ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

અગાઉની કડીમાં આપણે ગિટારનો પ્રાથમિક પરિચય મેળવ્યો અને ગિટારના અંશો ધરાવતાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો માણ્યાં. આજની કડીમાં આ જ વાદ્યને લઈને થોડું વધારે..

એક સમયે રેડીઓનું ચલણ હતું ત્યારે વિવિધ ભારતી તેમ જ રેડીઓ સિલોન (હાલનું શ્રીલંકા બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન) ઉપર વિવિધ વાદ્યો પર છેડેલાં હિન્દી ફિલ્મી ગીતોના ચાહકોને ન્યાલ કરી દે તેવા કાર્યક્રમો રજૂ થતા રહેતા હતા. તેમાં અલગઅલગ વાદ્યો ઉપર કાબેલ વાદકોએ છેડેલાં ગીતો સાંભળવા મળતાં. એવા કાર્યક્રમોનો એક મોટો ચાહક વર્ગ હતો અને તેમાં રજૂ થતા વાદકો ખુબ જ લોકપ્રિય બની ગયા હતા. સુનિલ ગાંગુલી આવું જ નામ છે. તેમણે હવાઈયન ગિટાર ઉપર વગાડેલાં અસંખ્ય હિન્દી/ બંગાળી ફિલ્મી ગીતો રેડીઓ ઉપર નિયમિત ધોરણે ગૂંજતાં રહેતાં હતાં. આજની કડીની શરૂઆતમાં તેમનું વગાડેલું ફિલ્મ ‘જાગતે રહો'(૧૯૫૬)નું ગીત ‘જાગો મોહન પ્યારે’ સાંભળીએ.

હવે ગિટારવાદનનું પ્રાધાન્ય ધરાવતાં કેટલાંક ફિલ્મી ગીતો, જેમાં ગિટારનો સૂર ભાવકે જાતે ઓળખી લેવાનો છે.

૧૯૫૬ની ફિલ્મ ‘ચોરી ચોરી’ના શંકર-જયકિશનના સંગીતમઢ્યા આ ગીત ‘યેહ રાત ભીગી ભીગી’ના પૂર્વાલાપમાં યાદગાર ગિટારવાદન સાંભળવા મળે છે.

ફિલ્મ ‘પ્યાસા'(૧૯૫૭)માં સચીનદેવ બર્મનનું સંગીત હતું. તેના મહંમદ રફીએ ગાયેલા ગીત ‘જીન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ’માં ગિટાર અને માત્ર ગિટાર આધારિત વાદ્યસંગીત છે. ઘેરી વેદનાની અભિવ્યક્તિ કરતા આ ગીતમાં સમાવિષ્ટ ગિટારના અંશ સાંભળીએ ત્યારે લાગે કે આ વાદન થકી આ અસર વધુ ઉપસી આવે છે.

https://www.youtube.com/watch?v=3ta4BmumQKc

૧૯૫૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શરારત’માં શંકર-જયકિશનનું સંગીત હતું. તેના ગીત ‘જાને કિસ કી જીત હૈ યેહ જાને કિસ કી હાર હૈ’માં સતત ગિટારના ખુબ જ કર્ણપ્રિય ટૂકડા કાને પડતા રહે છે.

ફરી એક વાર શંકર-જયકિશનના સ્વરનિયોજનની ખુબી માણીએ. ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ (૧૯૬૦)ના  ગીત ‘અજીબ દાસતાં હૈ યે’ના પૂર્વાલાપમાં, મધ્યાલાપમાં તેમ જ ઓબ્લીગેટોઝ્માં ગિટારની હાજરી સતત અનુભવાતી રહે છે.

ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (૧૯૬૧)ની સફળતામાં શંકર-જયકિશનના સંગીતનો મોટો ફાળો હતો. તેના ટાઈટલ ગીતમાં કમાલનું ગિટારવાદન સાંભળવા મળે છે.

ગુરૂશરણ સિંહ (જી.એસ.) કોહલી નામના ખુબ જ કાબેલ સંગીતકારની કારકીર્દિ મોટા ભાગે અન્ય સંગીત નિર્દેશકોના સહાયક તરીકે કામ કરતાં વિતી. પણ સ્વતંત્ર સંગીત આપવાની તક મળી ત્યાં તેમણે પોતાની પ્રતિભા સુપેરે ઝળકાવી છે. તેમનું સંગીતનિર્દેશન ધરાવતી ૧૯૬૩ની ફિલ્મ ‘શિકારી’ના ગીત ‘તુમ કો પિયા દિલ દિયા’માં પહેલા અને બીજા અંતરા વચ્ચેના મધ્યાલાપમાં ગિટાર ધ્યાનાકર્ષક હાજરી પૂરાવે છે.

૧૯૬૪માં રજૂ થયેલી ફિલ્મ ‘કાશ્મીર કી કલી’નાં ગીતોએ ધૂમ મચાવી દીધી હતી. એ પૈકીના ગીત ‘તારીફ કરું ક્યા ઉસ કી’માં સંગીતકાર ઓ.પી.નૈયરે એક અનોખો પ્રયોગ કર્યો હતો. પહેલા અને બીજા અંતરાની વચ્ચેના મધ્યાલાપમાં પહેલાં સિતારવાદન અને પછી સંતૂરવાદન વડે શાંત માહોલ ઉભો થાય છે અને ત્યાર બાદ તરત જ ગિટારના તોફાની અંશો વાગવા લાગે છે. સાંભળીએ તે ગીત.

https://www.youtube.com/watch?v=VueN49P7JyU

ઓ.પી.નૈયરના નિર્દેશનમાં બનેલું એક વધુ ગીત માણીએ. ફિલ્મ ‘મેરે સનમ’ (૧૯૬૫)ના ગીત ‘પુકારતા ચલા હૂં મૈં’માં ગિટારના અંશો મહંમદ રફીની ગાયકી સાથે પગલેપગલું દબાવીને ચાલે છે.

૧૯૬૬ની ફિલ્મ ‘બહારેં ફીર ભી આયેગી’નું ટાઈટલ ગીત ગિટારના ખુબ જ પ્રભાવશાળી ટૂકડાથી સજાવાયું છે. સંગીત સ્ઓ.પી.નૈયરનું છે.

https://youtu.be/cbEJuFD4be4

ફિલ્મ ‘શાગિર્દ'(૧૯૬૭)માં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીતનિર્દેશન હતું. તેના એક ગીત ‘બડે મિયાં દીવાને’માં ગિટારના યાદગાર અંશો છે.

૧૯૬૭ની જ ફિલ્મ ‘C I D 909’નું ગીત ‘નદી કા કિનારા હો’ સાંભળીએ. આ ગીત ઓ પી નૈયરના સંગીતનિર્દેશનમાં બન્યું છે.

ફિલ્મ ‘જ્વેલ થીફ'(૧૯૬૭)માં સચીનદેવ બર્મનના સંગીતનિર્દેશનમાં લતા મંગેશકરે ગાયેલા ગીત ‘રુલા કે ગયા સપના મેરા’માં લતા મંગેશકરના ગાયેલા પ્રલંબ આલાપ પછી શરૂ થતા પ્રિલ્યુડમાં ગિટારનું સ્ટ્રમીંગ/વેમ્પીંગ સાંભળવા મળે છે.

આવતી કડીમાં ગિટારને સાંકળતાં કેટલાંક વધુ ગીતો સાથે મળીશું.

નોંધ :

૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com