{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

પિયૂષ એમ પંડ્યા

૧૯૩૫મા ન્યુ થીયેટર્સે પાર્શ્વગાનની શરૂઆત કરી તે પહેલાં ૧૯૩૦ના દાયકામાં મુખ્ય અદાકારોએ પોતાનાં ગીતો જાતે જ ગાવાં પડતાં હતાં. પાર્શ્વગાનની આ પ્રથાએ મૂળીયાં જમાવી દીધાં તે પછી ફરજીયાત ગાવું પડતું તેવા અદાકારોએ નિરાંતનો દમ લીધો. આજકાલ દરેક સ્ટાર પોતાના સ્વરને જાહેરમાં મૂકવાની  હિંમત કરી શકે છે, ભલે તેનું વજૂદ ગમે તેવું પણ કેમ ન હોય!

સિતારાઓના વર્ચસ્વને લીધે સંગીતને ફાયદા કરતાં નૂકસાન વધુ થયું છે. તલત મહમૂદની શ્રદ્ધાંજલીસભામાં આ બાબતે પીઢ સંગીતકાર નૌશાદે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમુક અભિનેતાઓએ સંગીત બાબતે પોતાની મરજી ચલાવી ને મખમલી અવાજના એ

નૌશાદ અને તલત મહમૂદ

ગાયકનો ભોગ લીધો હતો. રાજેન્દ્રકુમારે નૌશાદ પાસે ફિલ્મ ‘પાલકી'(૧૯૬૭)નું ગીત કલ રાત જીંદગી સે મુલાકાત હો ગયી તલત મહમૂદની જગ્યાએ મહંમદ રફી પાસે ગવડાવવાનો આગ્રહ રાખ્યો હતો. તે જ રીતે મનોજકુમારે ૧૯૬૮ની ફિલ્મ ‘આદમી’નાા ગીત કૈસી હંસી આજ બહારોં કી રાત હૈ માં તલતને બદલે મહેન્દ્ર કપૂરનો અવાજ લેવાની જીદ પકડી હતી.

જો સિતારાઓનો મૂડ ઠેકાણે રહેતો હોય તો નિર્માતાઓ નવેસરથી રેકોર્ડીંગનો ખર્ચ કરતાં ખચકાતા નહોતા. પરિસ્થીતિની વિષમતા એ હતી કે ત્રાજવું હંમેશાં પરદે ચમકતા કલાકારો બાજુ જ ઢળતું અને સંગીતકારો એ કલાકારોના હાથનું રમકડું બની રહેતા. અલબત્ત, ચંદુલાલ શાહ, વિજય ભટ્ટ, મહેબૂબ ખાન, બીમલ રોય, વી.શાંતારામ અને ગુરૂ દત્ત જેવા દિગ્ગજ નિર્માતાઓ પાસે સિતારાઓ કઠપૂતળી બની ને રહી જતા હતા. બીમલ રોયનો આગ્રહ ન હોત તો એસ.ડી. બર્મને જલતે હૈ જીસ કે લીયે (‘સુજાતા’, ૧૯૫૯) તલત પાસે ન ગવડાવ્યું હોત. એ જ રીતે ગુરૂ દત્તના આગ્રહથી ઓ.પી.નૈયરને ફિલ્મ ‘આરપાર’ (૧૯૫૪)નું ગીત કભી આર કભી પાર  આશા ભોંસલેની જગ્યાએ શમશાદ બેગમ પાસે ગવડાવવાની ફરજ પડી હતી. આ પરથી એવું હરગીઝ ન માની લેવાય કે પહેલાંના જમાનામાં આગળ પડતા કલાકારો પોતાને માટે કોણ પાર્શ્વગાન કરે તે માટે ચોક્કસ પસંદગી નહોતા ધરાવતા. જેમ કે શોભના સમર્થ (‘રામ રાજ્ય’, ૧૯૪૩) રાજકુમારીનો અવાજ પસંદ કરતાં હતાં પણ જો સંગીતકાર અલગ વિચારતા હોય તો તેમનું ચાલતું નહીં. તે સમયે સામાન્ય રીતે નિર્માતાઓ સંગીતની બાબતમાં માથું મારતા નહીં.

૧૯૫૦ની ફિલ્મ ‘જાન પહેચાન’માં રાજ કપૂર માટે સ્વર આપનાર શંકર દાસગુપ્તાના જણાવ્યા પ્રમાણે અભિનેતા હકીકતે મુકેશનો સ્વર ઈચ્છતા હતા પણ સંગીતકાર ખેમચંદ પ્રકાશ પાસે તેમનું કંઈ ચાલ્યું ન હતું. પાછળના અરસામાં મુકેશને પોતાનો સ્વર બનાવનાર રાજ કપૂરે ફિલ્મ ‘પ્યાર'(૧૯૫૦)માં કિશોરકુમારના અને ‘દાસ્તાન'(૧૯૫૦)માં મહંમદ રફીના પાર્શ્વગાનનો સહારો લીધો હતો. કારણ એ હતું કે તે સમયે અભિનેતાઓની દાદાગીરી નહોતી ચાલતી અને સંગીતકારો નિર્માલ્ય નહોતા બની ગયા.

સામાન્ય રીતે સંગીતકાર જે તે ગીતને અનુરૂપ ગાયકને પસંદ કરતા હતા. એક જ પાત્ર માટે બે અલગઅલગ ગાયકોનો સ્વર હોય તેનો વાંધો નહોતો રહેતો. જેમ કે નૌશાદે ફિલ્મ ‘બાબુલ’ (૧૯૫૦)માં નરગીસ માટે અને ફિલ્મ ‘જાદુ’ (૧૯૫૧)માં નલીની જયવંત માટે અલગઅલગ ગીતોમાં લતા મંગેશકરના તેમ જ શમશાદ બેગમના સ્વરનો ઉપયોગ કર્યો હતો, ‘બાઝાર’ (૧૯૪૯) અને ‘મીના બાઝાર'(૧૯૫૦)માં અભિનેતા શ્યામને માટે સામાન્ય રીતે પાર્શ્વગાન માટે રફીનો અવાજ અનુરૂપ હતો. છતાં ફિલ્મ ‘દિલ્લગી'(૧૯૪૯)માં અભિનેતા શ્યામને માટે રફી અને ગાયક શ્યામ કુમારના સ્વરનો ઉપયોગ કરાયો છે. એક જ અભિનેતા માટે બે અલગઅલગ ગાયકોના સ્વરના ઉપયોગને નૌશાદ એ રીતે વાજબી ઠરાવતા હતા કે દર્શકો જાણતા જ હોય છે કે અભિનેતા માટે અન્ય કોઈ ગાઈ રહ્યું છે. આથી અવાજ જે તે ગીતની તરજને અનુરૂપ હોય તો એ બાબતે કશો ફેર ન પડે.

નાયક દિલીપકુમારને ‘મેલા’ (૧૯૪૮). ‘અનોખા પ્યાર’ (૧૯૪૮) અને ‘અંદાઝ’ (૧૯૪૯) જેવી ફિલ્મોમાં મુકેશનાં ગાયેલાં ગીતો વડે ખાસ્સો ફાયદો થયો હતો. પણ તે પછીના સમયગાળામાં તેમને મહંમદ રફી અને તલત મહમૂદ માટે લગાવ થવા લાગ્યો. એવા સંજોગોમાં તેમને પોતાને માટે મુકેશના સ્વરનો ઉપયોગ કરવા બાબતે શંકા ઉઠવા લાગી.

દિલીપ કુમાર, તલત મહમૂદ, મુકેશ

૧૯૫૩ની ફિલ્મ ‘માશૂકા’ કે જેમાં મુકેશે અભિનય કર્યો હતો, તે પીટાઈ જતાં તેમની ગાયક તરીકેની કારકીર્દિ જોખમમાં આવી ગઈ હતી. ફિલ્મ ‘યહૂદી’ (૧૯૫૮) વખતે મુકેશની લડખડી  ગયેલી કારકીર્દિની આકરી કસોટી સંગીતકારો શંકર-જયકિશન દ્વારા નહીં પણ અભિનેતા દિલીપકુમારની મંજૂરી થકી થવાની હતી. દિલીપકુમાર મુકેશના અવાજ બાબતે શંકાશીલ હતા. પણ તેમણે ગીત સાંભળતાં જ એને અનુમોદન આપી દીધું. તે ગીત યે મેરા દિવાનાપન હે ખૂબ લોકપ્રિય થયું અને મુકેશ ફરીથી ઉપર ઉઠી આવ્યા. વિધીની વક્ર્તા એ હતી કે આમ બનવા પાછળ મુકેશની કૂંડળીમાં બેઠેલા સિતારાઓની નહીં પણ તેમના અવાજને મંજૂર કરનાર ફિલ્મી સિતારાની કૃપાદૃષ્ટિ કારણભૂત હતી!

‘જંગલી’ના ગીત ચાહે કોઈ મુઝે જંગલી કહે ની સફળતા પછી મહંમદ રફીને શમ્મી કપૂરના અવાજ તરીકેની નવી ઓળખ મળી, જે જરાયે વાજબી નહોતી. જાણે કે રફીની છબી સિતારાની છબીમાં ભળી ગઈ હતી. એ જ રીતે મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ (‘આરાધના’, ૧૯૬૯), યે શામ મસ્તાની (‘કટી પતંગ’, ૧૯૭૦) અને ચિનગારી કોઈ ભડકે (‘અમર પ્રેમ’, ૧૯૭૧) જેવાં ગીતોની સફળતાને કારણે કિશોર કુમાર રાજેશ ખન્નાના અવાજ તરીકે ઓળખાવા લાગ્યા, જાણે કે તે ગાયકની પોતાની કોઈ હસ્તિ જ ન હોય!

પ્રવર્તમાન સ્થિતિ સિનેઉદ્યોગના પૂરેપૂરા બજારીકરણનું પરિણામ છે. અત્યારની ફિલ્મોનાં ગીતો  સાંભળવા કરતાં જોવાં સારાં.

નોંધ :

તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.

મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com