પુસ્તક પરિચય

પરિચયકર્તા : અશોક વૈષ્ણવ

‘સાર્થક જલસો’ સામયિકના મે ૨૦૨૩માં પ્રકાશિત થયેલા તેના ૧૮મા અંક સાથે વ્યાખ્યાયિત નહીં એવી અલગ કેડી ચા તરતી સામગ્રી રજૂ કરવાની સફરનાં દસ વર્ષ પુરાં કરે છે.

૧૮મા અંકનાં  કૂલ ૧૫૮ પાનાંઓમાં ૧૪ લેખો સમાવાયા છે.

0                                           0                                           0

વાંચન એ એક નબળાઇ બની રહે એટલી હદે મારો પોતાનો શોખ છે એટલે ‘વાંચન’ વિશેના કેંદ્રવર્તી વિષય પરના ત્રણ લેખો ‘જલસો ૧૮’માં છેક છેલ્લે મુકાયા હોવા છતાં મેં તે સૌ પહેલાં વાંચવા લીધા હતા.

આસક્તિથી અનાસક્તિ સુધી, વાચનથી લેખન સુધી‘ રાજ ગોસ્વામીની પોતાના જીવનના ‘અર્થ’ની ખોજની ગાથા છે. દસેક વર્ષની ઉમરે પુસ્તકો સાથે થયેલી ‘દોસ્તી’એ  ‘હું કશું જ નહોતો’  અને ‘કશુંક બનવું છે’ એ બે વચ્ચેના અંતિમો વચ્ચે તેમનાં જીવનને વહેતું રાખ્યું છે.

વ્યવસાય માટે, ખાસ નિમિત્ત માટે અને માત્ર આનંદ મેળવવા માટેના ત્રણ એવા હેતુઓથી સર્જાયેલી સંજય સ્વાતિ ભાવેની મારી વાચનસફર‘, પુસ્તકોને માનવી અને કુદરત પછીના અગ્રતા ક્રમે ‘પુસ્તક’ને મુકે છે. વાર્તાઓ, લોકસાહિત્ય, વૃક્ષો – પ્રાણીઓના પરિચય, વ્યંગ્યચિત્રો,  ચિત્રકળા, પદ્ય, આત્મકથનો જેવા અનેકવિધ વિષયોનાં તેમને આવડતી ચાર ભાષાઓનાં પુસ્તકો તેમને વ્યક્તિ અને સમાજના પરિવર્તનને સમજવાનાં માધ્યમ તરીકેની ભૂમિકા ભજવે છે. સંજયભાઈ પાસેના અંગત ગ્રંથ સંગ્રહમાંનાં ‘બુક્સ અબાઉટ બુક્સ’ પ્રકારનાં, પુસ્તક અને વાચનને લગતી કેટલીય બાબતો પર પ્રકાશ પાથરતાં, પુસ્તકોનો પ્રકાર ખાસ ધ્યાન ખેંચે છે. આ વર્ગનાં પુસ્તકો કોઇ પણ વાચકની  વાચનની ક્ષિતિજ વિસ્તારીને તેની કલ્પનાશક્તિની સીમાને પણ વિસ્તારવામાં મહત્ત્વનાં બની રહી શકે છે.

છાયા ઉપાધ્યાય માટે ‘વાંચવું એટલે‘ ખાવા, પીવા, ઊંઘવા જેવી જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. બાળપણમાં પાઠ્યપુસ્તકો વાંચતી વખતે કોઈ કોઈ  શબ્દ એમને ‘દેશી સંચામાં બનાવેલી માવા કુલ્ફી’ જેવા સડસડાટ ઉતરી જતા.  તેને કારણે તેમનામાં વાંચનના શોખનું બીજ વવાયું. પછીથી લગભગ દરેકની સાથે થાય છે તેમ સ્થળ અને કાળના સંદર્ભોને કારણે ફિલ્મી સામયિક ‘જી’થી માંડીને ભજનાવલીઓ પણ વંચાયાં, અને આજે હવે ઓડીઓ બુક્સ પણ ‘વંચાય’ છે. જોકે એમની ‘સિસ્ટમ’ની એક સારી વાત એવી છે કે જે વંચાય તે જો સમજાય તો યાદ રહી જાય અને  જો ન સમજાય તો,  ‘આ વાત નથી સમજાઈ’ એવું યાદ રહી જાય. એટલે વાચન એમને માટે બારી પણ છે અને બારણું પણ. પરિણામે વાચન તેમના માટે ‘પોતાને કેન્દ્રમાં મૂકીને પરિઘ વિસ્તારતું પરિકર અને કેન્દ્ર તોડી આપાતું પાર્ટિકલ એક્સેલરેટર પણ છે.

0                                           0                                           0

‘સમકાલીન’ જ્યારે તેની ટોચ પર હતું ત્યારે સાંપ્રત વિષયો પરનાં અન્ય વાંચન મારા અગ્રતાક્રમે હોવાને કારણે એ સમયે ‘સમકાલીન’ વાંચવાનું થયું નહોતું, પરંતું ‘સમકાલીન’નું એ સમયે ખાસું સન્માનજનક નામ હતું એ જાણ છે. એટલે હવે પછીના ક્રમે, બીજા ત્રણ લેખ ‘સમકાલીન’ ને કેંદ્રમાં રાખતાં વિષયવસ્તુના પસંદ કર્યા.

રમેશ ઓઝા ‘સમકાલીન‘…. ને એ ગાંધી ભાઈ‘માં ‘સમકાલીન’ ના શરૂઆતના વર્ષોમાં તે સમયનાં મુંબઈનાં ગુજરાતી અખબારોની પરિસ્થિતિના સંદર્ભમાં  ‘સમકાલીન’નાં એક ચોક્કસ સ્વરૂપનાં ઘડતરની વાત યાદ બહુ ભાવથી કરે છે. હસમુખ ‘ગાંધીભાઈ’નાં તંત્રી તરીકેનાં સબળાં અને નબળાં પાસાંઓની છણાવટ કરતી વખતે રમેશભાઈ પણ થોડા ભાવવશ થયેલ જણાય પણ  તેમની છણાવટ મહદઅંશે હેતૂલક્ષી રહી છે.

‘સમકાલીન’નું એ સમયના પત્રકારત્વ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે શું મહત્વ હોઈ શકે તે દીપક સોલિયાના ‘સમકાલીનમાં પા પા પગલી‘ વાંચતાં આપણી સમક્ષ રજુ થાય છે. દવાનું માર્કેટીંગ કરતો, બાયોકેમિસ્ટ્રીના વિષયમાં શિક્ષક – સંશોધક બનવા માગતો, એક નવયુવક ‘સમકાલીન’નાં વાંચક હોવાનાં આકર્ષણને કારણે, ત્યારે મળતો હતો તેના કરતાં અડધા પગારે પત્રકારત્વ તરફ વળી ગયો, તે પછીના તેમના ‘સમકાલીન’ની અંદર રહીને થયેલા અનુભવો વિશેનાં તેમનાં સંસ્મરણો આપણને પણ વાંચવા ગમે છે.

નીલેશ રૂપાપરાના ‘ગાંધીભાઇ, મિત્રો અને ભાષાઘડતરની સ્મૃયિઓનો સાજઅસબાબ‘ લેખનાં શીર્ષકને જ અનુરૂપ તેમના ‘સમકાલીન’નાં વર્ષોના અનુભવોનો ચિતાર છે.

0                                           0                                           0

હવે મારૂં ધ્યાન અશોક મેઘાણીના ‘અનુવાદની કેડી પર‘ તરફ કેન્દ્રિત થાય છે. મારા જેવાં મોટા ભાગનાં લોકોને ક્દાચ એટલી જ જાણ હશે કે કામકાજે ઇજનેર એવા અશોક મેઘાણીએ તેમના પિતા ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તક ‘વેવિશાળ’નો ‘ધ પ્રોમિસ્ડ હેન્ડ / The Promised Hand ‘એ શીર્ષક હેઠળ અનુવાદ કર્યો છે. ઝવેરચંદ મેઘાણીએ અંગ્રેજ કે બંગાળી સાહિત્ય પરથી જે રચનાઓ કરી છે તે જો તેમણે જણાવ્યું ન હોત તો તેમની સોરઠની લોકકથાઓ જેટલી તેમની પોતાની કૃતિઓ લાગે તેવું અદ્ભૂત એ રચનાઓનું પોત રહ્યું છે. જેનું મૂળ કથાનક આવું આગવી ગુજરાતી શૈલીમાં લખાયું હશે તેવી રતિભાર પણ કલ્પના ન આવે એવું મૌલિક અગ્રેજી સ્વરૂપ ‘વેવિશાળ’ના અશોકભાઈ દ્વારા અકરાયેલા અનુવાદનું રહ્યું છે તે બાત નિર્વિવાદપણે સ્વીકારાઈ છે. અનુવાદને લગતી તેમણે જણાવેલ નાની નાની પણ મહ્ત્વની વાતો અહીં ઉતારવાનો અવકાશ નથી, પણ એટલું  કહીશ કે અનુવાદની સફરની અશોકભાઈની સ્વાનુભવની વાતો કોઈ પણ અનુવાદકને માટે ગીતા જેવો સંદર્ભ સ્રોત બની શકવો જોઇએ એ અપેક્ષા આ લેખ વાંચતાં જ પુરેપુરી સંતોષાય છે.

0                                  0                                  0

‘જલસો ૧૮’માંના ૧૪ લેખોમાંથી બાકી રહેતા ૭ લેખો વિવિધ વિષયો સાથે સંકળાયેલાં સંસ્મરણોની વાત છે. અહીં હવે એ લેખો જે ક્રમમાં ‘જલસો ૧૮’માં રજુ કરાયા છે તે જ ક્રમમાં લઈશું.

ફિલ્મ સંશોધન, સાહિત્ય કળા મુદ્રણ અને પુરાતત્તવ વિદ્યામાં બહુ જ વિરલ યોગદાન કરનાર ‘વીરચંદ ધરમશીને સાર્થકઅંજલિ‘ આપતાં ઉર્વિશ કોઠારી વીરચંદભાઈ સાથેની તેમની યાદો દ્વારા તેમનાં જીવન કાર્યનો પરિચય કરાવે છે.

બીરેન કોઠારી અને ઉર્વિશ કોઠારીએ ૧૯૯૭માં આઝાદ હિંદ ફોજની ઝાંસી રેજિમેંટનાં કેપ્ટન લક્ષ્મી (સહગલ) સાથે થયેલી મુલાકાત તાદૃશપણે ‘જયહિંદ, કેપ્ટન લક્ષ્મી’માં રજુ કરી છે. સ્વાભાવિક છે કે કેપ્ટન લક્ષ્મીનાં સ્વાતંત્ર્ય સંગ્રામના એક અનોખાં પ્રકરણની સુભાષચંદ્ર સાથે બોઝની યાદો, આઝાદ હિંદ ફોજના અનુભવો અને તે સમયનાં વાતાવરણ વિષેનાં મંતવ્યો આપણને પણ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસને યાદ કરવાનો અવસર પુરો પાડે છે. જેમકે, રવીંદ્રનાથ ઠાકુરનાં બંગાળીમિશ્રિત સંસ્કૃતમાં લખાયેલ ‘જન ગણ મન અધિનાયક’ નો ‘ભારત ભાગ્ય હૈ જાગા’ [1] જેવો શુધ્ધ હિંદીમાં અનુવાદ કરાયો હતો એ વાત બહુ ઓછાં લોકોને જાણ હશે. [લેખમાં મુકાયેલા QR કૉડ વડે આ ગીત કેપ્ટન લક્ષ્મીના પોતાના સ્વરમાં પણ સાંભળી શકાય છે.] ‘આઝાદ’ ભારતમાં કેપ્ટન લક્ષ્મીનાં તેમ જ તેમનાં એ સમયનાં અન્ય સાથીઓનાં જીવનની વાતો સ્વાતંત્ર્ય ભારતમાં જન્મેલાં આપણાં જેવાં નાગરિકોને માટે એક નવો દૃષ્ટિકોણ આપી જાય છે.

કચ્છનાં નાનાં રણમાં રજવાડાંના જમાનાથી મીઠું પકવાતું. મીઠાનો વેપાર અંગ્રેજો માટે પણ અઢળક કમાણીનો સ્રોત હતો એટલે એ સમયના અંગ્રેજ શાસકોએ લગભગ દોઢસો વર્ષ પહેલાં મીઠું પકવવામાં પગ પેસારો કર્યો. એ વેપાર પર બરાબર નજર રાખવા અંગ્રેજોએ સોએક વર્ષ પહેલાં નાનાં રણના કાંઠે ખારાઘોડા વસાવ્યું. એ સમયનાં ખારાઘોડા અને અગરિયાઓનાં જીવનની બહુ સંવેદનશીલ યાદોને અંબુ પટેલે ‘સર્વે નંબર ઝીરોનાં સ્મૃતિચિત્રો‘માં રજૂ કરી છે.

ગુજરાતી નાટકજગતનાં કેટલાંક સંભારણાં’માં કિશોર પટેલ આજથી પચાસેક વર્ષ પહેલાંની રંગભૂમિની રંગમંચની પાછળની યાદો મમળાવે છે. રંગભૂમિની કેટલીય જાણીતી, અને નાટ્યજગત સાથે ન સંકળાયેલ લોકો માટે કદાચ ઓછી જાણીતી, હસ્તીઓની રંગમંચ પાછળની જીંદગીની નાની વાતો આપણાં માટે તો રંગમંચ પર ભજવાતાં નાટક જેટલી જ જકડી રાખનારી નીવડે છે.

પીજી તરીકે રહેતા વિદ્યાર્થીઓએ અને ‘બેચલરો’માટે  શહેરોમાં ટિફિનની વ્યવસ્થા આજે તો બે વખતનું ભોજન ઘરે પહોંચાડતી અન્નપૂર્ણા બની રહી છે. એ પહેલાં ‘હોટલ’ કે ‘લોજ’ ભોજન સાંકળની મહત્વની કડી હતાં. વલ્લભ વિદ્યાનગર જેવાં પૂર્ણત: કોલેજોનાં જ નગરમાં આ સ્થાન ‘ક્લબો’નું હતું. એ ક્લબોનાં જમણ ઉપરાંત તેમની આગવી સંસ્કૃતિ હતી. ‘વલ્લભ વિદ્યાનગરની ક્લબો’નો ‘વિસરાતા વિશુદ્ધ ગુજરાતી સ્વાદનો જલસો’માં કિરણ જોશી આજથી ત્રીસેક વર્ષ પહેલાંના એ ભોજનના સ્વાદને યાદ કરીને એ સંસ્કૃતિનું ચિત્રણ  કરે છે.

વિદ્યાર્થી તરીકે જાપાનમાં ત્રણ મહિના’ એ માર્ગી પરીખના નવેમ્બર ૧૯૮૭ થી ફેબ્રુઆરીએ ૧૯૮૮ દરમ્યાન ભારત-જાપાન વિદ્યાર્થીવિનિમય અંતર્ગત થયેલા અનુભવોની યાદો છે. તેઓ નિખાલસપણે કહે છે કે ‘આજે સાડા ત્રણ દાયકા પછી માત્ર પ્રસંગો અને અનુભવો જ યાદ છે.’ તેમા છતાં તેમણે જાપાનની સંસ્કૃતિ અને શહેરી જીવનની જે અનુભૂતિઓ તે સમયની યાદોમાં અંકિત કરી  છે તે આપણને આજે પણ એ સમયનાં જાપાનમાં લઈ જાય છે.

જે પેઢીએ ગુજરાતનાં ‘જનતા સરકાર’ના સમયને જોયો છે તેમને નવલભાઈ શાહ સાવ અજાણ્યું નામ નહીં લાગે. હસમુખ પટેલે ‘નવલભાઈ શાહનું સેવાજીવન એટલે ગામડું, ગરીબ અને ગાય’માં નવલભાઈ શાહનાં જાહેર જીવનનું જે યથાર્થ  વર્ણન કર્યું છે તેમાંથી  નીપજતું નવલભાઈનું જાહેર વ્યક્તિત્વ આજે તો પુરાણ કથા જેવું જ લાગશે. સમયની સાથે રાજકારણનાં  બદલાતાં જતાં ધોરણો ગયાં, અને તે ઉપરાંત હસમુખભાઈ અફસોસ કરે છે તેમ એ સમયના આવા શુદ્ધ ચારિત્ર્યના રચનાત્મક આગેવાનો પોતાનું જીવન કાર્ય  એ જ ભાવ અને મૂલ્યોથી ચાલતું રહે તેવા વારસદારો-સાથીઓ શોધવામાં નિષ્ફળ રહ્યા એ પણ આજનાં કથળી ગયેલાં જાહેર જીવન માટેનું એક મહત્ત્વનાં કારણ હશે. નવલભાઈ તો જોકે સારા લેખક પણ હતા. પણ તેમનાં લખાયેલામ સાહિત્યને તેમની જ જેમ પારખનારા ઝવેરીઓ ન મળ્યા એટલે એ સાહિત્યની સાથે નવલભાઈએ પચીસેક વર્ષ પહેલાં ‘અમૃત પ્રવેશે’ શીર્ષક હેઠળ પોતાની જીવનકથા લખી છે તે પણ રોળાઈ ટોળાઈ ગઈ છે. જો એમ ના થયું હોત તો કમસે કમ તેમનાં જીવન કાર્યની અંજાઈ જવાય એવી વિગતો આજે ક્યાંક તો દસ્તાવેજ થઈને પડી હોત !.

0                                           0                                           0

‘સાર્થક- જલસો’ના આ પહેલાંના સત્તરે સત્તર અંકોની જેમ આ ૧૮મો અંક પણ વાંચન તરીકે રસપ્રદ બની રહેવાની સાથે સાથે માહિતી સ્રોત તરીકે પણ મહત્ત્વનો બની રહે છે.

/\/\/\/\/\/\

સાર્થક જલસો૧૮પ્રાપ્તિ સ્રોત:

  • મુખ્ય વિક્રેતા : બુક શેલ્ફ (વૉટ્સએપ્પ: +91 9099000362 | gujaratibookshelf.com

અથવા

પૃષ્ઠસંખ્યા: ૧૫૮, કિમત;રૂ. ૧૦૦/-

 

[1]