રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

આપણે જાણીએ છીએ કે આધુનિક વિમાનની શોધ માટેનો ક્રેડિટ રાઇટ બંધુઓને દેવામાં આવે છે, જેમણે ૧૯૦૩ માં પ્રથમવાર વિશ્વની ઉડાન ભરેલી. પરંતુ આ વાત તો ગઇકાલની છે, ભારતીય ગ્રંથોએ તો આકાશગામી વાહનોનો ઉલ્લેખ યુગો અગાઉ કરી દીધો છે. કારણ કે આપણાં એ લોકો જ્ઞાની-વિજ્ઞાની હતાં, આથી આજે આપણે જે જગ્યાએ છીએ તે જગ્યાથી તો તેઓ ઘણાં જ આગળ હતાં. આ બાબતનું સૌથી મોટું પ્રમાણ તો આપણને આપણાં ધર્મગ્રંથો આપતાં કહે છે કે, પૃથ્વી પર થતી અનેકવિધ ક્રિયાઓ જોવા દેવ- દેવીઓ વિમાને ચઢીને આવતાં, આ બાબત દર્શાવે છે કે જે આજના વિશ્વ માટે નવું છે તે વિમાનની પ્રથા આપણે ત્યાં ઘણી જ પ્રાચીન હતી.

સંસ્કૃતમાં “વિ” નો અર્થ પક્ષી કહ્યો છે અને “માન” એટ્લે કે, તેનાં જેવું. આમ આખા શબ્દનો અર્થ “પક્ષી જેવું કે જેવા” તરીકે કરી શકાય. આજે ય ઉત્તરાખંડની પ્રાકૃત લોકભાષામાં વિમાનને ચીલગાડી તરીકે ઓળખવામાં આવે છે. તેજ રીતે મયૂરપંખ, હંસપંખ વગેરે પ્રકારનાં વિમાનોનો ય ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે.

 રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ થયેલો જ છે. જોવાની વાત એ કે, દેવો જે વિમાને ચઢીને આવતાં તે વિમાનોમાં જ તેની સાઇઝ બતાવી દેવામાં આવતી હતી આ વિમાનોમાં કોઈ નાના ( આજની ભાષામાં ૨-૩ સીટવાળા પ્રોપેલર પ્લેન ) હતાં ને કોઈક મોટા ( આજે એરબસ કે બોઈંગ જેમાં ૬ થી વધુ લોકો જઈ શકે ) હતાંપુષ્પક વિમાન માટે એમ કહેવાયું છે કે, જ્યારે રાવણ આવ્યો ત્યારે તેણે વિમાનને સ્વયં ચલાવેલું એટ્લે કે, ( Self Driven ) હતું જે તેણે રામ-સીતાની કુટીયાથી થોડે દૂર રાખેલું. જોવાની વાત એકે, આ કુટીયાથી થોડે દૂર રાખવું અને સીતાને ઉપાડીને તરત જ વિમાનને ઉડાડવું તે પ્રક્રિયા આજે હેલિકોપ્ટરમાં જોવા મળે છે. આ હેલિકોપ્ટરની વાતથી સુંદરકાંડમાં જવાનું મન થાય છે. સુંદરકાંડનાં સર્ગ ૧ અને શ્લોક નં ૪૨.૪૩ માં કહ્યું છે કે,

 

उत्पाताय वेगेन वेगवानविचारयन, सुपर्णमिव चात्मानां मेने स कपिकुंज्जरः ।
समुत्पतित तस्मिस्तु वेगात्ते नगरोहिणः
, संह्यत्य  विटपान् सर्वान् समुत्पेततुः समन्ततः ।।

 

અર્થ:- હનુમાનજી પોતાની બાધાઓને ધ્યાનમાં ન લેતાં અત્યંત વેગપૂર્વક લંકાની અંદર કૂદી પડ્યાં ત્યારે કેટલાક વનવાસીશ્રેષ્ઠોને હનુમાન ગરુડ સમાન લાગ્યાં, આ સમયે અત્યંત વેગપૂર્વક કુદવાથી અને તેમનાં વેગજનિત વાયુવેગથી વાટિકામાં રહેલ અનેક વૃક્ષવેલીઓ અને ગુલ્મલતાપતાઓ અને તેમની શાખાઓ ઉખડી ગઈ. જોવાની વાત એ કે, આજે હેલિકોપ્ટર જ્યારે ઊડે અને જ્યારે લેન્ડ થાય છે ત્યારે લગભગ આવી જ સ્થિતિ હોય છે.

પુષ્પક વિમાનની બીજી ખાસિયત વિષે કહ્યું છે કે આ વિમાન તે યાત્રી પ્રમાણે પોતાની સાઇઝ બદલી શકતું હતું. દા.ખ જ્યારે રાવણ પંચવટીમાં આવ્યો ત્યારે પુષ્પક વિમાનની સાઇઝ કેવળ તે એકલો બેસી શકે તેવો હતી, પણ સીતાજીને ખેંચી આવ્યો ત્યારે તે જ વિમાનમાં બે વ્યક્તિ રહી શકે તેટલી જગ્યા હતી. આ જ વિમાન જ્યારે લંકા યુધ્ધ પછી અયોધ્યા જવા નિકળ્યું ત્યારે તેમાં રામ, સીતા, લક્ષ્મણ, જાંબુવાન, વિભીષણ, સુગ્રીવ, અંગદ અને અમુક બીજા વાનરો પણ બેસેલાં હતાં.

દક્ષિણ ભારતીય રામાયણમાં તેમજ રામાયણ આધારિત શિલ્પકળામાં રામ-લક્ષ્મણ-સીતાને લઈને જતું પુષ્પક વિમાન ત્રણથી પાંચ મંઝિલા હતુંપુષ્પક વિમાનની ત્રીજી ખાસિયત વાલ્મીકિ રામાયણમાં એ બતાવી છે કે, લંકાથી આ વિમાન જ્યારે ઉડયું ત્યારે રામે કે વિભિષણે ઉડાડ્યું નથી બલ્કે તેમણે પુષ્પકને આદેશ આપ્યો અને તે આદેશ પ્રમાણે પુષ્પક ઉડતું હતું. આજની દૃષ્ટિએ જોઈએ તો આ બાબતને પૂર્ણ રોબોટિક અને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં જોઈ શકાય. અગર આ રોબોટિક અને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમની વાત કરીએ તો એ સમય દૂર નથી જ્યારે રસ્તાઓ પર ડ્રાઈવરલેસ કાર દોડતી હશે. આ ડ્રાઈવરલેસ કાર ઉપર ગયા વર્ષે અમેરિકામાં પ્રયોગ થયેલાં, પણ આ પ્રયોગ પૂર્ણ રીતે સફળ થયેલો નહીં. કારણ કે રસ્તા પરનાં ટ્રાફિકને માપવામાં, રસ્તામાં કેટલા પેડેસ્ટ્રીયન ( ચાલતા લોકો અને રસ્તો ક્રોસ કરતાં લોકો ) છે તે સમજવામાં કમ્પ્યુટર ભૂલ કરી ગયેલું. આ ભૂલને કારણે તત્કાલ પૂરતાં સમય માટે આ કારનો ઉપયોગ અટકાવી દેવામાં આવ્યો છે, પણ એક આશા રાખી શકાય કે આવનારા ૨૫ -૩૦ વર્ષોમાં આપણે રસ્તા પર એવી કાર ચોક્કસ જોઈશું. આ ડ્રાઈવર લેસ કાર તરફથી પાછા પુષ્પક વિમાન તરફ જઈએ તો જાણીએ કે જ્યારે વિભિષણે પુષ્પક વિમાનને આદેશ આપ્યો હતો તે સમયે આકાશમાં બીજા કોઈ જ વિમાનો ન હતાં કે ટ્રાફિક ન હતો જેને કારણે પુષ્પકને આદેશ પ્રમાણે ઉડવામાં કોઈ જ તકલીફ ન રહી. આતો વિમાનની વાત થઈ પણ ભગવાન વિષ્ણુ પણ જે ગરુડે ચઢીને આવતાં તે ગરુડને ય એક સીટર વિમાન તરીકે ઓળખી શકાય અને ભગવતી લક્ષ્મી જો સાથે હોય તો તે જ સમયે ગરુડ એ ટુ સીટર પણ બની જતું. ભગવાન વિષ્ણુની જેમ શનિદેવ અને કાર્તિકેય સ્વામીનું યે છે. જેમાં શનિદેવ કાગડા પર બેસી ઊડે છે તો સ્વામી કાર્તિકેય મયૂર ઉપર બિરાજમાન થઈ ઊડે છે. આમ આ પક્ષીઓને ય એક પ્રકારે વિમાનનું રૂપ આપી જ શકાય છે, પણ આ બધા વાહન પક્ષીઓમાં ગરુડનો ઉલ્લેખ વધુ થાય છે, કારણ કે પુરાતન કાળથી લઈને બૌધ્ધ સમય સુધી ગરૂડાકૃતિવાળા વિમાનોનું વધારે ચલણ રહેલું અને બૌધ્ધકાળ સુધી આ પ્રકારનાં વિમાનો બનાવવાવાળા કારીગરોની સંખ્યા પણ વધુ હતી, પણ બૌધ્ધકાળ પછી આ કળા પાછળ છૂટી ગઈ. અગર કેવળ ગરુડની વાત કરીએ તો, ઇન્ડોનેશિયાનાં એરપોર્ટનું નામ આજેય ગરૂડા છે અને તેના વિમાનોને “ગરૂડા રાજવલ્લી” કે “ગરૂડા ચંદ્રાવલ્લી” ને નામે ઓળખવામાં આવે છે.

અગર ઉડવાની વાત કરવામાં આવે તો, રામાયણમાં જ્યાં પુષ્પક વિમાન ઊડે છે તેમ મહર્ષિ વાલ્મીકિએ હનુમાન, વિભીષણ અને અમુક લંકાવાસીઓ વગેરેને પણ ઊડતાં બતાવેલાં છે. આગળ જ્યારે હનુમાન સીતાજીને મળ્યાં તેમની પીડાને જાણી તેમણે સીતાજીને કહ્યું કે, માતા આપ મારી પીઠ પર બેસી જાઓ હું આપને પ્રભુ શ્રીરામ સુધી લઈ જઈશ. ત્યારે સીતાજીએ ના કહી અને કહ્યું કે, પુત્ર તું ઊડીને આવ્યો છે અને ઊડીને મને લઈ જઈશ પણ તોયે મારે માટે તે યોગ્ય નથી. આમ સીતાજીનો ભાવ દર્શાવતાં વાલ્મીકિ કહે છે કે, જ્યારે હનુમાન સીતાને કહે છે હું ઊડીને લંકા આવ્યો છું તે બાબતને સીતાજીએ બહુ સરળતાથી માની લીધી છે.

આમ હવે એ વિચારવું રહ્યું કે; હનુમાન, વિભીષણ વગેરે પંખ વગરનાં આ મહાપુરુષો એવી તે કેવી કલા જાણતાં હશે?

 હવે પછી પ્રાચીન ગ્રંથોમાં રહેલ વિમાનોની અને તેમ રહેલ વિમાન જાણકારીનાં ઉલ્લેખની વાત કરીશું .


ક્રમશઃ


© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com