ફિર દેખો યારોં

બીરેન કોઠારી

વાત જરા નવાઈ પમાડે એવી ખરી, કેમ કે, ગામલોકો એક થયા અને એ પણ વિરોધ માટે, છતાં કેવળ વિરોધ કરવાને બદલે એમણે એવું પરિણામ મેળવવા કમર કસી કે જેને લઈને તેઓ ઉદાહરણરૂપ બની રહ્યા. વાત છે કેરળના પલક્કડ જિલ્લાના ચિત્તૂર-થાથમંગલમ નામના નગરની અને તેના લોકોની.

પાંચેક વર્ષ પહેલાં, ૧૮ ઓક્ટોબર, આ નગરના રહીશો સમક્ષ એક અભૂતપૂર્વ દરખાસ્ત આવી. છેલ્લા સવાસો વર્ષના ઈતિહાસમાં આવું કોઈએ જોયું-સાંભળ્યું નહોતું.

એ હતો ડ્રાફ્ટ માસ્ટર પ્લાન, ૨૦૩૧. રાજ્યના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મુસદ્દામાં આગામી દાયકામાં આ નગરના વિકાસનું આયોજન શી રીતે કરવામાં આવશે તેની વિગતો હતી. વિકાસની મોટા ભાગની યોજનામાં હોય છે એમ તેમાં માળખાકીય આયોજન હતાં. એટલે કે રસ્તા પહોળા કરવા, ચાર બાયપાસ અને રીંગ રોડ બનાવવા, નવું બસ સ્ટેન્‍ડ, ખટારાઓ માટેનાં બે ટર્મિનલ, એક ટર્મિનલ બજાર બનાવવું વગેરે જેવા 85 પ્રકારનાં વિવિધ પ્રકલ્પો હતા. સ્વાભાવિકપણે જ એવો દાવો કરાયો હતો કે આ બધું આયોજન આર્થિક વિકાસને વેગ આપવા માટે તૈયાર કરાયું છે.

રાજ્ય સરકાર તરફથી આવેલી આ દરખાસ્તને નવાસવા ચૂંટાયેલા પક્ષ ‘લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્‍ટ’ (એલ.ડી.એફ.) અને નગરના આશરે બત્રીસ હજાર જેટલા રહીશોએ ઝીણવટથી ચકાસી અને સૌના મનમાં ચેતવણીની ઘંટડી વાગવા લાગી. તેમને ખ્યાલ આવી ગયો કે આ પ્રકલ્પોનો અમલ કરવામાં આવશે તો પોતાના નગરની લાક્ષણિકતાઓમાં ધરમૂળથી પરિવર્તન આવી જશે, અને એ બહેતર નહીં, બદતર હશે. નગરની એંસી ટકા અર્થવ્યવસ્થા પડી ભાંગશે, સેંકડો મકાનો અને જાહેર સ્થાનો તોડી પાડવામાં આવશે, તેમજ ખેતીની અનેક એકર જમીન પણ નષ્ટ થશે. નગરના લોકો એટલું સમજ્યા કે આવા આયોજન અનુસાર વિકાસ થશે તો સરવાળે એનાથી પૂર, અછત, બેકારી અને સ્થળાંતર સિવાય બીજું કંઈ મળવાનું નથી.

જૂના પ્લાનમાં શહેરના વણકર સમુદાય દ્વારા સૂતરને ખેંચીને પહોળા કરવા ઉપયોગમાં લેવાતાં મેદાનને ખાલી જમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. તસવીરઃ Jayaraj Sundaresan
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

અહીં મુખ્યત્વે ડાંગર, કેળાં અને નાળિયેરની ખેતી કરવામાં આવે છે, જેની સિંચાઈ વ્યવસ્થા પણ સ્થાનિક સ્તરે વિકસાવાયેલી છે. તેની સીધી અસર ભૂપૃષ્ઠ, પાણીના પ્રવાહ અને અન્ય સામૂહિક જરૂરિયાતના સ્રોત પર થાય છે. અને આ બધા પર વિપરીત અસર થાય તો નગરજનોના ભાવિને તે જોખમમાં મૂકી શકે છે. આમ વિચારીને સૌ નગરજનોએ રાજ્ય દ્વારા તૈયાર કરાયેલા વિકાસ આયોજનના નકશાને સ્વીકારી લેવાને બદલે તેનો વિરોધ કર્યો અને તેને પડકાર્યો. આ વિરોધમાં વ્યાપારીઓ, ખેડૂતો, અન્ય વ્યાવસાયિકો પણ જોડાયા. અલબત્ત, આટલેથી તેઓ અટક્યા નહીં.

તેમણે એક એવું કામ શરૂ કર્યું, જે મિસાલરૂપ બની રહેવાનું હતું.

અહીંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ તેનું પોતાનું વૈકલ્પિક આયોજન શરૂ કર્યું, જેમાં અનેક આયોજકો, સ્થાનિકો, સ્વયંસેવકો તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને સાંકળ્યા. ખરા અર્થમાં લોકભાગીદારી થકી તેમણે સૌએ મળીને આગામી તેત્રીસ મહિના સુધી મથીને જે આયોજન કર્યું એ હતું ‘ચિત્તૂર-થાથમંગલમ માસ્ટર પ્લાન ૨૦૪૨.’ આ આયોજનમાં નગરના સામુદાયિક સ્રોતને જાળવવામાં આવ્યા, એમ જળવાયુ પરિવર્તન અને તેની અસરોને પણ ધ્યાનમાં લેવામાં આવી. કોઈ મ્યુનિસિપાલિટી દ્વારા, સૌને સામેલ કરીને બનાવાયેલો દેશનો આ પહેલવહેલો પ્લાન બની રહ્યો. ‘કેરળ ટાઉન એન્‍ડ કન્‍ટ્રી પ્લાનિંગ’ (કે.ટી.સી.પી.) કાનૂન, ૨૦૧૬ની જોગવાઈઓને અનુરૂપ આખું આયોજન કરવામાં આવ્યું, જેમાં માસ્ટર પ્લાન તૈયાર કરાવવા દરમિયાન લોકભાગીદારીને ફરજિયાત રાખવામાં આવી છે.

આ સમગ્ર પ્રક્રિયાના માર્ગદર્શન માટે મ્યુનિસિપાલિટી દ્વારા બે અર્બન પ્લાનર- જયરાજ સુંદરેશન અને માલિની કૃષ્ણકુટ્ટીની ‘માસ્ટર પ્લાન એક્સપર્ટ કમિટી’ બનાવવામાં આવી. કેવળ વિરોધ કરીને બેસી રહેવાને બદલે  કે આખા મામલાને અદાલતી કાર્યવાહીના ચક્કરમાં ફસાવવાને બદલે સૌએ એવું વૈકલ્પિક આયોજન તૈયાર કરવાનું પસંદ કર્યું કે જે સ્થાનવિશેષ બાબતોને ધ્યાનમાં રાખીને કરાયું હોય. અહીં જળ વ્યવસ્થાપન માટે સદીઓ પુરાણી જળવ્યવસ્થા છે, જે નહેરો અને ઝરણાઓથી જોડાયેલી છે. આ ઊપરાંત અહીંની જળસંચય પ્રણાલિ, પીવાના પાણીની વ્યવસ્થા, પૂરનિયંત્રણ પ્રણાલિ વગેરે પણ સુઆયોજિત તેમજ અસરકારક છે. આ નગરના વણકર સમાજ દ્વારા એક ખુલ્લા સ્થળે સૂતરના તાંતણા ખેંચવા-પાથરવામાં આવે છે, તેમજ મંદિરમાં કરાતી ઊજવણીનું એક મેદાન છે. રાજ્યના આયોજનમાં આ બધું સાવ નજરઅંદાજ કરવામાં આવ્યું હતું, કેમ કે, એ આયોજન આ સ્થાનની લાક્ષણિકતાઓને આધારે નહીં, પણ એક તૈયાર, સાર્વત્રિક લાગુ પાડી દેવાતું આયોજન હતું.

આયોજનમાં આવી મહત્ત્વની બાબતોને અવગણવામાં આવે તો તે વિકાસ નહીં, વિનાશપ્રેરક બની રહે. આયોજનમાં ‘એક્ઝિસ્ટીંગ લે‍ન્ડ યુઝ’ (ઈ.એલ.યુ.) ના નકશાઓ તેના ઊપયોગ અનુસાર આવાસ, વ્યાપારી કે ઔદ્યોગિક ઊપયોગ વગેરે જેવી શ્રેણી પર આધારિત હોય છે.  મોટાં શહેરોમાં આવું સ્પષ્ટ વિભાજન કદાચ ઊપયોગી બની રહે, પણ નાનકડાં નગરોમાં આવું વિભાજન ખાસ કામ લાગતું નથી. આવાં નગરોમાં એક જ સ્થળ અનેકવિધ ગતિવિધિઓ માટે ઊપયોગમાં લઈ શકાય છે. આથી તેનું દસ્તાવેજીકરણ કરવું  જરૂરી છે. જેમ કે, ડાંગરનું ખેતર અમુક મોસમમાં બતકઉછેર કરનારા પણ ઊપયોગમાં લે છે. તેઓ પોતાનાં બતકોને અહીં લાવે છે, બતકો અહીં ફરે છે, જીવજંતુઓ તેમજ વધ્યુંઘટ્યું અનાજ ખોરાક તરીકે લે છે, અને હગાર કરે છે, જે પૌષ્ટિક ખાતરનું કામ કરે છે.

લોકો અને જમીન વચ્ચેના આવા બહુસ્તરીય સંબંધોને સમજીને આયોજન કરવામાં આવે તો જ તે અસરકારક બની રહે.

પણ ઓરડામાં બેસીને તૈયાર કરાયેલા એક સાર્વત્રિક નકશાને સીધેસીધો ઠોકી બેસાડવામાં આવે ત્યારે શું થાય એ કહેવાની જરૂર ખરી? એનાં પરિણામ આપણી આસપાસ આપણે જોઈ-ભોગવી રહ્યાં છીએ.

આ સંજોગોમાં ચિત્તૂર- થાથમંગલમના લોકોએ જે અદ્‍ભુત પહેલ કરી તેની વિગતે વાત આગામી સપ્તાહે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી