એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

તૂટક તૂટક જો કહો તો વીતક સુણાવી દઉં,
મને એ રામકહાણી સળંગ યાદ નથી.

− ઘાયલ

અહીં આપેલા પ્રસંગોમાં, એક ડૉક્ટર-સર્જન તરીકે મને જે કોઈ અનુભવો થયા છે તેનો સત્યથી નજીક રહીને આલેખ કરેલો છે. એનું સાહિત્યિક મૂલ્ય ન પણ હોય. છતાં સમાજમાં જે બની રહ્યું છે એનો સામાજિક સંદર્ભ જરૂર છે.

આ લખવાનો ઉદ્દેશ શું? કોઈને આવો પ્રશ્ન થાય, તો મારે કહેવું જોઈએ કે વાંચનારને આ બધા લેખોમાંથી કંઈક જાણવા-સમજવા જેવું મળશે જ! કોઈને ભલે કદાચ આત્મશ્લાઘા લાગે, પણ મારો આશય સત્યને રજૂ કરવાનો રહ્યો છે એ અંતે સમજાશે.

મુખ્ય વાતના સારનું મહત્ત્વ જળવાય એટલા ખાતર મેં ઘણું બધું છોડી દીધું છે. સ્થળ, વ્યક્તિ, દર્દી, ડૉક્ટરો, વગેરેનાં નામ અધ્યાહાર રહે એ જરૂરી છે. માણસ માત્ર ભૂલને પાત્ર! કોઈને નુકસાન થાય એવું કામ કોઈએ જાણી જોઈને ન કર્યું હોય, તો એ માફીને પાત્ર છે.

આડકતરી આંગળી ચીંધાય છે,
નામ તો ક્યાં કોઈનું લેવાય છે!

−ખલીલ ધનતેજવી

વાંચનારે એટલું ખાસ યાદ રાખવું, કે અહીં જે પ્રસંગો-ઑપરેશનોનું વર્ણન કરવામાં આવ્યું છે તે ખૂબ જ ટૂંકમાં, રસ જળવાય એ રીતે લખાયું છે. બિનજરૂરી માહિતી આપી નથી. એક ઑપરેશન કરવામાં કેટકેટલી તૈયારી કરવી પડે! ઑપરેશન કરનાર ડૉક્ટર અને સ્ટાફની માનસિક સ્થિતિ દરેક વખતે કેવી હોય એ તો ફક્ત એમને જ ખબર હોય! ફિલ્મોમાં ઘણીવાર આ બધું થોડું નાટકીય રીતે બતાવાય છે. પરંતુ ડૉક્ટરો અને સ્ટાફ હંમેશા સતર્ક, તૈયાર છતાં હળવા મૂડમાં રહી શકે છે, તો અઘરા અને ગંભીર દર્દીના ઑપરેશન વખતે શાંતિ જાળવી, પોતાની પૂરી આવડત અને તાકાતથી છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરતા હોય છે.

હજી સુધી ભગવાનમાં માનતો ન હોય એવો કોઈ ડૉક્ટર મેં જોયો નથી! આખરે તો આ દુનિયાનું સંચાલન કોઈ અદૃશ્ય શક્તિ કરે છે. ડૉક્ટર તો નિમિત્ત માત્ર હોય છે એનો સ્વીકાર કરવો જ પડે! જે દિવસે ડૉક્ટર એમ માનવા લાગે કે પોતે જ સર્વસ્વ છે, તે દિવસથી એની પડતી શરૂ થઈ જાય છે. આજના જમાનામાં આ સત્ય ખૂબ જ વિચાર માગી લે એવું છે.

મને એક પ્રશ્ન કાયમ સતાવે છે.

દર્દી રોગ કે અકસ્માતને લીધે ગંભીર હોય, અને સારવાર દરમ્યાન મૃત્યુ પામે, તો તેનું મોત બિમારીને કારણે ગણાય કે સારવાર કરનાર ડૉક્ટરને કારણે?

♦                                              ♦

મીઠાઈ ખાતાં આનંદ આવે, ત્યારે તેમાં પેલા ખેડૂતનો, તેના પહેલાનાં અને પછીના માણસોનો પણ હાથ હોય છે એ કોઈને યાદ આવતું નથી! મારા પુરુષાર્થ અને પ્રારબ્ધ રૂપે જે જાણ્યા-અજાણ્યાનો સાથ મળ્યો છે એ કેમ ભૂલી શકું?

મને જે કંઈ સફળતા મળી છે તેમાં મારી સાથે કામ કરતા ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, વોર્ડબૉય અને સફાઈ કામદારો અને સીધા કે આડકતરી રીતે મદદ કરનારા સૌનો ખૂબ મોટો ફાળો છે. ખાસ કરીને સમય સમય પર બદલાતા રહેતા એનિસ્થેટિસ્ટ ડૉક્ટરોનો હું આભારી છું, એ પડદા પાછળના હીરો છે.

આ પુસ્તકને ખૂબ જ ઉમળકાથી આવકારી બધી જ જવાબદારી નિભાવી છાપવા સુધીની પ્રક્રિયામાં મને સલાહ-સૂચનો કરી મિત્રતા નિભાવી છે, એવાં ‘સાયુજ્ય પ્રકાશન’ના ચંદારાણા દંપતી શ્રી અશ્વિનભાઈ અને માનનીય મીનાક્ષીબેનનો હું આભારી છું. એમની સાથેની મિત્રતાનું મને પણ ગૌરવ છે.

ઘણા મિત્રો મળ્યા, જેઓ હજુ પણ એક સંબંધીની જેમ મને માન આપે છે, અને પોતાની ઘરની જ વ્યક્તિ માનીને પોતાના ઘરના બધા જ સારા-નરસા પ્રસંગે મને સાથે રાખે છે. બહારના લોકો તરફથી મને જે માન-મરતબો મળ્યાં છે તે કુટુંબ કે સમાજ તરફથી મળ્યા નથી. કારણ? કારણ એ જ કે હું તેમની સાથે ભળી શક્યો નહીં, મારા વ્યવસાયને કારણે! અને ઘણાએ મારા પગ ખેંચવાનું કામ પણ કર્યું છે. જો કે આ બાબતે વિચારું છું ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. ઓળખીતા અને મિત્રો ઉપર વિશ્વાસ અને દયા રાખીને લીધેલા ખોટા નિર્ણયોથી મેં ખૂબ જ વેઠ્યું છે. પીઠ પર ખંજર મારનારા તો આપણા જ હોય છે!

મારી પત્ની સરોજ અને મારી વ્હાલી જોડિયા દીકરીઓ ચિ. કૃતિ અને કવિતાને હું પૂરતો સમય આપી શક્યો નથી. તેઓ મને માફ કરે છે, કરશે. પડદા પાછળ રહીને પણ મારા વિપરિત દિવસોમાં સાથે રહીને તેમણે મને સહકાર આપ્યો છે.

પ્રાઇવેટ પ્રૅક્ટિસ બંધ કરવાનાં કારણોમાં મુખ્યત્વે આર્થિક કારણ હતું, પણ ઊંડે-ઊંડે અંગત, સામાજિક, પ્રોફેશનલ અને વૈચારિક કારણો પણ હતાં, જેની ચર્ચા અત્યારે અસ્થાને છે.

કહેવાનું, લખવાનું ઘણું બધું બની ગયું છે મારા જીવનમાં. પણ એનાથી સમાજને શું ફાયદો? મારા અંગત સુખ કે દુઃખના પ્રસંગો, પ્રશ્નો ન લખવાનો મારો નિર્ણય મને યોગ્ય જ લાગ્યો છે. જેઓ મને અંગત રીતે જાણે છે, તેમને જણાવવાની જરૂર નથી, અને જેઓ મને જાણતા નથી, તેમને કહેવાનો કોઈ મતલબ નથી. એક પ્રસંગ જે જરૂરી હતો તે સમાવી લીધો છે.

જીવનનો જંગ હંમેશા તમે જીતી ગયા છો ‘સાજ’,
બધાયે મોરચે લડતાં ખુમારી સાચવી રાખી!

બાકી શરૂઆતની પ્રસ્તાવનામાં જે કહેવાયું છે તે જ સત્ય છે.

વ્યક્તિની સફળતા એના એકલાની નથી હોતી. હા, નિષ્ફળતામાં મોટેભાગે પોતે જ જવાબદાર હોય છે.

અસ્તુ!


ક્રમશ: — ભાગ – ૨


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.