હરેશ ધોળકિયા
ઉત્સવોના મહિના શરુ થાય છે. તાજેતરમાં ” ગુરુ પૂર્ણિમા’નો ઉત્સવ પસાર થઈ ગયો. ઉત્સાહથી ઉજવાયો.
કોઈ પણ તહેવાર ઉત્સાહથી ઉજવાય તે તો યોગ્ય જ છે, પણ ઘણી વાર, આમ તો મોટે ભાગે, તેનું સાચું મહત્વ સમજયા વિના જ ઉત્સાહ પ્રગટ થતો હોય છે. અન્ય તહેવારો જેમ આ ઉત્સવમાં પણ કંઈક એવું જ બને છે.
ગુરુ પૂર્ણિમામાં ‘ ગુરુ’ શબ્દ મહત્વનો છે. ઉજવવા સમયે આ શબ્દ તરફ જ ધ્યાન નથી અપાતું. મોટે ભાગે ‘ ગુરુ’ અને ‘ શિક્ષક’ શબ્દને ભેળસેળ કરી નખાય છે. એટલે આ દિવસે શિક્ષકોને સન્માનાય છે. સન્માન કરવું અયોગ્ય નથી. કરવું જ જોઈએ, પણ ગુરુપૂર્ણિમાના દિવસને શિક્ષક સાથે કશો જ સંબંધ નથી. ગુરુ જુદા છે અને શિક્ષક જુદા છે. આ તફાવત બરાબર સમજી લેવાની જરુર છે. ગુરુ માટે ‘ આ’ દિવસ છે અને શિક્ષક માટે ‘ શિક્ષક દિન’ છે.
કેમ બે દિવસો અલગ છે ? અહીં ગુરુને જ સમજીએ.
ગુરુ એટલે કોણ ? ગુરુ શિક્ષક છે, પણ શિક્ષક ગુરુ નથી-આ યાદ રાખવાનું છે.
કેમ?
બન્નેનાં કાર્યો જ અલગ છે.
આ સમજવા માટે બીજા બે શબ્દ પણ સમજવા પડશે. તે છે ” વિદ્યા” અને ” અવિદ્યા.” અવિદ્યા એટલે નકામી વિધા નહીં, પણ ભૌતિક વિધા. આ જગત સંબંધી વિદ્યા. આપણા પાસે જે બધાં જ શાસ્ત્રો છે, વિજ્ઞાનનાં અને સામાજિક વગેરે, તે બધાં અવિદ્યા છે. શાળા કોલેજોમાં જે વિષયો ભણાવવામાં આવે છે, તે સંસારમાં કામ આવે તેવા વિષયો છે, તે અવિદ્યા છે. શિક્ષક આ અવિદ્યા શીખવનાર લોકો છે.
‘વિદ્યા’ એટલે આત્મિક જ્ઞાન. પોતા વિશેનું જ્ઞાન. જેને ‘અધ્યાત્મ’ કહે છે તે જ્ઞાન. તે વ્યકિતને જગત વિશે નહીં, પોતા વિશેનું જ્ઞાન આપે છે. અવિદ્યાથી નોકરી મળે, પૈસા મળે, જગતનો વ્યવહાર સચવાય, પણ વિદ્યાના પરિણામે તો વ્યકિત જગતનાં અને પોતાના મૂળને સમજે અને અનેક બંધનોમાંથી મુકત થાય. સ્વતંત્રતા પ્રાપ્ત કરે. એટલે જ કહ્યું છે કે ‘ સા વિદ્યા યા વિમુકતયે.” એટલે કે જે મુકત કરે તે વિદ્યા. અવિદ્યા વિશે આવું કોઈ વાક્ય નથી. વિદ્યા વ્યકિતને અસ્તિત્વ સાથે એકતા સધાવે છે. કહેવાતાં બધાં જ બંધનોથી સ્વતંત્ર કરે છે. અવિદ્યા આવું કશું કરી શકતી નથી. તે ચેતનાનો અભ્યાસ કરે છે, પણ ચેતનાની અનુભૂતિ કરાવતું નથી. ચેતનાની અનુભૂતિ કરાવે, ચેતના સાથે અહ્દેત સધાવે, ચેતનામય બનાવે-તે વિદ્યા. અને ” આ” વિદ્યા આપે તે જ ” ગુરુ” છે. ગુરુ પણ શીખવે જ છે, પણ ચેતનાનું જ શિક્ષણ આપે છે. તેને ભૌતિક વિદ્યાઓ સાથે કશો સંબંધ હોતો નથી. જો તે ભૌતિક વિદ્યા આપે તો તે ગુરુ મટી શિક્ષક બની જાય છે.
ભારતીય દર્શનમાં તપાસ કરશું તો દેખાશે કે વશિષ્ઠ રામને જે શિક્ષણ આપે છે, વેદાંતની, તે વિદ્યા છે. (‘ વશિષ્ઠ રામાયણ’ વાંચવું) માટે તે રામના ગુરુ છે. તે આ વાત સિવાય કશી જ બીજી વાત કરતા નથી. અને મહાભારતમાં દ્રોણાચાર્ય શસ્ત્ર વિદ્યા શીખવે છે. આ વિદ્યા નથી, અવિદ્યા છે. દ્રોણાચાર્ય ભલે ગુરુ મનાતા હોય, પણ તે હકીકતે માત્ર શિક્ષક જ છે. અને એમાં જ કૃષ્ણ અર્જુનને ગીતા કહે છે, જે વિદ્યા છે. એટલે કૃષ્ણ ગુરુ છે.
આમ એક વખત વિદ્યા અને અવિદ્યા શબ્દ સમજાઈ જાય, પછી ગુરુ અને શિક્ષક વચ્ચેનો ભેદ સમજાઈ જશે.
હા, બન્નેમાંથી કોઈ ઉંચું કે નીચું નથી. બન્ને પોતપોતાનાં કામ કરે છે. બન્ને કામ જરુરી છે. એટલે બન્ને પોતપોતાની જગ્યાએ ઉપયોગી છે. પણ પરિણામ બન્નેનાં અલગ છે. આ સંદર્ભમાં ગુરુ મહત્વના બને છે.
અવિદ્યામાં વ્યકિત વધારેમાં વધારે મોટી સતા મેળવે છે યા ઉદ્યોગપતિ બને છે અથવા કરોડો પતિ બને છે અથવા સમાજમાં મહત્વની વ્યકિત બને છે. પણ આ બધું મેળવ્યા પછી તેનામાં કોઈ પાયાનો ફેરફાર થતો નથી. તેની માન્યતાઓ જૂનવાણી ચાલુ રહી શકે છે. તેમનું મગજ સંકુચિત હોઈ શકે છે. હિંસા વગેરે અવગુણો ચાલુ રહી શકે છે. તેનામાં બાહ્ય પરિવર્તનો આવી શકે છે, પણ આંતરિક રીતે તો તે સામાન્ય વ્યકિત જ રહે છે. ભૌતિક વિદ્યા તેને ભૌતિક રીતે જ પ્રગતિશીલ બનાવી શકે છે. તેને સત્યનું જ્ઞાન નથી મળતું.
જયારે વિદ્યામાં તો આત્મિક જ્ઞાન મળે છે. આ જ્ઞાનના પરિણામે એક ઊંડી અનુભૂતિ મળે છે. અસ્તિત્વ સાથે એકતાનો અનુભવ થાય છે. આવી વ્યકિત કેવળને કેવળ વિશાળતાની જ અનુભૂતિ કરે છે. પરિણામે તેનામાં ક્ષણિક પણ સંકુચિતતા નથી. નાના, સાંકડા વિચાર કરી શકતી નથી. સમગ્ર જગતને કારણ વિના ચાહે છે. તેનામાં પ્રેમ સિવાય કશું જ નથી હોતું. તે કોઈ જાતિ, જ્ઞાતિ, રંગ, ધર્મ, રાષ્ટ્રમાં માનતી જ નથી. સમગ્ર વિશ્વ તેનું ઘર છે. બધા જ મનુષ્યો, ના, સમગ્ર બ્રહ્માંડ તેના મિત્રો છે. તે વિશ્વમિત્ર છે. તેને જગતમાં કેવળ ઈશ્વરનાં જ દર્શન થાય છે. જગતનાં બધાં જ સ્વરુપો તેના માટે ઈશ્વરનાં જ પ્રતિબિંબ છે.
ગુરુ આ વિદ્યા આપે છે. કેવળ ગુરુ જ આ વિદ્યા આપી શકે છે. ગુરુ પાસે વિદ્યા લીધા પછી અંતિમ પરિણામ શું આવે ?
કબીર તેનો જવાબ આપે છે કે ‘ ગોવિંદ દિયો બતાય.” ગુરુ ગોવિંદનાં-ઈશ્વરનાં, ચેતનાનાં દર્શન કરાવે છે. ગુરુપૂર્ણિમા આવા, ચેતનાનાં દર્શન કરાવનાર, ઈશ્વરનું સાંનિધ્ય અપાવનાર ગુરુ માટે છે. ” આવા” ગુરુનું તે દિવસે સન્માન કરવાનું છે. આ દિવસે તેના પાસે બેસવાનું છે અથવા તેમનું સ્મરણ કરવાનું છે.
ફરીથી, એમ નથી માનવાનું કે શિક્ષક ગુરુ કરતાં નીચા છે. ના, શિક્ષકનું કામ જ અલગ છે. તેણે બાળકને જગતમાં “ફીટ” કરતા -અનુકૂલન કરતા-શીખવવાનું છે. ગુરુએ તો અસ્તિત્વ સાથે એક થતાં શીખવવાનું છે. શિક્ષક પાસે રહેલ બાળક બાહ્ય રીતે ખૂબ પ્રગતિ કરી શકશે. ગુરુ પાસે રહેલ વ્યકિત આંતરિક રીતે ચેતનામય થઈ જશે. તેની આંખો, તેનું અસ્તિત્વ ચેતનાના પ્રકાશમાં નહાઈ ઉઠશે. આવી વ્યકિત પણ, સંભવ છે, બહારથી સફળ હશે, પણ તેના માટે સફળતા મહત્વની નહીં હોય. તેના માટે તો આ અનુભૂતિ જ મહત્વની હશે. આ અનુભૂતિ માટે તે બાહ્ય સમગ્ર જગતનો ત્યાગ કરવા તૈયાર થઈ જશે.
બીજું, અવિધા મેળવનાર વ્યકિત પુષ્કળ જ્ઞાની થવા છતાં અધૂરાશ જ અનુભવશે. તે સમત્વનો અનુભવ નહીં કરી શકે. સમૃધ્ધિ વચ્ચે પણ અસંતોષનો અનુભવ કરશે. તેને કયારેય પૂર્ણતાનો અનુભવ નહીં થાય. પૂર્ણતાનો અનુભવ કરવા માટે તો તેણે ગુરુ પાસે જવું પડશે. કેવળ ગુરુ જ પૂર્ણતાની અનુભૂતિ કરાવી શકે. ખુદ શિક્ષકને પણ આ અનુભૂતિ કરવી હશે તો કોઈ ગુરુ પાસે જવું પડશે. શિક્ષકે જગતનાં બધાં જ શાસ્ત્રો વાંચ્યાં હશે તો પણ તેને અધૂરાશનો અનુભવ થયા કરશે. ગુરુએ કદાચ કોઈ જ શાસ્ત્ર વાંચ્યું નહીં હોય, છતાં તે પળેપળ પૂર્ણતામાં સ્નાન કરતા હશે.
પણ, ફરીથી, ગુરુની કસોટી એક જ. ગોવિંદનાં દર્શન કરાવે તે ગુરુ. તેનાથી ઓછી વાત કરે તો એક પળ પણ તેને ગુરુ ન માનવા. ઠીક છે, મન હોય તો આદર આપવો, પણ ગુરુ ન માનવા. ગુરુની તો આ એક જ લાયકાત : ઈશ્વર દર્શન, આત્મદર્શન. અસ્તિત્વ સાથે એકતાનો અનુભવ કરાવવો.
ગુરુઓ લાખોમાં એક હોય છે. સદભાગીને તે મળતા હોય છે. અને વ્યકિત સદભાગી ન હોય અને તેને જીવંત ગુરુ ન મળે તો ચિંતા ન કરવી. આજ સુધી હજારો આત્મસાક્ષાત્કારી ગુરુઓ થઈ ગયા છે. તેમનું સ્મરણ કરવું. તો પણ સંભવ છે વિશ્વામિત્ર થવા તરફ આગળ વધાશે. અને યાદ રાખવું, સામાન્ય વ્યકિતને ગુરુ માનવા કરતાં ગુરુ વિનાના રહેવું યોગ્ય છે. તો ભગવાન બુધ્ધનું આ વાકય યાદ રાખવું : ” આત્મદીપોભવ..” પોતે જ પોતાના ગુરુ બનવું.
વર્તમાનમાં કોઈ ઉતમ ગુરુ છે ?
તેનો જવાબ આપવો અશકય છે. ન હોય એમ તો ન બને. જરુર શોધવા. પણ કસોટી એક જ રાખવી. જે વ્યકિત કેવળને કેવળ ઈશ્વરની જ વાતો કરે, તેના સિવાય બીજી કશી જ વાતો ન કરે, આપણે કરવા જઈએ તો પણ અટકાવે અને ન જ કરવા દે, તેનું મુખ્ય લક્ષણ “ત્યાગ” જ હોય, તે વૈરાગી જ હોય, તો જ તેમને ગુરુ માનવા. ભલે તેના પાસે ડિગ્રી ન હોય, કદાચ સામાન્ય જ્ઞાન પણ ન હોય, ઓફિશીયલી કદાચ અભણ પણ હોય, પણ આ એક લાયકાત હોય- કેવળ ઈશ્વરની જ વાત કરવાની-તો જરા પણ ચિંતા કર્યા વિના તેમને ગુરુ માનવા. અન્ય વિવિધ વિષયોના નિષ્ણાતોને કે શિક્ષકોને માર્ગદર્શક માનવા અને તેમનું પણ ચોકકસ સન્માન કરવું. માત્ર ગુરુ ન માનવા. ગુરુ તો માત્ર એ જ જે બધી સંકુચિતતાઓથી મુકત કરી કેવળ વિશાળતાનો જ અનુભવ કરાવે. તે ધર્મ કે રાષ્ટ્રીયતા વગેરેની વાતો કરે, તો ચૂપચાપ ખસી જવું.
આવા ગુરુ મળે તે દિવસે ગુરુપૂર્ણિમા ! ગુરુ પણ પૂર્ણિમા જેવા પૂર્ણ હશે અને આપણે પણ તેમના સત્સંગથી પૂર્ણિમા જેવા તેજસ્વી અને પૂર્ણ બનશું.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
