
દેવિકા રાહુલ ધ્રુવ
કવયિત્રી રક્ષાબહેન શુક્લ તરફથી ‘પારિજાત પૅલેસ’ની ‘પીડીએક’ ફાઈલ મળી. ૨૦૪ પાનાંમાં પથરાયેલ ૨૧ નિબંધોનો આ સંગ્રહ ગઈકાલે જ પૂરેપૂરો વંચાઈ ગયો. વાંચી લીધા પછીનો પ્રથમ પ્રતિભાવ મનમાંથી એ ઊઠ્યો કે, આહાહા… ૨૧ ઓરડાઓના આલિશાન રાજમહેલમાં નિરાંતે મ્હાલીને ખુશી ખુશી આ બેઠી. વિચાર આવ્યો કે, આ તે પારિજાતનો પૅલેસ હતો કે રક્ષાબહેનની પ્રકૃતિનો કુદરતી પૅલેસ!! વિગતે જવાબ મેળવવા કલમ હાથમાં લેવાઈ જ ગઈ.
સુગરીના માળાથી શરૂ થયેલ નિબંધમાળા પારિજાત પૅલેસ સુધી ફેલાઈ. વચમાં લેખિકાએ કુદરતના ગોખલે થતાં દીવડાઓની જેમ એક પછી એક ઘણાં તત્ત્વોને ઝગમગાવ્યાં. ફૂલો, પતંગિયા,વૃક્ષો,પાણી,પર્વત,પંખીઓ,સાંજ,આકાશ,ઋતુઓ,સઘળું મન મૂકીને સજાવ્યું. લગભગ દરેક નિબંધ સરેરાશ ૬ થી ૯ પાનાંનો છે પણ મારાં આશ્ચર્ય વચ્ચે સુગરીના માળા જેવા વિષયને લેખિકાએ ૧૧ પાનાંઓમાં ઠાલવ્યો; જાણે તેમણે પણ એક મઝાનો, સુગરીના માળા જેવો જ ખૂબીભર્યો શબ્દ-અર્થ-ભાવોનો માળો બનાવ્યો! એમાં ફરવાની સૌથી વધારે મઝા આવી તેમ કહું તો જરાયે અતિશયોક્તિ નથી. કદાચ એટલે જ આ નિબંધસંગ્રહમાં તેને પ્રથમ સ્થાને રાખ્યો હશે?! તે પછી પતંગિયા, ચકલી, સાંજ, વરસાદ,પાનખર અને પહાડ વગેરે નિબંધોમાં રહેલી વિગતો અને વર્ણનો કાબિલેદાદ છે. પારિજાતની સુગંધ તો ‘જીયો જીયો’ અને ‘ભયો ભયો’.
પારિજાતના મઝાના મુખપૃષ્ઠ સહિત દરેક નિબંધનાં ચિત્રો અને કાવ્યમય શિર્ષકો અતિ આકર્ષક. આમ તો બધા જ વિષયો જાણીતા અને અનુભૂત હોવા છતાં લખાણની એક આગવી રીત અને શૈલી સતત રસપ્રદ રહી. પ્રત્યેક નિબંધમાં સુંદર રીતે વિષયનો ઈતિહાસ, ક્રિયાઓ કે રીતભાત, કંઈક નવીનતા વગેરે, સંશોધન અને અનુભવને આધારે અને અદ્ભૂત રીતે આલેખ્યાં છે. તેમની વર્ણનશક્તિ પર આફરીન પોકારી જવાય. પૂર્વ અને પશ્ચિમનાં સર્જકોનાં અવતરણો, વિષયને સાંકળતી મઝાની અને યથોચિત કવિતાઓ અને બિલકુલ અનુરૂપ ચિત્રો આ પુસ્તકમાં ચાર ચાંદ લગાવી દે છે. તેમાં વળી લેખિકાએ અંગ્રેજી અને ગુજરાતી શબ્દોના વિનિયોગ કરીને પોતે કોતરેલા હળવા-મિજાજી, મસ્ત મઝાના શબ્દો મનભાવન બની ગયા. સાંજને કંપોઝ કરવાની કલ્પના કેટલી નવી અને મનોરમ્ય! તો વળી ઘણાં શબ્દો અને વાક્યો પણ મનમંદિરમાં ઘંટારવની જેમ રણકતાં અનુભવ્યાં જે ટાંકવાનું ગમે જ, ગમે. જોવેબલ,પીવેબલ,પથારીસ્થ, ચંપાચાલીસા,લવચીક્તા વગેરે શબ્દો ચિત્તમાં સ્મિત ફરકાવી જાય.
નીચેના વાક્યો મમળાવવાં જેવાં લાગ્યાંઃ
- ક્યારેક મને થાય છે કે મારામાં વૃક્ષ ઊગી ગયું છે,રુંવાડે રુંવાડે ઘાસ ઊગ્યું છે અને બેય હાથ ડાળીઓ બની ગયા છે.
- ગીતામાં કૃષ્ણ ભૂલી ગયા હશે કે બિલ્ડર્સમાં હું સુગરી છું!
- કોશેટાની ઈયળનો સંઘર્ષ પતંગિયાના જીવનનો અનિવાર્ય તબક્કો હોય છે.
- ચાર પાંખથી આઠ પ્રહરમાં ઊડતાં પતંગિયાને ૬૦૦૦ લેન્સવાળી આંખો હોય છે!
- વસંતમાં પથ્થર પણ અત્તર થઈ જાય છે.વસંતનું સરનામું વૃક્ષ છે તો ફૂલો એની નેઈમપ્લેટ છે.
- બે ડાળી વચ્ચેથી ચળાઈને આવતો તડકો ‘જોવેબલ’ અને તેની વચ્ચે રહેલી સુગંધ ‘પીવેબલ’ હોય છે.
- ચકલીનું ચી ચીં સાંભળી જો આભ ઈર્શાદ કરતું હોય તો આપણે પણ દાદનો દરબાર સજાવીએ.
- સાંજે કલમને પ્રસવ થાય છે.
- સાંજને ઘૂંટડે ઘૂંટડે ન પીવાય, એને ચગળવી પડે.
- આકાશ કદી ‘કાશ’ બની શકે નહિ.
- ટીપાંનું તોરણ બાંધેલું આકાશ.
- વાદળ ભારે પગલે થાય ત્યારે ચોમાસુ બેસે છે.
- દરિયાનાં મોજાં જાણે ગારનાં લીંપણમાં થતી ઓકળીની ભાત.
- આંસુ વહેવાની સાથે જાણે દર્દનો મોક્ષ થાય છે..
- પાણી વચ્ચે કોરું કોરું તરફડવું.
- સૂક્કાં પાંદડાંઓની તામ્રવર્ણી જાજમ.
- ‘ખરું ખરું’ થતાં પાંદડાં વચ્ચે ‘ફૂટું ફૂટું’ નો પ્રાસ સધાતો રહે છે.
- નદી એટલે પૃથ્વીની ધમની.
- વૃક્ષોનાં ઘોડિયાઘર જેવી નર્સરી.
- સ્મરણોની સેઈફ ડીપોઝીટમાં પડેલાં પારિજાત.
આવાં તો ઘણાં બધાં વાક્યો અને વર્ણનો છે જેની આ તો માત્ર ઝલક દર્શાવી છે. તેમણે પ્રયોજેલા શબ્દોની કૂંપળમાંથી અર્થોના ફણગા આપમેળે ફૂટે છે.
શ્રી કૃષ્ણકાંત ઉનડકટે લખ્યું છે તેમ,’ ફૂલોના નિબંધ વાંચો તો સુગંધ અને પાણીના નિબંધ વાંચો તો ભીનાશ અનુભવાય; પહાડના નિબંધોમાં ઊંચાઈ અને લીમડામાંથી મીઠાશ મળે.” ‘સુગરીનો સ્વયંવર’તો જાણે રોમાંચિત કરતું જતું ચલચિત્ર જ લાગે. રક્ષાબહેન ખુદ જે કહે છે તેય સાવ સાચું છે કે,પોતે પદ્યમાં ઉઘડે છે તો ગદ્યમાં વિસ્તરે છે. સુગંધિત અજવાળાં પથરાયેલ આ પુસ્તક વધારે ગમવાનું બીજું એક કારણ એ પણ ખરું કે મારા પ્રકૃતિપ્રેમી માંહ્યલાને એમાં સ્વાનુભૂતિનાં પ્રતિબિંબો સતત તરવરતાં દેખાતાં હતાં. વાંચતાં વાંચતાં ઝૂમી ઊઠાતું.
તટસ્થપણે લખવાનો મનસૂબો છતાં આમાં રહેલાં એકાદ-બે નીચેના દોષોને આંખતળે કાઢવા જ મન લલચાય છે!
-‘પાની રે પાની’નિબંધમાં પાણીની તરસના અનુસંધાનમાં,‘યુગોથી ધીંખેલા પ્રખર સહરાની તરસ’એ સુંદરમની પંક્તિઓ વિશે કવિ શ્રી સુરેશ દલાલનું નામ ભૂલથી છપાયું જણાય છે.
-‘ગરમાળો અને ગુલમહોરની ગ્રીષ્મગીતા’માં એક જ ફકરામાં ‘બફા સો નફા’નો બે વખત ઉલ્લેખ અને એ જ રીતે ‘ઉ.જો. પ્રવાસને એક પ્રકારની અંતરયાત્રા કહે છે’ તે વાક્ય પણ તરત જ બે લીટી પછી ફરી લખાયું છે.
-ફાગણનાં ફૂલોવાળા નિબંધને અંતે ફાગણની કવિતા પછી, વરસાદ અંગે મૂકાયેલ ગુણવંત શાહની કવિતા, એ સ્થાને અસંબંધિત જણાઈ.
અંતે,સમાપનમાં એટલું જરૂર કહેવાનું ગમશે કે,‘પ્રવૃત્તિના પાવરહાઉસ’તરીકે ઓળખાતાં રક્ષાબહેનની કલમ અહીં ‘પ્રકૃતિના સૂપ્રીમ પ્રેમી’તરીકેની ઉત્તમ છાપ ઉપસાવી શકી છે. ઇંદ્રધનુના સપ્તરંગી રથ પર સવાર થયેલ આ પ્રકૃતિલીલાનું પુસ્તક, વાચકનાં અંતરમાં એક ખુશ્બોદાર ખૂણો બનાવી મઘમઘી ઊઠશે.પારિજાતપ્લાવિત રક્ષાબહેનનાં સર્જનને વહાલપની સુગંધભર્યા અભિનંદન અને કલમને વંદન.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન,અમેરિકા | Ddhruva1948@yahoo.com

અહા!! રક્ષા શુક્લના મજાનાં પુસ્તકનું દેવિકા ધ્રુવનું રસપ્રદ વર્ણન, બહુ ગમ્યું.
સરયૂ.
LikeLiked by 1 person
Thank you, Saryuben
LikeLiked by 1 person
દેવિકાબેન, ખૂબ ખૂબ સુંદર અવલોકન..
તેમાં ભળેલો આપનો નિર્વ્યાજ સ્નેહ…ઉત્તમ સાહિત્યપ્રેમ અને ઊંડો અભ્યાસ હંમેશની માફક સ્પર્શે છે…દેખાય છે..ખૂબ ખૂબ આભાર જી…🌹🙏🏻🌹🙏🏻🌹
LikeLike