પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ

(કેળવણીનો કર્મયોગ :: લેખન- સંપાદન : બીરેન કોઠારી)

શિક્ષણના મૌલિક પ્રયોગો થકી ગુજરાતભરની તમામ શાળાઓમાં નોખી ભાત ઉપસાવતી શાળા તરીકે ભરૂચની એમિટી સ્કૂલ જાણીતી છે. આ શાળાના ૩૬ વર્ષ પૂરાં થયાના અવસરે તેની આ સફરનું પુસ્તક સ્વરૂપે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. એ પુસ્તક એટલે બીરેન કોઠારી લિખિત અને સંપાદિત ‘કેળવણીનો કર્મયોગ’.

શાળાના પાંચ સ્થાપકો એટલે રણછોડભાઈ અને સંગીતાબહેન શાહ, પ્રમેશબહેન મહેતા, શૈલાબહેન વૈદ્ય અને પ્રવિણસિંહ રાજ. પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે શિક્ષણ સાથે સંકળાયેલાં આ પાંચે જણે જોયેલા સહિયારા સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ એટલે એમિટી સ્કૂલ.

આ પુસ્તકનો હેતુ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વ્યાવસાયિક સફળતાની વાતો દ્વારા એમિટીના મહિમાગાનનો હરગીઝ નથી. પરંતુ, આશરે અઢીસો પાનાંમાં પથરાયેલા અને ચાર ખંડમાં વિભાજિત આ પુસ્તકનો મુખ્ય હેતુ  છે શિક્ષણને મૌલિક, રસપ્રદ અને અસરકારક બનાવતી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો. અભ્યાસની સમાંતરે વિદ્યાર્થીઓમાં સંસ્કારસિંચનની મથામણના આલેખનનો.

પુસ્તકના પહેલા ખંડ- ‘અંકુરણથી અમલીકરણ’માં વિચારબીજથી માંડી શાળાની પોતીકી ઇમારત તૈયાર કરવા સુધીની કથા વર્ણવવામાં આવી છે. તેમાં સાવ આરંભિક સમયમાં એમિટીમાં શિક્ષકોએ પાડેલી હડતાળનું પ્રકરણ પણ સામેલ છે.

જે રીતે સાત નોખા રંગોના સંયોજનથી મેઘધનુષ રચાય છે તેવી જ રીતે શૈક્ષણિક સંસ્થા સાથે પણ સાત મહત્વનાં પરિબળો સંકળાયેલાં છે: આ સાત પરિબળો એટલે શાળા(ઇમારત), વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલક, શાળાના વહીવટી કર્મચારીઓ ઉપરાંત વાલી તથા શુભચિંતકો. આ સાતેય એકમેકથી નોખા છે, છતાં તેમના પૃથક આલેખનથી સંસ્થાનું સંપૂર્ણ  ચિત્ર ઉપસે છે. લેખકે બીજા ખંડ- ‘મેઘધનુષી પરિબળો’માં તેમનો સમાવેશ કર્યો છે. આ પરિબળો કેમ મહત્વનાં છે તેની છણાવટ વિભાગના આરંભે આપી સંસ્થામાં દરેકનું સ્થાન, કાર્ય, મહત્વ વગેરેને વિગતવાર સમજાવતા અનેક ઉદાહરણોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી વિસ્તારથી સમજૂતિ આપી છે. સવાસો પાનાંમાં પથરાયેલા આ વિભાગમાં સમગ્ર પુસ્તકનું હાર્દ સમાયેલું છે.

પુસ્તકના ત્રીજા ખંડ- ‘વર્ગખંડની બહાર મળતું જીવનલક્ષી શિક્ષણ’માં વિવિધ પ્રવાસો, શિક્ષણકેન્દ્રી કાર્યક્રમો, વિવિધ પ્રદર્શનોમાં તેમજ નિદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વેકેશન પ્રવૃત્તિઓ વગેરેની વિગતવાર ચર્ચા છે. આ ખંડમાં એ હકીકત પુરવાર કરવામાં આવી છે કે વર્ગખંડમાં શિક્ષણ પીરસી શકાય છે, પરંતુ વિદ્યાર્થીઓને શાળાની ચાર દિવાલોથી બહાર લાવી યોગ્ય દ્રષ્ટિપ્રેરિત કાર્યક્રમોમાં સામેલ કરીને વ્યવહારુ શિક્ષણ પણ આપવું જોઇએ. એમિટીએ શાળાના આરંભથી જ ‘મૈત્રિસેતુ’ નામે સામયિક શરૂ કર્યું હતું. છેક આરંભકાળથી વર્તમાન સુધીની શાળાની વિવિધ મહત્વની પ્રવૃત્તિઓ તથા ઘટનાઓ તેમાં સચવાઇ છે..

પુસ્તકના છેલ્લા અને ચોથા ખંડ –‘વિસ્તરણ અને દર્શન’માં ભૂતકાળની ગતિવિધીઓ પર દ્રષ્ટિપાત કરીને શાળાના ભાવિ આયોજન અને તેની દિશા વિશે દર્શન રજૂ કરાયું છે.

પુસ્તકના અંતે પરિશિષ્ટમાં એમિટીની પ્રગતિના મહત્વના મુકામની તવારીખોનો ઉલ્લેખ છે. આ ઉપરાંત કોવિડની કટોકટી દરમિયાન શાળાએ હાથ ધરેલી વિવિધ પ્રવૃત્તિઓ પણ તેમાં આલેખાયેલી છે. એક સહજ પ્રશ્ન થાય કે આ પુસ્તક કેમ અને કોણે વાંચવું જોઇએ? સારા વાંચનમાં રસ ધરાવતા સહુ કોઈ માટે આ પુસ્તક છે જ, પણ કોઇને શિક્ષણના ક્ષેત્રે કશું નક્કર પ્રદાન આપવાની ખેવના હોય તો તેને આ પુસ્તકમાંથી અવશ્ય પ્રેરણા તેમજ માર્ગદર્શન મળી રહે એમ છે. ભલે ને એની પાસે સાધન કે સંસાધન ટાંચાં હોય! પુસ્તકમાં અનેક કિસ્સાઓ દ્વારા સંસ્થાની ખાસિયતોને ઉજાગર કરવામાં આવી છે.

પુસ્તકની સજાવટ ધ્યાનાકર્ષક અને કળાત્મક બની રહી છે.

સમગ્રપણે જોઈએ તો આ પુસ્તક ‘કેળવણીના કર્મયોગ’માં ભરૂચની એમિટી સ્કૂલના બહેતર શિક્ષણ આપવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોનું તથા પરિણામોનું આલેખન છે. તેથી શિક્ષણ સાથે સંકળાયેલા તમામ શિક્ષકો, આચાર્યો. વિદ્યાર્થીઓ, સંચાલક મંડળો માટે આ પુસ્તક  દીવાદાંડી સમાન બની રહે એમ છે. તો શાળાની ઇમારતને જ શિક્ષણનો પર્યાય માનવાની ભૂલ કરી બેસતા સામાન્ય વાચક માટે આ પુસ્તક શાળાના બહોળા કાર્યફલકનું દર્શન કરાવનારું અને તેના પ્રતિ પોતાની જવાબદારીઓની ભાન કરાવનારું પણ  બની રહે છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી ::

કેળવણીનો કર્મયોગ : બીરેન કોઠારી

પૃષ્ઠસંખ્યા : 248 + 32
કિંમત :₹ 650
આવૃત્તિ પ્રથમ આવૃત્તિ (2023)

પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :

ઍમિટી શૈક્ષણિક સંકુલ, દહેજ બાયપાસ રોડ, ભરૂચ – 392 001
સંપર્ક :ફોન નંબર- 99798 61633
ઇ મેલ :amityschool1986@gmail.com


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com