વસુધા ઈનામદાર

આજે પ્રિયા પાછી અમેરિકા જઈ રહી હતી. પ્રિયાની અનિચ્છા છતાં પરમ એને મૂકવા એરપોર્ટ પર આવ્યો હતો. કેટલાય સમય સુધી બંને ચૂપચાપ બેસી રહ્યાં હતાં. પરમને પ્રિયા રહસ્યમય લાગી રહી હતી, પ્રિયાને પરમની દયા આવતી હતી.લાંબા સમયના મૌન બાદ પરમ અચાનક બોલી ઊઠ્યો, “એવું તે શું થઈ ગયું પ્રિયા કે તું આમ…?”

પ્રિયાએ કહ્યું “ પરમ,એના કારણમાં ના પડીશ. કદાચ કારણ હોય તો તે હું જ છું, હું સ્ત્રી છું… માત્ર સ્ત્રી!”

“પણ પ્રિયા…” પરમે પ્રિયા તરફ હાથ લંબાવ્યો.

“પ્લીઝ, ડોન્ટ ટચ મી!”

એકાદી ઊંડી ખીણમાંથી આવતા અવાજ જેવું પ્રિયા બોલી .એ બંનેની વચ્ચે આક્રોશ અને અવિશ્વાસની હવા ફેલાઈ. પ્રિયા તરફ લંબાવેલો પોતાનો હાથ પરમે પાછો ખેંચી લીધો.

“પ્રિયા, પ્લીઝ ટેલ મી, વ્હોટ હેપન્ડ?”

“પરમ , તું કે હું કોઈ નહીં સમજી શકીએ વ્હોટ હેપન્ડ ?વ્હાય ઇટ હેપન્ડ ?”પ્રિયાની આંખે આંસુનું તોરણ બંધાયું!

“તો તું અમેરિકાથી આપણાં લગ્નની ના પાડવા આવી?”

“હા, પરમ… !”

“પ્રિયા, અમેરિકા જઈને તું આવી બદલાઈ જઈશ એવું  નહોતું ધાર્યું! પ્રિયા, તેં તારા તન મન ફરતે એક કવચ વીટાળ્યું છે, ને કદાચ તેથી જ તને તારો પ્રેમ પણ સ્પર્શી નથી શકતો!”

“એવું નથી પરમ! હું તો સાવ કવચ વગરની થઈ ગઈ છું. હા, પણ બદલાઈ ગઈ છું જરૂર!”

“પ્રિયા, સમજી શકાય એવું બોલીશ?”

પ્રિયા, અનિમેષ નેત્રે પરમને જોઈ રહી. પરમ બોલ્યે જતો હતો.

“પ્રિયા, તેં એકવાર કહ્યું હતું, મારો પ્રેમ જમીન અને આસમાન વચ્ચેના આકાશ જેવો છે. ત્યાં આપણે પ્રેમનું અનોખું બ્રહ્માંડ રચીશું. જ્યાં આપણો પ્રેમ ઓમકારમય બનીને ગુંજતો રહેશે. આમ પ્રેમના હીંચકે હીંચનારી તું, આપણાં ભાવિ જીવનનાં સપનાને કંડારનારી તું… તારો જ પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો?” પરમે પૂછ્યું.

“પરમ , પ્રેમ શું છે એ તું મને સમજાવીશ? પ્રેમ વર્ષાની ફોરાની જેમ નથી વરસી શકતો, એ તો ઝાકળબિંદુની જેમ સહજ સરી પડે છે. ઝાકળની મહેંક વર્ષાના બિંદુમાં પણ નથી .ઝાકળ બનવા તપવું પડે છે, પરમ!”

“પ્રિયા, આપણે ઓછાં તપ્યાં છીએ? “

“એનો અહેસાસ મને છે એટલે જ સ્તો હું…”

પ્રિયા વાક્ય પૂરું કરે તે પહેલાં જ પરમ બોલ્યો, “અમેરિકાથી લગ્નની ના પાડવા આવી છે, ખરું ને પ્રિયા?”

“પરમ, સાંભળ પ્રેમ ,શ્રદ્ધા, સમર્પણ, ત્યાગ, પવિત્રતા  ને ખાસ કરી ને ચારિત્ર  વગર માનવ જીવનનું કશું મૂલ્ય  નથી ,પણ ક્યારેક એ બધું જ આભાસી લાગે છે. આ બધા શબ્દોને ઘસી ઘસીને ઊજળા કર્યા છે એટલું જ!”

પરમ ચૂપ થઈ ગયો. પ્રિયાની નિકટ સરીને તે બોલ્યો,

“પ્રિયા, તને કોઈ અન્ય સાથે?”

પ્રિયા  મ્લાન  હસી, “નહીં… પરમ…”

“પ્રિયા, તું લગ્નની ના પાડે છે, પણ તારા હાથની આંગળીમાં આપણાં સગાઈની વીંટી કેમ છે? અને આમ જ કરવું હતું તો આપણી સગાઈ શું એક  રમત હતી? “પરમે પૂછ્યું.

“પરમ…” પ્રિયા ચીસ પાડી ઊઠી. એનું સમગ્ર અસ્તિત્વ કંપી ઊઠ્યું. થોડીક ક્ષણો પછી તે સ્વસ્થ થતાં બોલી.

“પરમ, સગાઈ જો તને  રમત લાગતી હોય તો લગ્ન મને નાટક જેવું લાગશે. અને એટલે જ…”

“તું અહીં આવીને અમારાં સહુના દિલ તોડી શકે છે!”

“પરમ, તારા આક્ષેપોનો મારી પાસે જવાબ નથી .”

“આ આક્ષેપ  નથી ,હકીકત છે!” પરમે કહ્યું.

“તને જે લાગે તે, હું તારી સાથે લગ્ન નહીં  કરી શકું, પરમ !”

“આ વાત તો તું આવી છે ત્યારથી કહી રહી છે, પ્રિયા!”

પ્રિયા , ચૂપ હતી. પરમ પ્રિયાના પ્લેનના ઊડવાના સમય સુધી પૂછતો રહ્યો, ક્યારેક પ્રિયા ડગમગી જતી. સમગ્ર તનમનની વ્યથા પરમ આગળ ઠાલવી દેવાની ઇચ્છા એને થઈ જતી, પણ તે પ્રયત્ન પૂર્વક  મૌન રહી.

“પ્રિયા, તું મને કેમ  ના પાડે છે, તે જાણવાનો મને અધિકાર  નથી ? ”

પ્રિયા  બોલી, “અધિકાર છે, પણ સાંભળી શકીશ? સાંભળીને સમજી શકીશ? સમજીને મને…”

પ્રિયા , પોતાના  અધૂરા વાક્ય સાથે ઊભી થઈ. સૂટકેસ અને પર્સ લઈને ચાલવા લાગી. થોડેક દૂર જઈને, પાછાં વળીને એણે પરમ સામે જોઈને આવજે કર્યું

“પ્રિયા, ઇમેલ કરતી રહેજે.” પરમે ઊંચા સાદે કહ્યું

આસપાસનાં લોકોએ પહેલાં પરમ અને પછી પ્રિયા સામે જોયું. પ્રિયાએ એ સહુ પર ન ઉકેલી શકાય એવો  દ્રષ્ટિપાત  કર્યો.

પ્રિયા  કશું બોલી  નહી ,પરમ પ્રિયાની પાછળ ચાલતા ટોળાંને ભેદીને દોડ્યો. સિક્યોરિટીવાળાએ પરમને રોક્યો. પ્રિયાએ ક્ષણેક થોભીને પરમની સામે જોયું. એ જ ચહેરો કઠોર અને મૃદુ!

પ્રિયાને  યાદ આવ્યું ,એકવાર વાતચીતમાં પરમે કહ્યું હતું, “પ્રિયા , કોમળ અને કઠોર એકી સાથે બનવાનું, પહેલાં કોમળ અને પછી કઠોર એમ નહીં. એના ચહેરા પર થોડુંક સ્મિત આવ્યું ને આંસુ સરી પડ્યાં. પ્રિયા વિચારવા લાગી હસવું અને રડવું જ્યારે એકમેકમાં ભળી જાય ત્યારે કેવું બધું ધૂંધળું ભાસે છે, પણ કઠોર અને કોમળના મિશ્રણથી ઉદાત્ત માનવી બની શકાય. કદાચ પરમ જેવા. એણે ફરી પાછાં વળીને જોયું. પરમની પોતા પ્રત્યેની પ્રેમથી છલ્લોછલ દૃષ્ટિ… એમાં ડોકાતો એક પ્રશ્ન, “કેમ… પ્રિયા શા માટે?”

પ્રિયા  મક્કમ પગલે પાછી ફરી, પરમે દોડતાં આવીને પ્રિયાને અંકમાં લીધી. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

“પરમ, વહાલા પરમ” સત્યની ઊંડી ગુફામાંથી એક વ્યાકુળ અવાજ આવ્યો જે પરમના હૃદય પર પડઘાતો રહ્યો.

“પરમ, મારી ચેતનાને, મારાં શ્વસતાં  કુવારાં નારીત્વને કોઈ અનાવૃત્ત કરી ગયું!”

પરમના શરીરમાંથી એક વીજળી પસાર થઈ, એના પ્રેમ ઝરણાંને જાણે સૂકવતી ગઈ. આગની જ્વાળાની જેમ તે સમસમી ગયો.

“ પ્રિયાડડ” પરમની ચીસ એના પોતાના જ ગળામાં ઘૂંટાતી ગઈ. પોતે બેભાન થઈ એરપોર્ટ પર પછડાઈ જશે એવા ભયથી તે પથ્થરની જેમ ઊભેલી પ્રિયાને વળગી પડ્યો. પ્રિયા નિશ્ચલ ઊભી રહી, સાવ ચેતન વિહોણી!”

થોડીક ક્ષણોમાં બંને સ્વસ્થ થયા. પરમે પ્રિયાનો હાથ પકડી લીધો. તે બોલ્યો, “ચાલ, પ્રિયા ચાલ, મારી સાથે ચાલ!” એરપોર્ટથી તે પરમના  ઘર સુધીનો રસ્તો બંનેના શ્વાસોની આવનજાવનથી ટૂંકાતો ગયો. પરમના ઘરમાં પ્રવેશતાં જ પ્રિયા બોલી, “પરમ, તને ના પાડવાનું આજ કારણ છે. મારા હૃદયનો પ્રેમ મારી દેહની મર્યાદાથી ગૂંગળાઈ ગયો છે. હું તારી રહીનેય તારી નથી થઈ શકતી.”

પરમની નજીક આવી એનો હાથ પકડી તે બોલી, “આ બનાવ  બન્યો ત્યારે હું ઇચ્છતી હતી કે કોઈ જટાયુ બનીને આવે, કોઈ રામ બનીને આવે, કોઈ કૃષ્ણ બનીને આવે! કોઈ ન આવ્યું પરમ! તું પણ ના આવ્યો! હવે જ્યારે હું પાપ અને પુણ્યતા અક્ષાંસ-રેખાંશ પર અટવાઈ રહી છું, ત્યારે હું મારી જાતને પૂછું છું. મારું સ્થાન ક્યાં?”

પરમે પ્રિયાનો હાથ પોતાના હૃદય પર મૂક્યો… “તારું સ્થાન અહીં છે, પ્રિયા! પ્રિયા મને માત્ર પડછાયાની જેમ  જ નહીં પણ તારા શ્વાસની જેમ નિકટ આવવા દે! તારી નજીક રહીને તારી પીડાને હું ધીરે ધીરે પી જઈશ!”

“હા, નીલકંઠે વિષ પીધું ને તું મારી પીડા! પરમ તને તો માત્ર પ્રેમ જ અપાય. આ પીડા હું પોતે પીતી રહીશ.”

“પરમ, ક્યારેક આપણે એકલાં કે એકલાં અધૂરાં રહીને જીવવું પડે છે. આપણી પાસે ન જીવવાની  સ્વતંત્રતા  નથી ! પ્રિયાના દરેક શબ્દમાંથી વેદના ટપકતી હતી.

“પ્રિયા, બીજું બધું હોય કે ન હોય, આપણી પાસે પ્રેમ કરવાની સ્વતંત્રતા છે.” પરમે પ્રિયાની નિકટ આવીને કહ્યું. ચહેરા પરના વિષાદના ભાવ સાથે પ્રિયા બોલી, “મારા એકાંતની મંજૂષા લૂંટાઈ ગઈ છે. એમાં સજાવીને મૂકેલા મેઘધનુષના રંગ વિખેરાઈ ગયા છે. પરમ, મારા એકાંતમાં નર્યો ઘોંઘાટ છે, મારું પોતાનું કહી શકાય એવું એકાંત પણ મારી પાસે નથી “

પરમે કહ્યું, “પ્રિયા આપણાં તનમનનાં એકત્વથી હું તારી લૂંટાઈ ગયેલી મંજૂષા છલકાવી દઈશ. આપણે બંને સાથે મળીને વિશ્વાસ અને શ્રદ્ધાના રંગે તેને શણગારીશું.”

“ના પરમ , એ શક્ય જ નથી. મારા ખંડિત ભિક્ષાપાત્રમાં તારું સ્નેહ ઝાકળ નિર્માલ્યની  જેમ વ્યર્થ જશે. તું મારા પરમ સમીપે અને તને જ……! “પ્રિયાની આંખો ભરાઈ આવી.

“પ્રિયા, તારી આ સદીઓ પુરાણી માન્યતાઓનું  મારે મન કોઈ મહત્વ નથી .કોઈ અબુધ પુરુષે તને ઘાયલ કરી છે. એ મનોવિકૃત કે મનોરોગી  હશે. તારી બદનસીબીની એ ક્ષણો હશે. પ્રિયા, તારે તારું મનોયુદ્ધ એકલાં એકલાં જ લડવું છે. તારા મનોસંગ્રામનો મને સારથી નહીં બનાવે?”

“મનોસંગ્રામ? તું સાચું જ કહે છે પરમ! હું મારાં મનોયુદ્ધમાં અટવાઈ ગઈ છું. મનની સાથે એક અણગમતો  નવો સંબંધ બંધાયો છે. એ મુક્ત છે હું માત્ર બંદિશ્ત!!”

“મારા મનની કોર્ટમાં હું ન્યાયાધીશ બનું છું. મારી જાતને દેહદંડની સજાથી માંડીને દરેક હળવી મોટી સજાઓ ફટકારું છું. એ બધી સજાઓ મારા માટે સહ્ય છે, પણ મનને સતત ડ્રીલની જેમ કોતરતી સ્થિતિ અસહ્ય છે.  મને લાગે છે કે મરતી વખતે પણ આવી રીતે જીવવા જેટલી પીડા વેઠવી નહીં પડતી હોય! હું વેદનાના હીંચકે બેસીને ક્રોધને હીંચકાવું છું ને ક્યારેક પીછેહઠ કરીને વિચારું છું  કે હું વેરની આગ વરસાવું તો કોના પર? પરમ, જવાબ વિનાના સવાલોનું અતુલ યુદ્ધ હું લડી રહી છું. મારી જિંદગી જાણે અનેક પ્રશ્નોનું જંગલ!! એક પછી એક ઊગતા પ્રશ્નથી હું છેદાઈ રહી છું. આ સમયે તું પણ મારી મમ્મીની જેમ લગ્નની વાત કરે છે?” પ્રિયા બોલતાં બોલતાં જાણે હાંફી ગઈ.

પરમે પૂછ્યું, “તેં તારી મમ્મીને વાત કરી? એમણે શું કહ્યું ?”

પ્રિયા  બોલી, “ મારી મા, મારા દુઃખને સમજે છે. મારા આશ્ચર્ય વચ્ચે એ આવા દુઃખને સહી શકે છે! તે સ્ત્રીના  નાતે બધું સમજે છે, પણ એની સમજણ સહારો બનીતે છવાઈ નથી જતી. તે મૂંગી મૂંગી બરડા પર હાથ ફેરવશે. એનો સ્પર્શ ઘણું બધું કહેવા મથે છે, પણ હું જ જાણે ચેતન વિહોણી બની જાઉં છું ! અત્યાચાર તો સ્ત્રીઓ પર જ થાય એવી માન્યતા સાથે તે મોટી થઈ છે. એ કહેતી હતી, “હું કાંઈ દુનિયાની પહેલી સ્ત્રી નથી જેના પર આવો અત્યાચાર થયો છે. તે કહે છે લગ્ન કરી લે બધું ઠીક થઈ જશે.”

“લગ્ન પહેલાં અને લગ્ન પછી આવી વાતો કોઈનેય કહેવાય નહીં. એવા બીકણ ખ્યાલોથી મા ઘડાઈ છે, પણ પરમ પોતાના મન આગળ ડોઈ ઢાંકપીછેડો થઈ શકતો નથી. તારી સાથે લગ્ન કરીશ તો હું એકલી નહીં હોવું, અનેક અણગમતી સ્મૃતિઓ દહેજમાં લાવીશ!! તેનું શું કરીશું? આ જખમની યાદો વર્તમાનની ક્ષણોમાં ઓગાળવી મારાથી શક્ય બનશે ? ”

“પ્રિયા સમયના ટનલમાં ફોરવર્ડ હોય છે. તું રિવર્સ જવાતું બંધ કરીશ ? જીવન સતત આગે બઢોને લલકારે છે.” પરમે કહ્યું.

“પરમ , હું બધું જ સમજુ છું. તું મારા મનને એ અત્યાચારી ક્ષણોમાંથી મુક્ત કરી શકીશ? એ સમગ્ર ઘટનાએ  મારા નારીત્વને છીનવી લઈને મને અપમાનિત કરી છે. આજ સુધીના ઇતિહાસમાં કઈ સ્ત્રીને પોતાની આ પ્રકારની વ્યથાને વ્યક્ત કરવાની છૂટ મળી છે? પરમ, તારી આગળ આજે તારી પ્રિયાનું મન અત્યંત વિશ્વાસપૂર્વક અનાવૃત્ત થયું છે.”

“પ્રિયા,”

પરમ અત્યંત સ્નેહથી  બોલ્યો, “તું તારા મનને મોકળું કરીતે ધોધમાર રડી લે. આંસુનું મહાપૂર આવવા દે. એમાંથી તરીને બહાર નીકળ. એ પળનું સ્મરણ પણ એ પ્રવાહમાં જવા દે… એ ક્ષણો અને વેદનામાંથી મુક્ત થવાનો મરણિયો પ્રયાસ એ જ તારો સંકલ્પ!”

“પરમ, તું કોઈ માનસશાસ્ત્રી જેવું બોલે છે!”

“ના ,પ્રિયા, હું એક સહૃદયી પ્રેમી જેવું બોલું છું. આપણી સંસ્કૃતિ મનની ભાવનાઓથી ભરેલી છે. એ આંતરનાદના તારા તાર તૂટી ગયા છે. આમ હારીને બેસીશ તો સ્વસ્થતા ખોઈ બેસીશ. મન અને મક્કમતા વચ્ચે એકત્વ સંધાય ત્યારે જ જીવન સહજતાના માર્ગે આગળ વધે છે. આ પળથી માત્ર મારી થઈને રહે. તારા વર્તમાનની ક્ષણો સુવર્ણ રજથી ભરવા હું પ્રયત્ન કરીશ!”

“ખરેખર પરમ! તો તું એક કામ તારી પ્રિયા માટે કરીશ?”

“પ્રિયા, તારે પૂછવાનું ના હોય! બોલ, પ્રિયા, હું તારા માટે શું કરું?”

પ્રિયાનો  કંઠ રૂંધાયો, પણ શબ્દો ભારપૂર્વક ધસી આવ્યા, “

“પરમ, મને શાપ આપ… હા પરમ, તું મને શાપ આપીશ?”

“મારે ,અહલ્યા થવું છે… હા… હા… મારે અહલ્યા થવું છે !!”


વસુધા ઈનામદાર | બોસ્ટન ,અમેરિકા