નવી કલમની કવિતા અને આસ્વાદ

આજે એક અલગ બાની અને અલગ મિજાજનું વિરલ શુકલનું મજેદાર ગીત અને એટલો જ મજાનો ઉદયન ઠક્કરે કરાવેલો આસ્વાદ.
સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…
અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!
મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે આ ડૂબકી લગાતે!
વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા પર લગતી થી સાચી યે વારતા…
મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા જબ મામુ કો મલ્યા તા મોતી;
ગંગાસતી ને જીસે વીંધા થા ઉસકો હી મામુને લીધા તા ગોતી.
મામદેય વૈસે તો ગંજેરી માણા પણ મામુ કી તાકત વો માનતા….
અસલી મેં દરિયે કો આદત થી મામુ કી, મામુ કો દરિયાથી પ્યાર થા.
મોતી તો આંખુ કે ખીચ્ચેમેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા.
એક એક ડૂબકી મેં દરિયે કે અંદર વો અણમૂલે મોતી પધરાવતા…
સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

વિરલ શુક્લ

આસ્વાદ

એક નમ્ભરજી ડૂબકી
જ્યારે હજારો ગીતો અને ગઝલો એક જેવી ભાષામાં રચાતાં હોય ત્યારે આવી બોલીનું ગીત વાંચીને આંખોને ઠંડો કળશિયો અડક્યાનું સુખ મળે છે. જામનગર પાસેના સિક્કા-બેડા વિસ્તારના મુસલમાન વાઘેરો આવી કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી બોલે છે. ગીતનો લય પરિચિત છે, સરખાવો રમેશ પારેખની પંક્તિ, ‘ફાગણની ઝાળ ઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું.’
વર્ષો સુધી વહાણવટું એ જ દરિયાકાંઠે આવેલા સિક્કાનો મુખ્ય વ્યવસાય હતો.મામુ સલીમના પ્રસંગો ગામના રહેવાસીને મુખે કહેવાયા છે. સલીમ કેવી ડૂબકી મારતો? ઊંડી નહિ, વિશિષ્ટ નહિ, પણ ‘એક નમ્ભરજી.’ (કચ્છી શબ્દ.) શાસ્ત્રોમાં શબ્દને ‘પ્રમાણ’ કહે છે, આવી પાત્રોચિત ભાષાથી શીઘ્રપ્રતીતિ થાય છે કે સલીમ જબરી ડૂબકી મારતો હશે. બીજી પંક્તિમાં ગીતને ઉઘાડવાની ચાવી છે. સલીમને મોતી તો મળતાં જ નહિ, (મોતી-ફોતી કહીને કવિએ તેને તુચ્છકારી કાઢ્યાં છે,) પણ સલીમને ડૂબકીની વિદ્યા આવડતી. સલીમને (અને કવિને) મોતી પ્રત્યે નહિ પણ ડૂબકી પ્રત્યે પક્ષપાત છે. માટે જ શીર્ષક ‘મોતી કા ગીત’ નહિ પણ ‘ડૂબકી કા ગીત’ છે.
હવે જાણ થાય છે કે સિક્કામાં મોતી તો પાકતાં જ નહોતાં! ઓત્તારી! તો સલીમ ડૂબકી કેમ મારતો હતો? દરિયાનું વશીકરણ કરવા? આ વાત અસલમ નામના સ્થાનિક (લોકલ) માણસને નામે કહેવાઈ હોવાથી વિશ્વસનીયતા બંધાય છે. પાત્રોનાં નામ ‘વિક્રમ પટેલ, વિનય મહેતા’ એવાં નહિ પણ ‘મામુ સલીમ, અસલમ જીલાણી, મામદ ફકીર’ એવાં હોવાથી સિક્કા બંદરનો માહોલ હૂબહૂ ખડો થાય છે.
મામદ ફકીરે ઠોકી બજાવીને કહ્યું કે મામુને એક વાર મોતી મળ્યાં હતાં. મોતી પાછાં ફટકિયાં નહિ, પણ ગંગા સતીનાં! મધ્યકાળનાં ગંગા સતીનું જાણીતું પદ છે-
‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારાં થાશે જી’
ગંગાસતી પોતાની અનુચરી પાનબાઈને કહે છે કે આત્મજ્ઞાનની વિરલ પળને ઝડપી લેવી જોઈએ.
અહીં મોતી કેવળ મોતી નથી અને દરિયો કેવળ દરિયો નથી. એ બન્ને પ્રતીકો છે.
આપણને પ્રશ્ન થાય- જો સિક્કા પાસે મોતી પાકતાં જ નહોતાં તો મામુને છેવટે મળ્યાં ક્યાંથી? દરઅસલ મોતી છીપમાં નહિ પણ મામુની આંખમાં પાકતાં હતાં. તે દરિયામાંથી મોતી વીણતો નહોતો, દરિયામાં મોતી મૂકતો હતો. આવા અણધાર્યા ખુલાસા સાથે ગીત પૂરું થાય છે.
મામુ જેવા સાહસિકો માટે ખરી પ્રાપ્તિ મોતી મેળવવાની નહિ પણ ડૂબકી મારવાની છે. જીવનને અંતે આનંદ મળશે એની રાહ જોતાં રહીશું તો જીવવાનો આનંદ ચૂકી જઈશું.
ચિત્રકળામાં અને કવિતામાં પૂર્વસૂરિઓની કૃતિઓના સંદર્ભ લેવાની છૂટ અપાઈ છે. આ ગીતને સિતાંશુ યશશ્ચંદ્રના કાવ્ય ‘સમુદ્ર’ના ઉત્તરાર્ધ સાથે સરખાવી જોઈએ:
“સાગરને તળિયેથી જયારે હું બહાર આવું,
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.”
સલીમ મામુ જેવી બોલીમાં રચાયેલું બીજું કાવ્ય મેં તો વાંચ્યું નથી. તમે?
 
ઉદયન ઠક્કર