ચેલેન્જ.edu
રણછોડ શાહ
રાખજે સંતોષ મનથી સર્વ રીતે,
કોઈની પણ કર નહીં તું હોડ મનવા,
વર્તમાને સ્થિર કર તું ચિત્ત, બુદ્ધિ,
ભૂત કે ભાવિમાં ન દોડ મનવા.
કમલેશ ભટ્ટ
વર્તમાન સમયમાં આયુષ્ય ખૂબ લાંબું થયું છે. અગાઉ સાઠ વર્ષની ઉંમરવાળી વ્યકિત વૃદ્ધ ગણાતી. આજે સમાજમાં ૭૦ વર્ષથી મોટી ઉંમરની અનેક વ્યકિતઓને મળવાનું થાય છે. આઝાદીના લગભગ સાત દાયકા બાદ આયૃષ્ય લગભગ બમણું થઈ ગયું છે. આ સંજોગોમાં વૈચારિક ફેરફાર ન આવે તો જીવન અને જમાના સાથે કદમ મેળવવાનું કઠિન બને છે. આજથી બે-ત્રણ દસકા અગાઉ જે રીતે જિંદગી જીવતા હતા તે જ રીતે સામાજિક જીવન જીવવા પ્રયત્ન થાય તો ચોક્કસ જ ગરબડ ઊભી થાય તેમ છે. બૂફે ડીનર કે લન્ચ, મલ્ટિપ્લેક્ષ કે થિયેટરમાં સિનેમા, શનિ-રવિ ઘર બહારનું ભોજન, અસંખ્ય જોડી કપડાં અને બૂટ, એક કરતાં વધુ સીમ કાર્ડવાળા મોબાઈલ જેવી વેભવી અને વિલાસી જિંદગી સામાન્ય બની ગઈ છે. આજનો યુવાન કમાય છે પણ વધારે અને વાપરે છે પણ તેટલું જ. અગાઉ બચતનું માનસ હતું જે આજે જૂનું બની ગયું છે. આ પરિસ્થિતિમાં વયસ્કો તેમના વિચારો અને વર્તનમાં પરિવર્તન ન લાવે તો દુ:ખને નિમંત્રણ આપે. ભાવિ પેઢી ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાને બદલે તેમને માટે મોટી મૂડી મૂકી જવાની ભાવના, લાગણી અને વૃત્તિ રાખવાનો સ્વભાવ હાંસીપાત્ર બને. વયસ્કો વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વાગોળી દુ:ખી થાય છે અને ભવિષ્યકાળના ભયને મનમાં ખેંચી લાવી જબરદસ્ત તાણનો અનુભવ કરી રહ્યા છે. વયસ્કોએ તો વર્તમાનને વધાવવો જોઈએ.
આજે સાઠ વર્ષની આજુબાજુની ઉંમર તો સંપત્તિ વાપરી આનંદ લૂંટવાનો ઉત્તમ સમય છે. તમે આપેલ ભોગ અને ત્યાગને સમજી કે જાણી નહીં શકનાર સંતાનો માટે બચત કરવાનો કોઈ અર્થ નથી. સખત મહેનત કરીને મેળવેલ આર્થિક સદ્ધરતા ઉપર ડોળો રાખતા દીકરા કે જમાઈથી અંતર રાખવામાં ડહાપણ છે. આ ઉંમરે આર્થિક મૂડીનું શેરમાં કે અન્યત્ર રોકાણ કરવામાં શાણપણ નથી. ગમે તેટલું ખાત્રીપૂર્વકનું વળતર પ્રાપ્ત થવાનું હોય તો પણ તે બાબતે આગળ વધતાં અગાઉ સો ગળણીએ ગાળીને પગલું ભરવું જોઈએ. આ તો શાંતિ અને સુખ પ્રાપ્ત કરી આનંદિત થવાનો સમય છે. પુત્રો-પૌત્રોની આર્થિક સ્થિતિ વિશે વધુ ચિંતા કરવાનં છોડી દો. તમે વર્ષો સુધી તેમની કાળજી લીધી છે અને જે શીખવી શકાય તે બધું શીખવ્યું છે. તેમને શિક્ષણ, ખોરાક, આધાર અને ટેકો આપ્યો છે. હવે પૈસા કમાવવાની તેમની જવાબદારી છે. તેમ સમજી લેવું અત્યંત અગત્યનું છે.

વધારે પ્રમાણમાં શારીરિક કસરતો કર્યા વિના શરીર સ્વાસ્થ્ય સાચવો. ચાલવા જેવી સામાન્ય કસરત નિયમિત કરો, સપ્રમાણ ભોજન લો અને જરૂર પૂરતી ઊંઘ લો. માંદા પડવું સહજ છે અને સ્વસ્થ રહેવું મુશ્કેલ છે. તેથી જાતને સાચવો અને વૈદકીય તથા શારીરિક જરૂરિયાત બાબતે કાળજી રાખો. ડૉંકટરના સંપર્કમાં રહો અને સ્વાસ્થ્ય સારું હોય ત્યારે પણ લેબોરેટરીમાં જરૂરી ટેસ્ટ નિયમિત રીતે કરાવતા રહો. હંમેશા ઉત્તમ અને સુંદર વસ્તઓ જ ખરીદો. તમારા પાર્ટનર (પતિ-પત્ની) સાથે તમારી સંપત્તિનો આનંદ માણો. એક દિવસ તમે બેમાંથી એક થઈ જશો અને બાકી રહેલું ધન જનાર વ્યકિતની ખોટ પૂરી કરી શકશે નહીં. નાની નાની બાબતોમાં તાણ અનભવવાનું છોડી દો. તમે અગાઉ અનેક તકલીફો અને અડચણો દૂર કરી શકયા છો. સ્મૃતિમાં સારી અને ખરાબ બંને વાતો છે. અયોગ્ય બાબતો ભૂલી વર્તમાનનો આનંદ માણો. ભૂતકાળની યાદો તમને દુ:ખી ન કરે અને તમારા વિચારો ભવિષ્ય બાબતે તમને ભયભીત ન બનાવે તેની કાળજી રાખો. નાના નાના મુદ્દાઓ ટૂંક સમયમાં ભૂલાઈ જશે માટે બિનજરૂરી વિવાદોથી દૂર રહો.
ગંગાજળની જેવાં છે આ પસ્તાવાનાં આંસુઓ પણ,
તક આપે છે ઈશ્વર સૌને મેલી ચાદર ધોવા માટે,
એના સંગ્રહ કરનારની ભિક્ષુકોમાં ગણના થાશે,
કુદરત આપે છે માણસને,એ દૌલત છે ખોવા માટે.
પરાજિત ડાભી
ઉંમરને ઘ્યાને લીધા વિના જીવંત અને ખુશખુશાલ રહો. તમારા જોડીદારને, જાતને, પાડોશીને, કુટુંબને અને સંપર્કમાં આવનાર તમામને દિલથી વહાલ કરો. યાદ રાખો: જ્યાં સુધી માનવીમાં પ્રેમ અને ગ્રહણશકિત છે ત્યાં સુધી તે વૃદ્ધ બનતો નથી. અંદર અને બહારથી હંમેશા ગૌરવશાળી બનેલા રહો. વાળ અને નખને સ્વચ્છ અને આકર્ષક રાખો. ત્વચાને સુંદર અને તંદુરસ્ત રાખવા ચામડીના રોગના ડૉંકટરને જરૂર પડે મળો. ઘરમાં જ અત્તર અને વિવિધ પ્રકારની ક્રીમનો મોટો સ્ટોક રાખો. બાહ્ય રીતે જ્યારે વ્યવસ્થિત અને ઉત્તમ રીતભાતવાળા હો ત્યારે ગૌરવશાળી અને સન્માનીય બનો છો. ઉંમરને કારણે તમારી ફેશન તરફથી દૃષ્ટિ ફેરવી લેશો નહીં. પરંતુ ખરેખર તો તમારી પોતાની સ્ટાઈલની સમજણનો વિકાસ કરો. તમને કયાં વસ્ત્રો અને આભૂષણો વધારે યોગ્ય લાગશે તે વિચારી અને પહેરી આત્મવિશ્વાસનો અનુભવ કરો. યુવાનીના દિવસો યાદ કરી યુવાન રહો અને તેવા પહેરવેશ પહેરો.

હંમેશા અપટુડેટ જ રહો. સમાચારપત્ર વાંચો અને ટી.વી. ઉપર નિયમિત રીતે વિવિધ ચેનલ નિહાળો. હંમેશા ઓનલાઈન રહી લોકો શું કરે છે તે સાંભળો અને જુઓ. તમારા ઈ–મેઈલને સતત સક્રિય રાખો. ઈ-મેઈલ કરો અને મેળવો. ફેસબુકનો મહત્તમ ઉપયોગ કરી જૂના મિત્રો સાથે સતત સંપર્કમાં રહો. યુવાનોને માન આપો. તેમના અભિપ્રાયને કાળજીપૂર્વક સાંભળો. તેમના આદર્શો તમારા જેવાં નહીં હોય પરંતુ તેઓ જ ભવિષ્ય છે. તેમ જરૂરથી સમજો. તેઓ ઈચ્છશે તે તરફ દુનિયાને લઈ જશે. તેમને ટીકા નહીં, સલાહ આપો. તેમને ગઈકાલનું ડહાપણ આજે પણ અસ્તિત્વ ધરાવે છે તેવું યાદ અપાવો. કયારેય “મારા સમયમાં” જેવા શબ્દો કે વાકયોનો ઉપયોગ કરશો નહીં. આજનો સમય તેમનો છે. જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી તમે પણ તે સમયના ભાગીદાર જ છો.
કેટલાક તેમના વીતેલા સુવર્ણ વર્ષોને મમળાવે છે. જ્યારે કેટલાક તેને કડવા બનાવી તોછડી વાણી ઉચ્ચારે છે. જિંદગી અત્યંત ટૂંકી છે માટે વાર્ધક્યને વેડફશો નહીં. તમારો સમય વિધેયાત્મક, વિદ્ઘાન, મોજીલા, આનંદી, ખુશમિજાજી અને વિનોદી લોકો સાથે વિતાવો. આ લોકો તમારા ઉપર છવાઈ જતાં તમારી જિંદગી વધારે જીવવાલાયક બનશે. કડવા, તોછડા, નિરાશાવાદી, નકારાત્મક, ટીકાખોર, અસંતોષી અને ઝઘડાળુ લોકોના સંપર્કમાં રહેતાં તમારું જીવવું પણ આકરું અને દોહ્યલું બનશે. માટે કાળજીપૂર્વક તેમનાથી દૂર રહો. જો તમારી આર્થિક સ્થિતિ અનુફૂળ હોય તો તમારા સંતાનો અને પૌત્ર-પોત્રીઓ સાથે રહેવાની લાલચને વશ થશો નહીં. તેઓની આસપાસ રહેવું ઉત્તમ છે પરંતુ પોતાનું એકાંત જળવાઈ રહે તે પણ જરૂરી છે. તેઓને અને તમને બંનેને પોતાના એકાંતની આવશ્યકતા છે. તમે જ્યારે એકલા રહી શકો તેમ ન હોય અથવા તમને કે એમને એકબીજાની જરૂરિયાત હોય તો અવશ્ય ભેગા રહો. જૂના શોખને કયારેય તિલાંજલી આપશો નહીં. ખરેખર તો નવા નવા શોખ વિકસાવો. મુસાફરી, પર્વતારોહણ, રાંધણકળા, વાચન, લેખન, નૃત્ય, સંગીત કે નાટ્ય જેવી પ્રવૃત્તિઓ વિકસાવો. પાલતુ પ્રાણીઓ સાથે મૈત્રી બાંધો. કિચન ગાર્ડન કે બાગકામ કરો. પત્તાં, ચેસ કે ડ્રાફ્ટ રમો.
કોઈ અબળખા ના છે બાકી, ના કોઈ મંશા છાંડી!
એક જ ધખના બાકી વાલમ હેતે બસ ભીંજવું!
અશ્વિન ચંદારાણા
ઘરની બહાર નીકળી લોકોને મળો. જે મિત્રો કે સગાંઓને છેલ્લા થોડા સમયમાં ન મળ્યા હોય તો જરૂરથી મળો. અગત્યની વાત તો એ છે કે અવારનવાર ઘર છોડી બહાર ફરો. બાગમાં ચાલવા જાવ. હંમેશ સભ્ય અને નમ્ર ભાષામાં વાતચીત કરો. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સધી અન્યો વિશે ફરિયાદ અથવા ટીકા કરશો નહીં. કોઈને પણ મિત્ર બનાવવાનો આ ઉત્તમ રસ્તો છે. ઉંમર વધવાની સાથે દુઃખ અને પ્રતિકૂળતાઓ વધવાની જ છે, માટે પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારી લો. તેના વિશે લાંબા લાંબા ભાષણો અને ફરિયાદો કરશો નહીં. કોઈએ તમને નારાજ કર્યા હોય તો માફ કરી દો. તમે કોઈને નારાજ કર્યા હોય તો તેની માફી માગી લો. તમારી આજબાજ મનદુ:ખ, ગુસ્સો, ચીડ, રોષ, ખીજ અથવા ક્રોધને ફરકવા પણ દેશો નહીં. આ બધી બાબતો તમને કડવા અને દુ:ખી બનાવવા માટે પૂરતી છે, કોણ સાચું અને કોણ ખોટું તે નક્કી કરવાની ભાંજગડમાં પડશો જ નહીં. કોઈકે સાચું જ કહ્યું છે, કોઈના તરક રોષ, અંટસ, ખીજ કે વેરભાવ રાખવો એટલે ઝેર જાતે પીવાનું અને અન્યના મૃત્યુની આશા રાખવા જેવું છે. કડવાશનું ઝેર મમળાવશો નહીં. માફ કરો અને ભૂલી જાવ. પોતાની જિંદગીમાં પોતાની રીતે આગળ વધતા રહો. સતત હસતા રહો – ચિંતાઓને હસી કાઢો – યાદ રાખો કે આ દુનિયામાં તમારા જેટલું બીજું કોઈ નસીબદાર નથી. તમે સુખી જિંદગીને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છો તે જેવી તેવી સિદ્ધિ નથી. કેટલાંયના નસીબમાં તે પણ નથી. જિંદગીના તમામ દિવસો કયારેય એક સરખા જતા નથી અને જઈ શકે પણ નહીં. “આજનો લ્હાવો લીજીએ, કાલ કોણે દીઠી છે!’ ને જીવનમંત્ર બનાવી વાર્ધક્યના વૈભવને માણો. તમારું અને તમારાં સૌનું જીવન સદાય ખુશખશાલ રહે તેવી શુભેચ્છાઓ…
આચમન:
એક પત્રકારે ૯૮ વર્ષના દાદાને પૂછ્યું;
તમારા આટલા લાંબા આયુષ્યનું રહસ્ય શું?
દાદા: દલીલબાજી ન કરવી, જે મારા દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે.
પત્રકાર: એકલું એવું ન હોય. વ્યાયામ, પૌષ્ટિક ખોરાક, પૂરતી ઉંઘ જેવાં બધાં કારણો પણ હોવાં જોઈએ.
દાદા: તો એમ હશે.
(દલીલબાજી નહીં એટલે નહીં જ)
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
