અંજલિ અને શોમના વિવાહ પહેલા હલદી અને સંગીતના આનંદ વચ્ચે દાદાની નારાજગી અંજલિ અને તેની માતાને દુખી કરી દે છે. શોમ સાથે પોતાની દીકરી માયાએ કરેલા દગા માટે અંજલિના મામા શોમની માફી માગે છે.
આગળ વાંચો…
સરયૂ પરીખ
અંજલિ, શોમ અને મિત્રો નાચતાં હતાં. આનંદના એ માહોલમાંથી અંજલિના મમ્મી, મંજરીને જરા ખેંચીને દાદા સામે હાજર કરવામાં આવ્યાં. અંજલિએ જોયું અને તે પણ પોતાની મમ્મી પાછળ આવી. “આ શું સાંભળું છું? મારી પૌત્રી એક મુસલમાન માવડીના છોકરા સાથે પરણે છે? મારો દીકરો જીવતો હોત તો આવું ન થવા દેત!” આ સાંભળીને અંજલિએ જોયું કે તેની મમ્મીને ચાબખો વાગ્યો હોય તેમ વળ ખાઈ ગઈ.
“ભાઈ! દાદાજીને તમારે ઉતારે લઈ જાવ, હું હમણાં આવું છું.” અંજલિએ જરા સખ્તાઈથી આદેશ આપ્યો. એ સાંભળી મંજરી અંજલિને વારતી હોય તેવી નજરે જોઈ રહી.
“મહા અનર્થ…!” એમ બોલતા બોલતા, દાદા લાકડીને ટેકે ભત્રીજા સાથે જતા રહ્યા. મમ્મીને લઈને અંજલિ પાછી બધા સાથે સંગીતમાં જોડાઈ. વેવાણનો ચહેરો જોઈ માહી ‘કંઈક અણઘટિત’ છે તે સમજી ગઈ.
કાર્યક્રમ પૂરો થયો અને બધા વિખરાયા. અંજલિનો ગંભીર ચહેરો જોઈ, તેના બંને હાથ પકડી શોમ તેની આંખોમાં આંખ પરોવી પ્રશ્ન ભરી નજરે જોઈ રહ્યો.
“મારા દાદાએ ધમાલ કરી મૂકી છે, અને વચ્ચે મારી મમ્મી સોરાઈ રહી છે.” અંજલિ રડમસ ચહેરે બોલી.
“પણ શું થયું? મને કહે,” શોમ ઉત્સુકતાથી બોલ્યો.
“મારા દાદા તમારા અબ્બાસમામાને મળ્યા અને જાણ્યું કે, માહીમમ્મી મુસ્લિમ છે. એકદમ આપણા લગ્નનો વિરોધ જણાવ્યો. પોતાની માન્યતાને અનુસરે તેનો વાંધો નથી પરંતુ ‘મારો દીકરો હોત તો આવું ન થવા દેત’ એમ કહીને મારી મમ્મીને બહુ આઘાત આપ્યો છે.” અંજલિની આંખો ભરાઈ આવી.
“પણ તારા પપ્પા તો એવા વિચારના હતા જ નહીં, ચાલો આપણે દાદા સાથે વાત કરીએ, ભલે ને મોડી રાત છે.” શોમ બોલ્યો અને બન્ને દાદાના ઉતારા તરફ વળ્યાં.
“હું તને ઇતિહાસ જણાવું.” અંજલિ બોલી, “મારા પપ્પાને દાદાના સંકુચિત વિચારો માટે અત્યંત અણગમો હતો અને દાદાને પપ્પાના સિધ્ધાંતો માટે નફરત. દાદાએ કદી પપ્પા વિશે વખાણનો શબ્દ કહ્યો નથી, બલકે પપ્પાની પ્રવૃત્તિઓ શર્મજનક લાગતી. દાદીનાં અવસાન પછી મારા પપ્પા ગામડેથી ઘર છોડી નીકળી ગયા હતા. મમ્મી સાથે લગ્ન કરવાના હતા ત્યારે, મમ્મીના આગ્રહને લીધે દાદાને મળવા ગયા હતા. બસ, પછી મમ્મી કાગળ લખી સંબંધ રાખતી…એ સિવાય ખાસ મનમેળ નહોતો.”
આવાસ પર આવીને બારણે ટકોરા માર્યા અને ભત્રીજાએ તરત બારણું ખોલ્યું. દાદા પથારી પર સંકોડાઇને બેઠા હતા. શોમ નજીક ખુરશી ખેંચી બેઠો અને અંજલિ નારાજગીના ભાવ સાથે ઊભી રહી. “દાદા, તમને મારી સામે તો વાંધો નથી તો મારી મમ્મી મુસ્લિમ છે એ એટલું બધું અગત્યનું છે?” શોમ સમજાવતા બોલ્યો.
દાદા સખ્ત અવાજમાં બોલ્યા, “ના, આવા લગન થાય જ નહીં. અમારી આબરૂના કાંકરા થઈ જાય.”
“દાદાજી! તમારી એવી માન્યતા છે, પણ તમે વચ્ચે મારા પપ્પા પણ ‘આ લગ્ન ન થવા દેત’ એવું કેવી રીતે માન્યું? તમે મારા પપ્પાના શું વિચારો હતા એ જાણવા કોઈવાર પ્રયત્ન કર્યો છે કે આજે આવો મોટો ચાબખો તમે મમ્મીને માર્યો?” અંજલિ વ્યાકુળતાથી બોલી.
“તમને જેમ ફાવે તેમ કરો. હું કાલે સવારે જ અહીંથી હાલ્યો જઈશ.” બેદરકારીથી તેમણે નિર્ણય જણાવ્યો.
“દાદા એવું ન કરો,” શોમે કહ્યું…પણ દાદાએ ગુસ્સામાં મોઢું ફેરવી લીધું.
“ભલે, જેવી તેમની મરજી,” કહીને અંજલિ દાદાના ચરણ સ્પર્શ કરી બારણા તરફ ચાલી. “ભાઈ, દાદાને સાચવીને લઈ જજો.” શોમે બહાર નીકળતા પહેલા, પાકીટમાંથી રૂપિયાની થોકડી કાઢી ભત્રીજાને આપી દીધી.
બહાર નીકળી અંજલિને કમ્મરે હાથ મૂકી વ્હાલ કરી કહ્યું, “જવા દે…Life is too short to waste and too long to ignore.”
ઘરે જઈને અંજલિએ મંજરીને બધી વાત જણાવી અને ખાસ ચેતવણી આપી, “જો મમ્મી, તેં દાદાને સન્માન આપવાના બનતા પ્રયત્નો કર્યા છે. કાલે તેઓ જઈ રહ્યા છે તે બાબત તારે બિલકુલ પોતાનો વાંક નથી ગણવાનો.” કહીને અંજલિ તેની મમ્મીને ભેટી. “ઓ મારી વ્હાલી મમ્મી! મારે ખાતર, પપ્પાના સિધ્ધાંતોને ખાતર, no regrets…કબૂલ?” અને મંજરીએ હળવા દિલથી “બહુ રાખતા ના રહે, તેને વહેતા રે મૂકીએ” ગાઈને દીકરીને સંમતિ આપી દીધી.
અંજલિએ સુવાની તૈયારી કરી પણ ઊંઘ તો ક્યાંય વર્તાતી ન હતી. કુમારિકા તરીકે છેલ્લી રાત!
તે બારીની ઓથે બહાર વરસતી ઝરમરને ઘેલછાભરી જોઈ રહી.
ધુમ્મસની આછેરી ચાદર ત્યાં દૂર સુધી,
નીતરતા ટીપાની ઝાલર ત્યાં દૂર સુધી.
વૃક્ષો નમાવીને મસ્તક દે તાલ સુધીર,
પત્તા ને ફૂલોનો થરથરાટ ધીર અધીર.
ઊંચેરી બારીની કાંગરીની કોર પર,
નર્મીલા નમણાં એક ચહેરાની આડ પર.
નીલમ સી આંખોની કાજળની કોર પર,
નર્મિલી ભીની ભીની પાંપણની છોર પર.
આંસુનાં આવરણ ઉતારવાને, ઓ સજન!
આળું મન ઘેલું ને વ્યાકુળ, ઓરે સજન!
પાંખો ફફડાવું, તું આવે, ઓ રે સજન!
અવની ને અંબરનું ઝરમર મીલન, સજન!
“હવે ઊંઘી જા બેટા,” એવું બે ત્રણ વખત સાંભળ્યા પછી અંજલિ મીઠી નીંદરમાં ખોવાઈ ગઈ.
અરૂણોદય સુરખીમાં, દરિયા કિનારે શોમ રોજના નિયમ પ્રમાણે દોડી રહ્યો હતો. તેને લાગ્યું કે પાછળથી કોઈ બોલાવી રહ્યું હતું. શોમે ધીરા પડી પાછળ જોયું તો એક સજ્જન આશ્રમના પાછલા દ્વારમાંથી નીકળી, તેના તરફ આવી રહ્યા હતા. નવાઈથી તે જોઈ રહ્યો અને પરિચીત ચહેરાની યાદ સાથે અણગમાનો ભાવ ઉપજ્યો.
“માફ કરજો, હું અંજલિના મામા.” વડીલ હાંફતા બોલ્યા. “હું તમને એકાંતમાં મળવાની રાહ જોતો હતો.”
“હાં મને ખ્યાલ આવી ગયો…નમસ્તે.” શોમે જરા રૂક્ષતાથી અભિવાદન કર્યું.
“મારી દીકરી માયાએ તમારી સાથે જે કપટ કર્યું તેની હું માફી માગું છું. તેણે પણ હાથ જોડીને માફી માંગી છે.” સજ્જન ગળગળા થઈ બોલ્યા.
‘શું કહું!’…ના સંકોચ સાથે, શોમ ગૂંચવાઈને બોલ્યો, “તમને પણ આંચકો લાગેલો, ખરું? અંજલિએ કહેલું કે તમારા પરિવાર અને માયાની વચ્ચે સમાધાન કરાવવા તેણે પ્રયત્ન કરેલો. હવે બધું ઠીક છે? ખેર, મને એ અનુભવથી ઘણું શીખવા મળ્યું…અંત ભલા તો સબ ભલા. આપણે હવે તે ભૂલી જઈએ. તમે લગ્નમાં આવ્યા તે સારું કર્યું, સ્વાગત.” કહીને શોમે હસીને હાથ જોડ્યા અને દોડવાનું શરૂ કર્યું.
સવારમાં પ્રાર્થના હોલમાં વૈદ્યજીના આદેશ મુજબ અંજલિના મમ્મી વ્યવસ્થા કરાવી રહ્યાં હતાં.
સફેદ અને પીળા ફૂલોથી શણગારેલો હોલ પવિત્ર મંત્રોથી ગુંજતો હતો. બધા સમજી શકે તે પ્રમાણે વૈદ્યજી મંત્રોચ્ચાર બોલ્યા, અને શુકનની ઉબટન શોમ અને અંજલિના ગાલે લગાડવામાં આવી. “રમેશભાઈ અને માહીબેન, આજના લગ્ન અનોખા પ્રકારના થશે.” વૈદ્યજીએ હસતાં હસતાં કહ્યું.
“અમારું દિલ આનંદથી હર્યુંભર્યું છે અને વાતાવરણ પવિત્ર લાગે છે. અમારામાંથી કોઈ ચુસ્ત કર્મકાંડમાં માનતા જ નથી.” ડો.રમેશ માહીને આગળ કરી બોલ્યા. માહી ભારે સાડીમાં સજ્જ અને વાળમાં વેણી…અહા! રમેશ નવા પરણેલા હોય તેવી રસભરી નજરથી પત્નીને જોઈ રહ્યા હતા…જે નીના અને આસપાસના જાનૈયાઓએ નોંધ્યું.
ત્યારબાદ મહેંદી લગાવવાનો શોખ પૂરો કરવા, અંજલિએ નાની કલાકારી ‘શોમ’ના નામ સાથે પોતાના હાથમાં કરાવી અને નીનાએ બન્ને હાથ બરાબર મહેંદીથી સજાવવાનો લ્હાવો લીધો. આરી અને સ્ટિવન પણ છોકરીઓ સાથે જોડાયા. શોમે દૂરથી અંજલિને ઈશારો કરીને બોલાવી અને બંને દરિયા કિનારા તરફ નીકળી ગયા.
મંડપનું બાંધકામ અને સજાવટ અંજલિની યોજના પ્રમાણે થઈ રહ્યું હતું. સફેદ તંબુની આસપાસ લાલ, લીલા પડદા અને તોરણ પર સુંદર ફૂલો ઝૂલતાં હતાં. શોમ ચારે બાજુ નિરીક્ષણ કરી ખાતરી કરી રહ્યો હતો કે પવનની ગતિ વધે તો પણ મંડપ હલે નહીં.
“હું પણ અત્યારે બધું જોઈ લઉં. દુલ્હન બનીને આવીશ ત્યારે તો કોણ જાણે, મારી આંખ ઊંચી થશે કે નહીં!” અંજલિ શોમના હાથમાં હાથ પરોવી બોલી. વર-કન્યા મંડપ, દરિયો અને પોતાના સૌભાગ્ય પર હરખાઈ રહ્યાં.
વૈદ્યજીએ તેમના કાર્યકરો દ્વારા અંજલિના દાદા માટે સવારની ટ્રેઇનની વ્યવસ્થા કરી દીધી હતી. તો પણ હજી વ્યથિત મંજરીનું મન ડંખતું હતું. “અંતે તો તેઓ ઘરના વડીલ છે. બાબા! હું સવારે પ્રાર્થના હોલમાં આવતા પહેલા શ્વસુરને મળવા ગઈ હતી, પણ તેમના નિર્ણયમાં ફેર ન પડ્યો.” દાદા ગાડીનો સમય થતા નીકળ્યા અને મંજરીએ ભારે હૈયે વિદાય આપી. બાબાએ મંજરીને કહ્યું, “આજે અંજલિનો ખાસ દિવસ છે. તેની ખુશી આજે આગવું સ્થાન લે છે. દાદાને ધર્મના વાડાનું મહત્વ છે અને આપણને માનવીના સદગુણોનું…”
કરતા ફરિયાદ રૂંધી અંતરનું વ્હાલ,
ભલે, સાચું કે ખોટું છે તેનું અભિમાન.
અંતરથી આપીએ શુભેચ્છા સન્માન,
સમજણ સિદ્ધાંતોનું જાળવી સ્વમાન.
—— ક્રમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
