દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

બીરેન કોઠારી

ફિલ્મદિગ્દર્શક શ્યામ બેનેગલ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૯૦ વર્ષની જૈફ વયે અવસાન પામ્યા. હયાતિમાં તેમજ વિદાય પછી પણ તેમની ફિલ્મો વિશે ઘણું લખાયું છે, અને હજી લખાતું રહેશે. ફિલ્મકથનની તેમણે અપનાવેલી શૈલી સાવ નોખી હતી. ફિલ્મ હોય, દસ્તાવેજી ચિત્ર હોય કે ટી.વી.ધારાવાહિક, પોતાની આગવી કથનશૈલીને કારણે તેની પર શ્યામ બેનેગલની આગવી મુદ્રા રહેતી.

ફિલ્મ કે ટી.વી. ધારાવાહિકમાં સંગીતનો પક્ષ અતિ મહત્ત્વનો હોય છે. એમાંય ગીતો ભારતીય ફિલ્મોનું અનિવાર્ય અંગ કહી શકાય, પણ કોણ જાણે કેમ, સમાંતર ગણાતી ફિલ્મોમાં તેની પર ખાસ ધ્યાન ન અપાયું. આમ છતાં, શ્યામ બેનેગલ દિગ્દર્શીત અદ્‍ભૂત ટી.વી. ધારાવાહિક ‘ભારત એક ખોજ’ તેમની તમામ કૃતિઓમાં આગવી ભાત પાડનારી બની રહી. જવાહરલાલ નહેરુએ લખેલા પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઈન્‍ડિયા’ 1પર આધારિત આ ધારાવાહિક કુલ ૫૩ હપ્તાઓમાં દૂરદર્શન પરથી પ્રસારિત થયેલી. જવાહરલાલ નહેરુના જન્મશતાબ્દિ વર્ષ ૧૯૮૯માં દૂરદર્શન દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું. આ શ્રેણીમાં પાંચેક હજાર વર્ષનો ભારતવર્ષનો ઈતિહાસ આવરી લેવાયો હતો. સંપૂર્ણ ઈતિહાસ નહીં, પણ તેનાં મહત્ત્વનાં પાસાં.

આ ટી.વી.ધારાવાહિકની કથા મૂળ તો શમા ઝૈદી, સુનિલ શાનબાગ અને સંદીપ પેંડસેએ લખેલી, જેનું હિન્‍દી રૂપાંતર વસંત દેવ અને અશોક મિશ્રાએ કરેલું. લેખનમાં શ્યામ બેનેગલની ભૂમિકા પણ મહત્ત્વની હતી. વિવિધ ઈતિહાસકારો દ્વારા આ કથાની અધિકૃતતાની ચકાસણી કરવામાં આવેલી. આ ધારાવાહિક પાછળ લેવાયેલી જહેમત અને મળેલા પરિણામ પરથી જરાય અતિશયોક્તિ વિના એમ કહી શકાય કે સરેરાશ ૪૫ મિનીટના તેના ૫૩ હપ્તા પૈકીના આરંભિક એક બે અને એકાદ છેલ્લો હપ્તો બાદ કરીએ તો બધું મળીને એ પચાસેક ફિલ્મો જેવા હતા. તેનું ફિલ્માંકન પણ ફિલ્મના કેમેરા વડે કરાયેલું, જેથી તેને વિશાળ પડદે દેખાડી શકાય. ફિલ્મનિર્માણના પાઠ્યપુસ્તક સમી આ સમગ્ર ધારાવાહિકમાં સૌથી મહત્ત્વનું પાસું હતું તેનું સંગીત, જે વનરાજ ભાટિયાએ તૈયાર કરેલું. શ્યામ બેનેગલ અને વનરાજ ભાટિયા બન્નેની પહેલવહેલી ફિલ્મ હતી ‘અંકુર’ (૧૯૭૪).

આ બન્નેની જોડીએ ‘ભારત એક ખોજ’માં જે કમાલ કરી તેના વિશે બહુ ઓછી વાત થઈ છે. દિગ્દર્શન અને સંગીતનાં પાસાં આમ તો એકમેકથી ભિન્ન, છતાં પૂરક હોય છે. દિગ્દર્શક અને સંગીતકાર વચ્ચેની સમજણ જેટલી વધુ એટલું દૃશ્ય ઉઠાવદાર બને, અને સમગ્ર ફિલ્મ કે ધારાવાહિકને તેનો લાભ થાય. અહીં વાત ‘ભારત એક ખોજ’ના કેટલાક સંગીતમય અંશ વિશે કરવાનો ઊપક્રમ છે, જે પક્ષ વનરાજ ભાટિયાએ સંભાળેલો. પણ એ વાત કરતાં અનાયાસે તેમાં શ્યામ બેનેગલની હાજરી વરતાયા વિના રહે નહીં.

વનરાજ ભાટિયા પથભંજક સંગીતકાર હતા. ફિલ્મોમાં આવતાં અગાઉ તેમણે સંગીતનો અભ્યાસ કરાવેલો, અને એ પછીના ગાળામાં જાહેરખબરનાં અઢળક જિંગલ્‍સની ધૂન તૈયાર કરેલી. એ હદે કે તેમના નજીકના વર્તુળના મિત્રો તેમને ‘વનરાજ’નું અંગ્રેજી નામ ‘જંગલ કિંગ’ અને તેની પરથી ‘જિંગલ કિંગ’ તરીકે ઓળખતા.

કદાચ બન્ને એકમેકની જરૂરિયાતને બરાબર સમજતા હતા-સિવાય એક બાબત. કેવળ શ્યામ બેનેગલ જ નહીં, સમાંતર સિનેમાના મોટા ભાગના દિગ્દર્શકો સામે વનરાજ ભાટિયાની ફરિયાદ હતી કે તેમને ગીતોનું ફિલ્માંકન કરતાં ફાવતું નથી. આ લખનારને એક અંગત મુલાકાતમાં તેમણે કહેલું કે મહામહેનતે તૈયાર કરેલા ગીતના તેઓ એવી રીતે ટુકડા કરી દે છે કે એની અસર ઊભી ન થઈ શકે. અલબત્ત, ‘ભારત એક ખોજ’માં જે સંગીત સર્જાયું એમાં કદાચ આવી તમામ ફરિયાદોનું એક સાથે સાટું વળી ગયું હશે એમ લાગ્યા વિના રહે નહીં. આ ધારાવાહિકના હપ્તાઓમાં ગીતોનો સમાવેશ થતો, એટલું જ નહીં, અમુક તો આખેઆખા હપ્તા સંગીતમય હતા.

****

પ્રત્યેક હપ્તાના આરંભે અને અંતે આવતી શ્રેય નામાવલિ દરમિયાન સમૂહ સ્વરમાં ઋગ્વેદના નાસદીય સૂક્તની ઋચાઓનું ગાન સંભળાતું. ઋગ્વેદનું નાસદીય સુક્ત સંસ્કૃતમાં नासदासीन्नो सदासात्तदानीं नासीद्रजो नोव्योमा परोयत्મંત્રોચ્ચાર શૈલીમાં પઠન થઈ રહ્યું હોય તે રીતે રજૂ કરાયું છે અને પછી તેને અનુસરતો વસંત દેવે કરેલો હિન્‍દી અનુવાદ – सृष्टि से पहले सत् नहीं था असत् भी नहीं. વનરાજ ભાટિયાએ આ સમગ્ર સમૂહગાન દરમિયાન શાસ્ત્રીય કે ભારતીય વાદ્યોને બદલે કેવળ કી બોર્ડનો ઊપયોગ કરેલો છે, જે ગેબી અને વિશાળતા તેમજ વ્યાપકતાની ગજબ અસર પેદા કરે છે. પ્રથમ હપ્તામાં આ સમૂહગાન પહેલાં પુરુષસ્વરમાં અને પછી સ્ત્રીસ્વરમાં છે.

આખાં ગાનના બોલ અહીં વિડીયોની નીચે વિવરણમાં વાંચી શકાય છે.


The Discovery Of India – Jawaharlal Nehru


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)

  1. The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

ક્રમશઃ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ
“‘ભારત એક ખોજ’નું સંગીત”  લેખમાળા દર મહિનાના બીજા સોમવારે પ્રકાશિત થશે.
હવે પછીના અંકમાં ‘ભારત એક ખોજ’ના પહેલા બે હપ્તાનાં સંગીત વિશે વાત કરીશું.