરપાર વીંધી મર્મ સ્થળને એણે ભેદ્યું હતું.  લીલાને તેઓ બરાબર ઓળખતા ન હતા કે ન હતી એની સંસાર ઘટનાની કોઈ માહિતી. પણ ભવેભવની સખી મળી હોય એમ મુનશીનું હૃદય પોકારી રહ્યું હતું એ વાત ચોક્કસ હતી. તેર વર્ષની સમાધિને પરિણામે સાક્ષાત્કાર પામેલી ‘દેવી’ પટને પેલે પાર – છતાં નિકટ – જીવતી ઊભી હતી …

‘સીધાં ચઢાણ ‘ એક આત્મકથા પણ છે અને કદાચ એ મુનશીની જીવનયાત્રાનું વર્ણન પણ છે. સૂર્યપ્રકાશને ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર કરીએ તો  પ્રકાશનો સપ્તરંગી વર્ણપટ  પ્રાપ્ત થાય છે. જીવનયાત્રામાં પણ કંઇક આવું જ છે. રંગબેરંગી નયનરમ્ય પતંગિયું બનતાં પહેલાંની  કશ્મકશ એ પતંગિયાની જીવનકથની છે તો સાથે જ જીવનનો પરિવર્તન મંત્ર પણ છે. એવરેસ્ટ પરનું પહેલું કદમ એ સ્વપ્નસિદ્ધિ, સંકલ્પસિધ્ધિ અને લક્ષ્યસિદ્ધીની ગાથા  છે. સંકલ્પ અને સિદ્ધિનું આ અંતર મુનશીની સ્વપ્નાસિદ્ધી અને સીધાં ચઢાણની યાત્રા છે. આપણા લક્ષ્યની સિદ્ધિ ….

એક નવા સોપાન પર …

આવતા અંકે.


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com