જીવનની અર્થવ્યવસ્થાનો વ્યાવહારિક અમલ
અંશ ૧ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
કમાણીના વિવિધ વિકલ્પો
કમાણીના વિક્લ્પોને મુખ્યત્વ બે શ્રેણીઓમાં વહેંચી શકાય – પોતા માટે કામ કરવું કે બીજા માટે કામ કરવું.
બીજા માટે કામ કરવું
બીજા માટે કામ કરતી વખતે આપણી કમાણી એ સામેની વ્યક્તિ, કે સંસ્થા, માટે ખર્ચ છે. એટલે, એ એક એવી રસ્સાખેંચ બની રહે છે જેને એક છેડે આપણે આપણી આવક મહત્તમ કરવા પ્રયત્ન કરતાં હોઈએ છીએ, અને સામેને છેડે, આપણને કામે રાખનાર વ્યક્તિ (સંસ્થા) એ ખર્ચ ઓછામાં ઓછું કરવાના પ્રયત્નો કરે છે. માટે જ, અન્ય માટે કામ કરવાના વિકલ્પમાં કામનું વળતર બન્ને પક્ષો માટે હંમેશાં વિવાદનાં રૂપે જ જોવા મળતું હોય છે.
કામે રાખનારની સ્વાભાવિક (આર્થિક) મનોવૃત્તિ પોતા માટે કામ કરનારને તે જે વળતર આપે તેનાથી અનેકગણું રળી લેવાની રહેતી હોય છે. નાણા સ્વરૂપે થતું ખર્ચ કોઈને પણ કણાની માફક ખૂંચે. તેથી, કામ કરનાર વ્યક્તિની ક્ષમતા કામ આપનાર માટે બહુ જ મહત્ત્વનું સંસાધન હોવા છતાં, પહેલી નજરે તો, કામ કરનારને ચૂકવાતું વળતર તેને માટે આવકને ઓછી કરતું ખર્ચ જ બની રહેતું હોય છે. આ જ કારણથી નાણા માટે બીજા માટે કામ કરવું, કે બીજા પાસે કામ કરાવવું , એ સદા કાળથી માનવ સંબંધોને લાગેલો લૂણો બની રહેલ છે.
પોતા માટે કામ કરવું
બીજી વ્યક્તિ (સંસ્થા) માટે (ખાસ તો નાણામાં મળતાં વળતર માટે) કામ કરવાથી આપણી નાણાકીય તેમજ બીન નાણાકીય કમાણી મહત્તમ કરવામાં આપણે સામેની વ્યક્તિ (સંસ્થા) પર પણ આધાર રાખવો પડે. નાણારૂપે મળતાં વળતર કરતાં બીન નાણાકીય વળતરોના વિવાદ ઓછા કડવા હોવા છતાં પણ કામ કરનાર વ્યક્તિ માટે તો તે આખરે એક સોનાનું પાંજરૂં જ છે. સોનાનાં પાંજરાનાં સુખ કરતાં, અનેક મુશ્કેલીઓ છતાં પણ પોતાનાં ખુલ્લાં આકાશમાં વિહરવામાં એક આગવી મસ્તી રહેલી હોય છે. આમ, પોતા માટે કામ કરીને કમાણી રળી લેવી એ એક બહુ સબળ વિકલ્પ તરીકે ઊભરી રહે છે.
પોતા માટે કામ કરવામાં શોષણનો ભાવ પેદા નથી થતો. વધારે કામ કરીને પણ વધારે કમાણી રળવાનો નિર્ણય લેવો પડે તો પણ એ આપણે જાતે લીધેલો નિર્ણય છે. સ્વરોજગારની સ્થિતિઓમાં ખર્ચ અને કમાણી સિક્કાની અલગ અલગ બાજુઓ બની રહેવાને બદલે કાર્ય-કારણનાં સ્વરૂપે વાવેલાં બીજ અને તેમાંથી નીપજતાં ફળ તરીકે અનુભવાય છે. મહેનતના પ્રમાણમાં અપેક્ષિત વળતરની સ્વાભાવિક તાણ અહીં પણ છે, પરંતુ કામે રાખનાર અને કામ કરનાર એ બન્ને આપણે ખુદ જ હોવાને કારણે તેમાં બીજાં માટે કામ કરવા જેટલી કડવાશ નથી પેદા થતી. પોતે કરેલ કામ માટે વળતર નાણા સ્વરૂપે લેવું કે બીનનાણાકીય સ્વરૂપે લેવું, એ બન્ને પ્રકારોનો કેટલો કેટલો હિસ્સો રાખવો, અને ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ અને અન્ય અભૌતિક ઉચ્ચસ્તરીય અપેક્ષાઓની સંતુષ્ટિ વચ્ચે તેમાં કેમ સંતુલન જાળવવું એ જીવનનાં આપણાં આગવાં સુખનાં આપણાં મૂલ્યો મુજબના નિર્ણયો છે. પરિણામે, પોતા માટે કામ કરવાથી જો વધારે સુખ મળે તો તે અનેકગણું વધારે મીઠું લાગે. તેમ અપેક્ષા કરતાં કદાચ ઓછું વળતર મળે તો પણ તેનું દુઃખ ઓછું પીડાદાયક નીવડી શકે છે. આમ, એકંદરે, પોતા માટે કામ કરવું એ એક આદર્શ વિકલ્પ બની રહે છે.
પોતા માટે કામ કરવાથી કામ માટે, નાણાકીય તેમજ બીનનાણાકીય વળતર સહિતના બધા જ નિયમો આપણે જાતે જ નક્કી કરવાના રહે છે. સમય અને સંદર્ભનાં પરિવર્તન મુજબ તેમાં ફેરફાર કરીને આપણે જીવનના દરેક તબક્કે નાણાકીય તેમ બીન નાણાકીય અર્થવ્યવસ્થાઓની જરૂરિયાતો અને અપેક્ષાઓ પુરી થવાથી મળતા સંતોષનું સુખ માણી શકીએ છીએ.
પરંતુ, વાસ્તવિકતા એટલી સરળ ક્યારેય નથી હોતી. ઘણી વ્યક્તિઓમાં સ્વરોજગાર કરી શકવાની નૈસર્ગિક આવડત કે સંજોગો અનુસારની ઈચ્છા નથી હોતી. અને આ બન્ને પરિબળો સવળાં હોય તો પોતાની આવડતમાંથી પોતાની વર્તમાન અને ભાવિ જરૂરિયાતો અને અપેક્ષાઓ પુરી કરી શકવા જેટલી કમાણી શક્ય બને એવી આવડત ક્યાં તો કેળવાઈ ન હોય કે પછી એ મુજબ અનુકૂળ એવા સંજોગો ન હોય એવું પણ શક્ય છે. આવી પરિસ્થિતિમાં સ્વરોજગાર લાંબે ગાળે સુખદાયક ન નીવડે એવું બનતું હોય છે. એટલે પછી, હવે, કમસે કમ પોતાની આવડત ન કેળવાય. કે બાહ્ય સંજોગો સાનુકૂળ ન બને ત્યાં સુધી, બીજા માટે કામ કરવાનો વિકલ્પ જ વધારે વ્યાવહારિક બની રહે છે.
અમુક, મર્યાદિત, સમય માટે કામ કરવું
સ્વરોજગાર અને બીજા માટે કામ કરવાના બે અંતિમો વચ્ચે અમુક અમુક સમય વચ્ચે, બન્નેને માટે, અમુક અમુક સમય ફાળવીને કામ કરવાનો વચ્ચેનો પણ એક માર્ગ છે.
બન્ને પ્રકારનાં કામોમાં નાણાકીય અને બીન નાણાકીય વળતરો કેટલાં પર્યાપ્ત રહેશે તે નક્કી કરીને, આપણે કરવાના કામના શક્ય એટલા બધા સમયમાંથી બીજાં માટે કામ કર્યા પછી અમુક સમય પોતા માટેના કામ માટે ફાળવી શકાય. આ વિક્લ્પમાં બન્ને પ્રકારનાં કામની પસંદગી અને સમયની ફાળવણી વચ્ચે આર્થિક જેલનાં નીતિનિયમોનાં પાલન અને આપણી જીવનદૃષ્ટિ મુજબની અર્થવ્યવસ્થા માટે જરૂરી સંતુલન ગોઠવીને આપણે આપણી વર્તમાન તેમજ ભાવિ, ભૌતિક તેમજ અભૌતિક, જરૂરિયાતો અને અપેક્ષાઓ પુરી કરતાં રહી શકીએ છીએ.
સ્વૈચ્છિક નિવૃત્તિ
ખંડ સમયનાં કામ સિવાય પણ એક બીજો વિકલ્પ છે – સમય પહેલાં જ સ્વૈચ્છિક નિવૃતિ લઈ લેવાનો.
જેમણે આર્થિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને સારૂં નાણાકીય વળતર મળતું હોય એવો વ્યવસાય સ્વીકાર્યો હોય છે તેઓ જ્યારે ભાવિ જરૂરિયાતો માટે પણ પર્યાપ્ત નાણાની કમાણી કરી લે છે ત્યારે, વહેલામાં વહેલી તકે, નાણાની ધુંસરી ફેંકી દેવાનું વલણ ધરાવતાં હોય છે. આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ હવે તેમને માટે જીવનની મુખ્ય પ્રાથમિકતા નથી રહેતી. જીવનને એ તબક્કે, પછી ઉમરે ભલે કોઈ પણ હોય, તેઓ આર્થિક જેલનાં બંધનોમાંથી મુક્તિ મેળવવા સમયથી પહેલાં નિવૃતિ લઈ લે છે અને પોતાની આગવી અર્થવ્યવસ્થાના દાયરામાં ગોઠતી, પોતાને મનગમતી, પ્રવૃતિ કરવાનું શરૂ કરે છે. એ પ્રવૃતિમાં, તાત્કાલિક કે ભવિષ્યમાં મળનાર, નાણાકીય કે બીન નાણાકીય વળતર હોય પણ કે ન પણ હોય, એ તેમને માટે હવે મહત્ત્વનું નથી રહ્યું. તેમનો ઉદ્દેશ્ય તો હવે પોતાનાં જીવન માટે તેમણે નિર્ધારિત કરેલ સુખની પ્રાપ્તિ છે. એટલે હવે જે કંઈ પ્રવૃતિ તેઓ કરશે તે પોતાની શરતો પુરી કરતી, પોતાની મનપસંદ, પ્રવૃતિ હશે.
જોકે અહીં એ વાત ફરી એક વાર સ્પષ્ટ કરવી જોઈશે કે ખંડ સમય માટેની કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની પસંદગી કરતી વખતે નાણાપ્રેરિત અર્થવ્યવસ્થા તેમ જ પોતાની આગવી અર્થવ્યવસ્થાની દરેક શક્ય સંભાવનાઓની પુરેપુરી સમજણ મેળવી લેવી ખુબ હિતાવહ છે. વર્તમાન અને ભાવિ, નિયોજિત તેમજ આકસ્મિક, દરેક પ્રકારની જરૂરિયાતો માટે પર્યાપ્ત સુરક્ષા પુરી પડે એટલી નાણાની વ્યવસ્થા થઈ શકી છે જેની પુરી ગણતરી કરી લેવી જોઈએ. તે ઉપરાંત હવે કયાં કામો ખરેખર પોતાને મનપસંદ રહેશે તેનું ભાવિ ચિત્ર પણ બહુ સ્પષ્ટ હોય તે પણ આવશ્યક બને છે. જીવનમાં કામ અને મનપસંદ પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જળવાય તો કામ પણ બોજ નથી લાગતું એ વાત સાચી તો જરૂર છે, પરંતુ એ સંતુલન પ્રસ્થાપિત કરવું, અને સતત જાળવી રાખવું એ અશ્ક્ય ભલે ન હોય પણ આસાન પણ નથી.
હવે પછીના મણકામાં આપણે નાણાની કમાણી સિવાયની પ્રવૃત્તિઓની વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
