નલિની રાવલ

સો સવાસો ઘરની વસ્તી વાળા નાનકડા અંતરિયાળ ઘંટીકા ગામના પાદરે આવેલા કાશીબા ના ઘરના ઓટલે રોજની જેમ અગિયાર વાગ્યાના ઘડિયાળના કાંટે વાલી આવીને ઓટલાના થાંભલે અઢેલીને બેઠી. આંખોમાં હતો ઇન્તજાર નો રણકાર… જેવી એ આવી કે તરત જ કાશીબા એ તેના હાથમાં ચાનો કપ આપ્યો… તે યંત્રવત ચા પી ગઈ, અને કાશીબા નો હાથ પકડીને બોલી…

‘ હેં કાશીબા ઇમની બસ આવી ગઈ ?’ કાશીબા બોલ્યા,’ અલી વાલુડી ! આજ તો  મંગળવાર ને…! પછી આજે અમદાવાદની બસ  ચ્યમની આવે ? બસ સોમવારે આવે.. તું ,જા ઘીરે.. બસ આવશે ને એટલે બોલાઇશ હં..!’

વાલી  બોલી..’ પણ આવે એટલે મને હાદ કરજો, હું ધોડતી આઈ જઈશ..’

‘હારું હોં… ‘કહી કાશીબા એ વાલીને  હાથ પકડી ઉઠાડી ને એને ઘેર મુકવા નીકળ્યા. ત્યાં રસ્તામાં કાશીબા ને  વાલી જાત જાતના પ્રશ્નો રામજી વિશે કરતી રહી…

ઈ કેમ નથ આવતા? ક્યારે આવશે? મને ભૂલી  તો નથ ગ્યા ને? ઇમને હું ગમુ તો સું ન?’…….. કાશીબા જવાબ આપતા રહ્યા પણ તેમની નજર સામે બે વર્ષ પહેલાની વાલી તરી ગઈ.

હસતી રમતી, આ ઘરેથી પેલે ઘેર પતંગિયાની જેમ ઉડતી, ગામને પાદર તેમના ઘર સામે જ આવેલા વડલે સખી સહેલીઓ સાથે ક્યારેક ઇશ્ટો તો ક્યારેક પાંચીકા, તો ક્યારેક આંબલીપીપળી રમતી પટેલની વાડીના આંબેથી કેરીઓ ચોરતી. પટેલ જોઈ જાય તો અંગૂઠો દેખાડતી…. ભાગીને કાશીબા ના ઘરમાં કોઠી પાછળ ભરાઈ જતી. કાશીબા ના હોઠ મરકી ઉઠ્યા. ગામ આખું વાલીને વાલુડી,વાલકી,વાલમુઈ જેવા કંઈક લાડકા નામે બોલાવતા જ્યારે તેના લગ્ન અમદાવાદ રહેતા રામજી સાથે થયા ત્યારે તો તે રામજીમય જ બની ગઈ હતી. ‘ મારે તો આમ ને મારે તો તેમ’….. બસ એના મોઢે  રામજીની જ વાત હોય. તેની દુનિયા રામજી થી શરૂ થઈ રામજી પર જ પૂરી થઈ જતી.

પહેલા  આણે જ્યારે વાલીનો ભાઈ કિશન એને ઘરે લઇ આવ્યો ત્યારે રાતી રાણ જેવી થઈ ગયેલી વાલી નો હરખ સમાતો નહોતો. ફેરી આણા ના ચોથા જ દિવસે આવેલા મોંકાણના સમાચાર ની યાદ આવતાં જ કાશીબાની આંખે ઝળઝળિયાં તરી વળ્યા સહસાજ વાલી ના હાથ પરની તેમની પકડ મજબૂત બની ગઈ.

રામજીની રોડ એક્સિડન્ટમાં ઘટનાસ્થળે મૃત્યુ ના સમાચારથી આખું ગામ સ્તબ્ધ બની ગયું હતું .કોઈના ઘેર આખું અઠવાડિયું ચૂલો j  નહોતો સળગ્યો. વાલી ને આ  સમાચાર  યેનકેન પ્રકારે આપેલા…ત્યારે તે તો ત્યાં જ સાન-ભાન ગુમાવી બેઠેલી. જ્યારે ભાન આવ્યું ત્યારે વાલીની આંખોએ તેની માનસિકતા ની જાણ કરી જ દીધી હતી તે કેમેય કરીને માનવા તૈયાર ન હતી કે રામજી હવે આ દુનિયામાં નથી .

બસ ત્યારથી તે ….ફરી આણું તેડવા રામજી આવશે, એની રાહમાં રોજ કાશીબા ના ઓટલે બેસી ગામના પાદર ના વડલા નીચે આવતી એસટી બસોની રાહ જોયા કરે છે, અને બસોની સામે જોયા કરે છે. કાશીબા નો રોજ એને ચા પીવડાવી ઘેર મૂકી જવાનો જાણે કે નિયમ જ બની ગયો હતો. કારણ કે ગામના ટેણીયા….વાલુંડીગાંડી વાલુડીગાંડી… કહીને તેને ખીજવે છે, તો ક્યારેક તેનો ચોટલો ખેંચે, ખીજવાયેલી વાલી કાંકરા ઉપાડી છોકરાઓને મારે.

વિચારોની વણઝાર કાશીબાના મનમાં એવી ચાલી કે ક્યારે વાલી નું ઘર આવી ગયું, તેની ખબર ન  રહી.  ‘  ‘ એ સંતોકબેન…! હંભાળો તમારી વાલીને….કાશીબા એ વાલી  ના ઘેર આવી એની બા ને સાદ કર્યો .

‘ એ આવો.. આવો કાશીબા..!આ વલામુઈ  એ તો તમને રોજ હેરાન કરવાનું નીમ જ લીધું લાગે છે, આ રોજરોજ તમારે ઇને  મેલવા આવી પડે સે, મારા મનેખ ને જરાય ગમતું નથ, પણ હુ કરું, ઇ મૂઈ કઈ હમજતી જ નથ…..’ સંતોકબેને  એ બળાપો કાઢયો .

‘હશે કંઈ વાંધો નહીં બોન, છોડી જ ઘેલી થઇ છે… એમાં આપણે કોઈ કંઈ ન કરી હકીએ, ભગવાન ઈને ઝટ હારી કરી દે ને… એટલે આખું ગામ ઘરે બેઠા ગંગા ના’ય ….હાલો ત્યારે હું જાઉં ,દેલા ઉઘાડા મેલી ને આઇ સુ….’

દિવસો વિત્યા. સોમવાર ક્યારે આવી ગયો તેનો રોજિંદી ઘટમાળમાં કાશી બાની ખ્યાલ જ ન રહ્યો. કાશીબા ના બોલ ના વિશ્વાસે વાલી આખું અઠવાડિયું પોતાનો નિયમ તોડી કાશીબા ના ઓટલે ફરકી નહોતી. આવી વાલીને ગાંડી કેમ કે’વી…? આ તો પ્રેમદિવાની……! સોમવારે એ જ નિયમ મુજબ ઘડિયાળના કાંટે વાલી કાશીબા ના ઓટલે આવેલા થાંભલાને અઢેલીને બેઠી ને ઓટલે કોઈકના આવવાનો અણસાર વરતાતા બહાર નીકળ્યા, અને…..અરે…. આ તો વાલી…. તેમણે વાલીને ચા બનાવીને આપી. વાલીનો  પૂરો દેખાવ બદલાઈ ગયો હતો.જાણે પહેલાની  જ વાલી સામે હતી…, ચમકદાર આંખો, સરસ મજાના ચણિયાચોળી, કપાળે ચાંદલો, સુંદર ગૂંથેલો ચોટલો, તેમાં મઘમઘતું ગુલાબનું ફૂલ. ખૂબ સુંદર લાગતી હતી.’ …. કેટલા વર્ષે વાલીને આવી સરસ જોઈ….’ કાશીબા વિચારી રહ્યા.

ત્યાં તો અમદાવાદની બસ આવી. લોકો ઉતરી રહ્યા હતા, તેમને જોતી રહી. જોતા જોતા અચાનક લઈને ઉભી થઇ ગઈ અને અચાનક  સડાક દઈને ઉભી થઇ ગઈ ને રાડ પાડી……

‘ કાશીબા… જુઓ i આવી ગ્યા, હું કે’તીતિ ને ઇ મને લેવા આવશે..! હાલો હું અમદાવાદ જાઉં છું, મારી બાને કઇ દેજો કે  વાલી તો ગઈ એના વર હારે….હાહરે…’ કાશીબા કંઈ સમજે એ પેહલા તો વાલી એ એવી દોટ મૂકી…. કે પડી ગઈ.કાશીબા  તેની પાછળ દોડ્યા ઊભી કરવા જાય ત્યાં તો વાલીના પ્રાણપંખેરુ ઊડી ગયા હતા. પણ ત્યાં કોઈ રામજી ન’હોતો.

કાશીબા તો સ્તબ્ધ જ બની ગયા, તેમના ખોળામાં વાલીનું માથું હતું, તેમના હાથ  તેના વાળ પસવારતા રહ્યા ને…… આંખોમાં દરિયો ઉમટયો,વહેતી આંખો….. નિરખી રહી વાલી ના મુખ પર પ્રેમ નું તેજ.


નલિની રાવલ

મોબાઇલ નંબર ૯૬૨૪૭૨૧૫૨૯

૨૮, હરિકૃપા સોસાયટી
ઇસ્કોન હાઇટસ ની સામે
જીઈબી ટ્રેનિંગ સેન્ટર સામે
ગોત્રી રોડ, વડોદરા.