દીપક ધોળકિયા
૧૮૫૭ના જાન્યુઆરીમાં બંગાળના ડમડમની સિપાઈ છાવણીમાં એક બ્રાહ્મણ સિપાઈ હાથમાં પાણીનો ભરેલો લોટો લઈને પોતાના અલગ રસોડા તરફ જતો હતો ત્યારે રસ્તામાં એને શસ્ત્રાગારનો સેવક – ‘ખલાસી’ – મળ્યો એ નીચી જાતનો હતો. એણે બ્રાહ્મણ પાસે પાણી માગ્યું, પણ બ્રાહ્મણે ના પાડી કે “મેં લોટો માંજીને તાજું પાણી ભર્યું છે, તું એને અભડાવી દઈશ.” ખલાસીએ રોકડું પરખાવ્યું: “ઊંચી જાતની બડાઈ ન હાંકો, મારા અડવાથી લોટો અભડાઈ જાય પણ ‘સાહેબલોક’ ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસ દાંતેથી તોડાવશે ત્યારે શું કરશો?” બ્રાહ્મણ ડઘાઈ ગયો. ઍન્ફિલ્ડ રાઇફલનાં કારતૂસો ડમડમનાં શસ્ત્રોનાં કારખાનામાં જ બનતાં હતાં અને ખલાસી ત્યાં જ કામ કરતો હતો એટલે એની વાતમાં વજૂદ હોઈ જ શકે. બ્રાહ્મણ સિપાઈએ આ વાત પોતાના સાથીઓમાં ફેલાવી. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. ખરેખર જ કારતૂસો પર ચરબી ચડાવેલી હતી. એમને માત્ર ધર્મભ્રષ્ટ થવાનો જ નહીં, નાતબહાર મુકાવાનો પણ ભય હતો. ડમડમથી આ વાત બરાકપુરની ૩૪મી નૅટિવ ઇન્ફન્ટ્રીની છાવણીમાં અને એના એક યૂનિટ રાનીગંજમાં પણ પહોંચી ગઈ. બરાકપુરમાં તો આક્રોશ વ્યાપી ગયો. સિપાઈઓએ મોટે પાયે તોડફોડ કરી અને અંગ્રેજ અફસરોનાં ઘરોને આગ લગાડી દીધી.
૧૮મી અને ૨૬મી ફેબ્રુઆરીએ ૩૪મી ઇન્ફન્ટ્રીની બે ટુકડીઓ બરહામપુર ગઈ. ત્યાં ૧૯મી ઇન્ફન્ટ્રી ગોઠવાયેલી હતી. એટલે વાત ત્યાં પણ પહોંચી. ૧૯મી ઇન્ફન્ટ્રીના સૈનિકોએ તે જ દિવસે સાંજે બીજા દિવસની સવારે પરેડમાં કૅપ ન પહેરવાનું નક્કી કરી લીધું. કર્નલ મિચેલે એમને ધમકાવ્યા પણ એ માન્યા નહીં. એ ફરી રાતે ગયો. એને કોઈકે સમજાવ્યું કે સિપાઈઓની વાત સમજવી જોઈએ, પણ એણે ફરી ધાકધમકીઓ આપી. જો કે બીજા દિવસની સવાર સુધીમાં સિપાઈઓએ શાંતિ રાખી અને પરેડડમાં ભાગ લીધો અને બધા હુકમોનું પાલન કર્યું.
સરકારે ‘કોર્ટ ઑફ ઇંક્વાયરી’ દ્વારા આખી ઘટનાની તપાસ કરાવી અને નક્કી કર્યું કે આને સ્થાનિકની ઘટના ગણી લેવી. કર્નલ મિચેલ પર આળ આવ્યું કે એણે સિપાઈઓ સાથે શાણપણથી વાત ન કરી એટલે વાત વણસી. કર્નલ મિચેલને કોઈ લશ્કરી ટુકડીની આગેવાની સંભાળવા માટે અયોગ્ય ઠરાવવામાં આવ્યો. આખી ઘટના પર પરદો પાડી દેવામાં આવ્યો પણ પછી ૧૯મી ઇન્ફન્ટ્રીને વીખેરી નાખવામાં આવી.
ઉલટું થયું. વાત ૩૪મી ઇન્ફન્ટ્રીમાંથી ૧૯મી ઇન્ફ્રન્ટ્રી સુધી પહોંચી હતી, પણ સજા ૩૪મી ઇન્ફન્ટ્રીને ન થઈ. એમને દાંતથી ખોલવાને બદલે હાથના નખથી ખોલવાની પણ છૂટ મળી, પણ સિપાઈઓ સમજી ગયા કે ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસો તો રહેશે જ. એટલે એમણે કહ્યું કે એમને દાંતથી જ ખોલવાની ટેવ છે અને એમાં કંઈ ફેરફાર ન થઈ શકે. કર્નલ હીઅરસેએ એમને ખાતરી આપી કે એમને જે કરવું હોય તે કરે, સજા નહીં થાય; સજાને લાયક તો ૧૯મી ઇન્ફન્ટ્રી હતી. આ કારણે ૩૪મી ઇન્ફન્ટ્રીના સિપાઈઓને નામોશી જેવું લાગ્યું. એમની લાગણી એ હતી કે એમને આડકતરી રીતે કહે છે કે ૧૯મી ઇન્ફન્ટ્રી જેવું કરવામાં સાર નથી. આ માની લેવું એ એમની ભીરુતા જ ગણાય. આમ કંઈ સજા ન થવાથી ઊકળાટ વધ્યો.
મંગલ પાંડે
૨૯મી માર્ચે ૩૪મી બેંગાલ નૅટિવ ઇન્ફન્ટ્રીના એક સિપાઈ મંગલ પાંડેએ એકલા જ ખુલ્લો બળવો કર્યો. એ ક્વાર્ટર-ગાર્ડની સામે એકલા ફરતા હતા અને બીજા સિપાઈઓને પોતાનો ધર્મ બચાવવા માટે બહાર આવવા આહ્વાન કરતા હતા. એ ખુલ્લી જાહેરાત કરીને જે યુરોપિયન અફસર નજરે ચડે એને મારી નાખવાનું કહેતા હતા. ઍડજ્યુટન્ટ બૉગને આ સમાચાર મળતાં એ ધસી આવ્યો. મંગલ પાંડેએ એના પર ફાયરિંગ કર્યું પણ ગોળી એના ઘોડાને વાગી. બૉગ પણ ઘોડા સાથે જ નીચે પટકાયો. હવે મંગલ પાંડેએ તલવાર કાઢી અને બૉગ પર હુમલો કર્યો. તલવારના ઘા બૉગની ગરદન અને ડાબા હાથ પર પડ્યા. સાર્જન્ટ મેજર બૉગને બચાવવા દોડ્યો પણ મંગલે એને પણ પાડી દીધો. એ વખતે બીજો એક સિપાઈ શેખ પલટુ યુરોપિયનોને બચાવવા દોડ્યો અને મંગલ પાંડેને પકડી લીધા. બીજી બાજુ વીસેક સિપાઈઓ આ બધું જોતા રહ્યા. કર્નલ વ્હીલરે નાયક ‘જમાદાર’ ઈશ્વરી પ્રસાદને હુકમ કર્યો પણ ઈશ્વરી પ્રસાદે પરવા ન કરી. તે પછી એ સૌનો ઉપરી બ્રિગેડિયર ગ્રાન્ટ આવ્યો ત્યારે અંગ્રેજ અફસરોએ કહ્યું કે સિપાઈઓ હુકમ નથી માનતા. ગ્રાન્ટે પોતાની પિસ્તોલ તાકીને બીજા સિપાઈઓને મંગલ પાંડેને પકડવાનો હુકમ આપ્યો અને ચેતવણી આપી કે જે નહીં માને તેના પર એ તરત ગોળી છોડી દેશે. તે પછી સિપાઈઓએ મંગલને પકડી લીધા. મંગલે તરત પોતાની બંદૂકની નળી પોતાના લમણે લગાડી અને ગોળી છોડી. એ ઘાયલ થયા પણ મર્યા નહીં.

મંગલ પાંડે સામે કામ ચાલ્યું અને આઠમી ઍપ્રિલે એને ફાંસી આપી દેવાઈ. ઈશ્વરી પ્રસાદને પણ ૨૧મી ઍપ્રિલે ફાંસીએ લટકાવી દેવાયા. શેખ પલટુને પ્રમોશન આપીને હવાલદાર બનાવાયો પણ થોડા વખત પછી બરાકપુરમાં જ એક નિર્જન જગ્યાએ એનું ખૂન થઈ ગયું. વ્હીલરને પણ મિચેલની જેમ ગેરલાયક ઠરાવીને હટાવવામાં આવ્યો.
આ ઘટના પછી ૩૪મી ઇન્ફન્ટ્રીને પણ વીખેરી નાખવામાં આવી. એમાં મોટા ભાગના સિપાઈઓ અવધમાંથી આવ્યા હતા. બંગાળ છોડીને એ પાછા અવધ આવ્યા. ૧૮૫૬માં અવધના નવાબ વાજિદ અલી શાહની ગાદી ડલહૌઝીએ રાજ્યમાં અંધાધૂંધી હોવાના નામે ઝુંટવી લીધી હતી. આથી લોકોમાં રોષ અને કંપની રાજ તરફ નફરત તો હતી જ, તેમાં આ સિપાઈઓએ કારતૂસોની વાત કરતાં અજંપો વધ્યો. એટલું જ નહીં, ૩૪મી ઇન્ફન્ટ્રી વીખેરી નાખવાના નિર્ણયની અસર આખા બેંગાલ આર્મી પર પડી. એની ટુકડીઓ જ્યાં પણ ગોઠવાયેલી હતી ત્યાં એના છાંટા ઊડ્યા. અંબાલામાં પણ આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થયું. ત્યાં પણ સિપાઈઓએ અંગ્રેજ અફસરોનાં ઘરોને બાળી નાખવાની યોજના બનાવી હતી. લખનઉમાં તો આખી રેજિમેન્ટે કારતૂસોને હાથ લગાડવાની ના પાડી દીધી. મે મહિનાની ત્રીજી તારીખે અંગ્રેજ અફસરો સુધી વાત પહોંચી કે બળવાખોરોએ અંગ્રેજોને મોતને ઘાટે ઉતારી દેવાનું નક્કી કર્યું છે. અવધના ચીફ કમિશનર હેનરી લૉરેન્સે તાબડતોબ પોતાની ટુકડી ઊભી કરી અને બળવાખોરોને દબાવી દીધા. ઘણાખરાએ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં.
આર. સી. મજૂમદાર ઇતિહાસકાર મેલસનને ટાંકે છે કે “ખલાસીએ બ્રાહ્મણ સિપાઈને કહ્યું તે પછી માત્ર ત્રણ મહિનામાં કારતૂસો સામે સિપાઈઓનો બળવો આખા દેશમાં ફેલાઈ ગયો.” બીજી એક અફવા એ પણ ફેલાઈ ગઈ કે ઑફિસરો લોટમાં ગાયના હાડકાનો ભૂકો મેળવે છે અને કૂવામાં નાખે છે. કાનપુરમાં આ અફવાએ એટલું જોર પકડ્યું કે સિપાઈઓએ સસ્તા ભાવે મેરઠની છાવણીમાંથી આવતો લોટ વાપરવાની ના પાડી દીધી. એ જ અરસામાં રોટી અને કમળ ફરતાં થયાં. એ ક્યાંથી આવ્યાં તે કોઈ જાણતું નહોતું.
એક વાત ખાસ યાદ રાખવી જોઈએ. ઇતિહાસકારો હકીકતોને સંપૂર્ણ માન આપે છે, હકીકત દલીલનો વિષય નથી બનતી. પરંતુ આમ છતાં દરેક ઇતિહાસકારનું આ હકીકતોનું અર્થઘટન જૂદું પડે છે. કોઈને અમુક ઘટનાઓમાં એક કડી દેખાય છે, તો બીજાની નજરે બે ઘટનાઓ સ્વતંત્ર હોય છે. મજૂમદાર માને છે કે સિપાઈઓનો બળવો અલગ ઘટના હતી, એમને કોઈએ ભડકાવ્યા નહોતા. એમણે પોતાના ધર્મને બચાવવાથી વધારે મોટા ધ્યેય માટે બળવો નહોતો કર્યો. બીજી બાજુ, સાવરકર માને છે કે સિપાઈઓના બળવા પાછળ કોઈ રાજકીય સંગઠન કામ કરતું હતું, જેની યોજના અંગ્રેજી હકુમતને પડકારવાની હતી. સાવરકર નાના સાહેબના સલાહકાર અઝીમુલ્લાહને આ યોજનાનો યશ આપે છે.
એ જે હોય તે, કદાચ સિપાઈઓનો બળવો જુદી ઘટના હોય કે નહીં, એમાંથી જ એક દિશા ભાવનાત્મક સ્તરે પ્રગટ થતી હતી; કદાચ સિપાઈઓનો બળવો એનું સંતાન હોય અથવા એ ભાવના સિપાઈઓના બળવાનું સંતાન હોય. આપણા માટે એમાં બહુ અંતર નથી. એટલે એટલું જ નોંધીએ કે ૧૮૫૭નો મે મહિનો શરૂ થયો ત્યારે સ્થિતિ બહુ વિસ્ફોટક હતી પણ એમાંથી મોટા પાયે વિદ્રોહ ફાટી નીકળશે એવા સંકેત નહોતા. આ બધા બળવા કારતૂસોને કારણે હતા, એને આખી અંગ્રેજ સલ્તનત સામેના વિદ્રોહનું રૂપ હજી નહોતું મળ્યું, પણ લખનઉમાં બળવાને દબાવી દેવાયો તે પછીના એક જ અઠવાડિયે સિપાઈઓના બળવાએ રાષ્ટ્રીય વિદ્રોહનું રૂપ ધારણ કરી લીધું. આના માટે આપણે આવતા અંકમાં મેરઠ જઈશું.
સંદર્ભઃ
(૧) The Sepoy Mutiny and The Revolt of 1857 આર. સી. મજૂમદાર, ૧૯૫૭
(૨) INDIAN WAR OF INDEPENDENCE 1857 વિ. દા. સાવરકર (http://savarkar.org_the_indian_war_of_independence_1857)
(૩) વિકીપીડિયા
(૪) અહીં પહેલાં પ્રકાશિત થયેલી શ્રેણી ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૨: ૧૮૫૭ – બળવાની શરૂઆત (૨) (આ લેખકની લેખમાળા)
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી

“એ વખતે બીજો એક સિપાઈ શેખ પલટુ, યુરોપિયનોને બચાવવા દોડ્યો અને મંગલ પાંડેને પકડી લીધા… શેખ પલટુને પ્રમોશન આપીને હવાલદાર બનાવાયો પણ થોડા વખત પછી બરાકપુરમાં જ એક નિર્જન જગ્યાએ એનું ખૂન થઈ ગયું…” શેખ પલટુમીયા … Karma!!!
LikeLike