ગિરિમા ઘારેખાન

ધડામ ધડામ ધડામ –થોડા જ સમયના અંતરે ઉપર ઉપરી બે ભયંકર ધડાકા થયા. એરપોર્ટની આજુબાજુના પહાડો તૂટ્યા કે શું? ક્યાંક ધીમા ધીમા અવાજમાં મૂંઝવણભરી વાતચીત કરતી, ક્યાંક બૂમાબૂમ કરી રહેલી, તો ક્યાંક સ્તબ્ધ ચુપકીદીના વર્તુળમાં બેઠેલી, ઊંચા મન લઈને ઊભેલી, બહાવરી થઈને ફરતી કે ભાગાભાગ કરતી મેદની થોડી પળો તો શું થયું એ સમજી જ ન શકી. સામુહિક હિપ્નોટીઝમ થાય એવી રીતે પેલા અવાજોને લીધે સામૂહિક રીતે મગજ બહેર મારી ગયાં. એરપોર્ટની હવા એક શાંત કોલાહલને શ્વસી રહી.

પછી અચાનક એ હવામાં ભરાયા ધુમાડાના ગોટેગોટા, અવાજમાં આગ અને વેદના ભરેલી ચીસો અને ભૂતાવળ જોઈ હોય એવી રીતે ભાગી રહેલાં પગલાંના અવાજો. સાથે ભળી હતી સ્ત્રીઓ અને બાળકોની હૃદયદ્રાવક ચિચિયારીઓ.

કાબુલના ખ્વાજા રવાશ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર બેઠેલી સ્ટેલાને પણ બાકીના લોકોની જેમ થોડીક પળો તો શું થયું એની ખબર જ ન પડી. એના સાવ સુન્ન બની ગયેલા કાનની અંદર થોડી વાર પછી ‘બોમ્બ! બોમ્બ!’ એવા અવાજો ગયાં અને એમણે આધાતથી બધિર બની ગયેલા એના મગજને ઢંઢોળીને જાગૃત  કર્યું. એ પોતે તો મુખ્ય ગેટથી ખાસી દૂર બેઠી હતી પણ માઈકલ! માઈકલ ક્યાં? એ “હું ડેવિડની તપાસ કરીને આવું” કહીને થોડી વાર પહેલાં જ બાજુમાંથી ઊઠીને ક્યાંક ગયો હતો. એ કઈ તરફ ગયો હશે? આ બોમ્બના અવાજો આવ્યા એ તરફ તો નહીં ગયો હોય ને?

સ્ટેલા સફાળી ઊભી તો થઈ, પણ તરત જ એણે ખુરશીના હાથાનો ટેકો લઈને બેસી જવું પડ્યું. જવું તો જવું ક્યાં? આખા એરપોર્ટ ઉપર ભયંકર દોડધામ હતી. ડરથી સફેદ થઈ ગયેલા ચહેરાવાળા અને ફાટેલી આંખોવાળા લોકો દોડીદોડીને એ બેઠી હતી એ તરફ આવતા હતાં. આ ખદબદતા માનવમહેરામણની  વચ્ચે માઈકલ નામના ટીપાને શોધવું કેવી રીતે? એની ખુરશીની આજુબાજુ જ એટલું મોટું ટોળું હતું અને માણસોના ઉછળતાં મોજાં એકબીજા સાથે એવી રીતે અથડાતાં હતાં કે સ્ટેલાએ પોતાના શરીરને  બને એટલું અંદર ખેચીને ટટાર બેસી જવું પડ્યું હતું. એણે પોતાના પગ પણ ખુરશીની નીચે ખેંચી લેવા પડ્યા હતા. તો પણ એને ઊભા તો થવું જ હતું, માઈકલને શોધવા જવું હતું. એ થોડો પ્રયત્ન કરીને ખુરશીમાંથી થોડી અધ્ધર પણ થઇ. પણ કોઈ દોડતા જતા માણસનો હડદોલો વાગ્યો અને એણે પોતાના ઉપસેલા પેટ ઉપર હાથ મૂકીને પાછા બેસી જવું પડ્યું.

જેમ જેમ સમય પસાર થતો હતો એમ એમ ચીસો અને રાડારાડ વધતી જતી હતી – “ગેટ ઉપર બોમ્બ ફોડવામાં આવ્યા છે, ઘણા બધા માણસો મરી ગયાં લાગે છે,” વગેરે અવાજો ભાલાની અણીની જેમ કાનમાં પેસી જતા હતાં. હવે તો ચીસોમાં આક્રંદ પણ ભળ્યું હતું. એરપોર્ટની અંદર અને બહાર લાખોની મેદની હોય અને એમની વચ્ચે, બરાબર ગેટ ઉપર જ બોમ્બ ફૂટે તો હાજર લોકોની શું દશા થાય? સ્ટેલાના મગજમાં અત્યારે એ જ વિચાર હતાં- માઈકલ ક્યાં હશે? એને અત્યારે જ કેમ બહાર જવાનું સૂઝ્યું? એને કંઈ થઇ ગયું હશે તો!

એ ‘તો—’ની આગળ શું એ સ્ટેલા વિચારી જ શકતી ન હતી. એના મગજમાં અનેક ડરામણા વિચારોના અણું પરમાણું સંયોજિત થઈ રહ્યાં હતાં અને એ સંયોજન છેવટે અવાજમાં પરિવર્તિત થઈને ચીસો રૂપે બહાર આવ્યું-‘મા—ઈ—ક—લ’, ‘માઈ —ક—લ—’. ઘેરથી નીકળી ત્યારથી છાતીમાં ભરાઈ રહેલી  લાચારી, હતાશા, વેદના, આક્રંદ, બધાનો ગુણાકાર થતો હોય એવી રીતે એના ગળામાંથી માઈકલના નામની બૂમો નીકળતી હતી. બાજુમાં બેઠેલી એક બુરખાવાળી સ્ત્રીએ એનો હાથ પકડી ન લીધો હોત તો સ્વરપેટી ફાટી જાય ત્યાં સુધી સ્ટેલા એ બૂમો પડતી રહેત. કોઈનો સહાનુભૂતિભર્યો સ્પર્શ થયો એટલે કીકીઓની પાછળ બંધમાં બંધાઈ ગયેલો દરિયો ગાલના પર્વત ઉપરથી ગગડવા માંડ્યો. એની હૃદયની હચમચાવી નાખતી બૂમો બંધ થઈ એટલે આજુબાજુના બીજા નહોર જેવા શબ્દો કાનમાં પ્રવેશવા ધક્કામુક્કી કરવા માંડ્યા:

“ઘણા બધા લોકો મરી ગયાં લાગે છે.”

“લોહીની તો નદીઓ વહે છે.”

“કહે છે કે ઘાયલ થયેલા લોકોના ઢગલા પડ્યા છે.”

થોડે દૂર ઊભેલો એક માણસ મોટેમોટેથી બોલતો હતો, “સાંભળ્યું છે કે મરનારાઓમાં અફઘાનીઓ વધારે છે પણ થોડા અમેરિકન પણ છે.”

અમેરિકન? સ્ટેલાએ ચારેબાજુ જોવા માંડ્યું. એરપોર્ટ ઉપરની ઝગઝગાટ લાઈટો ખીખિયાટા કરીને એની ઉપર હસતી હોય એવી એને લાગતું હતું – બધાએ કીધું’તું. સમયસર કેમ પોતાને દેશ પાછા ના જતા રહ્યાં? એણે ચહેરો પોતાની બે હથેળીમાં છૂપાવી દીધો અને આખું શરીર હીબકે ચડ્યું. બાજુમાં બેઠેલી બુરખાવાળી સ્ત્રીએ ફરીથી એનો હાથ પકડી લીધો. બીજી બાજુ બેઠેલી એક સાડી પહેરેલી પ્રૌઢ સ્ત્રી એની પીઠ પર હાથ ફેરવવા માંડી. સ્ટેલાના ધ્રૂજતા શરીરમાં દાખલ થવાનો પ્રયત્ન કરી રહેલા સહાનુભૂતિના બે પ્રવાહોના છાંટા આજુબાજુ ઊભેલી વ્યક્તિઓને પણ ભીંજવતા હતા.

ત્યાં જ એના પગ ઉપર પરિચિત આંગળીઓનો સ્પર્શ થયો અને સ્ટેલાએ ચમકીને ઊંચું જોયું. માઈકલ એના ઢીંચણ ઉપર હાથ મુકીને એના પગ પાસે જ નીચે ઉભડક બેસી ગયો હતો.

‘માઈકલ— !’

હવે આંખોની સાથે હૃદય પણ છલકાયું. સ્ટેલા સામે બેઠેલા પતિના ગળામાં હાથ નાખીને એના ગળાને, કપાળને, આંખોને ચૂમતી રહી. અત્યારે એ ક્યાં બેઠી હતી, એની આજુબાજુ કોણ અને કેટલાં લોકો હતાં, કોણ એની સામે જોઈ રહ્યું હતું –એ કશું જ ભાન એને ન હતું. અત્યારે એના વિશ્વમાં માત્ર એ હતી અને સામે બેઠેલો, જીવતો-જાગતો એનો પતિ માઈકલ હતો. આંખમાંથી આંસુ તો વહેવાના બંધ ન હતા થયાં પણ એની ખારાશમાં સાકર ભળી ગઈ હતી.

માઈકલના વાળમાં હાથ ફેરવતી સ્ટેલા બોલતી હતી, ‘આઈ થોટ —, આઈ થોટ—’

‘’આઈ નો ડાર્લિંગ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ યુ ફીલ. બટ ગોડ સેવ્ડ મી, ગોડ સેવ્ડ મી. તને ખબર છે બોબ્મ બ્લાસ્ટ થયાં એ જગ્યાએથી હું થોડેક જ દૂર હતો. ભીડને લીધે આગળ વધાતું જ ન હતું. ડેવિડ હજી અહીં પહોંચ્યો કેમ નહીં એ જોવા હું ગેટ તરફ જતો હતો અને ત્યાં જ—. પણ ઈશ્વરે મને બચાવી લીધો, ફોર યુ એન્ડ ફોર અવર બેબી. બાકી ત્યાં તો –મેં જે જોયું એ —’

બોલતે બોલતે અચાનક માઈકલનું શરીર ધનુષની પણછની જેમ ખેંચાઈ ગયું, તૂટેલી કાચની બંગડીના ટુકડાઓની જેમ કરચલીઓ ચહેરા ઉપર પથરાઈ રહી. પછી એ પૂતળું બની ગયો. આંખો હવામાં તાકી રહી, જાણે અત્યારે એની આંખો સામે રૌરવ નર્કના કમાડ ખૂલી ગયાં હોય.

‘શું થયું ડીયર?’

સ્ટેલાના બે વાર પૂછવા છતાં માઈકલ ધ્યાનાવસ્થાની બહાર ન આવ્યો એટલે સ્ટેલાએ એને હચમચાવ્યો. એણે નજર સ્ટેલા તરફ ફેરવી, એની આંખોમાં તાકી રહ્યો અને થોડીક વાર એની આંખોમાં એક શૂન્યાવકાશ સર્જાયો. બરફની લટકી રહેલી પાતળી શિલાઓની જેમ પાંપણો આંખોની ખીણ ઉપર સ્થિર ગઈ ગઈ. એ પછી દૂર દૂર કંઇક જોતો હોય એવી રીતે એ બોલવા માંડ્યો, ‘મેં એ બધું જોયું સ્ટેલા, મારી આ આંખોથી એ ભયાનક દ્રશ્ય મેં જોયું. મેં એ અગનજ્વાળાઓને ઊઠતી જોઈ, મેં એમાં લોકોને ભૂંજાતા જોયાં. બાળકો તો ઊછળી ઊછળીને બાજુમાં પડતાં હતાં એવો ભયંકર ધડાકો હતો એ.

કેટલાં બધા માણસો! કેટલાં બધાં! પોતાનું બધું જ પાછળ છોડીને ક્યાંક બીજે ભાગી જવા અહીં આવી ગયેલા માણસો, પોતાની જિંદગી સારી રીતે જીવવા માંગતા માણસો જિંદગીથી જ હાથ ધોઈ બેઠાં! બધાં ત્યાં પડ્યાં છે. બાજુમાં એક નાળું છે. કેટલીક લાશો તો એમાં તરી રહી છે. સાક્ષાત નર્ક જેવું દૃશ્ય છે. ઘણાં ઘાયલ માણસો પણ છે. દર્દનાક ચીસો પાડતાં, શરીરની આગ ઓલવવા આમતેમ આળોટતા એ માણસો સામે હું જોઈ જ ન હતો શકતો. ત્યાં—’.

માઈકલ બોલતો હતો અને સ્ટેલા એની આંખોમાં જોઈ રહી હતી. ન બોલાયેલા શબ્દો એ આંખોમાં તરતા હતાં. એણે એ ભૂરી આંખોમાં ભૂખરા ધૂમાડાના ગોટેગોટા અથડાતા જોયા, નારંગી અગન જ્વાળાઓ ઊઠતી જોઈ, સળગતા માણસો જોયાં – કોઈ તરત જ અગ્નિને શરણે ગયેલા કાળા શરીરો, કોઈ મૃત્યુની રાહ જોતાં લાલ શરીરો. એણે એ આંખોમાંથી નીકળતી ચીસો પણ સાંભળી – મરી રહેલા, જીવ બચાવવા આમતેમ ભાગતાં માણસોની ચીસો, પોતાના બાળકોને શોધતાં મા બાપના હૈયામાંથી ઊઠતી ચીસો અને અવાચક થઇ ગયેલાં બાળકોની છાતીમાં રૂંધાઇ ગયેલી ચીસો. સ્ટેલાને લાગ્યું કે એની નાભિમાંથી કંઈક ચિત્કારો ઊઠી રહ્યાં છે.

માઈકલે પોતાનું માથું સ્ટેલાના ઘૂંટણ ઉપર મૂકી દીધું અને રડતો રહ્યો. સાથે સાથે એના આંસુથી તરબતર શબ્દો છૂંદાઈ છૂંદાઈને બહાર આવતાં રહ્યાં, ‘હું સમજું છું કે મારે અત્યારે તને આ બધું ન કહેવું જોઈએ. પણ હું નહીં બોલું તો પાગલ થઇ જઈશ. મને લાગે છે, મને લાગે છે કે, કે કદાચ મેં એ વખતે ડેવિડને પણ જોયો હતો. જેણે જીવનું જોખમ લઈને આપણને ઘેરથી અહીં સુધી પહોંચાડ્યા એને હું કંઈ જ મદદ ના કરી શક્યો. હું કાયર છું સ્ટેલા, એકદમ કાયર.’

સ્ટેલા એને માથે હાથ ફેરવતી રહી. આંસુ તો એના પણ અટકતાં ન હતાં. પણ એ સમજી ગઈ હતી કે માઈકલના હૃદયમાં અત્યારે આઘાતનો જ્વાળામુખી ફાટ્યો હતો. એનો લાવા બહાર નીકળીને વહી જાય એ જ યોગ્ય હતું.

‘તું અહીં આવી શક્યો એ બહુ છે માઈકલ. અત્યારે સમય જ કહોવાઈ ગયો છે ત્યાં કોઈ હવાની દુર્ગંધને કેવી રીતે રોકી શકે? પણ મને તારી જરૂર છે. આપણા બેબીને તારી જરૂર છે. જો, બેબી કેટલું હાલી રહ્યું છે!’

સ્ટેલાએ માઈકલનો હાથ લઈને પોતાના પેટ ઉપર મૂક્યો. થોડી વાર સુધી જાણે વિશ્વ વિસરાઈ ગયું. સમય ત્યાં જ થંભી ગયો. એ સમયે ત્યાં માત્ર એક નવી સૃષ્ટિને દુનિયામાં પ્રવેશવા જોવા માંગતા આશાસ્પદ માતા-પિતા હતાં અને આ જગતને પોતાની આંખોથી જોવા માંગતું એક થનગનતું નાનકડું બાળ હતું.

અચાનક સ્ટેલાને લાગ્યું કે એનું બાળક કૈંક વધારે પડતું થનગની રહ્યું હતું. પેટની નીચે આટલું બધું હલનચલન! અંદર મિક્સરની જેમ કશુંક ગોળ ગોળ ફરી રહ્યું હતું. આ આઠ મહિનામાં આવું તો ક્યારેય થયું ન હતું. એ આંખો બંધ કરીને બેસી રહી. ઊંડા ઊંડા શ્વાસ લેતી રહી.

એના પેટ ઉપર હાથ મૂકીને બેઠેલા માઈકલના હૃદયનું દર્દ જાણે એના હાથમાંથી વહીને ધીરે ધીરે એની નાભિમાં પહોંચતું હતું. પછી તો પેટમાં શૂળ ભોંકાતી હોય એવી પીડા ઊઠી. એ પીડા એની પીઠમાંથી પસાર થઈને આખા શરીરમાં ફેલાતી હોય એવું લાગ્યું. આખા અફઘાનિસ્તાનના પહાડો એને ભીંસતા હોય એવી અનુભૂતિ થવા માંડી. એનું શરીર ધ્રૂજવા માંડ્યું.

‘માઈક —લ!’ સ્ટેલાથી ચીસ પડાઈ ગઈ.

‘શું થયું ડાર્લિંગ?’

‘માઈકલ, અવર બેબી—’

સ્ટેલાએ વધારે બોલવાની જરૂર ન હતી. જે થઇ રહ્યું હતું એ એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતું હતું. એ સુંદર ચહેરા ઉપર અત્યારે વેદનાના થર પથરાઈ ગયા હતા. માઈકલ ઊભો થઇ ગયો. હવે શું કરવું? ક્યાં જવું? જયારે દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવામાં પડી હોય ત્યારે કોણ એમની મદદ કરે? એરપોર્ટ મેનેજર? એ ક્યાં હશે?

માઈકલની સાથે પેલી બુરખાવાળી અને સાડી પહેરેલી સ્ત્રીઓ પણ ઊભી થઈ ગઈ હતી. બુરખાવાળી સ્ત્રીએ માઈકલને આંગળીઓથી પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો અને બે હાથ પહોળા કરીને ‘વાબા ખાઈ’, ‘વાબા ખાઈ’[excuse  me] બોલતી બોલતી, સ્ટેલા માટે રસ્તો કરતી આગળ ચાલવા માંડી. એની પશ્તો ભાષામાં એ શું બોલતી હતી એ તો આ લોકોને સમજાતું ન હતું પણ એને સાંભળીને  લોકો બાજુમાં જરૂર ખસી જતા હતા. જરૂર પડે ત્યારે થોડા ધક્કા મારીને પણ પેલી સ્ત્રી રસ્તો કરી લેતી હતી. એની પાછળ સાડી પહેરેલી સ્ત્રી સ્ટેલાનો હાથ પકડીને ચાલતી હતી અને માઈકલ ‘ઈઝ ધેર એ ડૉક્ટર હિઅર?’ એવી બૂમો પાડતો પાડતો રઘવાયો થઈને વંટોળની સાથે ખેંચાતા તણખલાની જેમ એમની પાછળ પાછળ જતો હતો.

પેલી સ્ત્રી એમને એરપોર્ટ મેનેજરની કેબીન સુધી લઇ ગઈ. સ્ટેલાની હાલત જોઇને એને ખાસ કશું સમજાવવું પડે એમ ન હતું. એટલે જ એ પ્રૌઢ મેનેજરના કપાળ ઉપર છેલ્લા બે દિવસથી સ્થાઈ થઇ ગયેલી ચિંતાની રેખાઓ ક્ષણભર તો આખા ચહેરા ઉપર પથરાઈ ગઈ. પણ કટોકટીનો ઉકેલ લાવવાના વર્ષોના અનુભવે તરત સાથ આપ્યો. એમણે એમની મોટી કેબિનની અંદરની જગ્યા તરફ ઈશારો કર્યો જ્યાં એક સોફા કમ બેડ રાખેલો હતો. સામે ઈલેકટ્રીક કીટલી પણ હતી જેમાં છેલ્લા બે દિવસથી એની જીવાદોરી બનેલી ચા માટેનું પાણી ઉકળી રહ્યું હતું.

પેલી સ્ત્રીઓ સ્ટેલાને એ બેડ તરફ લઇ ગઈ. મેનેજરે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને ત્યાંથી તરત જ કોઈ ડૉક્ટર ત્યાં હોય તો એને કેબિનમાં પહોંચી જવા માટે માઈક ઉપર જાહેરાત કરવામાં આવી. ગણત્રીની મિનિટોમાં હમેશા એમની સાથે જ રહેતી બેગ સાથે બે ડૉક્ટર કેબિનમાં હાજર હતા. એમની સાથે માઈકલ અને પેલી ભારતીય લાગતી સ્ત્રી કામે વળગ્યાં. બુરખાવાળી બહાર ગઈ અને થોડી જ વારમાં ક્યાંકથી ઉઘરાવીને બે ચાર ટુવાલ અને નાના બાળકના બે જોડ કપડાં લઈને આવી ગઈ.

ડૉક્ટર હતા, મદદનીશ હતી, કીટલીમાં ગરમ થતું પાણી હતું અને દરેક વ્યક્તિએ બોલાવી લીધેલા ભગવાન, અલ્લા અને જીસસ પણ હાજર હતાં. પંદર વીસ મિનિટ પછી મેનેજરે અંદરથી થોડી દબાયેલી ચીસોની વચ્ચેથી જગ્યા કરીને આવેલી, ‘ઉંવા ઉંવા’ના અવાજ સાથે એક નવા જીવનના શ્વાસ લેવાની મધુર સુરાવલી સાંભળી અને આટલા ટેન્શનમાં પણ એમના ચહેરા ઉપર સ્મિતની એક લહર ફરકી ગઈ.

થાકને લીધે અડધી બેહોશ જેવી સ્ટેલાએ પણ એ રુદનનો અવાજ સાંભળ્યો. એના ચહેરા ઉપર   સ્મિતની સાથે નિરાંતના ભાવ આવી ગયા. પણ એ સ્મિત લાંબુ ન ટક્યું. એણે એની રડતી બાળકી તરફ નજર નાખી અને અચાનક જ આંખોમાં ભરાઈ ગયેલા કેટલાંક અણગમતા દૃશ્યોના ઓરડા ખૂલી ગયાં.  બાળકીનો “ઊંવા ઊંવા” અવાજ એને ‘વ્હાય વ્હાય’ જેવો સંભળાવા માંડ્યો. શું આ નવજાત એને એમ પૂછતી હતી કે “મા, જ્યાં ચારેબાજુ દાવાનળ સળગી રહ્યો છે એવા વિશ્વમાં તું કેમ મને લઈ આવી?” આ સળગતી આગમાં એક ઝાકળબિંદુનું રક્ષણ કેવી રીતે થશે? એના ઘેરથી એરપોર્ટ પહોંચતા સુધી રસ્તામાં જોયેલા, હાથમાં બંદૂકો લઈને જ્યાં ત્યાં ગોળીબાર કરતા માણસો સ્ટેલાની નજર સામે તરી રહ્યાં. લોહીના રંગે લાલ થઈ ગયેલા રસ્તા એની કીકીઓમાં ભરાઈ ગયા હતા. એમના તરફ રોકેટ લોન્ચર્સ તાકીને “બર્રો- બર્રો”[ જતા રહો] કહેતા ઘૃણા વરસાવતા અવાજો હજી કાનમાં પડઘાતા હતા. આ બાળકીને આ કાંટાળા વિશ્વમાં લાવીને પોતે એની ગુનેગાર તો ન હતી બની ને?

સ્ટેલાએ પોતાની બાળકી તરફ નજર કરી. એણે જોયું કે એને સાફ કરીને પેલી બુરખાવાળી સ્ત્રી એને કપડાં પહેરાવી રહી હતી. સાથે સાથે એ બોલતી હતી- “ઝા તો સારા મીના કવામ.” આટલો સમય આ દેશમાં રહ્યા પછી એ હવે દુનિયામાં સહુથી વધુ બોલાતા આ શબ્દોનો અર્થ સમજતી હતી –“I Love You”. પેલી ઇન્ડિયન સ્ત્રી સ્ટેલાને જોઈતી મદદ કરીને હવે એના માથે હાથ ફેરવતી બેઠી હતી. બંને  સ્ત્રીઓ, બાજુમાં ઊભા રહેલા ડૉક્ટર અને દૂરથી એને જોઈ રહેલા પેલા મેનેજરની આંખોમાંથી નીતરતા  સ્નેહની ધારાઓથી સ્ટેલાને પજવી રહેલાં બીજા બધાં દૃશ્યો ધોવાઈ ગયાં.

‘આ બાળકી ઈશ્વરના માનવજાત ઉપરના વિશ્વાસ અને પ્રેમનો સંદેશો લઈને તો આવી છે!’  સ્ટેલાએ વિચાર્યું અને સંતોષથી આંખો બંધ કરી. કોઈ એના કાનમાં કહેતું હતું, ‘God is in His heaven. All is right with the world.

બાળકીએ પણ હવે એનું રુદન સંકેલી લીધું હતું. એને કદાચ એના “વ્હાય” નો જવાબ મળી ગયો હતો.


ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ
સુરધારા –સતાધાર રોડ, થલતેજ
અમદાવાદ-૩૮૦૦૫૪

ફોન-૮૯૮૦૨૦૫૯૦૯