લ્યોઆ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

અશોકભાઈ ગોકળદાસ પટેલ અમેરિકાના ડલ્લાસમાં વર્ષોથી સ્થાયી થયા છે. તેમના પિતાને હું જાણું એટલે તેમણે પિતાનો વારસો અનોખી રીતે જાળવ્યો છે એ જોઈજાણીને મને ખાસ નવાઈ ન લાગે, બલ્કે એમ ન હોત તો જ નવાઈ લાગત! તન-મન અને ધનથી પણ ભારત પ્રત્યે સમર્પિત અમેરિકામાં રહેતા ગુજરાતી તરીકે ત્યાં એમની સવિષેશ ઓળખ છે. ત્યાં વસતા ગુજરાતી સમાજના કર્મશીલ આગેવાન, બિઝનેસમેન, કેળવણીકાર અને આવી તો કંઈ કેટલીય ઓળખ એમણે ત્યાં પેદા કરી છે.

ગુજરાતમાં હતા ત્યારે પણ અશોકભાઈ ગોકળદાસ પટેલે પણ ગાંધીજીસ્થાપિત ધી મજદૂર સહકારી કો-ઓપરેટીવ બેન્કના ડાયરેક્ટર તરીકે સેવા આપીને અનેક શ્રમિકોના જીવનમાં રચનાત્મક પરિવર્તન આણ્યું હતું. શહેરના મા.જે.પુસ્તકાલયના સક્રિય સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી બતાવી હતી. ગુજરાતની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ગુજરાત ફોરમના તેઓ આદ્યસ્થાપક રહ્યા. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા ‘સંસ્કાર’ના નિયામક અશોક પટેલ રહ્યા કે જે સંસ્થા સમાજના નબળા વર્ગના બાળકોને કેળવણી આપવાનું કામ કરે છે. ગુજરાત સરકારના યુથ બોર્ડ, સ્પોર્ટસ કાઉન્સિલના સભાસદ તરીકે પણ તેમણે ઉત્તમ કામગીરી કરી છે. અને ‘રૂડાબાઇની વાવ’, ‘ગુજરાતના પાટીદારોનો ઇતિહાસ’ અને ‘ડોલરની દુનિયા અમેરિકા’ જેવાં પુસ્તકો પણ તેમની જ કલમનો પરિપાક.

પહેલી વાર અમેરિકામાં પગ દીધો ત્યારે તેમણે એક ક્લાર્કના સ્તરની નોકરીથી શરૂઆત કરી હતી. તેમના ત્યાંના પ્રારંભિક વર્ષો ખૂબ જ સંઘર્ષમય રહ્યા હતા પણ એ પછી આજે એ ડલ્લાસમાં ‘જૉબટેકર’માંથી ‘જૉબગીવર’ બની ચુક્યા છે. અમેરિકા પ્રવાસે જતો કે સ્થાયી થવા માગતા આપણા ગુજરાતના કોઈ પણ માણસ માટે અડધી રાતનો હોંકારો એટલે અશોકભાઈ ગોકળદાસ પટેલ.

આવા અશોકભાઈના પિતાજી ગોકળદાસ પટેલ એક શિક્ષક હતા. તેમના નામે એક ગામ વસેલું છે એમ કોઈ કહે તો મનાય? કેમ કે, ગામો કોનાં નામે વસે? ઈતિહાસનાં પાનાંઓ પર એક નજર નાખીએ તો ખ્યાલ આવે કે પહેલાંના જમાનામાં રાજા-મહારાજાઓ કે સંતપુરુષોના નામે ગામ કે નગર વસતા હતા. ઔરંગાબાદ નગર સમ્રાટ ઔરંગઝેબના નામે, તો આજના આગ્રા તરીકે ઓળખાતું અકબરાબાદ સમ્રાટ અકબરના નામે વસેલું. અમદાવાદ, જે અસલમાં અહમદાબાદ હતું એ પણ સુલતાન અહમદશાહના નામે વસાવાયેલું. તો હૈદરાબાદ નામ સંત હૈદરના નામ પરથી પડેલું. આ યાદીમાં પછી લોકપ્રભાવ ઉભો કરનારા નેતાઓ પણ સામેલ થયા. ગાંધીજીના નામ પરથી ગાંધીનગર, ઢસા(રાયસાંકળી)નું નામ દરબાર ગોપાલદાસ પરથી ગોપાલગ્રામ, સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી વલ્લભ વિદ્યાનગર વગેરે.. આ યાદી હજી તો અનેકગણી લાંબી થઈ શકે. પણ કદી કોઈ શિક્ષકના નામે કોઈ ગામ વસેલું જાણ્યું? અને એય એમના જીવતેજીવ?

એમ બને કે કોઈ વ્યક્તિના જીવતેજીવ એનું નામ કોઈ માર્ગને અપાય કે ગામનું જૂનું નામ બદલાઈને નવું નામ અપાય. એવાં તો અનેક ઉદાહરણો હશે. પણ કોઈ હયાત વ્યક્તિના જીવતેજીવ સાવ નવું જ ગામ વસાવવામાં આવે એવું ભાગ્યે જ બને. અને એ વ્યક્તિ શિક્ષક હોય એવો દાખલો તો ક્યાંથી મળે?

મળે. અને એ પણ બહુ દૂર નહીં. અમદાવાદથી માત્ર પચ્ચીસ જ કિલોમીટરે આવેલું આ ગામ એટલે ગોકુળપુરા, જે આવ્યું છે અમદાવાદથી ગોતા ચોકડી થઈને ઓગણજ જવાના રસ્તે. ત્યાંથી કલોલ તાલુકાનું વડસર માત્ર અઢી કિલોમીટર અને જમિયતપુરા આઠ કિલોમીટર.

માત્ર છ જ વીઘામાં પથરાયેલું ગામ. પાંચસોની વસતિ. પ્રાથમિક શાળા ખરી, અને પાણીના નળની સુવિધાય ખરી. લોક મોટે ભાગે ખેતીવાડી પર નભે છે. અને હરેક સારા-માઠા પ્રસંગે, વાર-તહેવારે ગોકળદાસ માસ્તર કે જેમના નામ પરથી આ ગામની સ્થાપના થઈ હતી એમને યાદ કરે છે.

કોણ હતા આ ગોકળદાસ? ગોકળદાસ સોમાભાઈ પટેલ એમનું મૂળ નામ, પણ એમને સૌ ઓળખે ગોકળદાસ માસ્તરના નામે.

આગલી ત્રણ ત્રણ પેઢીના વડીલો જો પોતાના શાળાના દિવસો યાદ કરશે તો તરત જ આ નામ પોતપોતાની શાળાના ખંડની સ્મૃતિ સાથે જડાયેલું મળી આવશે, પછી ભલે ને તેઓ ગુજરાતના કોઈ પણ ગામે ભણ્યા હોય. ગોકળદાસે રચેલા સરળ પ્રાથમિક શાળાના ગણિત, ભૂગોળ, ભૂમિતિ, નામું, ઈતિહાસ અને વિજ્ઞાનનાં પુસ્તકો સરકારે બહાર પાડેલાં. અને એ વિષયોના પાઠ્યપુસ્તકોની સમાંતરે પૂરક વાચન તરીકે સરકારમાન્ય બન્યાં હતાં. એના વાંચન વગર પાસ થવું અશક્ય હતું, એટલે એ પુસ્તકો શાકભાજીની જેમ લારીઓમાં ભરી ભરીને ગલીએ ગલીએ વેચાતાં હતાં. મજાની વાત એ હતી કે આમ છતાં એ ગાઈડ સ્વરૂપનાં નહોતાં, પરંતુ પાઠ્યપુસ્તકના સ્વરૂપનાં હતાં. એમણે રચેલા શાળાંત (વર્નાક્યુલર ફાઇનલ) માટેના પુસ્તક ‘ભોમિયો’એ તો હજારો વિદ્યાર્થીઓને શિક્ષકની નોકરી અપાવવામાં આશિર્વાદરૂપ ભાગ ભજવેલો. આ બધા પુસ્તકો પાછાં કિફાયતી એટલા બધા કે આ ગોકળદાસ માસ્તરે એને સાંજના દાતણની ખરીદી જેટલી કિંમતમાં કોઈ પણને પરવડે એવા મામૂલી ભાવે હાથવગાં બનાવ્યાં હતાં. આ ગાળો 1935 થી 1960 સુધીનો. માત્ર એક જ રૂપિયાના વાર્ષિક લવાજમમાં આઠ અંકો આપીને અભ્યાસ મેગેઝિનની પ્રથા ગુજરાતીમાં શરૂ કરનાર આ ગોકળદાસ માસ્તર જ. આવાં તો એમણે એકલે હાથે આઠ- દસ કે પંદર-પચીસ નહીં, પણ ખાસ્સાં સવાસો પુસ્તકો લખ્યાં, જે વેચવા ઉપરાંત વાંચીને પાછા આપવાની શરતે જરૂરતમંદ વિદ્યાર્થીઓને વહેંચ્યા પણ ખરાં. હેતુ એક જ- શિક્ષણનો સર્વત્ર પ્રસાર. પણ ગોકળદાસ કેવળ શિક્ષક નહોતા. એ શાળાઓ સ્થાપનારા પણ હતા, એમણે ‘સંસ્કાર’ નામથી શરુ થતી ચૌદ જેટલી શાળાઓ અમદાવાદમા સ્થાપેલી, જેમાંથી ત્રણ તો આજે પણ કાર્યરત છે.

(ગોકળદાસ પટેલ)

ગાંધીજીનો પ્રત્યક્ષ સંગ કરીને સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ એ સક્રિય થયા હતા. દાંડીકૂચમાં એ ગાંધીજીની સાથે પણ ચાલ્યા હતા. આ સક્રિયતા છેક મહાગુજરાતની 1956-60 સાલની લડત સુધી રહી હતી. એમાં એ લડતના એ ખજાનચી રહ્યા હતા અને ઇન્દુલાલ યાજ્ઞિકનો જમણો હાથ બન્યા હતા. પણ અગાઉ 1942ના ‘હિંદ છોડો’ આંદોલન વખતે તો એ વારંવાર જેલમાં ગયા, લાઠીઓ ખાધી, ક્યારેક હિંસક ક્રાંતિમાં પણ ભાગ લીધો. ખાડિયા ચોકી (અમદાવાદ) ને બોમ્બથી ઉડાવી દેવામાં સક્રિય રહ્યા, તો સઈજના રેલવે ક્રૉસિંગ પરની માલગાડીને તો એમણે બોમ્બ મૂકીને એકલે હાથ ઉડાડી. પોલીસ જ્યારે એમની પાછળ પડી ત્યારે એમણે બચવા માટે ભૂગર્ભવાસ સેવ્યો. કલોલ ત્યારે ગાયકવાડી તાબામાં હતું એટલે બ્રિટિશ રાજની હકુમત ત્યાં તરત જ આંબી શકે. ગોકળદાસે એમની નજીકના શેરથા ગામના રાષ્ટ્રવાદી કાર્યકર્તા અંબાલાલ જોરાભાઈના ઘેર આશરો લીધો.

નવું ગામ વસાવવાની ઘટના આ ભૂગર્ભવાસ દરમ્યાન જ બની. એમના લંગોટિયા ભાઈબંધ શંકરજી ઠાકોરે એમને વાત કરી કે અમારા જમિયતપુરા ગામમાં ઠાકોરોનાં બે જૂથ વચ્ચે રોજ ઝઘડા થાય છે. વાત ખૂનામરકી સુધી પહોંચી છે. પણ લોહી રેડાય તે પહેલાં એનો કોઈક રસ્તો કરવો જોઈએ. તમે કંઈક રસ્તો સૂચવો.

ગામ મોટા ભાગે ઠાકોરોનું, ક્ષત્રિયોનું હતું. ને આપણે ત્યાં ક્ષત્રિયો અને ખેડૂતો વચ્ચે જૂગજૂનાં વેર ચાલ્યાં આવે છે. આ વેરને વધુ વકરાવું નહોતું. ગોકળદાસને બધા એમની શૈક્ષણિક પ્રવૃત્તિઓની કારણે ગુરુ ગણતા એટલે એમણે બહુ વિચારપૂર્વક તોડ કાઢ્યો કે બેમાંથી એક જૂથને અલગ પાડી દઈએ અને એક તદ્દન નવું ગામ વસાવીને ઝગડો જ મીટાવી દઇએ. પણ બે જૂથને અલગ પાડી દેવાની વાત કંઈ એક ક્ષણમાં નહીં થઈ હોય. દિવસો લગી ચર્ચાવિચારણા ચાલી હશે. વાંધાવચકા પડ્યા હશે, અહમ ટકરાયા હશે, મૂછો પર તાવ દેવાયા હશે, ડંગોરાઓ પર હાથ પણ ગયા હશે, પણ ગોકળદાસ માસ્તરે એ બધા આડે હાથ દઈ દીધા. કેવો રસ્તો કાઢ્યો એમણે?

એક બાજુ વડસર ગામ હતું ને બીજી તરફ જાસપુર. જમિયતપુરા ગામની વસતિનાં બે ફાડિયાં કરો તો એ બેય ફાડિયાંને નાખવા ક્યાં? જમીન તો જોઈએ ને ? ને વળી એમ ગામ વસાવવા એ કંઈ સરકારના તંબુ ઊભા કરી દેવા જેવી આસાન વાત થોડી છે ?

(ગોકળદાસના ‘પરાક્રમ’ની વાત)

પણ ગોકળદાસની શીઘ્રબુદ્ધિ કદાચ ભૂગર્ભવાસમાં વધુ ખીલી ઊઠી હશે. કોઈની ખાનગી જમીન માંગવાને બદલે જાસપુર ગામના મુખીને મનાવીને પચ્ચીસેક વીઘા જમીન, જે ગૌચરમાં વપરાતી હતી તેને હાથ કરી. એ પછી પહેલું કામ કૂવો ખોદાવવાનું કર્યું. બીજું મકાનો બાંધવાનું. માસ્તરે જાતે જ ભૂગર્ભપત્રિકાની ન્યુસપ્રિન્ટ પર પેન્સિલથી નકશા બનાવ્યા. અરે,પાઠ્યપુસ્તકોના કારોબારમાં જે કંઈ કમાયા હતા તે આમાં હોમી દીધું. ગમે તેમ પણ કજિયાનું મોં કાળું થતું હોય તો! એ વખતના રુપિયા સાડી ચારસોમાં એક મકાન બાંધીને આપો તો જ નવા વાશીંદાઓ આવીને રહેવા તૈયાર થાય. એટલામાં શું થાય ? પણ એનોય તોડ નીકળી આવ્યો. કુદરતી ગણો તો કુદરતી!

એ જમાનામાં અમદાવાદ શહેરનો રિચી રોડ (હવે ગાંધી રોડ) ભારે ગીચ થઈ ગયો હતો. એની સમાંતરે, એના ટ્રાફિકને રિલીફ (રાહત) દેવા માટે ત્યારની મ્યુનિસિપાલિટીએ  નવો રોડ (રિલીફ રોડ) બાંધવાનું નક્કી કર્યું હતું. એ માટે સંખ્યાબંધ ઈમારતો, રહેણાકો લાઈનદોરીમાં કાપવા તોડવા પડ્યાં. એનો મબલખ માલ જેવો કે લાકડાના મોભ, લાદી, બારસાખ, અભેરાઈઓ, નળિયાં વગેરે પાણીના મૂલે વેચાતો હતો. ગોકળદાસ માસ્તરે એ બને તેટલો હાથ કરવા માંડ્યો. અમદાવાદ શહેરનો જૂનો ખેરીચો અહીં નવા ગામનો શણગાર બની ગયો. જોતજોતામાં બધું તૈયાર થઈ ગયું ને 1942 ની દિવાળી (4 નવેમ્બરને બુધવાર) ને દિવસે નવું ગામ વસી ગયું. અઢાર કુટુંબો અઢાર મકાનોમાં રહેવા પણ આવી ગયાં. પહેલે જ દિવસે પોતે જ માતાજીનું મંદિર બંધાવીને ગોકળદાસ માસ્તરે ગામને તોરણના નિમિત્તે ભેટ આપ્યું. ચોતરફ જેજેકાર થઈ ગયો. આવો ઉકેલ કોઈને સૂઝ્યો નહોતો.

(ગોકળદાસ પટેલ)

હવે સવાલ એ આવ્યો કે આ નવા વસાવેલા ગામનું નામ શું પાડવું ? આ આખી વાતના પાયામાં હતા શંકરજી ઠાકોર. એટલે મિત્રપ્રેમને વશ થઈને ગોકળદાસે સૂચવ્યું કે શંકરપુરા નામ પાડો. શંકરજીએ સવાયો મિત્રપ્રેમ દેખાડ્યો. એ સમજતા હતા કે ગામના સાચા જનક હતા ગોકળદાસ માસ્તર. એમણે ગોકળદાસના નામે સૂચવ્યું કે ગોકુળપુરા નામ જ બરાબર છે. ગામ સમસ્ત અને ખુદ શંકરજી ઠાકોરે ઘોષ કર્યો, ને પછી ઘોષણા કરી કે ગોકુળપુરા, ગોકુળપુરા….બીજું કાંઈ નહીં. ગોકળદાસ માસ્તર 2002ના જુલાઇની બીજીએ અવસાન પામ્યા. તેમનાં પત્ની લલિતાબહેન કે જેઓ પણ સ્વાતંત્ર્ય સેનાની હતાં. તેઓ તો 1992માં અવસાન પામ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવરંગ હાઇસ્કૂલ છ રસ્તાના ચોકને ‘લલિતાબેન ગો. પટેલ ચોક’ નામ આપીને તેમની યાદગીરી કાયમ કરી છે.

ગોકુળપુરા ગામ તો હજુ ધબકે છે અને ધબકતું રહેશે. ગોકળદાસનું એ જીવંત સ્મારક બની રહ્યું છે.


વિશેષ નોંધ :

આજેય ગોકુળદાસ પટેલના યોગદાનને પરિણામે ગોકુળપુરાના લોકો સુખ-શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ કરી રહ્યા છે. ગોકળદાસ પટેલ અને લલીતાબેન દંપતીએ તો મહાત્મા ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામના મજબૂત સૈનિકો તરીકે, સ્વાધિનતા માટેની અહિંસક લડતમાં ઝુકાવ્યું હતું અને જેલવાસ પણ ભોગવ્યો હતો. આ દંપતીના માનમાં અમદાવાદમાં પણ બે માર્ગોનું નામકરણ કરવામાં આવ્યું છે.

તેમના પુત્ર અશોકભાઈ ગોકળદાસનો સંપર્ક: (+1 630 871 1259 અને3609 , Camroon Lane, Mckineey ,TX 75071) ઈ-મેલ: ashokgokaldas@yahoo.com


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com