ડંકેશ ઓઝા
કોઈ વ્યક્તિ સ્પેનની હોય, ખ્રિસ્તી ધર્મમાં કિશોર વયે જેણે દીક્ષા લીધી હોય, અધ્યાપક ગણિતશાસ્ત્રના હોય, ગુજરાતી ભાષા તો ઠીક અંગ્રેજી પણ ભારતમાં આવીને શીખ્યા હોય; એવી વ્યક્તિ ભાષા શીખે, એવું સારું લખે કે ગુજરાતી સાહિત્યકારો જે ઝંખતા હોય એવો રણજિતરાય સુવર્ણચંદ્રક એમને પ્રદાન થાય તો એવી વ્યક્તિનું નામ હશે ફાધર વાલેસ !
ગુજરાતી ભાષામાં બહુ શરૂઆતમાં જૈનોનું પ્રદાન છે, તે પછી પારસીઓનું પ્રદાન છે. મરાઠીઓએ કર્યું જ છે, આ તો વિદેશી ખ્રિસ્તી. કાકા કાલેલકરને આપણે ‘સવાયા ગુજરાતી’ કહ્યા. ગુજરાતીઓ એટલે શ્રીસવાનું પૂજન કરનારી પ્રજા. એને થોડુંક વધારે જોઈએ, થોડુંક નમતું જોઈએ. એને ‘શુભ-લાભ’ બંને સાથે જોઈએ ! ફાધર વાલેસે એવું કામ કર્યું કે કાકાએ તેમને ‘સવાયા ગુજરાતી’ કહ્યા.
જન્મભૂમિ સ્પેન, પિતાનું નામ જોસેફ, માતાનું નામ મારિયા. દસ વર્ષની વયે પિતા ગુમાવ્યા. આંતરવિગ્રહને કારણે ઘર છોડીને ચર્ચમાં શરણાર્થી તરીકે રહેવું પડ્યું. પંદર વર્ષની વયે દીક્ષા લીધી.
૧૯૪૯માં ૨૪ વર્ષની યુવાન વયે ભારત આવવાનું થયું. ૧૯૫૩માં મદ્રાસમાં ગણિતશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા. મહારાષ્ટ્રમાંથી ગુજરાત જુદું પડ્યું ત્યારે ૧૯૬૦માં અમદાવાદ આવ્યા. ત્રણ દાયકા સુધી ગુજરાતમાં રહ્યા. અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક હતા.
એક વાર તેમણે લખેલું કે ઘરની બહેન દાદર ઊતરીને નીચે પાણી ભરવા ગઈ છે. ઘોડિયામાંનું બાળક રડે છે. હું લેખ લખી રહ્યો છું. સાથે-સાથે બાળકને ઝુલાવીને શાંત રાખવાનો પ્રયત્ન કરું છું. ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં યુવાનોને સંબોધતી કોલમ ‘નવી પેઢીને’ શરૂ થઈ તે પહેલાં તેમણે તંત્રી બચુભાઈ રાવતના પ્રતિષ્ઠિત સામયિક ‘કુમાર’માં લખવા માંડેલું. એ લેખોમાંથી એમનું પ્રથમ પુસ્તક બહાર પડ્યું, નામે ‘સદાચાર’. એટલું લોકપ્રિય થયું કે આજે એની સોળ આવૃત્તિઓ થઈ છે !
એમની લખવાની શૈલી અત્યંત સરળ અને પ્રવાહી. ટૂંકાં ટૂંકાં વાક્યોની સહજ અભિવ્યક્તિ. ગુજરાતી ભાષાને એવો અને એટલો પ્રેમ કર્યો છે જેટલો સરેરાશ ગુજરાતી નથી કરતો. એમણે લખ્યું છે, હું લખતાં લખતાં વારંવાર ગુજરાતી શબ્દકોશ ઉથલાવું છું. ઉપયોગને કારણે તે ફાટી જાય છે તેથી વારંવાર નવો ખરીદું છું. મારા હાથ છે, મારું લખાણ છે, મારા હાથે ખોટી જોડણી ન લખાય, એની ચીવટ રાખું છું. છે આપણા ગુજરાતીઓની આટલી મહેનત કે ચીવટ ?

ખ્રિસ્તી ધર્મમાં ફાધર હતા. એટલે સંપ્રદાયના સંતની માફક કુટુંબ સંબંધ પૂરેપૂરો સમાપ્ત કર્યો હોય. લોહીના સંબંધનો વિચ્છેદ એ લગભગ મોટાભાગના ધર્મ-સંપ્રદાયોની પૂર્વ શરત હોય છે. પણ ફાધર જુદી માટીના હતા. આપણા આદિ શંકરાચાર્યે પણ સંન્યાસી હોવા છતાં માતાને અગ્નિદાહ આપેલો ! ફાધર વયોવૃદ્ધ માતાની સેવા-ચાકરી કરવા ગુજરાત છોડીને અને સંપ્રદાય છોડી ૧૯૯૦માં માદરે વતન સ્પેન પહોંચી ગયા. દસ વર્ષ સેવા કરી. માતાએ ૧૦૧ વર્ષે પુત્રના ખોળામાં દેહ છોડ્યો.
તેઓ ગમ્મતમાં કહેતા કે ગુજરાતીમાં કહેવત છે – એક ભવમાં બે ભવ કરવા. મારા માટે તો ત્રણ નિર્માયા છે : સ્પેન, ગુજરાત/ભારત અને લેટિન અમેરિકા. ગુજરાત છોડ્યા પછી વર્ષમાં એક વખત નિયમિત ગુજરાતમાં આવતા અને પોતાના ચાહકોને મળવામાં એમને આનંદ આવતો. વક્તા તરીકે સાંભળવા ગમે તેવા. એમના મોઢે બોલાતી ગુજરાતી અત્યંત મીઠી લાગતી.
આજે આપણે દુનિયાના ‘વિશ્ર્વગુરુ’ બનવાની ખેવના સેવીએ છીએ. કોઈ પણ ભારતીયને ગૌરવ પમાડે તેવી આ વાત છે. આપણે એને માટે યોગ્ય છીએ કે કેમ એ જરા જુદી વાત છે. ફાધર વાલેસે પોતાની એ યોગ્યતા પુરવાર કરી હતી. એમણે લખ્યું છે કે એક વાર દક્ષિણ આફ્રિકામાં એક ટી.વી. કાર્યક્રમમાં એક ગોરો ખબરપત્રી તેમની મુલાકાત લેતો હતો. એની માનસિકતા ભારત પ્રત્યે સદ્ભાવની ન હતી. તેથી જરા તોછડાઈથી તે પ્રશ્ર્ન પૂછતો હતો. ભારત ગરીબ છે, ભારત ગંદું છે, ત્યાં અનેક પ્રકારની અવ્યવસ્થાઓ છે, એવું તારણ એ કાઢતો હતો. મુલાકાતનો અંત પણ એ નકારાત્મક અસરથી લાવવા માંગતો હતો. તેથી છેલ્લી સેક્ધડોમાં તેણે પ્રશ્ર્ન કર્યો : ભારત શેની નિકાસ કરી શકે એટલે કે દુનિયાને શું આપી શકે ? ફાધર ક્ષણભર મૂંઝાઈ ગયા, પણ તરત સ્મિત સાથે સ્પષ્ટ જવાબ આપ્યો કે, ‘ભારત શાંતિની નિકાસ કરે છે’ ! અને આ કાર્યક્રમ એ રણકતા શબ્દ સાથે પૂરો થયો. ફાધર લેખનું સમાપન કરતા લખે છે : “એ કામ છે. એ જવાબદારી છે. એ સેવા છે. એ વિનંતી છે. શાંતિની નિકાસ કરીએ. એ સૌથી મોંઘી મૂડી છે.”
ફાધરના શતાબ્દી પર્વે આપણે ફરી એક વાર આ શાંતિના દૂતનાં પુસ્તકો ખરીદીએ, એને ઉથલાવીએ, એને વાંચીએ, એનું મનન કરીએ, એને વ્યવહારમાં ઉતારીએ, એ પુષ્કળ જરૂરી છે. આજનો જમાનો જાહેરાતનો છે. સાધનોની તો ઠીક માણસો પોતાની જાહેરાતો કરતા થઈ ગયા છે! ફાધર લખે છે કે “જાહેરાતની વૃત્તિ એ આધુનિક માનવીનું લક્ષણ છે… સફળતા હોય તો જરૂર ઢોલ વગાડો…. સાચી સફળતાને તો નમ્રતા ને વિવેક શોભે… જાહેરાત એ ધર્મની ઊધઈ છે.” ફાધરની વાતો આજે વિશેષ કાને ધરવા જેવી છે.
ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૫
