મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
મારા એક પરીચિત વ્યક્તિ મને ઘણા સમયે મળ્યા. તેમની સાથે કેમ છો?, મજામાં જેવી થોડી ઔપચારિક વાતચીત થયાં પછી નીચે પ્રમાણે સંવાદ થયો
તેમણે મને પૂછ્યું “આજકાલ કેમ દેખાતા નથી?”
“થોડા દિવસથી હું ઈડર હતો અને એક દિવસ ઈડરિયો ગઢ પણ ચડ્યો હતો.
“ ખૂબ સરસ, પણ ઈડરિયા ગઢનું ચડાણ ખાસ આકરું નથી. હું તો અઠવાડિયા પહેલા ગિરનાર ચડીને છેક ગુરુ દતાત્રયના પગલાંના દર્શન કરી આવ્યો.”
આ ભાઈ એવા લોકોમાંના એક છે જે પોતે કોઈપણ બાબતમાં આપણા કરતા હંમેશા આગળ ને આગળ જ છે એવી પ્રતીતિ આપણને સતત કરાવતા જ રહે છે. તેમની સાથે સ્પર્ધા કરવાનો વિચાર આપણે સ્વપ્નમાં પણ ન કરી શકીએ. આપણી કોઇ વાત કે સિદ્ધિનો પ્રભાવ પણ આપણે તેમના ઉપર કદી પાડી ન શકીએ. વાસ્તવિક્તા ગમે તે હોય તો પણ ઓછામાં ઓછું વાતચીતમાં તો તેઓ અપણાથી હંમેશા આગળ જ રહે છે.
આ માહાનુભવોને જો તમે અઠવાડિયા પહેલાં જોયેલા એક મોટા સાપની વાત કરશો તો તેઓ હકીકતની પરવા કર્યા વિના તરત જ જણાવશે કે બે વર્ષ પહેલા તેમણે કેન્યાનાં જંગલમાં એક મોટા અજગરને પકડેલો. કોઈ ગુજરાતી છાપામાં કે સામાયિકમાં પ્રગટ થયેલા તમારા લેખ વિશે તમે કશુંક કહેવા જાઓ તો તે તમારી વાત પૂરેપુરી સાંભળ્યા વિના તરત તેમના ‘ન્યુયોર્ક ટાઇમ્સમાં’ કે ‘ટાઇમ મેગેઝિન’માં પ્રગટ થયેલા લેખ વિશે વાત કરશે અને સાથે સાથે દુનિયા આખીમાંથી આવેલા તેમના લેખની પ્રશંસા કરતા પત્રોની વાત પણ કર્યા વિના નહિ રહે.
હું જ્યારે પ્રાથમિક શાળામાં શિક્ષક હતો, ત્યારે એક એપ્રિલ માસમાં પરીક્ષાની ઉત્તરવહીનું બંડલ લઈને ઘેર જતો હતો. રસ્તામાં એક વડીલ મળ્યા. તેમણે મારી પાસે શેનું બંડલ છે તેમ પૂછ્યું તો જવાબમાં મેં પરીક્ષાનાં ઉત્તરપત્રો છે તેમ જણાવ્યું. આ સાંભળીને તેમણે તેમના પુરાણા દિવસો યાદ કર્યા અને સહેજ પણ ખચકાટ અનુભવ્યા વિના કહ્યું “મારી પાસે કેમ્બ્રીજ યુનિવર્સિટિના પેપરો તપાસવાં માટે આવતાં હતાં” પછી ઉમેર્યું કે હાવર્ડ યુનિવર્સિટિમાં તો મારી પાસે સમય નથી એમ કહીને મારે દિલગીરી સાથે ના પાડવી પડેલી!
આ પ્રકારની વ્યક્તિઓ સ્થળ અને કાળથી પર હોય છે. થોડા વર્ષ પહેલા બીજા એક ભાઈ સાથેની વાતચીત દરમિયાન મેં ગ્રામરક્ષકદળમાં બજાવેલી ફરજ બાબતે ગૌરવભેર વાત કરી. પરંતુ મારાં ગૌરવના ચુરેચુરા કરતા તેમણે બીજા વિશ્વયુધ્ધમાં બર્મા મોરચે બ્રિટિશ લશ્કરમાં પોતે બજાવેલી ફરજની વિગતે વાત કરી. આ સાથે તેમણે પોતાના પગે થયેલી ઇજાનું નિશાન મને બતાવ્યું જેને તેમણે લડાઇ દરમિયાન પોતાને વાગેલી ગોળીના નિશાન તરીકે ઓળખાવ્યું! ભાઇની ઉંમર અને બીજા વિશ્વયુદ્ધના સમયને કશો મેળ ખાતો ન હતો છતાં તેમણે એ રીતે બેધડક વાત કરી કે મારી પાસે નિરુત્તર રહેવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો.
આ જ રીતે થોડા વર્ષો પહેલા હું મોરારીબાપુની કથા સાંભળવા ગયો હતો. કથા પુરી થયા પછી ઘરે જતી વખતે બસમાં એક ભાઈ મળ્યા. તેમનો મારે કોઈ પરિચય હતો નહિ. પરંતુ ભાઈ વાતોડિયા હતા આથી વાતની શરુઆત તેમણે મને ક્યાં જઈ આવ્યા એમ પૂછીને કરી. હું મોરારીબાપુની કથા સાંભળીને આવ્યો છું તે જાણીને આનંદ વ્યક્ત કર્યો. મેં પણ મોરારીબાપુની કથાશૈલી અને રામાયણ વિષેના તેમનાં જ્ઞાનની પ્રશંસા કરી.. આ સાંભળીને ભાઈ મૂછમાં હસ્યા. આ રીતે તેમના હસવા બાબતે મેં જિજ્ઞાસા વ્યક્ત કરી તો તેમણે જણાવ્યું કે મોરારીબાપુને રામાયણમાં કશુંક ન સમજાય તેઓ મને ફોન કરીને પૂછી લે છે!
આ લોકો સર્વજ્ઞ હોય છે. તેમને તમે દેશનાં રાજકારણ વિષે વાત કરશો તો તેઓ તમારી સાથે એ રીતે વાત કરશે કે પોતે માત્ર ચીન, રશિયા, અમેરિકા કે બ્રિટન અંગે જ નહિ પરંતુ ટ્યુનેશિયા, સ્પેન કે ન્યજીલેન્ડનાં રાજકારણ વિષે પણ વાત કરવા સક્ષમ છે તેવું તમને લાગ્યા વિના નહિ રહે. આવું જ ક્રિકેટ કે નાટકસીનેમાનાં તેમનાં જ્ઞાન વિષે તમને લાગશે. તમે સલીમ દુરાનીને જોયાની વાત કરશો તો તેઓ પોતે ઈંગ્લેન્ડમાં જામ રણજિતસિંહ સાથે રમેલા તેમ કહેશે. તમે ક્યારેક રાજકપુરને પ્રત્યક્ષ જોયા વિશે જણાવશો તો તેઓ દિલીપકુમાર અને પોતે એક જ દુકાને પાન ખાવા જતા અને ત્યાં તેમની હવે પછીની ફિલ્મ વિશે ચર્ચા પણ કરતા એમ સહજ રીતે કહેશે. જૂની રંગભૂમિના માસ્ટર છનાલાલને મળ્યાની વાત કરશો તો તેઓ પોતે જયશંકર સુંદરી અંગે વિગતે વાત કરશે, જેમાં સુંદરીજી જે દુકાનેથી સાડી ખરીદતા તે દુકાનનો માલિક તેમનો જિગરજાન મિત્ર હતો તેમ કહ્યા વિના તો નહિ રહે, ઉપરાંત સાડીનો કલર પસંદ કરવામાં તેમણે જયશંકરજીને કરેલી મદદ વિશે પણ કદાચ કહે તો નવાઈ નહિ.
તત્વજ્ઞાન બાબતે પણ તેઓ પાછા પડશે નહિ. આપણે આચાર્ય રજનીશ વિશે આપણું જ્ઞાન પ્રગટ કરીશું તો તેઓ અમેરિકામાં પોતે જે. કૃષ્ણમૂર્તિ સાથે કરેલી બેઠકોની વાત કરીને આપણને હતપ્રભ કરી શકે છે.
ભગવાન વેદ વ્યાસ માટે કહેવાય છે કે व्यासोच्छिष्टं जगत्सर्वम् એટલે કે દરેક વિષય વ્યાસજીનો સ્પર્શે પામેલો છે. અપણા આ વ્યાસજીઓ પણ પોતાને દરેક વિષયનું જ્ઞાન કે માહિતી છે તેવી પ્રતિતી આપણને કરાવ્યા વિના નહિ રહે. ફરક માત્ર એટલો કે વ્યાસજીએ કલમ વડે કહ્યું છે જ્યારે આ મિત્રો તેમની જિહ્વાને કામે લગાડતા હોય છે.
જો વાચક મિત્રોને આમાં અતિશયોક્તિ લાગતી હોય તો તેનો અર્થ એ થાય છે કે તમને આ પ્રકારના વ્યક્તિત્વનો ભેટો કે પરિચય નથી. પરંતુ નેહરુના સમયના ધર્મા તેજાથી શરુ કરીને હાલમાં કાશ્મીરમાં પોતાની ઓળખ એક સત્તાધારી વર્તુળની વ્યક્તિ તરીકેની આપીને કાશ્મીરમાં મહિનાઓ સુધી ઝેડ પ્લસ સુરક્ષા મેળવનારથી તો સૌ વાકેફ છીએ જ. આ કલાકારોનાં પરાક્રમોનું રહસ્ય લોકોને પોતાંની વાણી દ્વરા આંજી નાખવામાં જ છે.
પરંતુ મેં અગાઉ જે મિત્રોની વાત કરી તેમને ધર્મા તેજા કે અન્ય કોઇ ઠગ સાથે સરખાવવામાં ભારોભાર અન્યાય જ છે. બન્ને વચ્ચે ચમત્કાર કરતા પાખંડી બાબાઓ અને જાદુગરો વચ્ચે હોય છે તેવો તફાવત છે. આ મિત્રોને કોઈ સ્વાર્થ હોતો નથી, નથી તેમને કોઈ આર્થિક લાભ જોઈતો કે નથી કોઈ પદવી જોઈતી. માત્ર જાદુગરની જેમ કલા ખાતર કલાના ન્યાયે તેઓ આપણને અભિભૂત કરતા હોય છે. પોતાના લત્તાથી માંડીને સમગ્ર વિશ્વના પ્રવાહો કે જ્ઞાનથી તે વાકેફ રહેતા હોવા જોઈએ. આપણી વાતને અનુરુપ તેમનાં ભેજામાંથી શીઘ્રતાથી રચાઈને નીકળતી કથા તેમનો એક સર્જક તરીકે પરિચય આપણને કરાવે છે. મોટા સાહિત્યકારો દિવસો સુધી વિચાર કરીને કોઇ કૃતિનું સર્જન કરે છે, પરંતુ આપણા આ મિત્રો પલક માત્રમાં જ કથા રચી શકે છે. તેમની આ પ્રકારની ક્ષમતા અને તેનાથી આપણને મળતાં મનોરંજનને લીધે આપણને તેમનાં પ્રત્યે આદરભાવ જ થવો જોઈએ.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

સારો કટાક્ષ લેખ છે, સમજને વાલે સમજ જાયેંગે.
LikeLike