સુશ્રી રેખાબહેન સિંધલની શૂન્ય થી અનંતની સફર ની શરૂઆત તેમના અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષથી થઈ.
હવે તેમની સાથે સફરમાં આગળ વધીએ …..

મારી વિદ્યાયાત્રા

૧૯૫૬માં હું જન્મી ત્યારે ગુજરાત અલગ રાજ્ય ન હતું. કોમવાદી વાતાવરણમાં અમારી અભણ રબારી જ્ઞાતિની કોઈ ગણના નહીં. જ્ઞાતિમાં સ્ત્રી શિક્ષણ તો દૂરની વાત પણ ભાગ્યે જ કોઈ પરિવારમાં કોઈકને લખતાં વાંચતા આવડે. ગીર અને બરડાના ડુંગરોમાં વિચરતી આ જ્ઞાતિના વાડાઓ શહેરોમાં પણ અલગ હોય. પશૂપાલન અને ખેતી સાથે વણાયેલી ગ્રામ્ય સંસ્કૃતિનો મેળ શહેરી સંસ્કૃતિ સાથે કરવાનું મુશ્કેલ. દીકરી તો ઠીક, દીકરાને ભણાવવાનો વિચાર પણ અભણ માબાપ માટે અઘરો હતો. એવા સમયમાં અમે ભાઈબહેનોએ પ્રાથમિક શિક્ષણ પ્રાયવેટ સ્કૂલમાં મેળવ્યું હતું.

સ્કૂલના ટ્રસ્ટીની દીકરી જેને આપણે નયના કહીશું તે મારાં વર્ગમાં હતી. સ્કૂલમાં તેનાં ઘણાં મિત્રોમાંની હું એક હતી પણ ઘરલેશન અમે હંમેશાં સાથે કરતાં. મોટેભાગે એણે મારાં લેશનની કોપી કરી હોય. હોંશિયાર ન હોવા છતાં તે પરિક્ષામાં પ્રથમ નંબરે પાસ થતી તેનું કારણ એટલું જ કે તે ટ્રસ્ટીની દીકરી હતી. મારી લાયકાત હોવા છતાં મારો નંબર ઘણો પાછળ રહેતો. અભ્યાસમાં એની પ્રગતિ મારે કારણે નહીં પણ મારી એને કારણે હોય એમ અમારાં માબાપને પણ લાગતું. અમારાં બંનેના માબાપ વચ્ચેના ગાઢ સંબંધોને કારણે નયનાનું વર્ચસ્વ મારાં પર ખુબ હતું. એનું વર્તન તુચ્છતાભર્યું હોવા છતાં મારે ફરજીયાત એની સાથે લેશન કરવું પડતું. મારી વિદ્યાયાત્રાની શરૂઆતમાં સૌથી મોટો અવરોધ નયના હતી. બીજા શબ્દોમાં કહું તો શિક્ષણસંસ્થાની ગેરરીતી અને જ્ઞાતિવાદ હતા. હાઈસ્કૂલમાં દાખલ થઈ પછી સરકારી સ્કૂલમાં સિદ્ધાંતવાદી આચાર્યાને કારણે સારા અને સાચા ગુણાંક મળવા લાગ્યા અને નયના મારાથી દૂર થતી ગઈ. હાઈસ્કૂલ દરમ્યાન હું NCC (National Cadet Corps)ની મેંબર થઈ એ પછી ‘હિમાયલ સળગ્યો’ નામે દેશભક્તિના નાટકમાં કર્નલનો રોલ ભજવતી વખતે દેશભક્તિના બીજ રોપાયાં હતાં. સામાન્ય જ્ઞાનની હરિફાઈઓમાં ભાગ લેવાને કારણે દેશદુનિયા વિષે જ્ઞાન વધતું ગયું. સારા માર્કસ માટે ક્યારેય વધારે મહેનત કર્યાંનું યાદ નથી. ગણિત મારો સૌથી પ્રિય વિષય. હું દશમા ધોરણમાં હતી ત્યારે ગણિત-વિજ્ઞાનના શિક્ષક ભટ્ટ સાહેબની દીકરી મારાં વર્ગમાં અભ્યાસ કરતી હતી. એને ગણિત બહુ આવડે નહીં. તેની સાથે મારી પણ પ્રગતિ થાય એમ વિચારી ભટ્ટસાહેબ એક દિવસ અમારાં ઘરે આવ્યા. મારાં માબાપની મંજૂરી લઈ S.S.C. માં મને હાયરમેથ્સ રાખવા સમજાવી ફ્રી ટ્યૂશન આપવા તૈયાર થયા. કોલેજમાં ગઈ ત્યાં સુધી હું નિયમિત એમને ત્યાં જતી. તેઓ મને ગણિત શીખવતા અને હું તેની દીકરી તથા બીજી વિદ્યાર્થીનીઓને ગણિત શીખવતી. એક ઉત્તમ શિક્ષક પાસેથી શિક્ષક થવાની કેળવણી મળવાની શરૂઆત પણ ત્યારથી થઈ હતી. ભટ્ટ સાહેબે જો તે દિવસે ઘરે આવીને મને હાયરમેથ્સ રાખવા પ્રોત્સાહિત ન કરી હોત તો ગણિત ક્યારનું ય વીસરાઈ ગયું હોત. એમની આપેલી આ વિદ્યા હું આજે પણ ગણિતના વર્ગો દ્વારા વહેંચતી રહું છું.  व्यये कृते वर्धत एव नित्यम् विद्या धनं सर्व धनम् प्रधानम्(બધા ધનમાં શ્રેષ્ઠ એવું વિદ્યાધન વહેંચવાથી હંમેશાં વધતું રહે છે.)

તેઓએ મને ગણિત ઉપરાંત અંગ્રેજી અને વિજ્ઞાનમાં પણ મદદ કરી. યુનીવર્સીટીની વિજ્ઞાન શાખામાં અરજી કરવાની તેમણે મને પ્રેરણા આપી. મારાં જીવનનો રાહ આથી બદલાઈ ગયો. રાજકોટની મહિલા કોલેજ અને હોસ્ટેલમાં એડમીશન મળ્યું. તે સમયમાં ઘરથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર શહેરની હોસ્ટેલમાં રહીને ભણવા મોકલતી વખતે ગ્રામ્ય કન્યાના પિતાને કેટલી ચિંતા થઈ હશે તે આજે સમજાય છે. પિતાની અભ્યાસની રૂચિ મને વારસામાં મળી હતી. અમારાં વિશાળ પરિવારના બાળકોમાં કોણ ક્યાં ધોરણમાં છે તે તેને ભૂલાઈ જાય પણ જરૂર હોય તેને ભણાવવા શિક્ષક ઘરે આવે. સદભાગ્યે મારે એવી જરૂર નહોતી. કોઈ પણ વિષયની ગાઈડ ઠોઠ વિદ્યાર્થીઓ માટે હોય એવી એક માન્યતા એટલે ગાઈડ થકી ગોખણપટ્ટી નહીં, પણ સમજીને અભ્યાસ કરવાની આદત નાનપણથી પડી હતી. વેકેશનમાં શેરીના બાળકો સાથે દોડાદોડી કરવી મને ગમે નહીં તેથી ગણિતના કોયડાઓ, ઐતિહાસીક શોર્યકથાઓ અને ક્યારેક કવિતાઓ વાંચીને સમય પસાર કરતી. મારી બા એના લગ્ન પછી લખતાં વાંચતાં શીખી હતી. અમારાં સમાજમાં સામાજિક વ્યવહાર કુશળતા જેનામાં હોય તે હોશિયાર ગણાય એ રીતે હું ઠોઠ ગણાતી. સારા માર્કસનું કોઈ મૂલ્ય નહીં તેથી તેની કોઈ વિશેષ ખુશી નહીં.

૧૯૭૫માં મારાં લગ્ન થયાં. બીજા જ દિવસે મહેંદી રંગ્યા હાથે કોલેજના ત્રીજા વર્ષની પરિક્ષા આપવા હું રાજકોટ ગઈ. મારો અભ્યાસ ચાલુ રાખવા અંગે મારાં માબાપે સાસરા પક્ષ સાથે લગ્ન પહેલાં જ વાત કરી હતી. હોસ્ટેલમાં રહી બીજે વર્ષે ૧૯૭૬માં માઈક્રોબાયોલોજી વિષય સાથે B.SC.ની ડીગ્રી મેળવનાર સૌરાષ્ટ્રમાં અમારી જ્ઞાતિની હું પ્રથમ કન્યા હતી. ગર્વ સાથે જ્યારે સર્ટીફિકેટ લઈને ઘરે આવી ત્યારે બાએ કહ્યું કે “હવે તારી જવાબદારી વધે છે. આપણા અભણ સમાજમાં હવે તું ઉદાહરણરૂપ છો. એ માટે તારે વધુ ધ્યાન રાખવું પડશે. સાસરીમાં પણ બહુ સંભાળીને રહેજે. તારી કૌટુંબિક ફરજોમાં ક્યાંય ઊણપ ન આવે તે જોજે નહીંતર બીજી દીકરીઓને માબાપ નહીં ભણાવે” સંતાનોને ભણાવીએ એટલે તેઓ સ્વછંદ થઈ જાય તેવી ખોટી માન્યતા કેટલાય અભણ લોકોમાં ફેલાયેલી હતી. મારાં માબાપે મારાં માટે કંડારેલી આ કેડી પર આજે અમારાં સમાજની હજારો કન્યાઓ ચાલીને ગર્વ લે છે. ભણેલી કન્યાઓને તેમની કૌટુંબિક ફરજો પ્રત્યે ધ્યાન દોરવા એમના વડીલો મારૂં ઉદાહરણ આપે ત્યારે મારી બા ગર્વ અનુભવતી તે જોઈને મને ઘણી ખુશી થતી. કોઈ દીકરીને કોલેજમાં જવાની માબાપ ના પાડે તો મારી પાસે આવે અને વિનંતિ કરે કે હું એના માબાપને સમજાવું. ૧૯૮૧માં B.Ed.ની ડીગ્રી મેળવી ત્યારે હું બે દીકરીઓની મા બની ચૂકી હતી. ગણિત વિજ્ઞાનની શિક્ષિકા તરીકે મેં નોકરી શરૂ કરી. મારી વિદ્યાયાત્રા ચાલુ રહે તે માટે M.Ed.ના વેકેશન કોર્ષમાં મેં એડમીશન લીધું. એ માટે વેરાવળથી ભાવનગર જઈને રહેવું પડે તેમ હતું. ત્યાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ પણ દીકરીઓને સાચવવાની વ્યવસ્થા થઈ ન શકી. પ્રતાપને પણ એટલી રજા ન મળે એટલે વિચાર પડતો મૂક્યો. આ સાથે શિક્ષણ ક્ષેત્રે Ph.D કરવાની ઈચ્છા પણ કચડાઈ ગઈ.

અમેરીકા આવીને મેડિકલ અને પછી રીસર્ચ લેબોરેટરીમાં કામ શરૂ કર્યુ. વર્લ્ડ એજ્યૂકેશન સર્વીસીસ થકી ક્રેડ્રીટ ટ્રાંસફર કરી. બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાન વાંચવું ફરજીયાત થયું. એ દરમિયાન એક યાદગાર પ્રસંગ બન્યો. નેશવીલ, ટેનેસીની વેંડરબિલ્ટ નામની પ્રખ્યાત મેડિકલ રીસર્ચ ઈંસીટ્યૂટમાં બાળકોના હ્રદયરોગના વિશ્વવિખ્યાત ડોકટર સ્ટ્રાઉસની લેબોરેટરીમાં હું જોબ કરતી હતી. ડો. સ્ટ્રાઉસના હાથ નીચે કામ કરતો ડો. વર્નેટ મારો સુપરવાઈઝર હતો. મેડિકલ લેબોરેટરીની મારી પહેલી નોકરીના શરૂઆતના દિવસોમાં બોસ્ટનમાં સ્કોટ સાથે બનેલા બનાવનો એ સાક્ષી હતો. તેની પત્ની થાઈલેંડમાં જન્મેલી ભારતીય હતી. અમારી મૈત્રી શરૂઆતથી વિકસી હતી. અમે એકબીજાને ઘરે પણ આવતા જતાં. તે ત્યારે મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો. હવે બાળકોના રોગોનો નિષ્ણાંત બનીને વૈજ્ઞાનિક બનવા તરફ જઈ રહ્યો હતો. મારો ભાણેજ ચૈતન્ય પણ ઈંડીયામાં બાળકોના રોગોનો નિષ્ણાત થઈને ત્યારે નવો નવો આવ્યો હતો. અમારી લેબોરેટરીમાં રીસર્ચનું કામ શીખવાની વર્નેટે તેને છૂટ આપી હતી. ચૈતન્યના કહેવા પ્રમાણે આપણા દેશમાં બાળકોના હ્રદયરોગ પરના સંશોધનની આવી તક મળવી દુર્લભ હતી. ડોક્ટર વર્નેટનું રીસર્ચ પેપર પ્રગટ થતા પહેલાં ડોકટર સ્ટ્રાઉસે ફરી ચકાસી જવાનું હતું. એમાં રીસર્ચ આસીસ્ટંટ તરીકે મારૂં પણ નામ હોવાથી મારી કસોટી થવાની હતી જેની મને ખબર ન હતી. અમેરીકાની પ્રખ્યાત હોસ્પીટલના વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકના હાથ નીચે કામ કરતાં છ ડોકટર્સની હાજરીમાં મારે મારાં કામનું વિડિયો પ્રેઝંટેશન કરવાનું હતું. તે દિવસે જીવનમાં પહેલીવાર મારાં પગ જરાં ધ્રૂજ્યા હતા. DNA એટલે શું તે હજુ ય જેમને ખબર નથી અને સમજી પણ ન શકે એવા કેટલાય સગાઓ મારાં નજીકના વર્તૂળમાં છે. હાઈસ્કૂલમાં હતી ત્યારે cloningનો વિચાર ચંદ્રની મુસાફરી જેટલો દૂર લાગે. DNA cloning થકી રંગસૂત્રોમાં ફેરફારના જે પ્રયોગો મેં કર્યા હતા તેનું સ્લાઈડ્સ સાથે વર્ણન કરવા કરી મોટાભાગના પ્રશ્નોના જવાબો હું આપી શકી. “આ બધુ આધુનિક વિજ્ઞાન તેં ક્યારે વાંચ્યું?” ડો. વર્નેટે બીજે દિવસે આશ્ચર્યથી મને પૂછ્યું હતું. દરેક બાબતમાં હું શું અને શા માટે કરૂં છું તે સાથે મારી સંભવિત ભૂલોના પરિણામો જાણવાની જીજ્ઞાસાવૃતિને કારણે જ મેં આ બધુ ગુગલ મહારાજ પાસેથી જાણ્યું હતું. પ્રયોગોના ઈંક્યૂબેશન પિરિયડ દરમ્યાન કોમ્યુટર પર હું ઓનલાઈન નિબંધો વાંચતી રહેતી. એક પ્રખ્યાત વૈજ્ઞાનિકને હું સાચા જવાબો આપી શકી તે દિવસે મારાં ગર્વનો પાર ન હતો. પર્વતની ટોચ પર હોઉં એવી ખુશી સાથે હું ઘરે આવી. ઘરે આવતા મોડું થયું હતું. અદિતિ આતુરતાથી મારી રાહ જોતી હતી. ખુશીથી તે થનગનતી હતી. બારણુ ખૂલતા જ હાથમાં પત્ર સાથે તે દોડી આવી. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ જે યુનીવર્સીટીમાં ભણ્યો હતો તેમાં તેને એડમીશન મળ્યું હતું. મારી ખુશી એની ખુશી સાથે ભળી ગઈ. કોલેજમાં જવાના એના ઉત્સાહ નીચે મારી જોબની સફળતાની વાત સરકી ગઈ. મારી પ્રગતિને બદલે અદિતિની પ્રગતિ પર ધ્યાન આપવું જરૂરી હતું. કોલેજમાં જવાની તૈયારી માટે તેને જોઈતો સમય હું આપી શક્તી નહીં. થોડા દીવસો બાદ મેં જોબ છોડી દીધી. સમયની ખેંચ સિવાય એક બીજું કારણ એ હતું કે સંશોધન માટે ઊંદરોનો જીવ લેવાય તે હું જોઈ શક્તી નહીં. ઉનાળાના વેકેશન પછી અદિતિ યુનીવર્સીટીના કેંપસ પર રહેવા ગઈ. દીકરીઓ વગરના ઘરમાં હું સૂની પડી ગઈ. મારી દિનચર્યા બદલાઈ ગઈ. Empty nest syndrome દેખાવા માંડ્યાં.

એમાંથી બહાર આવ્યાં પછી Ph.D કરવાની ઈચ્છા મનમાં ફરી સળવળી. હવે મને ડાયાસ્પોરા ગુજરાતી સાહિત્યમાં વધુ રસ હતો. તે માટેની લાયકાત માટે માસ્ટર્સની ડીગ્રી જરૂરી હતી. મુંબઈની S.N.D.T.Universityમાં distance learning program દ્વારા ગુજરાતી લિટરેચરમાં બે વર્ષનો કોર્ષ કરી માસ્ટર્સની ડીગ્રી મેળવી. Ph.D.ની વિદ્યાર્થીની તરીકે એડમીશન અપાવવા માટે નૂતનબેન જાનીએ મારાં માટે ઘણા પ્રયત્નો કર્યાં પણ એડમીશન ન મળ્યું. યુનીવર્સીટીના સહકાર વગર પણ એમણે માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું આથી ડાયાસ્પોરા સાહિત્ય અંગે હું સ્વતંત્રપણે સંશોધન કરી શકીશ એવી આશા હતી. અચાનક નૂતનબેને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. એમની સાથે બે દિવસનો ટુંકો પરિચય છતાં મને એમના મૃત્યુની ખોટ ખુબ સાલી. એ પછી મારો રસ ગણિત ભણાવવા તરફ વળી ગયો. સાચી વિદ્યાયાત્રા હવે શરૂ થતી હતી. ઈંડીયામાં ગણિત ભણાવવાનો અનુભવ હતો છતાં કાયદાઓની આંટીઘૂંટીને કારણે મને અહીં સ્કૂલમાં ગણિત ભણાવવા માટે લાયસન્સ ન મળ્યું. આથી મેં મારાં ઘરે વર્ગો શરૂ કર્યા. થોડા સંઘર્ષ બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ. કોઈ યુનીવર્સીટી ન શીખવી શકે તેવા પાઠો આ વિદ્યાર્થીઓ સાથેના અનુભવો મને શીખવે છે. ઈશ્વરના રૂપો વિશેની મારી સમજણ પણ બદલાઈ ગઈ છે. હ્રદયમાં રહેલા ભાવોના અલગ અલગ સ્વરૂપમાં સૌથી પવિત્ર સ્વરૂપ એ જ પરમ તત્ત્વ છે. બાળકોમાં મને આ જોવા મળે છે. આ સ્વરૂપને સ્થાયી કરવાના પ્રયત્નોની નિષ્ફળતામાંથી પ્રગટતા નિષેધભાવને શેતાની તત્ત્વ કહી શકાય. આ બાળકોમાં મને નવા વિશ્વના દર્શન થયા.

સ્વતંત્રતાની આ ભૂમિ પરના સ્વતંત્ર મિજાજી બાળકોના મન અહીંથી ત્યાં ઊડાઊડ થતા હોય ત્યારે ગણિતના દાખલાઓમાં તેમનું મન પરોવવું તે કેટલીકવાર લોઢાના ચણા ચાવવા બરાબર થઈ રહેતું. આ સાહસ શરૂ કર્યું તેના પહેલાં જ દિવસે પંદર વર્ષની એક અમેરીકન વિદ્યાર્થિની ભણવા બેસતાની સાથે જ ગુસ્સાથી બોલી ઊઠી કે, “હું ઠોઠ છું તે કબૂલ કરૂં છું અને મારે કંઈ શીખવું નથી માટે કાલથી તારે આવવાની જરૂર નથી.” છેલ્લાં ત્રણ મહિનામાં હું તેની પાંચમી ટ્યૂટર હતી. તેનો ગુસ્સાને અવગણી કાલની વાત કાલ પર મૂકી. જુદા જુદા પ્રકારના નંબરની વ્યાખ્યાઓથી મેં ગણિત તેને ભણાવવાની શરૂઆત કરી. થોડા દિવસો બાદ દાખલો ગણતી વખતે એને મુંઝાતી જોઈ હું કંઈ કહેવા જાઉં તો કહેવા લાગે,’’ ના…ના… મને મારી મેળે કરવા દે, જરૂર પડશે તો હું પૂછીશ.” તેને ગણિતમાં રસ જાગ્યો તેની મને ખુબ ખુશી થઈ. તેની સાથે સાથે મારો પણ આત્મવિશ્વાસ વધ્યો. બહુ ઓછા સમયમાં તે D ગ્રેડમાંથી નીકળી A સાથે પાસ થઈ. એ પછી તેની મિત્રને પણ એણે મારી પાસે મોકલી અને પ્રચાર થતો ગયો અને વિદ્યાર્થીઓમાં હું લોકપ્રિય થતી રહી.

એક વખત એક વિદ્યાર્થી પહેલા જ દિવસે પુસ્તકનો ઘા કરી ઊભો થઈ ક્લાસરૂમમાં આંટા મારવા લાગ્યો. શું કરવું તે મને સમજાયું નહીં. મૌન જ ઉત્તમ લાગ્યું. તેની મા કલાક પછી લેવા આવવાની હતી. થોડીવારમાં તે તેની મેળે જ શાંત થયો. સાથે લાવેલ પાણીની બોટલમાંથી પાણી પીને મને કહે, “સોરી, હું તમારી પર ગુસ્સે નથી. મને નથી આવડતુ એટલે અકળાઈ જાઉં છું.” શિક્ષક અકળાઈ જાય તે તો સમજાય. વિદ્યાર્થી શિક્ષક પર અકળાય તે અનુભવ પણ નવો ન હતો. પણ વિદ્યાર્થી પોતાની જાત પર પણ ગુસ્સો કરે તે સ્થિતિનો સામનો કરવાનો મારો આ અનુભવ નવો હતો. મેં તેને મદદ કરવાની ખાતરી આપી પ્રયત્ન કરવા સમજાવ્યો. દર અઠવાડીયે એકવાર તે નિયમિત આવતો રહ્યો. તેની અકળામણ અને મારી ધીરજ ક્યારેક ટકરાયાં કરતી પણ મારી ધીરજની જીત થતી. એક વર્ષ બાદ તેની મા એ એક ઈમેલમાં લખ્યું કે તેણે મને ‘ધ બેસ્ટ ટીચર’ કહી છે. સંધર્ષને અંતે સફળ થયાનો જે આત્મસંતોષ મળે છે તે અમૂલ્ય હોય છે. વિદ્યાર્થીઓ સાથેના અનેક અનુભવોએ મને જીવન વિશે ઘણું જ્ઞાન આપ્યું.

મારાં ફેમીલી ડોકટરની પુત્રી, જાણીતી બેંક ઓફીસરનો પુત્ર. અજાણ્યા ખેડૂતની પુત્રી, મિત્રના મિત્ર એવા સૈનિકનો પુત્ર, આરબ પડોશીની પુત્રી, ગુજરાતી, બંગાળી, તામિલી, પંજાબી આમ અલગ અલગ વર્ગ અને અલગ અલગ સંસ્કૃતિના બાળકો, કોઈના વંશજો રશિયાના તો કોઈના પેરૂદેશના, કોઈ ચીનથી સ્થળાંતર થયા હોય તો કોઈ ઈરાકથી, અહીંના કોઈ કાળા તો કોઈ ગોરા અમેરીકન વિદ્યાર્થીઓ……. અને તેમના વાલીઓ થકી વિશ્વબંધુત્વના શ્રેષ્ઠ પાઠો જે મને શીખવા મળ્યા તે માટે આ વિદ્યાર્થીઓ અને વાલીઓની હું આભારી છું. આ વ્યવસાય થકી મારી દ્રષ્ટિ અને હ્રદય બંને વિશાળ થયાનો મને અહેસાસ થયો. લેવા કરતાં આપવાનો આનંદ વિશેષ હોય છે તે સમજણ અનુભવે દ્રઢ થઈ.

હું ખાત્રીથી કહી શકું કે નિરાશાને કારણે હીનતા અનુભવતા વિદ્યાર્થીઓ માટે ગણિત માનસિક સારવારનું સાધન બની શકે. તામિલ શિલ્પશાસ્ત્રે ગણિતને કલાને દરજ્જો આપ્યો છે અને લખ્યું છે કે સંગીત દ્વારા ધ્વનિમાં, નૃત્ય દ્વારા શરીરમાં, કવિતા દ્વારા શબ્દોમાં, સ્થાપત્ય દ્વારા અંતરિક્ષમાં, શિલ્પ દ્વારા આકૃતિમાં અને ગણિત દ્વારા વૈચારિક દિવ્યતા પામી શકાય છે.

વ્યવસાય અને કલા પરસ્પર જોડાઈને આત્મનિર્ભર થવામાં સહાયક થાય ત્યારે આનંદની અનુભૂતિ સહજ બને છે. આ આનંદ વિદ્યાર્થીઓ સાથે વહેંચી તેમને ગણિતમાં રસ લેતા કરવાની પ્રતિબદ્ધતા સદાય જળવાઈ રહેશે તે શ્રદ્ધા વ્યવસાયને ભક્તિ સાથે જોડવાની મને પ્રેરણા આપે છે અને ભક્તિ હંમેશાં આપણને સંઘર્ષનો સામનો કરવાની શક્તિ આપે છે. હું પણ આજીવન એક વિદ્યાર્થી છું તે અહેસાસ મને શિક્ષક હોવાથી થતો રહ્યો. ઓનલાઈન શિબિરો દ્વારા ભાષાનું કૌશલ્ય કેળવવા હજુ ય ઉત્સુક છું. ભાષાશાસ્ત્રી બાબુ સુથાર કે મધુ રાય જેવા કસબીઓ પાસેથી લેશન લઈ મારી કલમની સારી રીતે ચલાવતાં શીખતી રહું.


ક્રમશઃ