મંજૂષા
વીનેશ અંતાણી

દુનિયાને જોવા અને સમજવા માટે કેટલાક લોકો લાંબા પ્રવાસમાં નીકળી પડે છે. એમણે કાપેલા પંથ વિશે, માર્ગમાં મળેલા અનુભવો વિશે અને આગળની દિશા વિચારવા માટે તેઓ થોડાથોડા સમયે ઊભા રહે છે. એ જ રીતે આપણે પણ થોડાથોડા સમયે આપણા જીવનના ઉદ્દેશ, સફળતા, નિષ્ફળતા વિશે વિચારવું જોઈએ. અંગત જાતતપાસની સાથે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે એની સમગ્રલક્ષી વિચારણા પણ કરતા રહેવું જોઈએ.
આપણે એકવીસમી સદીનાં પહેલાં પચીસ વર્ષોનો પડાવ પાર કરી ચૂક્યા છીએ. ધ્યાનથી જોશું તો આજની દુનિયા કોઈ સ્થિર નકશા જેવી જણાતી નથી. કેલિડોસ્કૉપની જેમ એની ભાતો બદલાતી રહે છે. વ્યક્તિગત જીવનમાં પણ એવું જ બની રહ્યું છે. બદલાતાં દૃશ્યોની ઝડપ એટલી બધી વધારે છે કે સાચું ચિત્ર મેળવવું મુશ્કેલ બની જાય છે. માનવોએ જુદાંજુદાં ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરી છે. ટેક્નોલોજી અને વિજ્ઞાને માનવજીવનને પૂરેપૂરું બદલી નાખ્યું છે. તબીબીક્ષેત્રમાં નવાંનવાં સંશોધનો અને શોધોથી અસાધ્ય બીમારી પર કાબૂ મેળવવાની સંભાવના વધી છે. વાહનવ્યવહારમાં થયેલી પ્રગતિથી આજે દુનિયાના કોઈ પણ સ્થળે વિનાવિલંબે પહોંચી શકાય છે. કોમ્યુનિકેશન ટેક્નોલોજીની હરણફાળથી ક્ષણવારમાં વિશ્વના કોઈ પણ સ્થળમાં વસતા લોકો સાથે જોડાઈ શકાય છે.
આટલી વિરાટ પ્રગતિ થઈ હોવા છતાં ઘણા સંવદેનશીલ અને બૌદ્ધિક લોકોને લાગે છે કે આપણે કશુંક ખૂબ અગત્યનું ચૂકી ગયાં છીએ. ટેક્નોલોજીએ અનેક સુવિધાઓ પૂરી પાડી છે, પરંતુ લોકો માનસિક શાંતિ મેળવી શકતા નથી. માનવજાત પાસે શક્તિશાળી યંત્રો છે, છતાં લોકોના જીવનમાં બેચેની. ચિંતા, અધૂરપ અને અસંતોષનું પ્રમાણ વધ્યું છે. આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવી સગવડોને કારણે એકમેકની સાથે જોડાયા છીએ, છતાં એકલા પડી ગયા હોઈએ એવી લાગણી કોરી ખાય છે. માહિતીઓના ધોધની વચ્ચે સત્ય અને જૂઠને અલગ તારવવાં લગભગ અશક્ય બની ગયું છે. આ પ્રકારના અનેક વિરોધાભાસોના વર્તમાનમાં એક ધારદાર પ્રશ્ન સામે આવીને ઊભો રહે છે કે આપણે બધી રીતે સમૃદ્ધ થયા, છતાં ભીતરથી ખોખલા થઈ ગયા હોઈએ એવું કેમ લાગે છે?
એક યુવતી મહત્ત્વના પ્રોજેક્ટ માટે રિસર્ચ કરતી હતી. એ માટે એણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેરિત માધ્યમોનો ઉપયોગ કરી ઘણી આવશ્યક માહિતીઓ મેળવી. એના આધારે એણે બહુ ઓછા સમયમાં એના પ્રોજેક્ટનો મુસદ્દો તૈયાર કરી લીધો. પછી એ મુસદ્દો વાંચવા બેઠી ત્યારે વિચિત્ર પ્રકારનું ખોખલાપણું અનુભવવા લાગી. એને થયું, એમાંનું કશું એણે પોતે તૈયાર કર્યું નથી, કોઈ બીજા પાસે તૈયાર કરાવ્યું છે. એને મનથી બહુ ખરાબ લાગ્યું કે એણે પોતાની આવડત અને જ્ઞાનને બાજુમાં મૂકી જાતને આઉટસોર્સ કરી દીધી અને જાત સાથે છેતરપીંડી કરી. એ યુવતી પોતાને કોઈ અજ્ઞાત બળને હવાલે કરી દેવાનો અપરાધભાવ સહન કરી શકી નહીં. એણે એ.આઈ. પાસે તૈયાર કરાવેલા પ્રોજેક્ટનો ડ્રાફ્ટ ફાડી નાખ્યો અને જાતે રિસર્ચ કરી પ્રોજેક્ટ પૂરો કર્યો ત્યાર પછી જ એને શાંતિ થઈ.
એવું જ ખોખલાપણું જીવનનાં લગભગ બધાં ક્ષેત્રોમાં ફેલાયું છે. એક સમયે સંયુક્ત કુટુંબો આપણી સામાજિક વ્યવસ્થાનાં આધારસ્તંભ હતાં. આજે સંયુક્ત કુટુંબની ભાવના સંકોચાઈ ગઈ છે. કુટુંબો નાનાંનાનાં એકમોમાં વેરવિખેર થઈ ગયાં છે. ટેક્નોલોજીએ અરસપરસ સંવાદની પદ્ધતિ બદલી નાખી છે. સોશિયલ મીડિયા લોકોને જોડે છે તો તોડે પણ છે. સંબંધો રાતોરાત મજબૂત બનતા નથી, એનાં મૂળ દૃઢ કરતાં વર્ષો લાગે છે, એ સાદું સત્ય ભુલાઈ ગયું છે.
ડિજિટલ યુગમાં અનેક નવી તકો ઊભી થઈ છે, પરંતુ લોકોનું ધ્યાન ક્ષુલ્લક અને બિનજરૂરી બાબતોમાં ગૂંચવાઈ ગયું છે. વિકાસના નામે માનવોએ પ્રકૃતિનો વિનાશ કરી નાખ્યો. જંગલો ઊજડી ગયાં, નદીઓ પ્રદૂષિત થઈ ગઈ. હવા શ્ર્વાસ લેવા માટે શુદ્ધ ન રહી. માનવસમાજમાં ફાટફૂટ પાડવાનું વલણ પણ એક જાતનું પ્રદૂષણ છે. સામાજિક અને ધાર્મિક વિખવાદોથી માણસ માણસ વચ્ચેનું અંતર વધવા લાગ્યું છે. આજે બધાંને માત્ર પોતે જ બોલવું છે, બીજાને સાંભળવાની તૈયારી નથી. મુક્ત વાતાવરણમાં વૈચારિક આદાનપ્રદાનના માર્ગો બંધ થવા લાગ્યા છે. આર્થિક અસમાનતા વધી છે. શ્રીમંતો વધારે શ્રીમંત અને ગરીબો વધારે ગરીબ થવા લાગ્યા છે. આ પ્રકારના સામૂહિક પ્રશ્નોનો સામનો લોકો અંગતજીવનમાં પણ કરી રહ્યા છે. સફળતા પાછળ આંધળી દોટમાં જીવનનો મૂળ હેતુ ચુકાઈ ગયો છે. સફળતાનો અર્થ માત્ર ભૌતિક સુખસુવિધા મેળવવાના પ્રયત્નોમાં જ સમાઈ ગયો છે. લોકો અંગત જીવનમાં સંબંધોની પવિત્રતા ભૂલવા લાગ્યા છે. એક પરિસ્થિતિનો સામનો કરવા જતાં મૂંઝવી નાખે એવી બીજી પરિસ્થિતિઓ સામે આવી જાય છે. જીવનનો લય ખોરવાયો છે. બેફામ ગતિના ગાંડપણમાં ઠરેલ બુદ્ધિ, લાગણીનું ઊંડાણ અને નૈતિક જવાબદારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે.
વર્તમાન પરિસ્થિતિનું સરવૈયું કાઢતા રહેવાથી જીવનમાં સાચી દિશા મળે છે. આધુનિક માનવસભ્યતા સામે ઊભા થતા પડકારો માત્ર ટેક્નોલોજીના વિકાસથી જ નહીં, બાહ્ય પ્રગતિ અને આંતરિક વિકાસની વચ્ચે સમતોલન જાળવવાથી ઉકેલી શકાશે. માનવચિત્તમાં સમભાવ જાગે, કરુણા વિકસે, માનવમૂલ્યો જળવાય અને જૂની પેઢીનું ડહાપણ ફરી મેળવી શકાય તો આપણી અંદર વારંવાર અનુભવાતા ખાલીપણાંને ભરી શકાય. આંતરિક વિકાસ પણ વૈજ્ઞાનિક શોધો અને ટેક્નોલોજીના જાદુ જેટલો જ જાદુઈ છે.
માનવોની સામૂહિક અને અંગત યાત્રામાં ડગલેને પગલે નવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. કોઈએ કહ્યું છે કે સવાલો એના એ જ હોય, પરંતુ એના જવાબ દરવખતે જુદા મળે છે. થોડાથોડા સમયે ઊભા રહી શાંતચિત્તે વિચારવું જોઈએ કે આપણે શું યોગ્ય કરી શક્યા અને ક્યા ખોટા માર્ગે વળ્યા? સાથેસાથે જાતને એ પણ પૂછવું જોઈએ કે આપણે આપણાં સંતાનોને કેવી દુનિયા વારસામાં આપી જવા માગીએ છીએ?
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
