પ્રાસંગિક  કવિતા

જુલાઈ મહિનો એટલે બે મહાન કવિઓ –  શ્રી ઉમાશંકર જોશી અને  શ્રી અવિનાશ વ્યાસ. -ના જન્મદિવસ. બંને કવિઓની જન્મતારીખ ૨૧ જુલાઈ.
બંનેની જૂની, જાણીતી અને માનીતી કવિતાઃ

વિશ્વમાનવી

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

ઉમાશંકર જોશી

************************************************
 
માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
 
માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

– અવિનાશ વ્યાસ