સનાતન પરંપરા વિશે જેટલું લખીએ તેટલું ઓછું પડે. આ દીર્ઘ લેખામાળાના સમાપનમાં સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન તેમને સમજવામાં મદદરૂપ બની શકશે.

આ પહેલાં આપણે વૈદિક અને શ્રમણ પરંપરાઓ અને હિંદુ ધર્મને અગ્રીમ સ્થાન અપાવવાનું અભિયાન વિશે વાત કરી હતી. હવે આગળ …..


પ્રવાસી યુ. ધોળકિયા

પશ્ચિમી કૅલેન્ડર પ્રમાણે. ઇ. સ. ૨૦૦૦માં વિશ્વએ પોતાની બે હજાર વર્ષની સમયાવધિ પુરી કરી. એક વિદેશી વિદ્વાને સાચું જ કહ્યું છે કે પ્રથમ હજાર વર્ષમાં, એટલે કે ઇ. સ. ૧૦૦૦ સુધીમાં,  ભારતની સનાતન સંસ્કૃતિ શિખર પર પહોંચી. આ સનાતન પરંપરા હિંદુ અને બૌદ્ધ હતી. તે ફક્ત ભારતીય ઉપખંડમાં જ નહીં, પણ મધ્ય એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા તથા છેક ચીન,  જાપાન, કોરિયા અને તાઈવાન સુધી ફેલાઈ હતી. ખાસ નોંધવાની બાબત એ છે કે સંસ્કૃતિનો આ વિસ્તાર કોઈ પણ પ્રકારની બળજબરી કે રક્તપાત વિના થયો હતો. વિશ્વના ઇતિહાસમાં આ એક વિરલ ઘટના ગણવામાં આવે છે.

ઓશો રજનીશ કહે છે કે જ્યારે કોઈ પણ સંસ્કૃતિ તેના જ્ઞાન, અધ્યાત્મ અને ધર્મમાં ટોચ પર પહોંચે છે ત્યારે તે સ્ત્રૈણ બની જાય છે. ભારતમાં સનાતન પરંપરા સાથે પણ એવું જ કંઈક બન્યું.  સહસ્ત્રાવધિના બીજા ખંડ દરમ્યાન ઇ. સ. ૧૨૦૦ થી ૧૮૦૦ સુધીમાં અનેક તુર્ક લોકો મુસલમાન બનીને હિંદ પર શાસન કરવા લાગ્યા. એ સમયે આપણો દેશ આ મારક અને શોષક રાજવીઓનો માત્ર રાજકીય ગુલામ બનીને જ ન અટકી ગયો. આપણે આપણી ૨૫ ટકા વસ્તીને મુસલમાન બનતા પણ ન રોકી શક્યા. આ ધર્મ પરિવર્તન પાછળ મુસલમાનોની તલવાર, તેમણે નાખેલ જજિયાવેરો જેવાં અનેક કારણો પણ હતાં.

તેથી આજની પેઢીને એ સવાલ થવો સ્વાભાવિક છે કે આપણાથી વધારે અભણ અને ઊતરતી મુસ્લિમ સંસ્કૃતિના આપણે આવા કાયર બનીને ગુલામ કેમ બની ગયા? આવું કેમ બન્યું એ માટે આપણે આજે કદાચ અવૈજ્ઞાનિક લાગે એવી જ્યોતિષવિદ્યાનો આધાર લેવો પડશે. આ વિજ્ઞાન પ્રમાણે, સૂર્યની આસપાસ રાહુ-કેતુ સાથે અગિયાર ગ્રહો ફરતા રહે છે. પ્રાચીન જ્યોતિષશાસ્ત્રમાં માનતા આપણા જ્યોતિષીઓ આ અગિયારમાંના આઠ ગ્રહોને લઈને માનવ જીવનનાં ભાવિનું ફળકથન કરે છે. તેઓ મેદીનીય જ્યોતિષને આધારે દેશ-વિદેશનાં ભાવિ વિશે પણ સચોટ આગાહી કરી શકે છે.

પરંતુ છેલ્લાં ત્રણસોએક વર્ષમાં પશ્ચિમ યુરોપના દેશોએ ઉપરોક્ત સૂર્યમાળાના ત્રણ નવા ગ્રહ – યુરેનસ (અરુણ), નેપ્ચ્યુન (વરુણ) અને  પ્લુટો (યમ) – ની શોધ કરી.  સૂર્યની આસપાસ એક ભ્રમણ પુરું કરતાં યુરેનસને, નેપ્ચ્યુનને અને  પ્લુટોને અનુક્રમે ૮૪ વર્ષ, ૧૬૫ વર્ષ અને ૨૫૦ વર્ષ લાગે છે.

૧) રૉઝી ફિન્ન નામની જ્યોતિષ વિદુષીએ ખાસ કરીને  પ્લુટોનો આધાર લઈને છેલ્લાં ૩,૦૦૦ વર્ષોમાં  પ્લુટોનાં એક એક પરિભ્રમણ દરમ્યાન વિશ્વમાં કેવાં કેવાં પરિવર્તન આવ્યાં તેની અદ્‍ભૂત શોધખોળ કરી છે. તે ઉપરાંત યુરેનસે અને નેપ્ચ્યુને પણ વિશ્વની સંસ્કૃતિનાં પરિવર્તનમાં પ્લુટો સાઈકલને જે ગતિ આપી છે તેની પણ નોંધ લીધી છે. રોઝીએ શાસકોમાં હમુરાબી, ચંગીઝખાન, હિટલર અને સ્તાલિન જેવાં નામો ગણાવ્યાં છે અને તેઓ દ્વારા સંસ્કૃતિઓના વિનાશને સમજાવ્યા છે.

૨)  પ્લુટોનાં છેલ્લાં બે ભ્રમણ, એટલે કે ઇ. સ. ૧૫૦૦ થી ૨૦૦૦, ના સમયગાળામાં પશ્ચિમી વિજ્ઞાન અને ટેક્નૉલોજિએ વિશ્વની, ભારત, ચીન કે ઇસ્લામિક જેવી, ખેતી આધારિત સંસ્કૃતિઓનો કારમો પરાજય કર્યો.

૩)  પ્લુટોનું છેલ્લું પરિભ્રમણ ઇ. સ. ૧૭૭૫માં થયું. રૉઝી લખે છે કે આ ચક્રના આરંભ સાથે જ ઇ. સ. ૧૭૭૬માં અમેરિકામાં યુ એસ એ બ્રિટનથી સ્વતંત્ર થયું. ઇ. સ. ૧૭૭૯માં ફ્રાન્સમાં ક્રાંતિ થઈ અને રાજાશાહી ઊથલી પડી. પછી રશિયાની ઝારશાહી, તુર્કસ્તાનનાં ઓટોમન અને ભારતનાં મુગલ શાસનનો અંત આવ્યો.

૪) તલવાર અને ભાલાથી લડાતાં યુદ્ધોનો અંત આવ્યો. પહેલાં તોપો અને પછી ટેન્કો, મિસાઈલો અને અણુશસ્ત્રોથી સજ્જ આધુનિક સૈન્ય વડે પશ્ચિમી સંસ્કૃતિઓએ વિશ્વના આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાનાં અનેક રાજ્યો જીતી લઈને પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

પ્લુટોનાં સૂર્યની આસપાસનાં છેલ્લાં ચાર પરિભ્રમણ ( ૨૫૦ x ૪ વર્ષ)ને સનાતન પરંપરાના ધારક આપણા દેશના સંદર્ભમાં આપણે હવે જોઈએ.

        ૧)  પ્લુટોનાં પહેલાં બે પરિભ્રમણ, એટલે કે ઇ. સ. ૧૦૨૫ થી ૧૫૨૫ દરમ્યાન મધ્યપૂર્વથી તુર્ક        મુસલમાનો ચડી આવ્યા. તેઓએ ભારત પર ઇસ્લામિક સુલતાનો બનીને ઈસ્લામિક સંસ્કૃતિનો પાયો નાખ્યો. ૫૦૦ વર્ષનો તેમનો શાસન કાળ અતિ ક્રૂર અને ઘાતકી હતો.

        ૨)   પ્લુટોનું ત્રીજું પરિભ્રમણ ઇ. સ. ૧૫૨૫ થી ૧૭૭૫ દરમ્યાન થયું. હવે સુલતાનોની   જગ્યાએ મુગલ બાદશાહો આવ્યા. બધું મળીને પંચાવન જેટલા મુસ્લિમ શાસકોએ ભારત પર    તેમના શાસન કાળ દરમ્યાન બહુ જ શોષણ કર્યું.

        ૩)  પ્લુટોનું ચોથું પરિભ્રમણ ઇ. સ. ૧૭૭૬ થી ૨૦૨૫ સુધી ચાલ્યું. એ સમયે મુસ્લિમોને     હરાવીને તેનાથી વધારે શક્તિશાળી એવા પશ્ચિમ યુરોપના અગ્રેસર બ્રિટિશરોએ આપણા પર  આધુનિક કહી શકાય તેવું  છતાં પણ અતિ શોષણકર શાસન ચલાવ્યું. બીજાં વિશ્વયુદ્ધને પરિણામે બ્રિટન નબળું પડ્યું અને ભારતને સ્વતંત્રતા આપવી પડી. પરંતુ કુટિલ બ્રિટિશરોએ હિંદુ મુસ્લિમ   વચ્ચે કાયમી તિરાડ પાડી દીધી. ભારતને સ્વાતંત્ર્ય મળ્યું પણ દેશ ભૌગોલિક અને રાજકીય સ્તરે ખંડિત થઈ ગયો. અહીં એ સ્પષ્ટતા કરીએ કે છેલ્લાં ચોર્યાસી વર્ષ, એટલે કે યુરેનસનું એક  પરિભ્રમણ પૂરું થવાથી, તેની નેપ્ચ્યુન અને પ્લુટો એક વિશિષ્ટ પ્રકારની યુતિ સર્જાઈ, જે  દરમ્યાન વિશ્વયુદ્ધો થયાં. ૧૮૫૧માં પ્રારંભ થયેલ યુરેનસ સાઈકલે ભારતને સ્વાતંત્ર્ય અપાવ્યું.

        ૪) આઝાદી સમયે દેશ સામે અનેક પડકારો હોવા છતાં ભારતે લોકશાહી રાજ્ય વ્યવસ્થા        અપનાવી. આઝાદી પછીના ૭૮ વર્ષોમાં ભારતે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી. સ્વતંત્ર  ભારતનાં વિશ્વવિદ્યાલયોના સ્નાતકોએ તેમની બુદ્ધિપ્રતિભાથી વિશ્વમાં ડંકો વગાડ્યો છે.  ભારતની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓએ અંતરિક્ષ વિજ્ઞાન અને શસ્ત્રસરંજામ ઉત્પાદન ક્ષેત્રોમાં જે  પ્રગતિ સાધી છે તે જોઈને વિશ્વ આશ્ચર્ય અનુભવે છે. આર્થિક વિકાસની દૃષ્ટિએ આપણે વિશ્વના પ્રથમ પાંચ દેશોમાં સ્થાન પામીએ છીએ. આપણું ભવિષ્ય ઉજળું હશે.

હિંદુ પરંપરાના મહાવતારો

કાળની અનેક માર ખાધા છતાં આપણી હિંદુ પરંપરા આજે વિશ્વની વસ્તીના ૧૫ પ્રતિ શત ભાગમાં માન્ય છે એ માટે આપણે આ મહાવતારોના ઋણી છીએ

જૂન ૨૦૨૫ના પ્યુ રીસર્ચ સેન્ટરના એક અભ્યાસ અનુસાર વિશ્વમાં વિવિધ ધર્મોની વસ્તીનું તુલનાત્મક વર્ગીકરણ

૧) ભગવાન શ્રીકૃષ્ણ

વિવેચકો કહે છે કે હિંદુ ધર્મના સાચ સંરક્ષક ભગવાન શ્રીકૃષ્ણ છે. મહાભારત કાળમાં તેઓએ જોયું કે તે સમયના પચાસ જેટલાં રાજ્યોનાં રાજ્યકુળો  સાવ અસંસ્કારી, ઘાતકી અને અતિ ભોગવિલાસી બની ગયાં હતાં. તેતી ભગવાનશ્રીએ મહાભારતનું યુદ્ધ થવા દીધું. આ મહાયુદ્ધમાં લગભગ બધાં રાજ્યકુળોનો નાશ થયો. તેમણે પોતાનાં યાદવ કુળનો અને સ્વયંનો પણ સામાન્ય માનવી જેવો અંત આણ્યો.

ભારતના ધર્મ અને અધ્યાત્મનો પ્રાણ શ્રીકૃષ્ણનો યોગ માર્ગ છે. આ યોગમાર્ગના સ્થાપક ભગવાન શિવ હતા તેથી શિવ આદિ યોગી કહેવાય છે. શ્રીકૃષ્ણે આ યોગમાર્ગને ભવિષ્ય માટે સરળ બનાવ્યો એટલે શ્રીકૃષ્ણ યોગેશ્વર કહેવાયા. વેદ અને ઉપનિષદમાં રહેલાં જ્ઞાન-વિજ્ઞાનને શ્રીકૄષ્ણએ પોતાના પ્રવચનને ભગવદ્‍ગીતામાં અદ્‍ભૂત રીતે વણી લીધાં. તેઓએ સૌથી વિશેષ પ્રાધાન્ય કર્મવાદને આપ્યું. ભગવદ્‍ગીતાનો ઉપદેશ શાશ્વત  છે અને આજે પણ એટલો જ પ્રાસંગિક છે.

૨) ગોરખનાથ

બીજા મહાવતાર નાથ સંપ્રદાયના પ્રધાન ગુરુ ગોરખનાથ છે.  તેઓએ બૌદ્ધ ધર્મના સિદ્ધોના યોગ અને તંત્ર માર્ગને નવું સ્વરૂપ આપ્યું. પછી એવું બન્યું કે તે યોગ માર્ગ જ એક સંપૂર્ણ માર્ગ બની ગયો. ગોરખનાથે પોતાના ઉપદેશો હિંદી, માગધી અને સંસ્કૃત જેવી મિશ્રિત ભાષામાં સમજાવ્યા હતા. તેમની આ ભાષાને ઉલટભાષી કહેવાય છે. ઓશો રજનીશ કહે છે કે ગોરખનાથ ન હોત તો ભારતમાંથી શિવના તાંત્રિક યોગનો સંપૂર્ણપણે વિનાશ થઈ ગયો હોય. ગોરખનાથે આ યોગમાં એટલા માર્ગો સૂચવ્યા કે લોકોને ભ્રમ થવા લાગ્યો કે કયો માર્ગ ખરેખર પસંદ કરવો. તેથી આપણે જ્યારે કોઈ માણસના વ્યવસાયને ઓળખી શકતા નથી ત્યારે તેને ગોરખધંધા કહીએ છીએ.

૩) શ્રી શંકરાચાર્ય

શ્રી શંકરાચાર્ય અદ્વૈતવાદના તત્વજ્ઞાનના માર્ગને વિકસાવીને બૌદ્ધોના શૂન્યવાદનો કારમો પરાજય કર્યો. તેઓ આટલેથી જ ન અટક્યા.  તેમણે હિંદુ ધર્મને વ્યવસ્થિત કરવા ચાર ખૂણે ચાર મઠો સ્થાપ્યા. તેઓએ શિવ, વિષ્ણુ અને શક્તિની ભક્તિમય આરાધના કરતાં અદ્‍ભૂત સ્તોત્રોની રચના કરી. સંન્યાસની સામે તેમણે ગૃહસ્થાશ્રમ પણ સામાન્ય માનવી માટે અતિ ઉત્તમ છે તેમ પ્રતિપાદિત કર્યું.

ઉપસંહાર – સનાતન પરંપરાનો સુવર્ણ કાળ શું ફરી નહીં આવે ?

ઓસ્વાલ્ડ સ્પેંગ્લર નામના મહાન જર્મન વિચારકે સંસ્કૃતિઓના ઉદભવ – ઉત્થાન અને પતન વિશેનાં સંશોધન કરીને કેટલાક સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા. એમાંનો એક સિદ્ધાંત સંસ્કૃતિઓના આદાન-પ્રદાનનો છે. આ સિદ્ધાંતને તેમણે નકલી આવરણ (Pseudo Morphosis) નામ આપ્યું. આ સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ વિકાસ પામતી સંસ્કૃતિના સંસર્ગમાં બીજી સંસ્કૃતિ આવે છે તે વિકાસ પામતી સંસ્કૃતિથી અંજાઈ જાય છે, પહેરવેશ, ભાષા, કળા, સાહિત્ય, વિજ્ઞાન અને ઔદ્યોગિક પદ્ધતિઓ જેવાં તેના અનેક પાસાંઓ અપનાવીને એક પ્રકારનું નકલી આવરણ ધારણ કરે છે. સ્પેંગ્લર આ માટે રશિયા અને જાપાનનું ઉદાહરણ આપે છે. આ બંને દેશોએ પશ્ચિમ યુરોપ અને અમેરિકાની સંસ્કૃતિથી અંજાઈને તેમના મૂલ્યોનું નકલી આવરણ ઓઢ્યું. પરિણામે પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યો વિસરાઈ ગયાં. આજે ચીન પણ એ પંથે છે.

આપણાં દેશના સંદર્ભમાં નકલી આવરણનો  સિદ્ધાંત આબેહૂબ બંધ બેસે છે. બીજા સહસ્ત્રાવધિ કાળખંડના છસ્સો વર્ષના સમયમાં પહેલાં ઇસ્લામિક સંસ્કૃતિના અને પછીના બસ્સો વર્ષમાં પશ્ચિમની અગ્રેસર બ્રિટિશ સંસ્કૃતિના, દુર્ભાગ્યે, આપણે ગુલામ રહ્યા. તેથી આ સંસ્કૃતિઓનો આપણાં પર ઊંડો પ્રભાવ પડ્યો. આજે પણ અમેરિકી સંસ્કૃતિની આપણે આંધળી નકલ કરી રહ્યાં છીએ. પરિણામે, આપણે આજે નકલી સનાતનીઓ બનીને રહી ગયાં છીએ. આપણા પહેરવેશ, ખાનપાન, જીવનશૈલી, કળા, સાહિત્ય, સ્થાપત્ય, વિચારવાની પદ્ધતિ, વિજ્ઞાન અને ઔદ્યોગિક કાર્યશૈલી એ સંસ્કૃતિના પ્રભાવના ઓછાયામાં રહેલાં જોવા મળે છે.

મિર્ઝા ગાલિબથી મોહમ્મદ રફી, રાજા રામમોહન રાય, રવિન્દ્રનાથ ઠાકુર, મહાત્મા ગાંધી, સત્યજીત રાય, શંકર જયકિશનથી શાંતનુ મોહિત્રા જેવાં વર્તમાન સમયનાં વિશિષ્ટ વ્યક્તિત્વોના ઘડતર અને નિખાર પર મુસ્લિમ અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર બહુ સ્પષ્ટપણે કળાય છે.

સ્વાતંત્ર્ય મળ્યા પછીના ૭૮ વર્ષના ગાળામાં આપણી બધી સરકારોએ ઘણાં પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે. તેમાં છતાં હજુ પણ વિશ્વના નકશા પર આપણું સ્થાન ઔદ્યોગિક ક્રાન્તિ પહેલાની ખેતીપ્રધાન મૂલ્યોવાળી સંસ્કૃતિ તરીકેનું ગણાય છે. આર્થિક વિકાસની દૃષ્ટિએ આપણને ત્રીજા વિશ્વ (Third World)ની ઉભરતી અર્થવ્યવસ્થાની (Emerging Economy) શ્રેણીમાં મૂકવામાં આવે છે. આમ થવાનાં કેટલાંક કારણો આ મુજબ ગણાવી શકાય:

૧) આપણી વસ્તી બેપ્રમાણ વધી રહી છે.

૨) સેંકડો વર્ષની ગુલામીએ આપણા માનસને સાવ બેઈમાન, ચરિત્રહીન અને બળાત્કારી બનાવી મૂક્યું છે. કોઈ પણ રીતે ભૌતિક સમૃદ્ધિ અર્જિત કરવામાં આપણે માનવા લાગ્યાં છીએ.

૩) બધા કાયદાઓનો છડેચોક ભંગ થાય છે. ન્યાય મળવો મોંઘો છે અને મોંઘો મોંઘો મળે તો મોડો મળે છે.

૪) રાજ્યતંત્ર સાવ શિથિલ બની ગયું છે. તે પોતાનાં સ્વાભાવિક, અને અપેક્ષિત, સામર્થ્ય અને બળનો ભાગ્યે જ પ્રયોગ કરે છે.

૫) હિંદુ – મુસ્લિમ વચ્ચેના અવિરત વિવાદો અને સનાતનીઓ વચ્ચેના જ્ઞાતિ અને વર્ણવ્યવસ્થાના મનભેદો અને દરેક કાર્યનો વિરોધ કરવાની માનસિકતામાં આપણને  રચ્યા પચ્યા રહેવાનું કોઠે પડી ગયું છે.

૬) નવાં કળા-કૌશલ્યો વિકસાવવાની દૃષ્ટિ જ આપણે ગુમાવી બેઠેલાં જણાઈએ છીએ.

૭) સમાજના અમુક વર્ગને નીચો ગણવાની અને સ્ત્રીઓને હીન ગણવાની મનોવૃત્તિ ક્ષીણ થવાનાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી જણાતાં.

મા ભારતી સનાતનીઓને આર્તનાદ કરીને પોકારે છે કે જાગો, ઊઠો અને જ્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાર્ય કરતાં રહો. આમ થશે તો જ મામૈદેવ, રામદેવપીર, અચ્યુતાનંદ જેવા મધ્ય યુગના આપણા સંતો અને વિવેકાનંદ અને અરવિંદ ઘોષ જેવા આધુનિક યુગના વિચારપુરુષોએ આપણા દેશના સુવર્ણ યુગનાં ભવિષ્યની વાસ્તવિકતાને મૂર્ત થવાની જે ભવિષ્યવાણી કરી છે તેનું હકીકતમાં અવતરણ કરી શકીએ છીએ.

આમ કરવા માટે આપણે આપણા ટૂંકા ગાળાના લાભોને જતા કરી દેવા તૈયાર છીએ?


હવે પછીના મણકામાં લેખમાળામાં વિશ્વ સર્જનની પ્રક્રિયા વિશે વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.