વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

પ્રાચીન શાસ્ત્રોનો અભ્યાસ, વિવિધ વિષયોના લેખો

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૫૨

ચિરાગ પટેલ

उ. २१.१.८ (१८५६) इन्द्र आसां नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुर एतु सोमः । देवसेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतो यन्त्वग्रम् ॥ (अप्रतिरथ ऐन्द्र)

અમારી સેનાના નેતા ઇન્દ્ર હોય, બૃહસ્પતિ આગળ ચાલે, દક્ષિણા-યજ્ઞ સંચાલક સોમ પણ આગળ જાય, શત્રુનાશક મરુદ્ વિજયી દેવસેનાની આગળ હોય.

આ સામ છેલ્લા ૨૧મા સૂક્તનો છે, જેમાં યુદ્ધને લાગતા મંત્રો છે. આ સામ દ્વારા ઋષિ યુદ્ધમાં વિવિધ દેવો દ્વારા રક્ષા મેળવવાની ઈચ્છા ધરાવે છે. આમ તો અહિ સર્વે દેવો છે પણ જ્યોતિષ રૂપકની રીતે જોઈએ તો ઇન્દ્ર એટલે સૂર્ય જે દેવોના નેતા છે, બૃહસ્પતિ એટલે ગુરુ ગ્રહ, સોમ એટલે ચંદ્ર અને મરુદ્ અર્થાત વાદળો એટલે રુદ્રના પુત્ર કાર્તિકેય અને તેમની સાથે સંકળાયેલું નક્ષત્ર એટલે કૃતિકા. આમ, જ્યારે કૃતિકા નક્ષત્રમાં સૂર્ય, ગુરુ અને ચંદ્ર હોય એ સમય યુદ્ધ માટેનો નિર્ધારિત થયેલો આ સામ પ્રમાણે જણાય છે.

 

उ. २१.१.१५ (१८६३) अवसृष्टा परा पत शरव्ये ब्रह्मसँशिते । गच्छामित्रान्प्र पद्यस्व मामीषां कं च नोच्छिषः ॥ (पायु भारद्वाज)

હે વેદમંત્રોથી પ્રેરિત બાણ! છોડ્યા પછી દૂર રહેલાં શત્રુ પર પડ. એ શત્રુઓમાં કોઈ શેષ ના રહે.

આ સામ પરથી જણાય છે કે, યુદ્ધમાં શત્રુ પર છોડવામાં આવતાં બાણને વેદમંત્રોથી ઊર્જાવાન કરવાની ભાવના વ્યાપક હશે. આધ્યાત્મિક અર્થમાં વેદ મંત્રોમાં રહેલી ઊર્જા કે શક્તિની અસરથી સાધક પોતાની નકરાત્મક લાગણીઓરૂપી શત્રુઓનો નાશ કરી આત્મ પ્રાપ્તિનું યુદ્ધ જીતવા માંગે છે, એમ કહી શકાય.

 

उ. २१.१.२६ (१८७४) भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥ (गोतम राहूगण)

હે દેવો! કાનો વડે અમે મંગળ વચનોનું શ્રવણ કરીએ. નેત્રોથી કલ્યાણકારી દ્રશ્યો જોઈએ. હાથ-પગ વગેરે પુષ્ટ અંગોથી આપની સ્તુતિ કરીએ. દેવો દ્વારા નિર્ધારિત આયુષ્ય મેળવી એનો સારી રીતે ઉપયોગ કરીએ.

વેદોના મુખ્ય અને અતિ વિખ્યાત મંત્રોમાંનો આ એક મંત્ર છે. આ સામમાં ઋષિ પોતાના વિવિધ અંગો દ્વારા શુભ કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરે છે. એ ભાવનાથી સાધક ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી શકે અને એ જીવનમાં વિવિધ હકારાત્મક કાર્યો કરી શકે એમ ઋષિ ઈચ્છે છે.

 

उ. २१.१.२७ (१८७५) स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥ (गोतम राहूगण)

અતિ યશસ્વી ઇન્દ્ર અમારું કલ્યાણ કરો. સર્વજ્ઞાતા પૂષા અમારું કલ્યાણ કરો. અહિંસક આયુધવાળા ગરુડ અમારું કલ્યાણ કરો. જ્ઞાનના અધીશ્વર બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો.

 

યજ્ઞ કાર્યો અને માંગલિક પ્રસંગોમાં આ મંત્ર આવશ્યક એવો અત્યંત પ્રખ્યાત છે. સામવેદ સંહિતાનો આ અંતિમ સામ છે. આ સામમાં ઋષિ ઇન્દ્ર, પૂષા, ગરુડ અને બૃહસ્પતિ પાસે કલ્યાણની યાચના કરે છે. અહિ ગરુડ માટે અરિષ્ટનેમિ શબ્દ છે. અરિષ્ટનેમિ એટલે સર્વેને બાંધતું કે આધાર આપતું ચક્ર, એમ પણ કહી શકાય. એ અર્થમાં અરિષ્ટનેમિ એટલે વિષ્ણુ. પૂષા અર્થાત પોષણ કર્તા એટલે કે સૂર્ય એવો અર્થ પણ કરી શકાય.

ઇન્દ્ર યશસ્વી છે, સૂર્ય સર્વેના જ્ઞાતા છે, વિષ્ણુ અહિંસક શક્તિ ધારક છે, બૃહસ્પતિ જ્ઞાનના મૂળ છે.

અસ્તુ!

 

——————————————————–

આ સાથે સામવેદના આધુનિક દર્શનની શ્રેણીનો અંત થાય છે. સપ્ટેમ્બર ૨૦૧૭થી આરંભ કર્યા પછી મારા અનેક વિચારોમાં પરિવર્તન આવ્યું છે. વેદોને સમજવાની એક નવી દૃષ્ટિ મળી છે. આ દર્શન પૂરું થયેલું તો ના કહેવાય. જ્યારે પણ વેદોનું પઠન અને મનન કરીએ ત્યારે એમાં કોઈ નવાં જ અર્થ ઉઘડીને સામે આવે છે.

સામવેદને મારી દૃષ્ટિએ મૂલવવામાં અનેક ક્ષતિઓ રહી છે અને ઉત્તરોત્તર સુધારાને અવકાશ છે જ. પણ, એટલું ચોક્કસ કહીશ કે અનેક રીતે આ દર્શન મૌલિક છે અને વાચકોને એક નવો વિચાર માર્ગ સૂચવનાર તો ચોક્કસ છે. અનેક ઋષિઓની સાધનાના આશિર્વાદ અને કૃપાથી જ આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે એમ હું ચોક્કસ માનું છું.

પુનઃ મળીશું અન્ય શાસ્ત્રીય ગ્રંથોના આ પ્રકારના આધુનિક દર્શન સાથે.


શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

Leave a comment