પ્રીતિ શાહ-સેનગુપ્તા

જિયોના કેન્દ્ર ભાગમાં આવેલું નૅશનલ મ્યુઝીયમ એક ખૂબ મોટા મકાનમાં વસાવેલું છે. જેવું બહારથી મોટું છે, તેવું જ એ અંદરથી મોકળું છે. છેક ૧૯૫૧થી આ સંગ્રહાલય ખુલ્લું મૂકાયેલું છે. એમાંનાં પ્રદર્શન પણ સારાં છે. જાણે અહીં બધું જ થોડું થોડું જોવા મળી જાય – દેશનો થોડો ઇતિહાસ, થોડું સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓ વિષે, અને અમરીન્ડિયન પ્રજાની રહેણીકરણી ને પોષાક વેગરે વિષે. કેટલાંક વહાણોનાં મૉડલ મૂકેલાં હતાં, અને અંગ્રેજોના જમાનામાં સરકારને ભેટમાં મળેલી એક રોલ્સરોઇસ ગાડી પણ ત્યાં ગોઠવી દીધેલી.

ઘણા ગરીબ દેશોનાં મ્યુઝીયમ સાવ ધૂળિયાં અને નિસ્તેજ હોય છે, પણ આ એવું બીલકુલ નહતું. આ તો સાફ અને રસ પડે તેવું હતું. થોડાં સ્થાનિક કુટુંબો પણ જોવા આવેલાં, એટલે વસ્તી પણ લાગી. અંદર ફોટા લેવાની મનાઈ હતી, પણ એની બારીમાંથી, બહાર પાસે જ રહેલી નૅશનલ લાયબ્રેરીનો ફોટો મેં લીધો. એનું મકાન નીચું અને લાંબું હતું. એ પણ જોવું ગમ્યું હોત, પણ ત્યાં જવાયું નહીં.

મ્યુઝીયમની સામેના રસ્તા પર થોડી નાની હાટડીઓ હતી. એમાં દેશની હસ્તકળાની ચીજો વેચાતી હતી. કી-ચેનો અને પોસ્ટકાર્ડ ઉપરાંત કેન-વણાટની નાની ચીજો, લૅધરનાં ચંપલ, મણકાની માળા-બંગડીઓ, કોઈએ જાતે ચિતરેલાં ચિત્રો વગેરે વેચાતું હતું. જોવામાં બધું રંગરંગીન અને સરસ લાગે, પણ વપરાય એવું કશું ના લાગ્યું. લોકોને કશી આવક ના કરી શકવા માટે પણ જીવ બળે.

નજીકમાં જ ગયાનાનું મુખ્ય ઍન્ગ્લિકન ખ્રિસ્તી દેવળ હતું. એને ફરતે થઈને અમે ગયાં. એ સમયે એ બંધ હતું, નહીં તો કદાચ અંદરથી જોઈ શકાત. એ આખું લાકડાંનું બનેલું છે, અને ૧૪૩ ફીટ ઊંચું હોઈ, એ આખી દુનિયાની ઊંચામાં ઊંચી લાકડાની બનેલી ઇમારત ગણાય છે. કૅથિડ્રાલનું નવેસરથી સફેદ રંગેલું, કમાનો અને કાચની બારીઓથી સજ્જ આ બાંધકામ બહુ સુંદર દેખાયું. ચાલુ ગાડીએ મેં એક-બે ફોટા લીધા.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

આવાં જૂના વખતનાં મકાનોની સાથે સાથે, કેન્દ્ર વિભાગમાં હવે નવી, મૉડર્ન ઇમારતો પણ થવા માંડી છે. એવાં બે ઊંચાં, મોટાં મકાનો ઑફીસો અને મોટી કંપનીઓ માટેનાં હશે, એમ લાગ્યું. અહીં બધા રસ્તા વન-વે છે, એટલે થોડું ફરવું પડે. શહેરની મુખ્ય માર્કેટ પાસે પહોંચ્યાં ત્યારે ગાડીઓ પાર્ક કરવાની જગ્યા શોધવા માટે પણ ફરવું પડ્યું.

ખૂબ જ ભરચક અને ભીડવાળી જગ્યા. લોકો લોકો, અને સ્થાનિક લોકોના ટ્રાન્સ્પૉર્ટ માટેની, પાર વગરની મિનિ-બસો. સામે, ડાબે, જમણે- બધે એટલો બધો કચરો દેખાય, અને એક તરફ મોટો ઊકરડો થયેલો હતો. નાની-મોટી નકામી ને ભંગારની અસંખ્ય ચીજો ત્યાં ફેંકાયેલી હતી. સાધારણ રીતે, ગરીબ દેશનું આ જ સ્વરૂપ હોય છે. પણ ગયાનાની વસ્તી તો કેટલી ઓછી છે, છતાં આ સ્વરૂપ?, આ સ્વભાવ? ને તે કેન્દ્ર વિભાગમાં જ. અન્યત્ર ક્યાં જોઈ ગંદકી?

ચારે તરફ રસ્તાઓ પર સળંગ દુકાનો થયેલી હતી. અઢળક કપડાં અને પગરખાં બધે દેખાયાં. કાંઈ લેવું ના હોય, એટલે ઊતરીને ત્યાં ફરવા માટે ગાડી પાર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો. વચમાં હતું જિયોની મુખ્ય માર્કેટનું આગવું સ્થાપત્ય. સાઠેક વર્ષ પહેલાં એ બન્યું. ત્રિકોણાકાર છાપરાંવાળા નીચા લાંબા બાંધકામમાં અનેક દુકાનો બનેલી છે. ત્યાં બધુંયે મળે – સસ્તાં શાકભાજીથી માંડીને સોનાનાં મોંઘાં ઘરેણાં.

જોકે, આ સામે તરફથી ખ્યાલ નથી આવતો, કે એનો પાછલો ભાગ છે જ નહીં. એક જમાનામાં ચારે બાજુ દુકાનો હશે, એની અંદર. હવે આ એક બાજુ જ છે. આ સ્ટાબ્રોક માર્કેટની ખાસ નિશાની તરીકે રહેલું છે એક ઊંચું ક્લૉક ટાવર. એની ચારેય દિશામાં ઘડિયાળ તો છે, પણ જે તરફથી જુઓ ત્યાં સમય ખોટો હોય. કોણ જાણે કયા જમાનાથી બંધ પડ્યાં હશે આ જાહેર ઘડિયાળો. છતાં, ગેરુઆ રંગે રંગેલું ટાવર ફોટો લેવા માટે આકર્ષક લાગે ખરું.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

રસ્તામાં દેશનું પાર્લામૅન્ટ હાઉસ જોયું. ૧૮૩૪માં બનેલું, ઇંગ્લિશ કોલોનિયલ શૈલીનું એ સ્થાપત્ય એકદમ મુખ્ય રસ્તા પર છે. બહાર ગાર્ડન નાનો જ છે, અને કોઈ સંતરી પહેરો ભરતા દેખાયા નહીં. જિયોની મ્યુનિસિપાલિટીનું, લાકડાંનું બનેલું મકાન ૧૮૮૯માં બંધાયેલું, અને દેશની હાઈકૉર્ટ ૧૮૮૭માં ખુલેલી. વૃક્ષોની શોભાવાળાં, પહોળા માર્ગો પર રહેલાં, સારી રીતે રંગેલાં અને સ્વચ્છ રખાતાં આ બધાં સરકારી મકાન બહુ સરસ અને મોભાદાર લાગે છે.

પ્રોમેનાડ ગાર્ડન આમ નાનો કહેવાય, પણ છે બહુ જ સરસ. કેટલાં બધાં ઝાડ, ફૂલો, અને ત્રણ-ચાર જુદી જુદી જાતનાં તાડનાં વૃક્ષો. મોટા પંખાના આકારનું એક ઝાડ તરત નજર ખેંચતું હતું.

ફરતાં ફરતાં, ગુલમહોરના એક પુષ્ટ તરુની નીચે, અચાનક અમને ગાંધીજીની પ્રતિમા દેખાઈ ગઈ. એક હાથમાં લાકડી અને ચાલવાની મુદ્રામાં એક પગ આગળ. મોઢા પર અત્યંત મધુર સ્મિત.

અમે ખુશ તો થયાં જ, પણ લાગણીવશ પણ થઈ ગયાં. બધાંએ મળીને ત્યાં ઊભાં ઊભાં, ગાંધીજીને પ્રિય એવું ભજન ‘વૈષ્ણવ-જન’ ગાયું. હાથ જોડીને, આંખો બંધ કરીને ઘડીક થોભ્યાં પણ ખરાં. હૃદયસ્પર્શી હતી એ ક્ષણો અમારાં બધાંને માટે.

આ પછી ઝૂ અને બોટાનિકલ ગાર્ડનમાં ગયાં. એક જ દંપતી ગ્રાન્ડ ચિલ્ડ્રનને બતાવી શકાય તેવા ફોટા લેવાના ઉદ્દેશથી ઝૂમાં ગયું. પાછાં આવીને કહે, કે થોડાં ખાસ પંખીઓ સિવાય બહુ બીજું નહતું. અમે તો જાજરમાન વૃક્ષોની ઘટામાં ટહેલતાં રહ્યાં. એમનો છાંયડો સારો હતો, પણ ક્યાંય અડકાય કે બેસાય તેવું નહતું, કારણકે ઘટાદાર ડાળીઓ પરથી સોનેરી મંકોડા પ્રચુર પ્રમાણમાં માથાં પર પડતા રહેતા હતા. વળી, બોટાનિકલ ગાર્ડન જેવું ખાસ દેખાયું નહીં. કદાચ છે ને પાછલી બાજુ પર હોય, પણ તાપ ને તડકો એવો કે વધારે ચાલવું ગમે તેમ નહતું.

છેલ્લે કાસ્તેલાની હાઉસ નામના મકાનમાં બનેલી આર્ટ ગૅલૅરી જોવા મળી. ગયાનિઝ કળાકારોએ બનાવેલાં ચિત્રો, શિલ્પ, સિરૅમિક વગેરે કૃતિઓ ઘણી સરસ હતી. ખરેખર, કળા-કૌશલ્યને દેશ કે જાતિનાં બંધન ક્યાં નડે છે?


ક્રમશઃ


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.