દીપક ધોળકિયા
મેરઠના વિદ્રોહી માત્ર કારતૂસો માટે નહોતા લડ્યા. એમનું લક્ષ્ય મોટું હતું. મેરઠમાં વિદ્રોહની આગ સળગાવીને એ મોટા લક્ષ્ય માટે દિલ્હી તરફ નીકળી પડ્યા. એ દિલ્હી પહોંચ્યા ત્યારે મોગલ સલતનતનો દીવો ૮૨ વર્ષના વયોવૃદ્ધ બહાદુર શાહ ઝફરના રૂપે અલપઝલપ થતો હતો. એની સત્તા માત્ર લાલ કિલ્લા અને એની બહાર પોતાના મહેરૌલીના મહેલ અથવા તો બેગમોના મહેલ પૂરતી રહી ગઈ હતી.
બાદશાહ સલામત હઝરત ઝિલ-એ- સુબ્હાની ખલિફા-ઉર-રહેમાની અબૂ ઝફર સિરાજુદ્દીન મહંમદ બહાદુર શાહ સવારની નમાઝ પછી ઝૈર-એ-ઝરોખા (ઝરુખામાંથી દર્શન આપવા) માટે બેઠા છે. સમન બુર્જ નીચે ૨૦૦ ચુનંદા સૈનિકો અને ૩૦ હબસીઓ ખડેપગે છે. કિલ્લાની ઉપરથી ચોકિયાતે બૂમ પાડી. અમીર ફતેહ અલી દારોગા દૂર મીર બાહરીની જકાતચોકી નજીક નદીના પુલ તરફ આંગળી ચીંધી. ત્યાં આગ ભડકે બળતી હતી અને તિખારા ઊંચે સુધી ઊડતા હતાં. નદીકાંઠે ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. એણે નીચે હાક મારીને બે ઘોડેસવારોને પુલ તરફ દોડાવ્યા. બન્ને નદી સુધી પહોંચે તે પહેલાં જ એમને એક ટોળું મળ્યું અને ખબર આપ્યા કે ફોજ ઘૂસી આવી છે, અને મીર બાહરીને મારી નાખ્યો, જકાત ચોકીની તિજોરી લૂંટી લીધી અને ચોકીને આગ ચાંપી દીધી. અસવારો તરત પાછા વળ્યા અને સમાચાર આપ્યા. બાદશાહે તે જ ઘડીએ ફતેહ અલી અને હામિદ ખાનને તાબડતોબ પુલ તોડી નાખવા માટે હુકમ આપ્યો અને બધા દરવાજા બંધ કરી દેવા શહેર કોટવાળને ફરમાન કર્યું.
પરંતુ પુલ તોડવા ગયેલી ટુકડી ત્યાં પહોંચે તે પહેલાં જ સામેથી કેટલાયે અસવારો પુલ વટાવીને આવી ગયા હતા. એટલે પુલ તોડવા ગયા તે તરત પાછા ફર્યા. એમની વાત સાંભળીને બાદશાહ તો શાંત રહ્યો પણ જનાનખાનામાં રોકકળ મચી ગઈ.
બળવાખોર અસવારો ઝરૂખાની નીચે આવી પહોંચ્યા. કે તરત કિલ્લાનો કલકત્તા દરવાજો બંધ કરી દેવાયો. નિગમબોધ ઘાટ તરફનો દરવાજો પણ બંધ કરી દેવાયો, ત્યાં ઘાટ પર પૂજાપાઠ કરવા ગયેલાં સ્ત્રી-પુરુષો હાંફળાંફાંફળાં કિલ્લાની અંદર દાખલ થઈ ગયાં.
આ બાજુ વિદ્રોહીઓના સરદારે બાદશાહ સામે લળીલળીને સલામ કરી અને આખી વીતક કહી સંભળાવી. બાદશાહે કહ્યું કે હું તો સૂફી છું. બાદશાહત તો મારા વડવાઓ સાથે ગઈ. હું બસ, મધ્યસ્થી કરી શકું. તે પછી એણે અંગ્રેજ રેસિડન્ટ ફ્રેઝરને બોલાવ્યો અને એને કહ્યું કે આ સિપાઈઓ તમારા છે. આજે તમારી સેવા કરતાં એમના ધર્મ પર આંચ આવી છે. ધાર્મિક અત્યાચાર અને કટ્ટરતા બહુ ખરાબ વાત છે. એને કારણે ઘણી રાજસત્તાઓ ડૂલ થઈ ગઈ છે અને કોણ જાણે કેટલાયનાં લોહી રેડાયાં છે. બહાદુર શાહ બાદશાહે ફ્રેઝરને ઠપકો આપ્યો.
તે પછી ફ્રેઝર કિલ્લાના જુદા જુદા દરવાજા તપાસવા ગયો. એક જગ્યાએ એને પાંચ વિદ્રોહી મળ્યા. ફ્રેઝરે પોતાની બગ્ઘી પૂરપાટ દોડાવી. પાછળ અસવારો ખુલ્લી તલવારે ધસતા હતા. એક દરવાજાની નાની બારી ખુલ્લી હતી તેમાંથી એ અને કિલ્લેદાર અંદર ઘૂસી ગયા. અંદર જતાં જ એણે સંત્રીઓને પૂછ્યું કે “દરવાજો શા માટે ખુલ્લો રાખ્યો છે? તમે આ લોકો સાથે છો કે ધર્મ સાથે?” સંત્રીઓએ જવાબ આપ્યો કે “ધર્મ સાથે.” ફ્રેઝરે કંઈ બોલે તે પહેલાં એમણે આખો દરવાજો ખોલી નાખ્યો! ફ્રેઝર ઉપર ભાગ્યો. પાછળ વિદ્રોહીઓ અંદર ઘૂસી આવ્યા અને ફ્રેઝર વિશે પૂછ્યું. સંત્રીઓએ ઊંચે આંગળી ચીંધી. વિદ્રોહીઓ ઉપર ચડી ગયા. ફ્રેઝર દેખાયો. એક ગોળી ભેગી એની લાશ ઢળી ગઈ. વિદ્રોહીઓ પછી બહાર નીકળી ગયા અને ક્યાંય પણ કોઈ ગોરી ચામડી કે દેશી ખ્રિસ્તી નજરે ચડ્યો, ઝાટકે દેવા માંડ્યા.
મહેલના દરવાજા બંધ થઈ ગયા અને બહાર સિપાઈઓ ટોળે મળીને દરવાજો ખુલવાની રાહ જોતા હતા.. શહેરમાં ઘણા ગોરાઓ માર્યા ગયા. બૅન્ક લુંટાઈ ગઈ અને બૅન્કના મેનેજરનું ખૂન થઈ ગયું
અંગ્રેજોનો એક નોકર મોઇનુદ્દી બળવાખોરો સાથે ભળી ગયો અને કેટલાયે ગોરાઓનાં ખૂનમાં એનો હાથ હતો. એણે પોતાના બયાનમાં બહુ તટસ્થતાથી લખ્યું છે કે અંગ્રેજો પોતાને જે માનવું હોય તે માને પણ દેશી લોકો એમને ઘૂસણખોર જ માનતા હતા અને અંગ્રેજ સરકારે એમના ધર્મ પર હુમલો કર્યો એટલે સિપાઈઓ ભડક્યા. ૧૧મીની સવારે એને મેરઠમાં બળવો કર્યા પછી સિપાઈઓ દિલ્હીમાં આવીને અંગ્રેજોની કતલ કરતા હોવાના સમાચાર મળ્યા. એ જ વખતે મૅજિસ્ટ્રેટ હચિન્સને આવીને એને તરત કોટવાળ (મુખ્ય પોલીસ અધિકારી) પાસે જઈને સાવધાન કરવાનો હુકમ આપ્યો. પણ કોટવાળે તો કહ્યું કે શહેરમાં તો શાંતિ છે. પછી બન્ને બહાર નીકળ્યા ત્યારે રાજઘાટ બાજુના કિલ્લાના દરવાજા તરફથી એક માણસે ભાગતો આવ્યો અને સમાચાર આપ્યા કે મેરઠથી સિપાઈઓ આવ્યા છે અને ભારે ધાંધલ છે.
મોઇનુદ્દીન હચિન્સનને આ સમાચાર આપવા ગયો અને ત્યાંથી પહાડગંજ પાછો ફર્યો. એ જ વખતે જૉઇંટ મૅજિસ્ટ્રેટ થિઓપોલિસ મેટ્કાફ ઘોડા પર ત્યાં આવ્યો એણે પૂરતાં કપડાં પણ નહોતાં પહેર્યાં. એણે મોઇનુદ્દીન પાસેથી કપડાં લીધાં અને બગ્ઘીમાં દરિયાગંજ તરફ ગયો ત્યાં એના પર હુમલો થયો પણ એ બચી ગયો. આ બાજુ મૅજિસ્ટ્રેટ હચિન્સનને વિદ્રોહીઓએ મારી નાખ્યો હતો.
એ લખે છે કે ઘરમાં સૌના હાલ જાણવા એ ઘર તરફ નીકળ્યો ત્યારે એણે મોટાં ટોળાં ફિરંગીઓનાં ઘરોમાં લૂંટફાટ કરતાં જોયાં. પણ વિદ્રોહીઓએ દારુગોળાનો ભંડાર લૂંટવાની કોશિશ કરી ત્યારે એના અફસરે તોપનો ઉપયોગ કર્યો. આમાં પચીસેક વિદ્રોહીઓ માર્યા ગયા પણ બીજા ચારસો જણ તમાશો જોવા એકઠા થયા હતા તે સાફ થઈ ગયા. પરંતુ હજી ટ્રેઝરી પર હુમલો નહોતો થયો.
મોઇનુદ્દીન છેક મધરાત સુધી ફરતો રહ્યો. ઠેકઠેકાણે દુકાનો અને ઘરો ભડકે બળતાં હતાં અને રસ્તા પર લાશો રઝળતી હતી.
સવારે નવ વાગ્યાના સુમારે ભારે વિસ્ફોટ થયો. તે પછી અંગ્રેજ કમાંડરે પોતાની ફોજને એકઠી કરવાની કોશિશ કરી પણ એમાંયે હિંદુસ્તાની સિપાઈઓ હતા. એમણે પોતાના વિદ્રોહી ભાઈઓ પર ગોળીઓ છોડવાની ના પાડી દીધી. એટલું જ નહીં, એમના અને વિદ્રોહીઓ વચ્ચે સારા સંબંધો જોવા મળ્યા, એ બધા એકબીજા સાથે હાથ મિલાવતા હતા!
વિદ્રોહીઓ મેની ૧૧મીએ દિલ્હી આવ્યા તે જ દિવસે સાંજના ચાર વાગ્યે એમણે કાશ્મીરી દરવાજા પાસેના શસ્ત્રભંડાર પર હુમલો કર્યો. ચારે બાજુથી એને ઘેરી લીધો અને તોપના ગોળા છોડીને એની દીવાલ તોડી પાડી. પરંતુ એ લોકો શસ્ત્રાગારમાં ઘૂસી શકે તે પહેલાં જ શસ્ત્રાગારના સંત્રીઓએ પોતે જ એને ઉડાડી દીધો. આમાં તમાશો જોવા એકઠા થયેલા ઘણા લોકો માર્યા ગયા.
હવે વિદ્રોહીઓને દિલ્હીમાં સંપૂર્ણ સફળતા મળી ચૂકી હતી. તે પછી એમણે વહીવટ પર ધ્યાન આપ્યું. શહેનશાહ બહાદુર શાહ ઝફરને નામે એમણે કારભાર શરૂ કરી દીધો. જો કે, બહાદુર શાહના હુકમો માનવા માટે વિદ્રોહીઓ બહુ તત્પર નહોતા
૧૧મીની બપોર સુધીમાં જેલ સુધી સમાચાર પહોંચી ગયા હતા કે અંગ્રેજો સામે સિપાઈઓએ જીત મેળવી લીધી છે. કેદીઓએ ઉત્સાહમાં બૂમરાણ મચાવી દીધી પણ જેલર લાલા ઠાકુર દાસે શિસ્ત જાળવી રાખી. સાંજ થતાં સુધીમાં તો સંત્રીઓએ પણ સ્પષ્ટ દેખાડી દીધું કે તેઓ વિદ્રોહીઓના પક્ષમાં છે. કેદીઓ અને સંત્રીઓને કાબુમાં રાખવા માટે જેલરને આશા હતી કે એને અંગ્રેજ હકુમત કુમક મોકલશે, પણ છેવટે સાંજે પાંચ વાગ્યે એ બધું જેમનું તેમ છોડીને ઘરે ચાલ્યો ગયો.
બીજા દિવસે, ૧૨મીની સવારે અંગ્રેજોની ફોજના બધા દેશી અફસરો બાદશાહ સમક્ષ હાજર થયા, નજરાણું ધર્યું અને કહ્યું કે તેઓ બાદશાહના હુકમનું પાલન કરશે. બાદશાહના સલાહકારોને પુરબિયા સિપાઈઓ પર ભરોસો બેસતો નહોતો પરંતુ શહેરમાં વ્યવસ્થા તો જાળવવી જ પડે તેમ હતું. આથી એમણે એક કાઉંસિલની રચના કરી. અને પટિયાલા, જજ્જર, બલ્લભગઢ, બહાદુરગઢ અને એલોરેના રાજાઓને પત્રો મોકલીને અંગ્રેજોના હુમલાને ખાળવા માટે લશ્કરો સાથે આવીને દિલ્હીની ફોજમાં સામેલ થઈ જવાના હુકમો કર્યા.
આખો દિવસ લાલ કિલ્લો સિપાઈઓથી ધમધમતો રહ્યો. કાઉંસિલે દુકાનો તો ખોલાવી પણ દુકાનો ખાલી થઈ ગઈ હતી. સિપાઈઓનો આગ્રહ હતો કે બાદશાહ જાતે શહેરમાં ફરે અને લોકોને પોતાનાં કામકાજ રાબેતા મુજબ શરૂ કરવા સમજાવે. બહાદુર શાહ બાદશાહે એમની વાત માનીને હાથી પર બજારોમાં ફરીને લોકોને સમજાવ્યા. કોઈએ દુકાનો ખોલી પણ પાછી બંધ કરી દીધી અને મોટા ભાગનાએ તો બાદશાહની વાત સાંભળી, ન સાંભળી કરી નાખી.
૧૩મી અને ૧૪મી તારીખે પણ શહેરમાં અંધાધૂંધી ચાલુ રહી અને બાદશાહ વ્યવસ્થા સ્થાપવાના નિષ્ફળ પ્રયત્નો કરતો રહ્યો. ૧૫મી તારીખે બાદશાહે શહેરમાં શાંતિ જાળવવા માટે એકસો સિપાઈઓની ટુકડી ઊભી કરી. સિપાઈઓએ ખાસ કરીને અનાજ માટે શ્રીમંત શેઠો અને શરાફોને નિશાન બનાવ્યા અને એમને મજૂરોની જેમ કામ કરવાની ફરજ પાડી.
આ બાજુ, સમાચાર મળ્યા કે ગોરખા રેજિમેન્ટે કંપની બહાદુરની સરકારની પડખે રહેવાનું નક્કી કર્યું છે અને અંગ્રેજો અને ગોરખાઓની સંયુક્ત ફોજ શિમલાથી દિલ્હી આવવા નીકળી પડી છે. પટિયાલાના મહારાજાને બાદશાહની ફોજમાં જોડાવા માટે બાદશાહના નામે પત્ર ગયો હતો પણ એ અંગ્રેજો સાથે જોડાયો અને એના લશ્કરે અંબાલા પાસે બળવાખોરો પર આક્રમણ કર્યું. આમાં વિદ્રોહીઓ હાર્યા.
મે મહિનાની વીસમીએ અંગ્રેજ ફોજ આવતી હોવાના પાકા સમાચાર મળતાં બાદશાહના લશ્કરમાં ઉત્તેજના ફેલાઈ ગઈ. તેમાં કોઈ મુસલમાન સરદારે જેહાદનું નામ આપીને હિન્દુઓ સામે લડવાનું એલાન કર્યું. બાદશાહ બહાદુર શાહ પાસે આ વાત પહોંચતાં એણે કહ્યું કે આ હિન્દુઓ વિરુદ્ધની લડાઈ નથી અને બળવાખોરો સિપાઈઓમાં મોટા ભાગના હિન્દુઓ છે. એ જ દિવસે બાદશાહે શાહજાદા મિર્ઝા મોગલની આગેવાની હેઠળ એક રેજિમેન્ટ અંગ્રેજી ફોજનો મુકાબલો કરવા માટે મેરઠ તરફ મોકલી.
વિદ્રોહીઓએ બહાદુર શાહ પર શહેનશાહત લાદી દીધી અને એના માટે એ તૈયાર નહોતો પરંતુ એક વાર સ્વીકારી લીધા પછી એ મને કે કમને ભારતના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય હતો. આપણી સમક્ષ એવું ચિત્ર રજૂ થતું હોય છે કે એ માત્ર નામનો જ હતો, પરંતુ એ સંપૂર્ણ સાચું નથી. એની સત્તા મર્યાદિત હતી તેમ છતાં એ સતત અંગ્રેજો વિરુદ્ધની લડાઈને વ્યવસ્થિત રૂપ આપવાની કોશિશો પણ કરતો રહ્યો.
વધુ આવતા પખવાડિયે…
સંદર્ભઃ
(1) Two Native Narratives of Mutiny in Delhi. Charles theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
(2) Dastan-e- Ghadar, Zahir Dehlavi (English translation by Rana Safvi) Penguin Books, 2017 ISBN 978067008891.
()()()()()
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
