પ્રશિષ્ટ નાટ્યકૃતિ

‘રાઈનો પર્વત’ શબ્દપ્રયોગ રૂઢ અર્થમાં નાની વાતને મોટું સ્વરૂપ અપાતું  હોય – રજનો  ગજ થતો હોય – ત્યારે વપરાતો હોય છે.

જોકે રાઈનો પર્વત એ રમણભાઈ નીલકંઠ દ્વારા લિખીત, ૧૯૧૪માં પ્રગટ થયેલ, ગુજરાતી નાટક છે. આ નાટકની ગણના ગુજરાતી ભાષાના પ્રશિષ્ટ નાટકોમાં થાય છે. આ નાટકમાં રાઈ કિસલવાડીમાંના માળીના પાત્રનું નામ છે. ‘રાઈ’ તર્રીકે રજૂ થતો માળી ખરેખર તો મૂળ રાજા રત્નદીપદેવની રાણી અમૃતદેવીનો પુત્ર છે. ર્તનદીપદેવની હત્યા કરીને હાલના આરાજા પ્રવતરાયે ગાડી પચાવી પાડેલી. આમ નાટકના સંદર્ભમાં ‘રાઈનો પર્વત’  માળી ‘રાઈ’નાં ‘પર્વત’માં રૂપાતરની કથા છે.

મણિલાલ દ્વિવેદીનું નાટક કાન્તા વાંચ્યા પછી એનાથી પ્રભાવિત થયેલા રમણભાઈએ એક નાટક લખવાનો નિર્ણય કર્યો હતો. ૧૮૯૫માં એમણે રાઈનો પર્વત નાટક લખવાની શરૂઆત કરી, પણ પહેલો પ્રવેશ લખ્યા પછી તેઓ એ નાટક આગળ લખી શક્યા નહી. ૧૯૦૯ ના મે મહિનામાં એમણે આ નાટક પુરું કરવાનો નિર્ણય કરી ફરી લખવાનો આરંભ કર્યો, પરંતુ એમની બીજી બધી પ્રવૃત્તિઓને લીધે આ નાટક અધૂરું જ રહેતું હતું. અંતે, ચાર વર્ષ પછી ૧૯૧૩ના અંત ભાગમાં આ નાટક એમણે પુરું કર્યું અને ૧૯૧૪માં પુસ્તક રૂપે પ્રકાશિત કર્યુ.

સાત અંક અને ૩૬ પ્રવેશમાં વહેંચાયેલું આ નાટક શૅક્સપિયરી નાટ્યશૈલી અને સંસ્કૃત નાટ્યશૈલીનું મીશ્રણ કરી તૈયાર કરવામાં આવ્યું છે. નાટકનું કથાવસ્તુ પ્રાચીન કથા પરથી લેવામાં આવ્યું છે, પરંતુ રમણલાલે એમાં અર્વાચિન ભાવોને પૂરવાનો પ્રયત્ન કર્યો છે. નાટકનું કથાવસ્તુ રમણલાલના પિતા મહીપતરામ નીલકંઠ દ્વારા સંગ્રહિત ‘ભવાઈસંગ્રહ’માં આવતાં ‘લાલજી મનીયાર’ના વેશમાં આવેલા એક દુહા અને એની નીચે ટીપ્પણીમાં આપેલી વાર્તા ઉપરથી લેવામાં આવ્યું છે. એ દુહો નીચે મુજબ છે:

“સાઈઆંસે સબકુચ હોતે હે, મુજ બંદેસે કચુ નાહીં;
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.”

— લાલજી મનીઆર વેશ, મહીપતરામ નીલકંઠ

આ દુહા પરની આખી વાર્તા પુસ્તકના પરિશિષ્ટમાં આપી છે., જે આપણે હવે પછીના મણકામાં વાંચીશું.

પાંચમી આવૃત્તિનું મુખપૃષ્ઠ, ૧૯૨૩

આ દુહા પરથી લેખકે પુસ્તકનાં  મુખપૃષ્ઠ ઉપર દોહરો મૂક્યો, તે એ દુહા ઉપરથી રચ્યો છે.

પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ
રાઈનો પર્વત કરે, પર્વત બાગનિ માંહિ

એ દોહરો સૂત્ર સ્વરૂપે લઈ અને એ વાર્તામાં ફેરફાર તથા  વધારો કરી આ નાટકની રચના ગૂંથી છે. શુદ્ધ સાધ્યને પ્રાપ્ત કરવા અશુંદ્ધ સાધનનો સ્વીકાર કરવાથી નોતરી લેવાયેલા સંધર્ષ અને પછી એ સંઘર્ષમાંથી છેવટે સુપ્રાપ્ય બનતી સર્વાંગશુદ્ધિ આ નાટકનાં કથાવસ્તુનું હાર્દ છે.

સાહિત્યિક સજ્જતાથી નોખા તરી આવતા આ નાટકની પ્રભાવક નાટ્યક્ષમતાથી પ્રેરાઈને ચિનુ મોદીએ નાટકના પાત્ર જાલકાને કેન્દ્રમાં રાખી જાલકા નામનું નાટક ૧૯૮૫માં લખ્યું હતું, તેમજ નાટ્યકાર હસમુખ બારાડીએ આ જ નાટક પરથી રાઈનો દર્પણરાય નામનું નાટક ૧૯૮૯માં પ્રગટ કર્યું હતું.

એ સમયમાં પ્રણયલગ્ન અને વિધવાપુંનર્લગ્ન જેવી સામાજિક સમસ્યાઓને આ નાટકમાં સમાંવાઈ લેવાઈ છે. તે જ રીતે નીતિ અને અનિટી, ધર્મ અને અધર્મના સંઘર્ષની વાત પણ બહુ સ્વાભાવિક સ્વરૂપે રજૂ થઈ છે. ખાસ તો નોંધપાત્ર બાબત એ છે કે  આજના આત્યંતિક સાંપ્રદાયિક અને સ્ત્રી સન્માનના ઘટતાં જતાં વાતાવરણમાં પણ આ  દીર્ઘનાટકની વ્યંગાત્મક શૈલી એટલી જ પ્રસ્તુત કહી શકાય એમ છે.

હવે પછીના મણકામાં લાલજી મનીઆર વેશના દુહાની રમણભાઈ નીલકંઠે વિસ્તારપૂર્વક કરેલી ચર્ચા વાંચીશું અને તે પછી દર મહિને બીજા ને ચોથા રવિવારે ‘રાઈનો પર્વત’ના ૭  અંકો અને ૩૫ પ્રવેશો ક્રમશ: વેબ ગુર્જરી પર પ્રકાશિત કરીશું.