ભગવાન થાવરાણી

ઉર્દૂમાં ‘ સાહિર ‘ શબ્દનો અર્થ ‘ જાદૂગર ‘ થાય. સાહિર લુધિયાનવી ખરા અર્થમાં શબ્દના, કવિતાના જાદૂગર હતા. એ માત્ર ફિલ્મી ગીતો કે ઉર્દૂ અદબના જ નહીં, વિશ્વ – કવિતાના પણ એક મહત્વના સર્જક હતા. એમના ધર્મનિરપેક્ષ અને મહેનતકશ – તરફી વિચારોના કારણે પણ એ મારા જેવા લાખો – કરોડો પ્રશંસકોના પ્રિયપાત્ર હતા. જેટલા એમની રચનાઓને કારણે ચર્ચામાં રહ્યા એટલા જ એમના પ્રેમ-પ્રકરણોને કારણે પણ, આજીવન કુંવારા રહ્યા હોવા છતાં ! એમના અમૃતા પ્રીતમ સાથેના સંબંધો વિષે રચાયેલું અને દીપ્તિ નવલ – શેખર સુમન અભિનીત નાટક ‘ એક મુલાકાત ‘ અદ્ભુત છે.
સાઠ અને સિત્તેરના દાયકામાં હિંદી ભાષામાં ખિસ્સાને પરવડે એવા સાહિત્યના પુસ્તકો માટે હિંદ પોકેટ બુક્સનું નામ હતું. સોએક પાનાની પોકેટ બુક એક રૂપિયામાં મળતી. એમણે પ્રકાશિત કરેલ બે પુસ્તકો ‘ ગાતા જાએ બનજારા ‘ અને  ‘ મેરે ગીત તુમ્હારે હૈં ‘ થકી એમના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યો. એ પછી એમનો ‘ તલ્ખિયાં ‘ સંગ્રહ પણ પોકેટ બુક સ્વરૂપે આવેલો.
એમના યાદગાર ફિલ્મી ગીતોનો ઉલ્લેખ માત્ર કરીએ તો પણ આવા ઘણા પાનાઓની જરૂર પડે. સચિન દેવવર્મન, રવિ, મદન મોહન, ખૈયામ, એન. દત્તા અને રોશન જેવા અનેક ગુણી સંગીતકારોએ એમની અસંખ્ય રચનાઓને સુરે મઢી છે. એમની કેટલીય સુપ્રસિદ્ધ નઝ્મો – ગઝલોને એમના રચનાકાળ પછી ઘણા વર્ષે ફિલ્મોમાં લેવામાં આવી, એ રચનાઓની ઉર્દૂ – પ્રચૂરતાનું સરલીકરણ કર્યા પછી ( જેમ કે ‘ કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ ‘ ) . એમની ભાષા – સજ્જતાનો એક પુરાવો એ કે ઉર્દૂ જેટલી જ એ વિશુદ્ધ હિંદીમાં પણ અદ્ભુત કૃતિઓ સર્જી શકતા. ( ફિલ્મ ‘ ચિત્રલેખા ‘ ના બધા ગીતો ) ફિલ્મી ગીતોમાં ‘ જનતાની માંગ ‘ ના અંચળા હેઠળ એમણે ભાગ્યે જ સસ્તા અને બજારુ ગીતો લખ્યા. ફિલ્મી ગીતકારો માટે એમનું મોટું યોગદાન એ કે એમણે પોતાની જિદ્દ અને મક્કમતાથી એમને એમના હક્કનું સ્થાન અને મહેનતાણું અપાવ્યું અને સંગીતકાર સમકક્ષ લાવ્યા. સંગીતકાર કરતાં એક રુપિયો વધારે લેવાની એમની હઠ જાણીતી છે.
આજે વાત કરવી છે ૧૯૬૩ ની ફિલ્મ ‘ તાજ મહલ ‘ ના સાહિર સાહેબે લખેલા અને રોશન દ્વારા તર્જબદ્ધ કરાયેલા એક સાવ ઉવેખાયેલા ગીતની. અલબત્ત, ફિલ્મી ગીતોના સાચા પારખુ શોખીનોએ આ ગીત અને વિશેષત: એના શબ્દોની નોંધ લીધી જ હશે. મિયા કી તોડી રાગમાં નિબદ્ધ, લતાજી દ્વારા ગવાયેલા અને અભિનેત્રી બીના રોય પર ફિલ્માવાયેલા અને એના ખાલિસ ઉર્દૂ શબ્દોના કારણે અઘરા ભાસતા આ ગીતના અર્થઘટન પર નજર નાખવી ઉચિત રહેશે. પહેલાં એ ગીતના શબ્દો યથાતથ :
ખુદા – એ – બરતર તેરી ઝમીં પર ઝમીં કી ખાતિર યે જંગ ક્યોં હૈ
હરેક ફત્તહ – ઓ- ઝફર કે દામન પે ખૂન-એ-ઈંસાં કા રંગ ક્યોં હૈ
ઝમીં   ભી  તેરી  હૈં  હમ  ભી  તેરે, યે   મિલ્કીયત કા  સવાલ  ક્યા હૈ

 

યે કત્લ-ઓ-ખૂં કા રિવાજ ક્યોં હૈ, યે રસ્મ-એ-જંગ-ઓ-જદાલ ક્યા હૈ
જિન્હેં તલબ હૈ જહાન ભર કી ઉન્હીં કા દિલ ઈતના તંગ ક્યોં હૈ
ગરીબ માંઓં, શરીફ બેહનોં કો અમ્ન-ઓ-ઈઝ્ઝત કી ઝિંદગી દે
જિન્હેં  અતા  કી  હૈ  તૂને  તાકત,  ઉન્હેં  હિદાયત  કી  રોશની દે
સરોં મેં કિબ્ર – ઓ- ગુરૂર ક્યોં હૈ, દિલોં કે શીશે પે જંગ ક્યોં હૈ
 
 
કઝા  કે  રસ્તે  પે  જાને  વાલોં  કો  બચ કે આને કી રાહ દેના
દિલોં  કે  ગુલશન  ઉજડ ન  જાએં, મુહબ્બતોં કો પનાહ દેના
જહાં મેં જશ્ન-એ -વફા કે બદલે, યે જશ્ન-એ-તીર-ઓ-તફંગ ક્યોં હૈ..
ખુદા – એ – બરતર ..
 
 
 
 
સ્પષ્ટ છે કે આ એક પ્રાર્થના છે તેનો પ્રધાન સુર યુદ્ધનો વિરોધ છે. ધ્રુવ પંક્તિ સહિત ચાર બંધની આ રચનાના પ્રત્યેક બંધનો અર્થ જોઈએ :
– હે સર્વશક્તિમાન ખુદા, તારી જ સર્જેલી જમીન પર જમીન ખાતર આ યુદ્ધ શાને ? દરેક જીત, દરેક ફતેહનો પાલવ મનુષ્યના રક્તથી રંજિત શાને ?
– જમીન તારી, અમેય તારા તો પછી વ્યક્તિગત મિલકતનો સવાલ ક્યાં આવ્યો ? આ હત્યાઓ, આ ખુનામરકીની પ્રથાનો અર્થ શું ? આ યુદ્ધ અને આ વિખવાદો શા કારણે ? જેમને સમગ્ર જગત પર કબજો જમાવવાની લાલસા છે એમનું જ દિલ આવું સંકુચિત ?
– પ્રભુ ! તું ગરીબડી માતાઓ, ભલી-ભોળી બહેનોને શાંતિ અને સ્વમાનનું જીવન આપજે. જેમને તેં સામર્થ્ય અને અપાર શક્તિ આપી છે એમને તું સન્માર્ગનો રસ્તો પણ અજવાળી આપજે. એ લોકોના દિમાગમાં આ ઘમંડ, આ ઉદ્દંડતા શા કારણે ? એમના હૃદયરૂપી આઈનાઓના કાચ ઉપર આ ધુંધળાશ શાને ?
– જે લોકો વિનાશના માર્ગે છે એમને ત્યાંથી પાછા ફરવાની મોકળાશ આપજે. દિલમાં વસતા હર્યા – ભર્યા ઉપવન ઉજ્જડ ન બને એ માટે ત્યાં પ્રેમની વસાહત વસાવી આપજે. દુનિયામાં પ્રેમ અને ઈમાનદારીના ઉત્સવની ઉજવણીના બદલે આ બંદૂકો અને તીરોનું સામ્રાજ્ય શાને ?
નોંધપાત્ર વાત એ કે ફિલ્મમાં પરદા ઉપર આ ગીત ખુદ બાદશાહ શાહજહાંની મલ્લિકા મુમતાઝ મહાલ ત્યારે ગાય છે જ્યારે એના ખાવિંદ દ્વારા આદરાયેલા યુદ્ધ અને માનવ- સંહાર જોઈ એનું હૈયું કકળી ઊઠે છે.
આ ગીતના શબ્દોમાં જે વાત છે, અદ્દલ એ જ વાત સાહિરની સૌથી લોકપ્રિય પ્રાર્થના ‘ અલ્લાહ તેરો નામ ‘ ( હમ દોનોં ) માં પણ છે. એમાં પણ એમણે સેંથીનું સિંદૂર ન ભૂંસાવાની અને મા – બહેનોની આશાઓ અખંડ રહે એવી મુરાદ દર્શાવી છે. ત્યાં પણ એ ઈશ્વરને યાચે છે કે જેમને તેં શક્તિ આપી છે એમને જ્ઞાન પણ આપજે . નરી તાકાતથી કશું નહીં વળે !
ફિલ્મ ‘ નયા રાસ્તા ‘ ( ૧૯૭૦ ) ના એમણે લખેલા અને મોહમ્મદ રફીએ ગાયેલા ‘ ઈશ્વર અલ્લાહ તેરે નામ ‘ ગીતમાં પણ આવી જ વાત છે.

આજે વિશ્વમાં ફેલાયેલા યુદ્ધ, તંગદિલી અને ઉન્માદના વાતાવરણમાં આ અને આવા ગીતો સાંભળીને એક દિલાસો મળે છે કે બધું જીતવા નીકળેલા હુંકાર કરતા મનુષ્યને મોડું – વહેલું સત્ય સમજાશે .


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.